નાગાટોળી – કિરીટ ગોસ્વામી

[ બાળપણના સંસ્મરણોની યાદ તાજી કરાવે તેવા સંવેદનાલક્ષી નિબંધોના પુસ્તક ‘નાગાટોળી’ માંથી બે નિબંધો સાભાર પ્રસ્તુત છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી કિરીટભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879401852 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] મજાની ખિસકોલી

સ્કૂલના ચોગાનમાં ઊભેલા લીમડાના ખરબચડા થડ પર આમથી તેમ દોડાદોડ કરતી ખિસકોલીઓને જોઉં છું. પક્કડદાવ રમતી આ ખિસકોલીઓની પાછળ દોડતું દોડતું મારું મન, છેક બાળપણ સુધી પહોંચી જાય છે…. આંખોની સામે દાદીનું ઘર તરવરવા લાગે છે. છ-સાત લીમડા અને બીજા અસંખ્ય ઝાડવાં દાદીને ઘેર, ભેરુબન્ધની જેમ કાયમ સામે ઊભાં રહેતાં. વેકેશનના દિવસોમાં હું અને ગોપાલ દાદીનાં ઘેરે જ રહેતા. બપોરના સમયે દાદી નિદ્રાધીન થાય અને દાદાજી સીમમાં જાય પછી અમે ઝાડવાં હેઠે રમીએ. ગોપાલ મને લીમડા પર ચડતાં શીખવે. લીમડાનાં ખરબચડા થડને ભેટવાની મજા આવે. એના પર ‘ખરરર’ અવાજ કરીને સરકતી ખિસકોલીઓને જોવાનો આનંદ પણ ખરો !

એકવાર મેં ગોપાલને કહ્યું : ‘આપણે એક ખિસકોલી પકડીએ તો ? પછી એને પાળીશું !’ ગોપાલે ફટાફટ ખિસકોલી પકડવાની યોજના બનાવી : લીમડાના થડ પાસે જમીન પર થોડાં રોટલીનાં ટુકડા વેરવાનાં. એના ઉપર છાણ ભરવાનો એક સૂંડલો ઊંધો વાળવાનો. એ સૂંડલાને એક જાડા સાંઠીકાનાં ટેકણથી ટેકવવાનો. એક ખાસ્સી લાંબી દોરી લઈને એનો એક છેડો સાંઠીકામાં બાંધવાનો અને બીજો છેડો દૂર બીજા ઝાડ પાછળ સંતાઈને હાથમાં રાખવાનો. ખિસકોલી જમીન પર ઊતરીને જેવી સૂંડલા હેઠે રોટલીનાં ટુકડા ખાવા આવે એ જ સમયે દૂરથી દોરી ખેંચવાની એટલે સાંઠીકાનું ટેકણ ખસી જાય અને સૂંડલો પડી જાય ને એની હેઠે ખિસકોલીબાઈ પૂરાઈ જાય !

ગોપાલની આ યોજના મને ગમી ગઈ. બીજા જ દિવસથી બધી સાધન-સામગ્રી એકઠી કરીને એ યોજનાનો અમલ અમે શરૂ કરી દીધો ! એક દિવસ ગયો પણ ખિસકોલી ના આવી ! અમે બીજા દિવસે રાહ જોઈ પણ બીજા દિવસેય અમને નિષ્ફળતા મળી ! ત્રીજો, ચોથો, પાંચમો…. એમ દિવસો વીતવા લાગ્યાં પણ ખિસકોલીબાઈ એમ હાથમાં ક્યાંથી આવે ?! ક્યારેક છેક સૂંડલા સુધી આવે અને એને જાણે કે અમારી યોજનાની ગંધ આવી જતી હોય એમ ‘ચિક ચિક’ કરતીક ને પાછી દોડીને લીમડા પર ચડી જાય ! ક્યારેક પવનને કારણે સાંઠીકું પડી જાય અને ખિસકોલી દૂરથી જ ભાગી જાય ! તો કોઈવાર વળી, અમે કલાકો સુધી રાહે જોઈ હોય ખિસકોલીની અને વચ્ચે ટપકી પડે ડાઘિયો કૂતરો ! રોટલીનાં ટુકડા ખાવાની લાલચે એ અમારી યોજના પર પાણી ફેરવે ! કોક વખત તો ખિસકોલી બરાબર સૂંડલા નીચે આવી ગઈ હોય અને દોરી ખેંચવાની જ વાર હોય પણ અમારાથી આનંદના અતિરેકમાં ‘ખી ખી ખી’ એમ મોટેથી હસાય જાય ને વળી પાછી બાજી ધૂળમાં મળી જાય ! આવું તો ઘણાં દિવસ ચાલ્યું પણ અમે હાર્યા નહીં ! અમારો જુસ્સો બેવડાતો ગયો….

