વચન – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર. અન્ય લેખોનું સમીક્ષાકાર્ય ચાલુ હોઈને આજે એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેની સર્વ વાચકોને નોંધ લેવા વિનંતી.]

આખા દિવસની રઝળપાટ પછી વિનોદ અને દિનેશે રાત્રિ-ભોજન પતાવી દરિયાકાંઠાની રેતી પર આસન જમાવ્યું ત્યારે સમુદ્ર પરથી વાતા શીતલ વાયરાએ તનમનનો થાક ઊતારી દીધો. એમાં આસપાસનાં મંદિરોના ઘુમ્મટોએ અંધકારમાં ઓળાનો આભાસ ઊભા કરાવી બંનેના હૃદયને વધુ ભાવુક બનાવી દીધા.

વિનોદ અને દિનેશ સેલ્સમેન હતા પણ જુદી જુદી કંપનીઓના. દિનેશ વેચાણ કરતો હતો સાબુ-ડિટર્જન્ટ, હેર ઓઈલ, ફેસ પાઉડર જેવી આઈટમો તો વિનોદ બેટરી-સેલ, ટૂથ-બ્રશ, બ્લેડ, રેઝર અને નાનીમોટી પ્લાસ્ટિક આઈટમોના ઓર્ડર લેતો. આમ તો બંને એકબીજાને ઓળખતા હતા નહિ પરંતુ એક દિવસ એક મોટી દુકાનમાં બંને સાથે થઈ ગયા ત્યારે ખબર પડી કે બંને એક જ શહેરમાં રહેતા હતા ! ‘ક્યાં રહેવું ?’ ‘કઈ કઈ કંપનીઓનું કામ કરો છો ?’ ‘સ્ટોક રાખો છો કે ડાયરેક્ટ સપ્લાય કરો છો ?’ ‘કઈ કઈ ટેરિટરિમાં કામ કરો છો ?’ જેવા ઔપચારિક સવાલ-જવાબ પછી એ દિવસે બંનેએ એક જ હોટલમાં સાથે ચા-નાસ્તો કર્યો.

વિનોદ-દિનેશ યુવાન હતા અને યુવાન-દિલો જલદીથી મિત્રતાને તાંતણે બંધાઈ જાય છે. આ દુકાન પરની મુલાકાત પછી બંનેએ મિત્રતાની ગાંઠ મજબૂત કરી. દર રવિવારે એકબીજાના ઘરની મુલાકાતો, સહભોજન કે સાથે ફરવા જવાના કે પિક્ચર જોવાના કાર્યક્રમોથી બંનેની પત્નીઓ અને બાળકોએ એમના પતિદેવોની મિત્રતાને ઘનિષ્ઠ કરી દીધી. દિનેશની પત્ની જયા અને એની બાળકી વિનોદની પત્ની રમા અને એના નાનકડા પુત્ર સાથે ખૂબખૂબ હળીમળી ગયાં. એ પછી બંને મિત્રો માલના વેચાણ માટે બહારગામ જવાનો કાર્યક્રમ લગભગ સાથે જ ગોઠવતા. આ કાર્યક્રમને ભાગરૂપે આજે બંને દ્વારકા નગરીમાં સાથે થઈ ગયા હતા. અહીં અવાર-નવાર આવવાનું થતું હોવાથી એમના રાતવાસાની હોટલ અને જમવાની લોજ નિશ્ચિત હતાં.

