જીવનપ્રેરક ચિંતન રત્નો – મૂકેશ એમ. પટેલ, કૃતિ એસ. શાહ

[ પ્રેરક કાવ્યો, બોધકથાઓ તેમજ મનનીય ચિંતનકણિકાઓનું સુંદર અને કલાત્મક સંકલન ધરાવતા ‘જીવનપ્રેરક ચિંતન રત્નો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] સરઘસની ઈયળો

જહૉન હેનરી ફેબર નામના એક મહાન ફ્રેંચ નિસર્ગવાદી થઈ ગયા. પોતાના પ્રયોગોમાં એ સરઘસ આકારે ચાલતી કતારબંધ ઈયળોનો ઉપયોગ કરતા. આવી ઈયળો હંમેશાં તેમની આગળની ઈયળને જ અનુસરે, એ એમની લાક્ષણિકતા.

એક ફૂલદાનીની આસપાસ વર્તુળમાં એમણે આ ઈયળોને ગોઠવી અને એવી રીતે ચાલતી કરી કે પહેલી અને છેલ્લી ઈયળ સાથે-સાથે થઈ જાય અને એક પૂરું વર્તુળ બની જાય. ફૂલદાનીના મધ્યબિંદુમાં એમણે ઈયળો માટેનો ખોરાક ગોઠવ્યો. ફૂલદાનીની ગોળ-ગોળ ઘુમવાનું શરૂ કરીને આ ઈયળો, કલાકો જ નહીં, દિવસોના દિવસો, રાતોની રાતો નિરંતર ઘૂમતી જ રહી. પૂરા સાત દિવસ અને રાત સુધી પેલી ફૂલદાનીની આસપાસ ગોળ-ગોળ ચક્કર કાપીને, અંતે ભૂખ અને થાકની મારી ત્યાં જ અટકીને તે બધી મરણ પામી. એમનો ખોરાક તો એમનાથી માત્ર છ ઈંચ જ દૂર હતો, પરંતુ તે ભૂખે મરી, કારણ કે તેમણે પોતાની રગશિયા પ્રવૃત્તિ સિવાય બીજું કશું જ જોયું નહીં. ઘણા લોકો આવી જ ભૂલ કરી બેસે છે અને પરિણામે જીવનમાં કાંઈક થોડું-અમથું જ પામે છે. ‘બસ, આગે સે ચલી આતી હૈ’નું રટણ કરતાં કરતાં, તેઓ ચીલાચાલુ રીતરસમોને જ વળગી રહે છે અને એક ઘરેડમાં કેદ થઈ જાય છે. ન જાણ્યું-સાંભળ્યું હોય તેવું કેટલુંય ધન આપણી આસપાસ, આપણી પહોંચમાં જ પડેલું હોય છે. પરંતુ એનો કશો જ લાભ આપણે લઈ શકતા નથી, કારણ કે પેલી સરઘસની ઈયળોની જેમ અંધ અનુકરણ કરતાં, ક્યાંય ન પહોંચાય તેવા વર્તુળમાં આપણે ગોળ-ગોળ ફર્યા જ કરીએ છીએ !

[2] લક્ષ્ય એ ઈંધણ છે !

ધ્યેય વગરનો માનવી સુકાન વગરના વહાણ જેવો છે, જે આડેધડ ફંગોળાતું રહે છે અને ગમે ત્યારે ખડક સાથે અથડાઈને ભાંગી પડવાના સતત ભયમાં રહે છે. ધ્યેયયુક્ત માનવી સૂકાન સાથેના વહાણ સમો છે, જેમાં કપ્તાનની દોરવણી છે, સાથે નકશો પણ છે અને વળી હોકાયંત્ર પણ છે. આ બધાની મદદ સાથે વહાણને મંઝિલ તરફ સીધા સડસડાટ હંકારી લઈ જઈ પોતાના મનપસંદ બંદરે તેને લાંગરી શકાય છે.

