અપૂર્વ કન્યાદાન – ડૉ. લલિત પરીખ

[ સત્યઘટના પર આધારિત આ કૃતિ ‘અખંડ આનંદ’ ફેબ્રુઆરી-2011માંથી સાભાર લેવામાં આવી છે.]

‘શેઠ, એક અંગત વિનંતી કરવી છે.’ રાજુએ શેઠ રમેશભાઈને સંકોચપૂર્વક, જરા મોકો જોઈને હિંમત ભેગી કરીને પોતાની વાત કહી જ દીધી. રમેશભાઈએ ચશ્માં લૂછતાં-લૂછતાં રાજુ સામે તાકીને પૂછ્યું :
‘બોલ, એવી તે કેવી છે તારી અંગત વાત ?’

રાજુએ માંડીને પોતાની વાત કરી : ‘શેઠ, મારી વીસ-એકવીસ વર્ષની દીકરીની સગાઈની વાત ચાલે છે. એક વાર સગાઈ નક્કી થઈ જાય તો પછી લગ્ન માટેની વાત પાકી કરી લઈએ. એક છોકરા સાથે લગભગ ગોઠવાઈ જ જશે તેમ લાગે છે. પણ લગ્નના ખર્ચ માટે મારે ઘર ગીરવે મૂકી લોન લેવી પડશે. તમે જામીનગીરી આપો તો લોન તો મળશે જ તેમ મને બૅંક-મૅનેજરે બાંયધરી આપી છે.’
‘ગાંડો થયો છે ? લોન લીધા પછી ભરપાઈ કરતાં તૂટી જઈશ. વરસ- બે વરસમાં પાછું સીમંત આવે એટલે ખર્ચા પર ખર્ચા આવશે. તેના કરતાં તો સાદાઈથી પ્રસંગ કાઢ. જોઈ-વિચારીને ચાદર ફેલાવવી જોઈએ.’ રમેશને શેઠે સલાહ આપી.
પણ રાજુ તો રડમસ અવાજે બોલી ઊઠ્યો : ‘અમારામાં ગમે તેટલી સાદાઈથી કરો તોય થોડી સાડીઓ આપવી પડે, થોડું સોનું દેવું પડે, થોડાં સ્ટીલનાં વાસણો લઈ દેવાં પડે, થોડી પહેરામણી તેનાં સગાંઓમાં કરવી પડે. ક્યાં કરકસર કરવી તે જ સમજાય તેવું નથી.’
રમેશભાઈ બોલ્યા : ‘તું એક કામ કર. વાત પાકી કર. પછી તારી પત્ની-પુત્રી સાથે અમારે ઘેર આવજે. કૈંક રસ્તો કાઢીશું. આટલાં વર્ષોથી તું જ મારી દુકાન પોતાની હોય તેમ જ ચીવટથી ચલાવે છે.’

રાજુએ શેઠની વાત સાંભળી જગ જીત્યાનો, જંગ જીત્યાનો નશો અનુભવ્યો. તેણે વાત પાકી કરી લીધી, અને શેઠને ત્યાં પત્ની-પુત્રી સાથે પેંડા લઈ પહોંચી ગયો. રમેશભાઈ હસતા મોઢે, ખુશ થતા, મુબારકબાદી આપતા, પેંડો ખાતા-ખવડાવતા બોલ્યા :
‘જો, તારું કામ થઈ જ ગયું સમજ. અમારે બે દીકરીઓ છે, જે પરણીને પોત-પોતાને ત્યાં બાળ-બચ્ચાંઓ સાથે દોમ-દોમ સાહ્યબી ભોગવી રહી છે. તેમને આપવાનું ઘણું આપી ચૂક્યા છીએ. તેમને હવે જરૂર પણ નથી. ઊલટાની અમને મોટી ઉંમરે સાચવે તેવી છે. નોકર-ચાકર, રસોઈયા, કાર, ડ્રાઈવર બધું જ છે તેમને ત્યાં. અમારી પાસે પણ શું નથી ? કોના નસીબે આટલું કમાયા કોને ખબર ! પણ તારી આટલાં વર્ષોની એકધારી નિષ્ઠાભરી નોકરીએ જ આપણી દુકાનને દૂઝણી ગાય બનાવી છે. ત્રીસ રૂપિયાથી મારી જિંદગી મેં શરૂ કરેલી અને પાંચ રૂપિયામાં તને દસ વર્ષની ઉંમરે નોકર તરીકે રાખેલો ત્યારથી મારી-તારી મહેનત અને ઈશ્વરની કૃપાથી આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા છીએ. હવે તું તો જાણે જ છે કે મારી પત્ની રેખા ગેસ ફાટવાથી સળગી ગયેલી અને હથેળીઓ, પગની પાની અને મોં સિવાય બધે જ દાઝેલ શરીરે મારા નસીબે જ જીવતી રહી છે. તે ન તો સાડી પહેરી શકે છે, કે ન કોઈ ઘરેણું શરીર પર સહન કરી શકે છે. ફક્ત પંજાબી પહેરે છે બહાર જતાં અને ઘરમાં તો માત્ર નાઈટી જ, દીકરીઓને તો ઘણુંબધું દેવાઈ ગયું છે અને હવે તેમને જરૂર પણ નથી – જોઈતું પણ નથી. તેની સાડીઓ, તેનાં ઘરેણાં બધું જ તારી દીકરીના લગ્નમાં અમે હોંશે હોંશે આપીશું – પૉલિશ કરાવી નવા જેવું જ કરીને. વર્ષોની તારી વફાદારીની કદર કરવાનો અમને તો આ મોકો મળ્યો એમ સમજીશું. અને હા, બીજી એક ખાનગી વાત, પહેલી જ વાર તને જણાવું છું.’

