રમૂજની રંગોળી – સંકલિત

[‘રમૂજની રંગોળી’ પુસ્તકમાંથી સાભાર.]

[1] અજિત લગ્ન માટે એક યુવતીને જોવા ગયો. યુવતી સાથે વાત કરવા અજિતે પ્રથમ સવાલ પૂછ્યો : ‘તમને રસોઈ બનાવતાં આવડે છે ?’
યુવતીએ પ્રશ્નનો જવાબ આપવાને બદલે કહ્યું : ‘આપણે દરેક સમસ્યાના ઉકેલ માટે ક્રમબદ્ધ ચાલવું જોઈએ. રસોઈ બનાવવાનો સવાલ પ્રથમ નથી.’
અજિતે મુંઝાતા પ્રશ્ન પૂછ્યો : ‘તો પછી પહેલો સવાલ કયો ગણવો ?’
‘શું તમે રસોઈ માટેનો સામાન ખરીદવા માટે કાંઈ કમાઈ શકો છો ?’ યુવતીએ પૂછ્યું.

[2] અમેરિકન યુવતી પેટ્રીકાએ તેના બોયફ્રેન્ડને ઘેર બોલાવ્યો અને પપ્પા એલેક્સને કહ્યું : ‘હું તેની સાથે લગ્ન કરવા માગું છું.’
થોડી વાતો કર્યા પછી એલેક્સે પેટ્રીકાને કહ્યું : ‘તું તેની સાથે લગ્ન ન કરી શકે, કારણ કે અંગત વાત કરું તો તે તારો ભાઈ થાય.’ પેટ્રીકાનાં લગ્નના બીજા ચાર પ્રયત્નોમાં પણ લગ્નની વાત આ મુદ્દા ઉપર આવીને અટકી ગઈ. આખરે ધૈર્ય ગુમાવીને પેટ્રીકાએ એક વખત તેની મમ્મીને પરખાવ્યું :
‘મમ્મી, તેં તારી આખી જિંદગીમાં કર્યું શું ? પપ્પા બધે જ ફરી વળ્યા છે. મેં લગ્ન માટેના પાંચ મુરતિયા દેખાડ્યા અને તે બધા જ મારા ભાઈ નીકળ્યા.’
તેની મમ્મીએ ઠાવકાઈથી જવાબ આપ્યો : ‘મૂંઝાઈશ નહીં દીકરી, તને જે ગમે તેની સાથે લગ્ન કરી લે. એલેક્સ હકીકતે તારા પપ્પા નથી !’

[3] એક દિવસ એક સ્ત્રીનો પતિ રાતના ઘરે આવતાં એની પત્નીએ કહ્યું :
‘જાવ, આજે હું તમારી સાથે વાત નથી કરવાની.’
‘કેમ ?’ પતિએ પૂછ્યું.
‘યાદ કરો…. આજે સવારે ઘરેથી જતાં જતાં તમે મને શું કહ્યું હતું ?’
‘વારુ, તું જ બતાવ કે, મેં શું કહ્યું હતું ?’ પતિ બોલ્યો.
‘તમે કહ્યું હતું કે સાંજના તમે વહેલા આવીને મને હવા ખાવા લઈ જશો.’ પત્નીએ યાદ અપાવ્યું.
‘તો એમાં નારાજ થવાની શું જરૂર છે વ્હાલી ? ખુશ થા કે હવે તો આપણે હંમેશા હવા જ ખાવાની છે.’ પતિએ કહ્યું.
‘એ કઈ રીતે ?’ પત્નીએ પૂછ્યું.
‘એ રીતે કે મકાનમાલિકે ઘર ખાલી કરાવવા માટે નોટિસ આપી દીધી છે કારણ કે એક વરસનું ભાડું ચઢી ગયું છે. તેથી હવે આ ઘર આપણે છોડવું જ પડશે. એટલે પછી આપણે હંમેશા હવા જ ખાતા રહેવાનું છે !’