થૉમસ કાર્લાઈલે લખ્યું છે કે, ‘અધકચરા નિર્ણયવાળો માણસ સીધાસટ રસ્તે પણ આગળ-પાછળ, આડો-અવળો થતો રહે છે અને જરીકે પ્રગતિ સાધી શકતો નથી. જ્યારે દઢ સંકલ્પવાળો મનુષ્ય એકધારી ગતિથી આગળ વધતો રહે છે, પછી રસ્તો ભલેને ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય ?’ આપણે સૌ માનવ, ધ્યેયવાળા પ્રાણી છીએ. જીવનમાં પ્રયોજનો હોય, ઈચ્છિત મુકામો હોય, તો જ આપણે કાર્યરત રહીએ છીએ. આપણી માનસિક સંરચના જ એવી છે કે આપણે મન જેનું મહત્વ હોય તેવા લક્ષ્યને સિદ્ધ કરવા તરફ આગળ વધતાં ન રહીએ, ત્યાં સુધી આપણને અંતરનું સુખ અને સંતોષ મળતાં જ નથી. તમારા મગજમાં ધ્યેય શોધવાની એવી યાંત્રિક રચના છે, જે તમને તમારી ધ્યેયસિદ્ધિ તરફ અચૂક દોરી જાય છે. જેવી રીતે મિસાઈલને માર્ગ ચીંધનારી યંત્રરચના હોય છે, એ જ રીતે માનસિક સંરચનામાં તમારા ધ્યેય પાસેથી તમે સતત દોરવણી મેળવતા રહો છો અને તમારો પંથ પણ આપોઆપ નિર્વિઘ્ન થતો જાય છે. તમારા મનની આવી સંરચનાને કારણે જ, તમે તમારા માટે જો સ્પષ્ટ અને ચોક્કસ ધ્યેય નક્કી કરો, તો તે જરૂરથી સિદ્ધ કરી શકો. ધ્યેયસિદ્ધિની પ્રક્રિયા તો લગભગ સ્વયંસંચાલિત છે, મોટાભાગના લોકો માટે ધ્યેયની પ્રાથમિકતા કેવી રીતે નક્કી કરવી તે જ મોટામાં મોટી સમસ્યા હોય છે. આપણે નક્કી કરેલા ધ્યેયને આપણે સિદ્ધ કરીએ જ છીએ, એ વાત સાવ સાચી છે. આજે તમે જે કાંઈ છો અને જ્યાં છો, ત્યાં તમે એટલા માટે છો, કારણ કે ત્યાં તેવા રહેવાનો તમારો સંકલ્પ હતો. તમારા વિચારો, તમારાં કાર્યો અને તમારા વ્યવહારોએ જીવનના વર્તમાન મુકામે તમને પહોંચાડ્યા છે અને જો સાચું કહીએ તો આ સિવાય બીજા કોઈ મુકામે તમે પહોંચી પણ ન શક્યા હોત. – બ્રાયન ટ્રેસી

[3] મોટામાં મોટી કરુણતા !

ઘણાં વર્ષો પહેલાં, ઓકલાહોમા પ્રદેશના એક વૃદ્ધ રેડ-ઈન્ડિયનની જમીનમાંથી તેલ મળી આવ્યું. આ રેડ-ઈન્ડિયન આખી જિંદગી ગરીબાઈમાં બેહાલ રહેલ, પરંતુ તેલ મળી આવ્યું તેથી રાતોરાત મોટો ધનાઢ્ય બની ગયો. એણે સૌથી પહેલા તો એક મોંઘીદાટ કેડીલેક ગાડી ખરીદી. અબ્રાહમ લિંકન જેવી હેટ લઈ, એને પીંછા-રીબનથી શણગારી અને લાંબી કાળી સિગાર હોઠે ધરીને તેણે નવો દેખાવ ધારણ કર્યો. દરરોજ એ નજીકના ગરમ, ધૂળિયા અને નાનકડા નગરમાં ગાડી હંકારીને જતો. સૌ કોઈ એને જૂએ એવું તે ઈચ્છતો. આમ તો એ મળતાવડો હતો, એટલે નગરમાંથી ગાડી પસાર થાય ત્યારે ડાબે-જમણે સૌ સાથે થોડીક વાતચીત પણ કરી લેતો.

