જીવતરનો નિચોડ – આશા વીરેન્દ્ર

[‘ભૂમિપુત્ર’ સામાયિક સપ્ટેમ્બર-2011માંથી સાભાર.]

ડૉ. પ્રકાશસિંહ સૌને વ્હાલા દાદાજી. કુટુંબીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ – દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર. ડૉકટર સાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. આખા પરિવારે મળીને આ પ્રસંગ યાદગાર બની રહે એ રીતે ઊજવવાનું નક્કી કર્યું હતું. પૌત્ર આકાશ અને એની પત્ની રુચિ, બેઉ ડૉક્ટર-સાહેબ માટે જાણે ડાબી-જમણી આંખ. તેથી જ દાદાજી માટે કંઈક અનોખી ભેટ લાવવાની જવાબદારી એ બંનેને સોંપાઈ હતી.

‘ના, ના, શર્ટ-પેન્ટ નથી લેવાં. એ તો સાવ ઓર્ડિનરી લાગે. દાદાજી માટે કંઈક ‘યુનિક’ ગીફટ લેવી જોઈએ.’ રુચિએ કહ્યું.
‘શાલ, શર્ટ-પેન્ટ બધી વસ્તુની ના પાડે છે તો લઈશું શું ?’ આકાશ અકળાયો હતો. અચાનક રુચિની નજર સામેની ગીફટશૉપ તરફ ગઈ. દરેક ચીજ આકર્ષક રીતે સજાવીને મૂકેલી હતી. દુકાનદાર પણ હસમુખો અને ગ્રાહકની વાત તરત સમજી લે એવો હતો. એણે એક એકથી ચઢિયાતી પેન બતાવવા માંડી. રુચિએ જોયું કે કઈ પેનથી વધુ સારું લખાય છે એ જોવા માટે રફ પેપર પર લખતી વખતે આકાશ R.Y.P એમ ત્રણ અક્ષરો જ દર વખતે લખતો હતો. અંતે બંનેએ એક ‘ક્રોસ’ની પેન અને એક સુંદર કોતરણીવાળી ફોટોફ્રેમ પસંદ કર્યાં.

‘જુઓ સાહેબ, ફ્રેમમાં તમે કોઈનો ફોટો કે કશુંક લખાણ મૂકવા માગતા હો તો કહો. બે દિવસમાં તૈયાર કરી આપીશ.’
રુચિનું સૂચન હતું, ‘દાદાજીનો ફોટો મુકાવીને નીચે ‘75’નો આંકડો લખાવીએ.’
‘હા, પણ ફ્રેમમાં સૌથી ઉપર R.Y.P. અક્ષરો સોનેરી રંગમાં લખજો. અને હા, આ પેન પર પણ R.Y.P. લખી શકાય ને ?’ આકાશે દુકાનદારને પૂછ્યું.
‘હા હા, ચોક્કસ લખી શકાય સર ! બંને વસ્તુ બે દિવસ પછી આપું તો ચાલશે ?’
રસ્તામાં રુચિએ પૂછ્યું : ‘આકાશ, આ R.Y.P. અક્ષરોનો અર્થ શું છે ?’
આકાશે માથું ખંજવાળતાં કહ્યું : ‘રુચિ, સાચું કહું તો એની પાછળનું રહસ્ય મને પણ ખબર નથી. દાદાજીએ એમનાં બધાં પુસ્તકોના પહેલા પાને R.Y.P. લખ્યું છે. પપ્પા પણ કહેતા હતા કે, આ અક્ષરો પાછળનો ભેદ શું છે એ દાદાજીએ હજી સુધી કોઈને કહ્યું નથી.’

ડોકટરસાહેબની વર્ષગાંઠની પાર્ટી બરાબર જામી હતી. આવનારા મહેમાનો ડૉક્ટરને મુબારકબાદી આપવામાં અને એકમેકને મળવામાં અને વાતો કરવામાં મશગુલ હતા ત્યારે મોકો જોઈને રુચિએ ધડાકો કર્યો :
‘હવે દાદાજી આપણને એમના જીવન વિષે, એમના અનુભવો વિષે થોડી પ્રેરણાદાયી વાતો તો કરશે જ પણ સાથે સાથે R.Y.P. અક્ષરો સાથે એમનો શું સંબંધ છે એની વાત પણ કરશે.’