આખરે એક દિવસ અમને સફળતા મળી ! બિચારી એક ભોળી ખિસકોલીને આબાદ છેતરીને અમે, અમારી યોજના મુજબ સૂંડલા હેઠે પૂરી લીધી ! સતત હારતો આવેલો રાજવી અચાનક જીતે એમ અમને પણ જીતનો સ્વાદ ચાખવા મળ્યો ખરો ! પણ ખરી કસોટી તો હવે હતી : સૂંડલા નીચે પૂરાયેલી ખિસકોલીને રાખવી ક્યાં ? ગોપાલે ભેજું લડાવ્યું.
મને કહે, ‘જા, દાદીનાં ઘરમાંથી છાનોમાનો ઉંદર પકડવાનું પાંજરું લેતો આવ ! આપણે આ ખિસકોલીને એ પાંજરામાં પૂરી લઈશું !’
‘હા, હા, એ બરાબર રહેશે !’ હું હરખાતો દોડ્યો.
મેં પાંજરું તો લાવી દીધું પણ ખિસકોલી એમ પાંજરામાં પૂરાય શાની ! સૂંડલો જરાક ઊંચો થાય એવી એ તો અમારી પક્ક્ડમાંથી છટકીને ભાગી જાય એમ હતી ! ખાસ્સી વાર થઈ. ખિસકોલી હવે મોટા અવાજે ‘ચિક ચિક’ કરીને જાણે રડતી હતી. મારું દિલ પીગળ્યું. મેં ગોપાલને કહ્યું : ‘જવા દે ને, યાર ! બિચારી મરી જશે તો !’
ગોપાલ મારા પર ચીડાયો : ‘જા, જા, તું તો ફોસી ને ફોસી જ રહ્યો ! એમ કાંઈ ખિસકોલી મરી ના જાય ! ને આટલી મહેનત કર્યા પછી એને છોડી દેવાતી હશે ?!’
‘પણ મારાથી એની ચીસો સહન નથી થતી….?’ મેં કહ્યું.
‘તો પહેલાં શું કામ ખિસકોલી પકડવાની વાત છેડી ? તારા માટે જ મેં આટલી મહેનત કરી અને હવે તું જ પાણીમાં બેસી જાય છે ?!’ ગોપાલ ઉકળ્યો.

થોડીવાર અમારી વચ્ચે ઝઘડો ચાલ્યો.
ગોપાલ મને એક તમાચો મારીને દાદીની પાસે ફરિયાદ કરવા દોડ્યો ! અત્યાર સુધીની બધી જ યોજના દાદીથી અજાણી હતી તે એમને કહીને ગોપાલે, દોષનો ટોપલો મારા પર ઢોળવાનો મનસૂબો જાહેર કર્યો ! પણ દાદી આવે એ પહેલાં તો મેં સૂંડલો ઊંચકાવીને ખિસકોલીને કેદ-મુક્ત કરી દીધી અને ફટાફટ બધી સાધન-સામગ્રી પણ સગેવગે કરી દીધી ! હાથમાં સોટી લઈને ધૂંવાપૂવાં થતાં દાદી આવ્યાં. પાછળ ગોપાલ પણ હતો. દાદીએ પૂછ્યું : ‘ક્યાં છે ખિસકોલી ?’
‘ખિસકોલી ? ખિસકોલી તો ઝાડ પર હોય ને દાદી !’ હું ડાહ્યો ડમરો થઈને જાણે કાંઈ ન બન્યું હોય એમ બોલ્યો.
દાદી ચીડાયાં : ‘આ ગોપાલ તો કહેતો હતો કે તેં ખિસકોલી પકડી છે….’
‘ના, ના, દાદી ! ખિસકોલી કદી પકડાય ખરી ? ગોપલો તો જૂઠ્ઠો છે ! એમ કરીને મને માર ખવડાવવા માગે છે ! કેમ ગોપાલ, સાચી વાતને ?!’ મેં આંખ મીંચકારીને ગોપાલને કહ્યું.