રસપ્રદ બાબત એ હતી, કે તેણે કદી કોઈને તેની ગાડીની અડફેટે લીધા નહીં, કે ન તો કોઈને ઈજા કરી, કે ન કદી કોઈ અકસ્માત કર્યો ! પણ તેનું કારણ સાવ સીધુંસટ હતું. તેણે મોટી, સુંદર ગાડીને ખેંચવા બે ઘોડા જોડ્યા હતા ! સ્થાનિક કારીગરોએ ગાડી તપાસીને કહ્યું કે તેના એન્જીનમાં કશો જ ખટકો નહોતો, પણ આ ભલા માણસને ચાવી નાંખી ગાડી શરૂ કરતાં જ આવડતું નહોતું. ગાડીમાં તો સો સો અશ્વશક્તિનું ઈંધણ ભર્યું હતું, સહેજ ચાલુ કરો અને ધસમસતા તત્પર. પરંતુ ઈન્ડિયને તો ગાડી હંકારવા બહાર બે ઘોડા મૂક્યા હતા. ઘણા લોકો પણ આવી જ ભૂલ કરે છે ! બહારથી બે ઘોડાની તાકાત મેળવવા મથે છે, પરંતુ અંદર જ્યાં સેંકડો અશ્વશક્તિ ભરી પડી છે ત્યાં નજર સુદ્ધાં નથી કરતા. માનસશાસ્ત્રીઓ કહે છે કે આપણી કુલ શક્તિઓમાંથી આપણે માત્ર બે કે પાંચ ટકાનો જ ઉપયોગ કરીએ છીએ.

સરેરાશ મનુષ્ય પોતાની ભીતર સમાયેલા સંગીતની વણગાયેલી સુંદર ધૂનો સાથે જ સ્મશાને પહોંચે છે ! રાષ્ટ્ર માટે સૌથી મોટી કરુણાંતિકા એ નથી કે, તે કુદરતી સંસાધનોનો મોટો વ્યય કરે છે. આ પણ કરુણ તો છે જ, તેમ છતાંય આથી વધુ કરુણ બાબત તો એ છે કે, આપણે માનવીય ઉર્જા-સ્ત્રોતોને વેડફી રહ્યાં છીએ. – ઝિગ ઝિગ્લર

[4] અનુકૂલન અને આદતો

પેલા હાથીની કલ્પના કરો જે પોતાની સૂંઢ માત્રથી ટનબંધી સામાન ઉપાડી જાણે છે ! મહાવત આવા જબરજસ્ત હાથીને એક સામાન્ય દોરડાથી બાંધીને, એક જ સ્થળે રાખવાનું શક્ય કેવી રીતે બનાવે છે ? એ હાથી જ્યારે નાનો હોય છે, ત્યારે તેને એક મજબૂત સાંકળ તેમજ તોતીંગ વૃક્ષ સાથે બાંધવામાં આવે છે. હાથીનું બચ્ચું તો નબળું હોય, પણ સાંકળ અને ઝાડ મજબૂત. બચ્ચું બંધાવા ટેવાયેલું નથી, એટલે એ સાંકળ ખેંચીને તોડવા મથે છે, પણ બધું વ્યર્થ ! એક દિવસ એ સમજી જાય છે કે એની કોઈ મહેનત બર આવવાની નથી. એટલે પછી ધીરે ધીરે એ શાંત પડીને સ્થિર થઈ જાય છે. હવે પરિસ્થિતિને અનુકૂળ થવાની સ્થિતિમાં એ છે.