આ નાનકડા શહેરની બજારની રઝળપાટ અને ઓર્ડરોની નોંધણી કરી રાત્રે દરિયાકાંઠાની રેતી પર બેઠાં ત્યારે દિનેશે સહજભાવથી મિત્રને કહ્યું :
‘આવી રઝળપાટથી તો દોસ્ત હું કંટાળી ગયો છું. મહિનામાં પંદર-વીસ દિવસ તો બહારગામ જ રહેવાનું થાય છે.’
વિનોદ હસ્યો. એણે કહ્યું : ‘દિનેશ, તું કોઈ સરકારી નોકરી લઈ લે. સાંજે પાંચ વાગે તો ઘેર. પહેલી તારીખે બાંધેલો પગાર અને પછી કરો આખા દિવસની મજા. એમાં કેટલી બધી સરકારી રજાઓ હોય ! બસ, આખું વર્ષ આરામ. સી.એલ., પી.એલ., સીક-લીવ ભોગવતા જ જાઓ.’
‘આપણે એટલું બધું ભણ્યા હોત તો જોઈએ શું ?’ ઘરની પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડી આ ચક્કીમાં પિસાવું પડે છે ને !’
‘ચક્કીમાં પીસાવાની પણ એક પ્રકારની મજા હોય છે. જેમજેમ પિસાતા જાઓ એમ એમ કમાવાની ચાનક ચડે. ટાર્ગેટ પૂરો કરીએ તો ઈન્સેન્ટિવ મળે, વેચાણ વધુ થતાં કમિશન પ્રાપ્ત થાય અને લાગ મળે તો કોઈ પ્રોડક્ટની એજન્સી પણ લઈ લેવાય.’
‘એ સાચું, ધંધામાં લાભ પણ છે અને નુકશાન પણ છે. બાંધેલા પગારમાં બરકત ન હોય.’
‘એ સાચું…… પણ વિનોદ, હમણાં તારા દિલ્હીના આંટાફેરા વધી ગયા છે તે વાત શું છે ?’
‘તને કહેવાનો જ હતો પણ વાત કાચી છે એટલે કહી નથી. ત્યાંની એક કંપની ઈલેકિટ્રક ઈસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, ગિઝર જેવી આઈટમો બનાવે છે. એમાંની એક-બે આઈટમોની એજન્સી લેવાનો વિચાર છે. બોલ છે વિચાર ? તે તારે માટે એકાદ આઈટમની વાત કરું.’
‘મને એના માર્કેટિંગ પર ભરોસો નથી. બજારમાં નામી કંપનીઓ એના આવા માલનું વેચાણ કરે જ ને !’
‘આપણને તો ભઈ, એમાં રસ પડ્યો છે. નામી કંપનીઓ જાહેરાતો દ્વારા વેચાણ વધારે છે તો એના જેવો જ માલ આપણે વેચાણકલા દ્વારા ખપાવવાનો છે. આમાં કમિશન મોટું છે અને લાંબા સમયની ક્રેડિટ છે.’
‘સારું, મારે લાયક કંઈ હોય તો જોજે….’ અને પછી દિનેશે મૂળ વાત પર આવતાં કહ્યું : ‘વિનોદ, યાર, સરકારી નોકરીનો એક લાભ તો ખરો જ…..’
‘કયો ?’
‘ભલે એમાં બે પાંદડે ન થવાય એમાં સિક્યોરિટી તો ખરી ને ! નિવૃત્ત થઈએ ત્યારે પેન્શન મળે, ગંભીર માંદગીમાં સરકાર મેડીકલ બિલો ચૂકવે અને ગ્રુપ-ઈન્સ્યોરન્સનો ય લાભ મેળવી શકાય. ધાર કે આપણો ધંધો બેસી ગયો તો ? એ કરતાંય અચાનક ગંભીર માંદગીમાં સપડાયા અને ધબી ગયા તો ? આપણાં બૈરી-છોકરાંનું શું થાય ?’