પ્રકાશસિંહના પ્રભાવશાળી ચહેરા પર એક ભરપૂર અને અર્થસભર જિંદગી જીવ્યાનો સંતોષ છલકાતો હતો. કંઈક સંકોચ સાથે એમણે શરૂઆત કરી : ‘આજે જિંદગીમાં હું જે મુકામ પર પહોંચ્યો છું એનું મોટા ભાગનું શ્રેય આ R.Y.P. અક્ષરોને આપી શકું. જો કે, આ વિષે કાંઈ કહેતાં પહેલાં મારે 1948ની સાલના યાતનાભર્યા અને લોહીયાળ દિવસોમાંથી પસાર થવું પડશે જ્યારે ચારે બાજુ મારો, કાપો અને આ હિંદુ, આ મુસ્લિમ એવા આગ ઝરતા શબ્દો સંભળાતા હતા. ભાગલાના એ કપરા સમયમાં પાકિસ્તાનના પંજાબમાં ઘર-બાર, માલ-મિલકત સઘળું ય છોડીને અમારો પરિવાર ચાલી નીકળ્યો હતો. ભાગીને હિંદુસ્તાન આવ્યા પછી નિરાશ્રિતોની છાવણીમાં કાઢેલા દિવસો ખૂબ કપરા હતા પણ ફક્ત ને ફક્ત મારા પિતાજીની હિંમત અને ધીરજને સહારે જ અમે ટકી ગયા. આ પ્રસંગે હું એમને યાદ કરીને નમન કરું છું.’ દાદાજીનું ગળું રુંધાઈ ગયું. રુચિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી.

‘જેમતેમ કરતાં અમે નવા વાતાવરણમાં ગોઠવાયા તો ખરા પણ હું બરાબર સમજતો હતો કે, પિતાજી પર અસહ્ય બોજો આવી પડ્યો છે. ત્રણ ત્રણ સંતાનોને ભણાવવાં-ગણાવવાં અને હંમેશા બીમાર રહેતી પત્નીની કાળજી રાખવી એ તો ખરું જ, ઉપરાંત તદ્દન અજાણી જગ્યામાં નવેસરથી જિંદગી શરૂ કરવી. તો ય હંમેશા હસતાં હસતાં માને કહેતા, આજે ભલે મુસીબત વેઠવી પડે પણ કાલે આપણા છોકરાઓ હીરાની માફક ઝળકી ઊઠશે. મને અમૃતસરની મેડિકલ કૉલેજમાં એડમિશન મળ્યું. મેં રાત-દિવસ જોયા વિના સખત મહેનત કરવા માંડી. મિત્રો હોટેલમાં જમવા કે આઈસ્ક્રીમ ખાવા બહાર જતા હોય કે સિનેમાની મજા માણવાના હોય, હું સતત મારા મનને સમજાવતો કે, તેને આ બધું ન પોષાય – ‘રીમેમ્બર યુ આર પુઅર – R.Y.P.’ મેસનું બેસ્વાદ ભોજન ખાઈ ખાઈને કંટાળેલા અને થાકેલા મનને હું કાગળ પર R.Y.P લખી લખીને સમજાવતો. હું વિચારતો કે, પિતાના અથાક પરિશ્રમથી કમાયેલી એક પાઈ પણ વ્યર્થ ખર્ચવાનો મને અધિકાર નથી. એવા સંજોગોમાં મનને સમજાવવાનું અઘરું જરૂર હતું પણ અશક્ય તો નહોતું જ.’ સૌ આમંત્રિતો પ્રશંસાભરી નજરે પ્રકાશસિંહ સામે જોઈ રહ્યા હતા અને એમનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ‘ડૉક્ટર થયા પછી ભલે મેં મારી પોતાની હોસ્પિટલ બનાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી પણ પેલા R.Y.P. ને હું એક દિવસ માટે પણ ભૂલ્યો નહીં. એ અક્ષરોએ જ મને નમ્ર, દયાળુ અને સંવેદનશીલ બનાવ્યો અને મારા સાથીઓ અને દર્દીઓએ આ અક્ષરોને કારણે જ મને અઢળક પ્રેમ આપ્યો. એમણે જ હંમેશા મને મારા મૂળ સાથે જોડેલો રાખ્યો છે. હું તો માનું છું કે આ અક્ષરો જાણે મારા જીવતરનો નિચોડ છે.’

પ્રકાશસિંહે પોતાની વાત પૂરી કરી ત્યારે ત્યાં બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયાં હતાં. આકાશ અને રુચિએ દાદાજીને પગે લાગીને એમના હાથમાં પેન અને ફોટોફ્રેમ મૂક્યાં ત્યારે ડૉક્ટર સાહેબ ભાવવિભોર થઈ ગયા. એમની આંગળીઓ મમતાપૂર્વક R.Y.P. અક્ષરોને એક એક કરીને સ્પર્શી રહી.

(રણજિતસિંહ સહેગલની અંગ્રેજી વાર્તાને આધારે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “જીવતરનો નિચોડ – આશા વીરેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.