પછી એ જ બાળ હાથી મોટો થઈને જ્યારે મહાકાય, જબરજસ્ત ગજરાજ બને છે, ત્યારે તેને નબળા દોરડાથી એક નાનકડા થાંભલે બાંધવામાં આવે છે. એક જ ઝાટકે એ હાથી પોતાનું બંધન કાપી, નાસી શકે તેમ છે. પરંતુ, હવે એ ક્યાંય જતો નથી, કારણ કે તેનું માનસ પરિસ્થિતિથી ટેવાઈ ગયું છે. આપણા મોટા ભાગના વ્યવહારો, આવી જ કોઈ ટેવો કે સ્થિતિબદ્ધતાને આધીન હોય છે. આપણે જો કશું સારું કરવું હોય તો આપોઆપ થતું રહેવું જોઈએ. એનો અર્થ એ છે કે આપણે એને આદતમાં પલટવી જોઈએ. આપણી જાતને વિધાયક રીતે કેળવવા, સારી ટેવો પાડવાની પ્રતિબદ્ધતા જોઈએ. હંમેશા યાદ રાખો કે સારી આદતો પાડવી મુશ્કેલ છે, પણ એક વાર પડી જાય પછી તેની સાથે જીવવું સહજ છે ! ખરાબ ટેવો પાડવી તો ખૂબ સહેલી છે, પણ પછી તેની સાથે જીવન વીતાવવું આકરું છે !

[5] સંઘર્ષ વિના સફળતા નહીં !

જીવશાસ્ત્રના એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એક ઈયળનું રૂપાંતર પતંગિયામાં કેવી રીતે થાય છે, તે સમજાવતા હતા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે હવે થોડા જ કલાકોમાં પતંગિયું પોતાના કોશેટામાંથી બહાર આવવા મથશે, પરંતુ કોઈએ એને કશી મદદ કરવાની નથી. આટલું કહીને એ બહાર ગયા. આ બાજુ વિદ્યાર્થીઓ રાહ જોતા રહ્યા અને છેવટે ન થવાનું જ થયું. પતંગિયું કોશેટામાંથી બહાર આવવા તરફડતું હતું અને એક વિદ્યાર્થીને એની દયા આવી ગઈ અને શિક્ષકની આજ્ઞાને અવગણીને પતંગિયાને મદદ કરવાનું એણે નક્કી કર્યું. એણે પેલા કોશેટાને જ તોડી નાંખ્યું, જેથી પતંગિયાને ઝાઝો સંઘર્ષ ન કરવો પડે. પરંતુ થોડા જ વખતમાં પતંગિયું તો મરી ગયું.

શિક્ષક પાછા આવ્યા ત્યારે એમણે હકીકત જાણી. એમણે પેલા વિદ્યાર્થીને સમજાવ્યું કે પતંગિયાને મદદ કરવા જઈને જ એણે એને મારી નાંખ્યું હતું, કારણ કે કુદરતનો એ નિયમ છે કે કોશેટામાંથી બહાર આવતી વખતે પતંગિયાને જે મથામણ કરવી પડે છે, તેના પરિણામે એની પાંખો મજબૂત થાય છે. એ છોકરાએ પતંગિયાને સંઘર્ષમુક્ત કર્યું અને પતંગિયું મરણશરણ થયું. આ કિસ્સાનો બોધપાઠ શીખીએ. જીવનમાં કશું જ મૂલ્યવાન સંઘર્ષ વગર મળતું નથી. માબાપ તરીકે આપણે ઘણીવાર બાળકોને અનુભવનું બળ મેળવવા જરૂરી સંઘર્ષ કરવામાંથી વંચિત રાખીએ છીએ, પણ એથી તો તેમનો વિકાસ રૂંધાય છે.

[6] બીજાની નજરે જોતાં શીખો !

ગયા વર્ષે મારે એક અંગત મદદનીશની જરૂર હતી, અને મેં છાપામાં બૉક્સ નંબર દ્વારા જાહેરાત આપી. મને ત્રણ હજાર અરજીઓ મળી ! મોટા ભાગની અરજીઓના આરંભે આવું કાંઈક લખેલું હતું : ‘બૉક્સ નં 299માં સન્ડે ટાઈમ્સમાં છપાયેલી તમારી જાહેરાતના અનુસંધાનમાં આ પત્ર છે. તમે સૂચવેલા સ્થાન પર હું જોડાવા માગું છું. મારી વય છવ્વીસ વર્ષની છે…. વગેરે…. વગેરે….’

