જીવન એવું જીવો કે જાણે ઉત્સવ – ભૂપત વડોદરિયા

આ એક એવા માણસની વાત છે જે એમ માનતો હતો કે પોતે જીવતોજાગતો માણસ છે એ જ એનો મોટો હોદ્દો છે. પોતાની જિંદગીની દરેક પળ તેણે માણી હતી. તદ્દન ગરીબ માણસ હતો, પણ તેને પૈસાની ભૂખ પણ નહોતી અને તેને મહત્વાકાંક્ષા જેવું પણ કંઈ નહોતું. તે બરાબર ચુંમાળીસ વર્ષ જીવ્યો, પણ આટલી ઉંમરમાં પીડા તો પુષ્કળ વેઠી હતી.

હાડકાનાં માળા જેવો લાગે. તબિયત નરમ જ રહે. તે ક્ષયરોગથી પીડાતો હતો પણ તેને કદી એ રોગનો કે મોતનો ડર લાગ્યો નહોતો. એને મન જિંદગી એક ઉજાણી હતી. દરેક દિવસ તેને માટે ઉત્સવનો દિવસ હતો. આમ જુઓ તો સમાજમાંથી એ ફેંકાઈ ગયેલો માણસ હતો. ઓગણીસમા સૈકાનો એ ઊજળો અંગ્રેજ સમાજ – એમાં આવા ગરીબ અને સાચાદિલ માણસને શું સ્થાન હોય ? આ તો એક ખણિયાનો દીકરો. માંડ મેટ્રિક પાસ. તેની એક જ વિશિષ્ટતા નજરે ચઢે તેવી હતી કે તે લેખક હતો. પણ એક લેખક તરીકે પણ તરત કોઈના મનમાં વસી જાય એવો નહોતો. કેમ કે, ઔદ્યોગિક ક્રાંતિ અને પ્રગતિની બોલબાલાના એ દિવસો હતા. ત્યારે કોઈ માણસ કુદરતની અને ધરતીની ગોદની કે આકાશની અસીમતાની વાત કરે તો તે જુનવાણી લાગે – રહસ્યવાદી લાગે.

આ માણસનું નામ ડેવિડ હરબર્ટ લોરેન્સ. ઘણાબધા લોકો તેને ‘લેડી ચેટર્લીઝ લવર’ નવલકથાના લેખક તરીકે ઓળખે છે. આ નવલકથાને કારણે તે ખૂબ વગોવાયો હતો. પણ તેણે આ એક જ નવલકથા લખી નથી. તેણે ચુંમાલીસ વર્ષની જિંદગીમાં ઘણીબધી નવલકથાઓ લખી. સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખી અને કવિતાઓ લખી. લેખોની સંખ્યા પણ નાનીસૂની નથી, પણ તેને જે ગમ્યું તે લખ્યું. કોઈને ખુશ કરવા માટે તેણે કશું લખ્યું નથી. તેની એક નવલકથા સૌથી વધુ ચલણમાં છે – ‘સન્સ ઍન્ડ લવર્સ’. ‘લેડી ચેટર્લીઝ લવર’ તેની છેલ્લી નવલકથા, પણ તેને તેની હયાતીમાં કશી કીર્તિ મળી નહોતી કે કશું ધન મળ્યું નહોતું. ડેવિડ હરર્બટ લોરેન્સ ગરીબી અને માંદગી છતાં ધરતીનું રૂપ જોવા નીકળી જ પડતો હતો. જાણે આખી પૃથ્વીને પોતાની બાથમાં લઈને એ જીવવા માગતો હતો. ‘લેડી ચેટર્લીઝ લવર’ નવલકથા એણે મધ્ય ઈટાલીના ટસ્કન પ્રદેશની ટેકરીઓમાં બેસીને લખી હતી. ડી.એચ.લોરેન્સ ઈ.સ. 1885માં 11મી સપ્ટેમ્બરે જન્મ્યો હતો અને ઈ.સ. 1930ની બીજી માર્ચે મૃત્યુ પામ્યો હતો.

પાઈનના વૃક્ષ નીચે એ વાર્તા લખવા બેસતો હતો ત્યારે જાણે સમાધિ લાગી જતી. ગરોળીઓ એની ઉપર દોડાદોડી, ચડઉતરની રમત માંડે, પંખીઓ એની નજીક ઊડ્યા કરે અને કશા જ વિક્ષેપનો અનુભવ કર્યા વગર એ પોતાનું લેખનકાર્ય કર્યા કરે. જે રીતે બતક પાણીમાં તરે, માછલી જળક્રીડા કરે અને પંખી ઊડે એટલી સહજતાથી એ લખ્યા કરે. લેખન એના માટે એટલું સ્વાભાવિક હતું, પણ તેનો અર્થ એ નહીં કે એક કલાકારની કોઈ જ સભાનતા વિના જે કોઈ શબ્દ સૂઝે તે લખ્યા કરે ! એ તો પોતાનું હૃદય ઠરે એવી અભિવ્યક્તિ સુધી પહોંચવા માટે મથ્યા જ કરતો. છેલ્લી નવલકથા ‘લેડી ચેટર્લીઝ લવર’ તેણે ત્રણ વાર લખી હતી. ગરીબ હતો, કોઈ નોકરી જેવું આવકનું સાધન નહોતું. સમાજમાં કોઈ ખાસ સ્થાન નહોતું કે લેખકની બિરાદરીમાં પણ તેનું કોઈ માન નહોતું. પણ એને આ બધાંની જરૂર જ ક્યાં હતી ! એને તો જિંદગીની પ્રત્યેક નાડીનો ધબકાર સાંભળવાની અને દરેક પળને માણવાની અબૂઝ પ્યાસ હતી.