દાદી મારી વાત માની ગયાં. ગોપાલ ભોંઠો પડ્યો. તેને ગાળો ભાંડતાં દાદી ત્યાંથી ચાલ્યાં ગયાં. ગોપાલ દાંત કચકચાવતો ગુસ્સાભેર મારી પાછળ દોડ્યો પણ હું લીમડાના થડ પર ઠેકડો મારીને ઉપર ચડી ગયો ને ગાવા લાગ્યો – ‘તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી !’ – ને પછી ક્યાંય સુધી લીમડા પર અમારો પક્કડદાવ ચાલતો રહ્યો, ખિસકોલીઓની જેમ જ !
.

[2] મારા ઘરનો વાઘ

હું હજી નિશાળે બેઠો નહોતો. મોટીબેન અને દીનકી અરધો બપોર નિશાળે જાય અને પછી માની સાથે કાયમ છાણ વીણવા સીમમાં જાય, એમના ગયા પછી મારે ઘરમાં એકલાં જ રહેવાનું ! હું એમની સાથે જવાની હઠ પકડું તો મા મારા પર ખીજે. હું રીસાઉં એટલે તે મને ફોસલાવે – ‘તારા માટે ચણીબોર લઈ આવીશ, દોથો ભરાય એટલાં !’ બોરની લાલચે એ ક્ષણે હું માની તો જાઉં પણ પછી એકલું-એકલું લાગે અને ઘરમાં જરાય ગોઠે નહીં ! વળી, મા ડેલી પર બહારથી તાળું વાસી જાય એટલે ના તો હું શેરીમાં રમવા જઈ શકું કે ના કોઈ ભાઈબંધ મારી પાસે આવી શકે ! એકલો-એકલો જ હું ફળિયામાં કે વરંડામાં રમ્યા કરું ! ક્યારેક ઝાડ-પાન સાથે વાતો કરું તો ક્યારેક આભલું લઈને ચાંદા પાડવાની રમત રમું ! કોઈવાર વળી, ઘરની ભીંત પર પડતાં ચાંદરડાં ગણું ને એને આગળ-આગળ ખસતાં જોઈને નવાઈ પામતો રહું ! છેલ્લે આ બધાથી કંટાળું એટલે ખાટલે પડીને મોટીબેને શીખવેલી કવિતા ગાઉં –

‘મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે !
તેના ડિલ પર કેવા ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે !’

એક બપોરે હું ઓસરીમાં પડ્યો-પડ્યો આ કવિતા ગાઈ રહ્યો હતો. એવામાં રસોડામાં કંઈક ખખડાટ થયો. કવિતામાં મગ્ન હતો એટલે મેં એ તરફ બહુ ધ્યાન ન આપ્યું. થોડીવાર પછી ફરીથી ખખડાટ સંભળાયો એટલે હું ઊઠીને રસોડા તરફ ગયો. જઈને જોઉં તો રસોડાની ફર્શ આખી દૂધ-દૂધ ! ઢોળાયેલા દૂધની વચ્ચે એક મોટો કાબરચીતરો બિલાડો બેઠો-બેઠો મોજથી દૂધ ‘ચપ ચપ’ ચાટી રહ્યો હતો ! એક પળવાર માટે તેણે મારી સામે જોયું. મેં ધાર્યું કે મારાથી ડરીને તે હમણાં બારીમાંથી ભાગી જશે ! પણ એ તો બીજી જ પળે પાછો કશાય હિચકિચાટ વિના દૂધ ચાટવા લાગ્યો ! એની હિંમતથી હું પ્રભાવિત થયો. રસોડામાં જઈને મેં તેને ભાખરીનો એક ટુકડો આપ્યો. દૂધ પીને એણે ભાખરીનો ટુકડો પણ ખાઈ લીધો. પછી જાણે ધરાઈ ગયો હોય એમ ‘મ્યાઉં’ કરતોક એ ચાલતો થયો. હું પણ એની પાછળ-પાછળ ચાલવા લાગ્યો. ફળિયામાં જઈને એ તડકે બેઠો. પોતાની જીભ વડે ચાટી-ચાટીને આખા શરીરને સાફ કરવા લાગ્યો. એની સામે લમણે હાથ દઈને હું બેસી ગયો અને એને એકીનજરે જોવા લાગ્યો. થોડી-થોડીવારે એ પણ મારી સામે જોઈ લેતો હતો. જ્યારે અમારી નજર મળતી ત્યારે એ ‘મ્યાઉં’ કરીને જાણે કે પોતાનો રાજીપો વ્યક્ત કરતો હતો !