પણ એક સ્ત્રી ચાલાક હતી. એણે પોતાની શી માંગ છે, તે વિષે કશું ન લખ્યું. એણે તો મારી જરૂરિયાત અંગે જ લખ્યું હતું. એનો પત્ર આ મુજબ હતો :
‘સાહેબશ્રી,
તમારી જાહેરાતના જવાબમાં તમને કદાચ બસોથી ત્રણસો પત્રો મળશે. તમે વ્યસ્ત વ્યક્તિ છો. તમે કાંઈ એ બધા વાંચી નહીં શકો. એટલે આ વાંચીને તરત જ જો વૅન્ડરબીલ્ટ 301-5279 પર ફોન કરશો, તો તમારી પાસે આવી, પત્રો ખોલી, નકામા પત્રો કચરાટોપલીમાં પધરાવીને, બાકીના તમારા મેજ પર મૂકી શકીશ. મને પંદર વર્ષના કામનો અનુભવ છે…..’

પછી જે મહત્વની વ્યક્તિઓ સાથે એણે કામ કરેલું તેમના વિષે લખેલું. એ પત્ર મળ્યો કે તરત જ મને ટેબલ ઉપર નાચવાનું મન થયું. મેં તરત જ ફોન નંબર જોડીને, એને આવવાનું જણાવ્યું, પરંતુ હું મોડો પડ્યો હતો. બીજા કોઈએ એને રોકી લીધી હતી. આવી સ્ત્રીને તો સમગ્ર વેપારી આલમ પગે પડે. તમારા ગ્રાહકો, તમારા કુટુંબીજન કે તમારા મિત્રો સાથે તમારે વધારે સફળ સંબંધો બાંધવા હોય તો હંમેશાં બીજા લોકોના દષ્ટિકોણથી જોતાં શીખો. બીજા લોકોને મન શું મહત્વનું છે એ જાણવા સમજવા માટે સૌથી પહેલા તમારી જાતમાંથી બહાર આવો ! – ડેઈલ કાર્નેગી

[કુલ પાન : 192. (રંગીન-સચિત્ર). કિંમત રૂ. 200. પ્રાપ્તિસ્થાન : ‘ઈન્સ્પિરેશન્સ અનલિમિટેડ’ 3-4, વિઠ્ઠલભાઈ ભવન, સરદાર પટેલ કોલોની. રેલ્વે ક્રૉસિંગ પાસે, અમદાવાદ-380013. ફોન : +91 79 27551564. ઈ-મેઈલ : mukeshpatel.in@gmail.com ]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવતરનો નિચોડ – આશા વીરેન્દ્ર
અપૂર્વ કન્યાદાન – ડૉ. લલિત પરીખ Next »   

8 પ્રતિભાવો : જીવનપ્રેરક ચિંતન રત્નો – મૂકેશ એમ. પટેલ, કૃતિ એસ. શાહ

 1. Renuka Dave says:

  ખૂ બ જ સ ર સ્..! ખૂ બ જ પ્રે ર ણઆદઆઈ..!

 2. ખુબ સરસ લેખો …દરોજ આવા લેખો આપો..

 3. Preeti says:

  ખુબ જ સરસ લેખ

 4. geeta says:

  બધા જ લેખો ખુબ જ સરસ ચે.

  બીજાની નજરે જોતાં શીખો એ તો extra ordinary ચે.

 5. ખૂબ જ સરસ પ્રસંગો.શિખામણની વાત જો પ્રસંગો વડે કહેવાય છે તો તેની અસર લાંબા સમય સુધી રહે છે.

  આભાર,
  નયન

 6. JyoTs says:

  Really very nice…all of them make me keep thinking..and yeah i agree with Nayanbhai…..

 7. gita kansara says:

  જિવન પ્રેરક પ્રસન્ગના બધાજ પ્રસન્ગ પ્રેરનાલક્ષેી ચ્હે.આભાર્.

 8. Bhavesh joshi says:

  very practical wisdom………!!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.