[4] શીલા એની બહેનપણી ચંપાને ઘેર ગઈ. ત્યાં તેણે જોયું તો ચંપાના છ મહિનાના છોકરાને માળિયામાં સૂવડાવ્યો હતો. શીલાએ નવાઈ પામતા કારણ પૂછ્યું.
ચંપાએ જવાબમાં કહ્યું : ‘શું કરું, રસોઈ કરતી વખતે બાબો પલંગ ઉપરથી પડી જતો ત્યારે અવાજ નહોતો આવતો. એટલે માળિયામાં સૂવરાવ્યો છે, જેથી પડી જાય તો તરત ખબર તો પડે !’

[5] ચંપકે પત્ની સરલાને ઘરનો હિસાબ લખવાનું સમજાવી દીધું હતું. મહિનાના અંતે ચંપક હિસાબની કોપી જોવા બેઠો. તો કોપીમાં ઘણી જગ્યાએ ‘રા.જા. 50 રૂ., રા.જા. 100 રૂ., રા.જા. 30 રૂ.’ એવું લખેલું હતું. અંતે ચંપકથી ન રહેવાયું, તેણે પત્નીને પૂછ્યું : ‘આ રા.જા.નો શું અર્થ થાય ?’ સરલાએ સહજતાથી કહ્યું : ‘રા.જા. નો અર્થ છે રામ જાણે !’

[6] સિનેમાનો ડોરકીપર દાંતમાં દુખાવો થતાં ડૉક્ટર પાસે ગયો.
‘ડૉક્ટરસાહેબ, દાંત બહુ દુઃખે છે.’
ડૉક્ટર : ‘મોં પહોળું કરો જોઉં, કયો દાંત દુઃખે છે ?’
ડોરકિપર : ‘બાલ્કનીમાં ડાબેથી ત્રીજો.’

[7] એક સ્ત્રી એક દિવસ કૂવા આગળ પાણી ભરવા ગઈ. કૂવામાં એણે પોતાનો પડછાયો જોયો. એ જોઈને તે ગભરાઈ ગઈ અને દોડતી દોડતી ઘરે પાછી આવી. એણે એના પતિને કહ્યું :
‘કૂવામાં કોઈ ચોર હોય એમ લાગે છે.’
આ સાંભળીને એના પતિએ કહ્યું : ‘ચાલ, હું તારી સાથે આવું છું. જોઉં છું કે કોણ ચોર કૂવામાં ઘૂસેલો છે.’
પત્નીને લઈને એ કૂવા આગળ આવ્યો અને અંદર ડોકાઈને જોયું તો કૂવામાં એને બે પડછાયા દેખાયા. એ જોઈને પતિ બોલ્યો : ‘ચોર એકલો નથી જણાતો. એની પત્ની પણ સાથે જ લાગે છે !’

[8] નર્કમાં રહેલા લોકોમાંથી કેટલાક દીવાલ તોડીને સ્વર્ગમાં પહોંચી ગયા. સ્વર્ગના મેનેજરે નર્કના મેનેજરને ચેતવણી આપી, ‘તમારા લોકોને સીધી રીતે પાછા બોલાવી લ્યો. નહીંતર હું કેસ કરીશ.’
નર્કના મેનેજરે ઠંડા દિલે જવાબ આપ્યો : ‘કરો. શોખથી કેસ કરો. પણ યાદ રાખજો, અમારે ત્યાં વકીલોની કમી નથી.’

[9] શિયાળાની ફૂલગુલાબી સવારે બે પાગલો પરસ્પર ફિલસૂફીના અંદાજમાં વાતો કરતા હતા. એક બોલ્યો :
‘એક ને એક દિવસે દરેકે મરવાનું છે. શું એ વાત ખરી છે ?’
બીજો બોલ્યો : ‘હા.’
પ્રતિપ્રશ્ન કરતા પહેલાએ પૂછ્યું : ‘હું વિચારું છું કે જે વ્યક્તિ છેલ્લે મરશે એને સ્મશાન કોણ લઈ જશે ?’