થોડીવાર પછી એનું શરીર સાફ થઈ ગયું એટલે ઠેક મારીને એ દીવાલ પર ચડી ગયો. હું ઊભો થઈ ગયો. એ દીવાલ પર ‘મ્યાઉં-મ્યાઉં’ કરતો ચાલવા લાગ્યો. મારી નજર, હજી પણ એનાં તરફ જ હતી. જતાં-જતાં છેલ્લીવાર એણે મારી સામે જોઈને ‘મ્યાઉં’ કર્યું ! મેં હાથ ઊંચો કરીને ‘આવજો’નો ઈશારો કરીને એને કહ્યું : ‘કાલે પાછો આવજે હો, ભેરુ !’
‘મ્યાઉં-મ્યાઉં’ કરતો એ જાણે કે મને વચન આપીને ચાલ્યો ગયો ! બીજે દિવસે એ ખરેખર હાજર થઈ ગયો ! મેં એને દૂધ અને ભાખરી આપ્યા. ભોજન પતાવીને એ ઘણીવાર રોકાયો. એના શરીર પર મેં હાથ ફેરવ્યો. એને એ ગમ્યું. એમ એનો અને મારો ડર ઓછો થયો અને અમે ‘દોસ્ત’ બની ગયાં ! પછી તો રોજનો એનો આ ક્રમ થઈ ગયો. ધીમે-ધીમે અમારો એકમેક પરનો વિશ્વાસ અને પ્રેમ પાક્કા થઈ ગયા અને એ મારા ઘરમાં જ રહેવા લાગ્યો. મેં એનું લાડકું નામ પાડ્યું – ‘વાઘ !’ વાઘને ઘરમાં બધાં ઓળખવા લાગ્યા ને વાઘ પણ બધાંનો માનીતો થઈ ગયો ! જોકે, એને વિશેષ પક્ષપાત તો મારા તરફ જ ! આખો દિવસ હું એને કાખમાં તેડીને જ ફર્યા કરું ! એને વહાલ કરતાં હું ધરાઉં નહીં ! વાઘને પણ મારાથી દૂર થવું જરાય ના ગમે ! જરીક વાર જો એ મને ના દેખે તો ‘મ્યાઉં-મ્યાઉં’ કરીને આખું ઘર માથે લ્યે ! જેવો મને ભાળે કે તરત જ પગમાં આવીને એનું શરીર ઘસવા લાગે ને ‘મ્યાઉં’ કરીને જાણે મને કહે – ‘મને તેડી લે, ભેરુ !’ હું એને હરખભેર ખોળામાં બેસાડીને મોટેથી પેલી કવિતા ગાઉં –

‘મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે !
તેના ડિલ પર કેવા ડાઘ છે,
તે મારા ઘરનો વાઘ છે !’