એને નાની-મોટી કોઈ આકાંક્ષાઓ જ નહોતી. લોરેન્સ માનતો હતો કે માણસો ખરેખર જીવતા જ નથી અને નાની-મોટી ઝંખનાઓ પાછળ આંધળી દોટ મૂકે છે અને જીવવાનું જ ભૂલી જાય છે. આ પૃથ્વી ઉપર કેટલા બધા મનુષ્યો જીવે છે અને છતાં એમાંથી કેટલા થોડા માણસો ખરેખર જીવે છે ! માણસ ભરપૂર જીવન જીવતો જ નથી. આ જિંદગીમાં અનુભવવા જેવું ઘણુંબધું છે, પણ લોકો બહુ થોડું જ જાણે કે અનુભવે છે. એક નાની કે મોટી નોકરી, એક નાનું કે મોટું ઘર, ઘરમાં એક પત્ની – માણસ એક ચગડોળમાં બેસે છે, બેસી જ રહે છે, ઘરડો થઈ જાય છે અને એક દિવસ આ દુનિયા છોડીને ચાલ્યો જાય છે. અસીમ બ્રહ્માંડના ઝાકમઝોળ હિંડોળાનું રૂપ તો તેણે મુદ્દલ જોયું જ નથી હોતું. આ પૃથ્વી ઉપર વિસ્મયોની જે એક અનંત દુનિયા છે તેમાંથી પણ તેણે કશું જોયું નથી. શુદ્ધ પ્રેમપદાર્થનો પણ કોઈ અનુભવ એણે કર્યો નથી. એ પીડાથી બચીને જીવવા માગે છે, એ જોખમથી દૂર રહીને ચાલવા માગે છે, તે ઉપરછલ્લા આનંદોની વચ્ચે એક સલામત જિંદગી જીવવા માગે છે. એને કોઈ કુતૂહલ નથી, કોઈ ઉમંગ કે થનગનાટ નથી – કોઈ વિસ્મય જ નથી – એક અનંત ગુફામાં વિસ્મયોના ઢેરના ઢેર એની આંખ સામે પડ્યા છે અને તે કશું જોતો નથી. તેની પાસે સમય જ નથી.

પોતે જેને પ્રાપ્તિ સમજે છે તેવી પ્રાપ્તિથી ‘સંતોષ’ માને છે – જિંદગીની કીમતી ક્ષણો વટાવીને તેના બદલામાં તે ખોટા સિક્કા કમાય છે, પણ આ દુનિયામાં આ જ ચલણ માન્ય છે એટલે એનો વહેવાર બરાબર ચાલે છે. લોરેન્સ માને છે કે નાનાં-મોટાં તમામ પોતાનું વિસ્મયપણું-રહસ્યભર્યું અસ્તિત્વ છે. ફક્ત માણસો વિસ્મયની એ લાગણી ગુમાવી બેઠા છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સહસ્ત્ર-ચંદ્ર-દર્શન – અરુણા જાડેજા
રમૂજની રંગોળી – સંકલિત Next »   

5 પ્રતિભાવો : જીવન એવું જીવો કે જાણે ઉત્સવ – ભૂપત વડોદરિયા

  1. Yes Very true… We must live life like there is never going to be tomorrow and hence enjoy today to the fullest…. considering it as a Gift from God. I also remember one more such writer from Spain.. I think his name was Job Servantes (pardon me if I am not writing the spelling correctly) who wrote “Don Quixote”. His life also was full of struggle and in spite of all odds he wrote such a wonderful literary piece which even today is read widely… There are many more..In fact I firmly believe, only after going through such hardships of life…. immortal literature is created

  2. Jay Shah says:

    સરસ લેખ…. મને ફિલ્મ અભીનેતા સ્વ.શમ્મી કપુર ની યાદ આવી ગઈ…. તેઓ પણ એક જીંદા દીલ ઈનસાન હતા… આટલી બધી બીમારી અને આટલી દવાઓ છતા તેમને કોઈ પુછે તો એમજ કહેતા કે… “હું મજામાં છું અને ખુબજ આનંદ થી જીવું છું…” એ ખરેખર એવી હસ્તી હતા જેમને જીંદગી સાથે કોઈ પણ ફરીયાદ નથી કરી… જીદગી કેવી રીતે જીવવી જોઈએ તેઓ પાસેથે થી સીખવું રહ્યું…. My hats off to Lt. Shammi Kapoor.

  3. kanu yogi says:

    ખુબ સરસ લેખ.પરન્તુ ભુપતભાઈ હવે ક્યા ? મારી તેમને અન્જલી. કનુ યોગી……

  4. Arvind Patel says:

    Very True. Life is fun. To express happiness in any circumstances should be aim of life. Problems may be the part of life. But, don’t cling to your problem. See positive sides into all situation & that is the life. Never see glass half empty, See hoe full it is. Never be too serious & Don’t take any issue too much personal. Take life as fun. Enjoy the life at fullest.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.