[10] એક સામાન્ય સ્થિતિના માબાપની યુવાન પુત્રીએ પોતાના માટે એક ઘણો શ્રીમંત માણસ શોધી કાઢ્યો હતો. એની માએ એને કહ્યું :
‘મને લાગે છે દીકરી, કે આપણાં જેવા કોઈ સામાન્ય સ્થિતિના માણસને જ તેં પસંદ કર્યો હોત તો તારા માટે વધારે સારું રહેત.’
દીકરી : ‘મા, તું એની ચિંતા ન કર. લગ્ન પછી થોડા મહિનામાં જ હું આ માણસને સામાન્ય સ્થિતિ પર લાવી મૂકીશ.’

[11] બે મિત્રો આપસમાં વાતચીત કરતા હતા.
એકે કહ્યું : ‘યાર, ગઈકાલે રાત્રે મારી પત્નીએ એક સ્વપ્નું જોયું કે એનાં લગ્ન એક લખપતિની સાથે થયાં છે.’
‘તું નસીબદાર છે.’ બીજા મિત્રે કહ્યું.
‘એ કઈ રીતે ?’
‘એટલા માટે કે મારી પત્ની તો આ પ્રકારનાં સ્વપ્નાંઓ દિવસ દરમ્યાન જોયાં કરે છે !’

[12] સીબીઆઈમાં જાંબાઝ ઑફિસરની ભરતી કરવાની હતી. દરેક પ્રકારના બેકગ્રાઉન્ડ તપાસીને, ટેસ્ટ અને ઈન્ટરવ્યૂ બાદ ત્રણ ફાઈનલ ઉમેદવારો રહ્યા હતાં – બે પુરુષ અને એક સ્ત્રી. ફાઈનલ ટેસ્ટ માટે સીબીઆઈના એજન્ટો એક પુરુષસ્પર્ધકને લોખંડી દરવાજો ધરાવતા રૂમમાં લઈ ગયા.
‘અમે જાણવા માગીએ છીએ, કોઈપણ પરિસ્થિતિમાં તમે અમારા આદેશને વળગી રહેશો કે કેમ ? આ રૂમમાં તમારી પત્ની એક ખુરશી ઉપર બેઠી છે. તેને લમણે ગોળી મારી દો.’ એજન્ટોએ સ્પર્ધકને ગન આપતાં આદેશના સૂરમાં કહ્યું.
પહેલો પુરુષ બોલ્યો : ‘તમે મજાક કરો છો ? હું મારી પત્નીને કદી ન મારી શકું.’
‘તો પછી તમે આ જોબ માટે યોગ્ય નથી.’ એજન્ટનો જવાબ હતો.
બીજા પુરુષને પણ એવી જ સૂચના આપવામાં આવી. તેણે ગન લીધી અને રૂમમાં દાખલ થયો. પાંચ મિનિટ સુધી વાતાવરણ સ્તબ્ધ. બાદમાં બીજો પુરુષ આંખમાં આંસુ સાથે બહાર આવતાં બોલ્યો : ‘મેં પ્રયત્ન કર્યો. પણ હું મારી પત્નીને ન મારી શક્યો.’
‘તમે શું કરો છો એ જ તમે સમજતા નથી. જાવ, પત્નીને લઈને ઘરે જાવ.’ એજન્ટનો જવાબ હતો.
છેલ્લે મહિલા ઉમેદવારનો વારો આવ્યો. તેને તેના પતિને મારવાનું કહેવામાં આવ્યું. એ મહિલાએ ગન લીધી અને રૂમમાં દાખલ થઈ. એક પછી એક ધડાકાઓ બહાર સંભળાતા હતા અને સાથે દીવાલો સાથે અથડાવાનો પણ અવાજ આવતો હતો. કેટલીક મિનિટો પછી સઘળે શાંતિ છવાઈ ગઈ. દરવાજો ધીરેથી ખૂલ્યો. કપાળેથી પરસેવો લૂછતી મહિલા ઊભી હતી. તે બોલી : ‘તમે લોકોએ મને કહ્યું પણ નહીં કે ગનમાં પ્લાસ્ટિકની ગોળીઓ છે ? આખરે મેં એને ખુરશી વડે જ ઢીબીને પૂરો કરી નાખ્યો !’