એક દિવસ મા અને મોટી બેન ઘર-સફાઈ કરતાં હતાં. દીનકી નિશાળે ગઈ હતી. હું અને વાઘ વરંડામાં રમતાં હતાં. રમતાં-રમતાં મને દોરડાનો એક ટુકડો મળ્યો. દોરડાના એ ટુકડાનો એક છેડો મેં વાઘની ડોકમાં બાંધ્યો અને બીજો છેડો મારા હાથમાં રાખી હું ચાલવા લાગ્યો. વાઘ પણ મારી પાછળ-પાછળ ચાલવા લાગ્યો. આ નવી રમતમાં અમને બન્નેને મજા પડી. મેં વાઘને કહ્યું : ‘આજે તો તું વાઘમાંથી ભેંસ બની ગયો !’ થોડીવારે રમત રમીને થાક્યા એટલે અમે લીમડા હેઠે બેઠા. વાઘ ‘મ્યાઉં-મ્યાઉં’ કરતો હતો એટલે મને ખબર પડી ગઈ કે એને ભૂખ લાગી છે ! દોરડાનો છેડો મેં લીમડાનાં થડમાં બાંધીને મેં વાઘને કહ્યું : ‘તું અહીં જ બેસ ! હું આપણાં બન્ને માટે ભાખરી લઈ આવું !’ હું ઘરમાં આવ્યો. મા રસોડામાં સફાઈ કરતી હતી એટલે ભાખરી આપવામાં તેણે જરા વધારે સમય લગાડ્યો. ભાખરી લઈને હું દોડતો પાછો વાઘની પાસે પહોંચ્યો ! પણ આ શું ?! વાઘ ચત્તો પડીને તરફડિયાં મારતો હતો. એનાં ગળામાંથી અવાજ પણ નીકળતો ન્હોતો. મારા વાઘની આવી દશા જોઈને હું સાવ ડઘાઈ જ ગયો. મેં ચીસ પાડી – ‘મા ! મા ! જલદી અહીં આવ ! મોટી બેન ! મારા વાઘને કંઈક થઈ ગયું છે…..’

મા અને મોટીબેન તરત જ ત્યાં દોડી આવ્યાં. વાઘની આ દશા જોઈને મા બોલી :
‘આ તેં શું કર્યું, દીકરા ?!’
‘કંઈ નહીં, મા ! અમે ભેંસવાળી રમત રમતાં હતા ! હું એને બાંધીને ભાખરી લેવા આવ્યો ત્યાં તો પાછળથી…’
‘પણ એને આમ લીમડાનાં થડમાં બંધાય ?’ માએ મને ઠપકો આપતાં કહ્યું.
મોટીબેને એટલીવારમાં વાઘની ડોકમાંથી દોરડું છોડી નાખ્યું હતું અને પાણીનું કૂંડું પડ્યું હતું એમાંથી ચાંપવા ભરીને વાઘનાં મોં પર પાણી છાંટતી હતી. હું અને મા ત્યાં ને ત્યાં જ બેસી પડ્યાં. મોટીબેને ખૂબ પાણી છાંટ્યું પણ વાઘ કશું ન બોલ્યો તે ન જ બોલ્યો !
‘હવે ?!’ મેં માનાં ખોળામાં માથું નાખતાં રડમસ અવાજે પૂછ્યું.
મા બોલી – ‘આપણાં ને એનાં અંજળ પૂરાં થયાં !’ માની આંખોમાંથી આંસુઓની ધારા વહેતી હતી. મોટીબેન પણ ડૂસકે ચડી ગઈ હતી. હું અવાક બનીને હજી પણ વાઘની સામે જોઈ રહ્યો હતો ને મનમાં આશા લઈને વિચારતો હતો – ‘હમણાં મારો વાઘ ‘મ્યાઉં’ કરતોક ઊભો થશે ને હમણાં હું એને હરખભેર તેડી લઈશ !’

…પણ માએ મારા ચહેરા પર પોતાની સાડીનો પાલવ ઢાંકી દીધો અને મારી આંખો મીંચાઈ ગઈ. મારી આંખો પાછી ખૂલી ત્યારે વાઘ મારા માટે એક સપનું બની ગયો હતો !

[ કુલ પાન : 50. કિંમત રૂ. 35. પ્રાપ્તિસ્થાન : ડિવાઈન પબ્લિકેશન્સ. 30, ત્રીજો માળ, કૃષ્ણ કૉમ્પ્લેક્સ, જૂનું મોડલ સિનેમા, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22167200. ઈ-મેઈલ : divinebooks@mail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “નાગાટોળી – કિરીટ ગોસ્વામી”

Copy Protected by Chetan's WP-Copyprotect.