રાજુ તો આ બધું સાંભળી ગદગદ થઈ ગયો. તેને થયું : ‘આ વળી ખાનગી વાત શી હશે ?’
રમેશભાઈએ ઘટસ્ફોટ કરતાં કહ્યું : ‘તને ખબર ન પડે તેમ હંમેશ મેં તને મનથી નક્કી કરેલા પગારની અર્ધી જ રકમ દર મહિને આપી છે. તે જ પ્રમાણે દિવાળીમાં બૉનસ પણ અર્ધું જ આપ્યું છે. હું જાણતો હતો કે વધારે આપું તો તું વાપરી જ નાખે. જરૂરતના ટાણે તારી પાસે કોઈ બચત જ ન હોય. મેં તારું બચતખાતું મારી એક પ્લાસ્ટિક બૅગમાં આજ સુધી અલગ રાખ્યું છે, જેમાં હજારો રૂપિયા ભેગા થયેલા છે. તે તો તારા જ છે. લગ્નમાં લોનની જરૂર નથી. આ તારા જ પૈસા પ્રેમથી વાપરજે.’ કહી પ્લાસ્ટિક બૅગ પોતાના કબાટમાંથી તેને આપી. ‘જેટલા નીકળે એટલા તારા જ છે. ઓછા-અધૂરા પડશે તો અમે છીએ જ તારી પડખે. આનંદથી દીકરીને પરણાવ અને જમાઈને રાજી કર.’

રાજુ, તેની પત્ની અને પુત્રી ત્રણેયના ચહેરા આશ્ચર્ય અને આભારના ભાવથી ચમકી ઊઠ્યા. રાજુએ સાચા મનથી, પત્નીની સામે જોઈ તેની મૌન સંમતિ લઈ રમેશભાઈને કહ્યું :
‘ભલે શેઠ, પણ કન્યાદાન તો તમે જ આપજો.’
‘ના.’ રમેશભાઈ-રેખાબહેન બંને એક સાથે બોલી ઊઠ્યા. તેમના બંનેનું કહેવું હતું કે તેમણે તો સદભાગ્યે અને પ્રભુકૃપાથી બબ્બે દીકરીઓનું કન્યાદાન આપેલું જ છે. રાજુ અને તેની પત્નીને તો આ એક જ દીકરી છે તો તેમનો કન્યાદાન આપવાનો હક-લ્હાવો તેઓ કેવી રીતે ઝૂંટવી લે ?
‘કન્યાદાન તો તમે બન્ને જ આપશો. અમે આવીશું આશીર્વાદ આપવા, ભેટ આપવા. અમારી દીકરીઓ પણ તેમના પરિવાર સાથે જરૂર આ લગ્નમાં આનંદથી હાજરી આપશે. તેઓ બધાં પણ રાજી જ થશે. સાડીઓ અને ઘરેણાં પૉલિશ કરાવીને તારે ત્યાં અઠવાડિયામાં મોકલી દઈશું.’

એકાદ મહિનામાં જ અષાઢ સુદ બીજના શુભ દિને રાજુ અને તેની પત્નીએ પુત્રીના લગ્ન હોંશે હોંશે સંપન્ન કર્યાં. રમેશભાઈ-રેખાબહેને પોતે જ કન્યાદાન આપતાં હોય તેવો આનંદ અનુભવતાં હૃદયથી આશીર્વાદ આપ્યા. કન્યાની વિદાય વેળાએ અષાઢી વાદળીઓ અમીછાંટણાં વરસાવી રહી હતી અને સાથે સાથે દસ-દસ નેત્રો પણ હરખનાં આંસુ ટપકાવી રહ્યાં હતાં. આકાશ અને ધરતી આ અપૂર્વ કન્યાદાન જોતાં જ રહી ગયાં… બસ જોતાં જ રહી ગયાં.

Leave a Reply to મનસુખ કલાર Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

14 thoughts on “અપૂર્વ કન્યાદાન – ડૉ. લલિત પરીખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.