[13] અમથો અને કચરો નામના બે મૂર્ખાઓ લગ્નની વાતોએ વળગ્યા હતા. અમથાએ પૂછ્યું :
‘હેં કચરા, લગ્ન વખતે વરરાજા ઘોડાને બદલે ગધેડા ઉપર બેસીને કેમ નથી જતા ?’
કચરાએ કહ્યું : ‘કન્યા એકસાથે બે ગધેડાને જોઈને ડરી ન જાય એટલા માટે.’

[14] મમ્મીએ બાબલાને દૂધમાં ડબલરોટી નાખીને ખાવા આપ્યું. થોડીવારમાં બાબલો રોવા લાગ્યો. મમ્મીએ પૂછ્યું : ‘શું થયું બબલા, કેમ રુએ છે ?’
બાબલો રોતાં રોતાં બોલ્યો : ‘બધું દૂધ તો ડબલરોટી પી ગઈ. હું શું પીશ ?’

[15] ડૉક્ટરે દર્દીની સંપૂર્ણ તપાસ કર્યા પછી કહ્યું :
‘આ કોઈ જૂની બીમારી છે જેણે તમારી શારીરિક અને માનસિક શાંતિ છીનવી લીધી છે.’
‘ભગવાનને ખાતર ધીરે બોલો. આ બિમારી બહાર બેઠી છે.’ દર્દીએ ગભરાતાં કહ્યું.

[16] સુમનલાલનો પરિવાર વિવાહનું ચોકઠું ફિટ કરવા રીનાને જોવા માટે ગયો. છોકરા પક્ષથી સુમનનાં વખાણ કરતાં કહેવામાં આવ્યું કે, ‘અમારો સુમન એકદમ ન્યાયપ્રિય, બધાને એક જ નજરે જુએ.’
રીનાનો પક્ષ પણ વખાણ કરવામાં પાછો પડે એમ નહોતો. તેઓએ કહ્યું : ‘અમારી રીના કામઢી બહુ. આખો દી એક પગે ઊભી રહે અને કામ કરતી રહે.’ બંનેનાં લગ્ન પછી ખબર પડી કે સુમનલાલને એક આંખ નહોતી અને રીનાને એક પગ નહોતો !

[17] એક સ્ત્રી પોતાના પતિ પાસે મોટરકાર ચલાવતાં શીખી રહી હતી.
પત્ની : ‘જુઓ, આ સામેની આરસી બરાબર નથી.’
પતિ : ‘કેમ, શું વાંધો છે ?’
પત્ની : ‘એમાં તો પાછળથી આવતી મોટરગાડીઓ દેખાય છે, મારું મોં તો દેખાતું નથી !’

[18] ‘તારું નામ દેસાઈ અને તારી મમ્મીનું નામ પટેલ છે, બરાબર ?’ શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું.
‘હા, મારું નામ તો એ જ રહે ને !’ વિદ્યાર્થી બોલ્યો, ‘મારી મમ્મીએ બીજી વખત લગ્ન કર્યાં છે, મેં થોડા જ કર્યાં છે !’

[19] ફોટોગ્રાફરે સૂચના આપી કે, પત્ની તેના પતિ સાથે ખભા પર હાથ રાખીને ઊભી રહે, જેથી ફોટો સ્વાભાવિક આવે.
પતિએ કહ્યું : ‘મારા ખભા પર હાથ રાખવા કરતાં તે મારા ખિસ્સા પર હાથ રાખશે તો ફોટો વધુ સ્વાભાવિક આવશે.’

[20] ટાઈમપાસ માટે પાર્કમાં બેઠેલા નંદુલાલે બાજુમાં બેઠેલા મગનલાલને પૂછ્યું :
‘તમારી પાસે માચીસ હોય તો આપોને !’
મગનલાલે નમ્રતાપૂર્વક કહ્યું : ‘જી, નથી. લાઈટર છે, આપું ?’
નંદુલાલ કહે : ‘ના, રહેવા દો.’
મગનલાલે આગ્રહ કરતાં કહ્યું : ‘અરે લો, માચીસ હોય કે લાઈટર શું ફેર પડે છે ?’
નંદુલાલે ચિડાતા કહ્યું : ‘ભાઈસાહેબ, હું લાઈટરથી દાંત તો નહીં ખોતરી શકું !’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

28 thoughts on “રમૂજની રંગોળી – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.