વિનોદ હસ્યો. એણે દિનેશના ખભા પર હાથ મૂકી કહ્યું :
‘હમણાં હમણાં તું આવા વિચારો બહુ કરતો થઈ ગયો હોય એમ લાગે છે. દરેક ધંધો કરતો માણસ આવું વિચારે તો એ ધંધો જ ન કરી શકે. આપણે તો લાંબુ જીવવાના છીએ એ આશાથી જ આગળ વધવાનું છે. હજી આપણી ઉંમર પણ છે શું ? માંડ ત્રીસીએ પહોંચ્યા છીએ. હજુ ખૂબ જ લાંબી મંજિલ આપણી સામે છે.’
‘તારી એ વાત ખરી પણ હમણાં જ દસ-પંદર દિવસ પહેલાં અમારી બિલ્ડીંગમાં રહેતા અને બિલ્ડીંગ-કોન્ટ્રેક્ટનંં કામ કરતા એક ભાઈ ગુજરી ગયા. બે-ત્રણ વર્ષથી જ એણે આ ધંધો શરૂ કરેલો. આટલાં વર્ષમાં એ ખાસ કમાયા પણ નથી. હવે એના બૈરી-છોકરાંનું કોણ ? એટલે જ મને આવા વિચારો આવે છે.’
‘તું યાર ચિંતા ન કર. ધાર કે તને કંઈ થયું તો તારા ફેમિલીની જવાબદારી મારા માથે.’
‘પ્રોમિસ ?’
‘પ્રોમિસ.’
‘આ દ્વારકાધીશના મંદિરની ધજાની સાક્ષીએ ?’
‘ધજાની સાક્ષીએ. આ દરિયાનું પાણી હાથમાં લઈને વચન આપું છું.’ કહી એ સમુદ્ર પાસે ગયો, પાણી હાથમાં લઈ દૂર દેખાતા મંદિરની સાક્ષીએ એ મેલ્યું.
‘જો દિનેશ, મં તને પ્રોમિસ આપી દીધું પણ હવે આવા નિરાશાવાદી વિચારો મનમાંથી કાઢી નાખ. આપણે કમાવું છે, ખૂબખૂબ કમાવવું છે, બંગલા બાંધવા છે અને કુટુંબને સુખી કરવું છે. સરકારી નોકરીમાં ભલે સુરક્ષા હોય પણ એમાં બે પાંદડે ન થવાય, સિવાય કે આડુંઅવળું કરો તો. આપણે બંને જણા શું કરતા હતા ? નોકરી જ ને ? પછી સ્વતંત્ર થયા અને કમિશન પર કામ શરૂ કર્યું. હવે એથી આગળ વધી કોઈ એજન્સી લઈએ. એ પછી ડિસ્ટ્રીબ્યુટર બનીશું ને નસીબમાં હશે તો કોઈ દહાડો ફેકટરી નાખી ઉત્પાદક પણ બની જઈશું… ચાલ ઊઠીશું હવે ? કાલે સવારમાં બજારમાં રખડી બપોરની બસ પકડી લેવી છે.’

વિનોદે જ્યારે દ્વારકાધીશના મંદિરની સાક્ષીએ પાણી મૂક્યું ત્યારે એને ખ્યાલ નહોતો કે ખરેખર આવું બનશે. એણે તો મિત્રની નિરાશા ખંખેરવા સધિયારો આપેલો પણ ત્રણેક વર્ષની અંદર દિનેશ ખરેખર મૃત્યુ પામ્યો ત્યારે વિનોદને એના વચનની ગંભીરતા સમજાઈ. દિનેશની પુત્રી ભાવના હજુ નાની હતી. એ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એના પુત્ર મેહૂલે હમણાં જ સિનિયર કે.જી.માં એડમિશન લીધેલું. દિનેશની પત્ની જયા ખાસ ભણેલી નહિ. પણ એ પરિવારનું શું ? વિનોદને યાદ આવ્યું કે દ્વારકાના દરિયાકાંઠે દિનેશ જોડે દિલ્હીની પાર્ટીની ચર્ચા કરતી વખતે મનોમન એણે દ્વારકાધીશને પ્રાર્થી લીધેલા કે આ પાર્ટી જોડે લાંબા સમયના સંબંધ બંધાય. કદાચ દિનેશને આપેલા વચનના આ સુકૃત્ય બદલ જ એની પ્રાર્થના સંભળાઈ અને એને એજન્સી મળી. આ એજન્સીને કારણે હવે સારું કમાતો હતો. દિલ્હીની કંપનીએ હમણાંહમણાં શો-રૂમ ઊભો કરવાની પણ દરખાસ્ત મૂકી છે. એનું ભવિષ્ય ઊજળું હતું તો દિનેશના પરિવારનું ભવિષ્ય ?

દિનેશની વરસી વાળતી વેળા એ એની પત્ની જયાને બેડરૂમમાં લઈ ગયો અને એના હાથમાં રૂપિયાની નોટો મૂકતાં કહ્યું :
‘ભાભી, તમે મૂંઝાતા નહિ. હું બેઠો છું ને !’
જયા રડી પડી. ભાભીને દિયરે ખૂબખૂબ આશ્વાસન આપ્યું. એ પછી દર મહિને જયાને ઘર ચલાવવા માટે વિનોદ કંઈ ને કંઈ રકમ આપતો રહ્યો, સમયાંતરે એના ઘરની પૃચ્છા કરતો રહ્યો. પણ વિનોદના આ વહેવારથી એની પત્ની રમાના મનમાં શંકાનો કીડો સળવળતો ગયો. પતિ વારંવાર જયાને ત્યાં શું કામ જાય છે ? વારંવાર પૈસાટકાની શું કામ મદદ કરે છે ? જ્યા જુવાન છે એટલે ? રૂપાળી છે એટલે ?

એક દિવસ વિનોદ રાત્રે મોડો ઘેર આવ્યો કે રમાએ પૂછ્યું :
‘આજે આટલા મોડા કેમ ? દરરોજ તો રાત્રે નવ વાગે ઘેર આવી જાઓ છો. ઘડિયાળમાં તો જુઓ. અગિયાર વગાડી દીધા તમે.’
કપડાં બદલાવતાં વિનોદે કહ્યું : ‘દિનેશને ત્યાં ગયો હતો. ઘણા વખતથી જવાયું નહોતું.’
‘હું એમ કહું છું કે એ જયા તમારી શું સગી થાય છે તે એને ત્યાં તમારા આંટાફેરા વધી ગયા છે ? એના દૂરના સંબંધીઓ છે. એ એની દેખભાળ કરશે. તમારે એના વહાલા થવાની જરૂર નથી.’
‘તું પણ શું રમા, જમતી વેળા આવી પારાયણ માંડી બેઠી છે.’
‘તમને તો એ જયાએ જમાડ્યું હશે ને !’
‘હા, ચા-નાસ્તો કરાવેલાં.’
‘કેમ ન કરાવે ? તમારા જ પૈસાથી તમારું પેટ ઠારે એમાં નવાઈ શી ?’ એ દિવસે પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. પછીના સમયમાં ઝઘડાનો વ્યાપ વધતો ગયો. દિવાળીના દિવસોમાં વિનોદે પોતાનાં સંતાનો સાથે દિનેશના સંતાનોનાં કપડાં ખરીદ્યાં ત્યારે રમાએ મેણું માર્યું :
‘તમારી જયા માટે સાડી નથી લેવી ? માત્ર સાડી જ શું કામ ? ચણિયા-બ્લાઉઝ પીસ-બધું ય લઈ દોને. એને ખુશ રાખશો તો તમારું કામ બની જશે. હમણાંહમણાં બહુ કમાઓ છો ને ?’

દિવસેદિવસે રમાનો સ્વભાવ કર્કશ બનતો ગયો પણ મિત્રને આપેલા વચનને વિનોદ અક્ષરશઃ પાળતો રહ્યો. એ વચનની વાત પત્નીને કહેવાનો કોઈ અર્થ સરતો નહોતો. જોકે, સમય જતાં રમાએ પણ મન વાળી લીધું કે આ બાબતની પતિ જોડે ચર્ચા કરવી પણ નિરર્થક છે. ભલે જયા જોડે સંબંધ રાખે પણ ઘરગૃહસ્થી તો નિભાવે છે ને ! જયા કરકસરથી જીવતી. એનો એક માત્ર સહારો હવે એના પતિનો દોસ્ત હતો અને દોસ્ત પણ કેવો ! સાક્ષાત લક્ષ્મણજતિ. એ જ્યારે આ ઘેર આવતો ત્યારે હંમેશાં ઘરના દરવાજા ખુલ્લા રખાવીને જ બેસતો. ક્યારેય એણે એની સામે નજર પરોવી નહોતી. જયાનાં બંને બાળકોને એ વહાલ કરતો, એને માટે કશુંક ખરીદી લાવતો અને આનંદ કરાવી રમાડતો. આ જમાનામાં આટલું બધું કોણ ઘસાવાનું હતું ? વિનોદને દિલ્હીની પાર્ટી ફળી હતી. હવે એ પાર્ટીનો ડિસ્ટ્રીબ્યુટર પણ બની ગયો હતો. આટલા સમયમાં એ કંપનીએ ઘણાં નવાં ઈલેકિટ્રક ઉપકરણો વિકસાવ્યાં હતાં, જેના અમુક પ્રાંતના વેચાણ હક્ક વિનોદના હસ્તક હતા. બંને એકબીજાના વ્યવહારોથી સંતુષ્ટ હતા.

દિનેશની પુત્રી ભાવનાએ બારમું ધોરણ પાસ કર્યું અને વાણિજ્યનો અભ્યાસ કરવા કૉલેજમાં જવા લાગી ત્યારે વિનોદે કહ્યું : ‘બહેન, હવે તું ધીમેધીમે ઘરની જવાબદારી ઉપાડતી થા. તારી સવારની કૉલેજ છે એટલે બપોરે તું આપણા શૉ-રૂમમાં આવ. તને પગાર માંડી આપીશ પણ હવે ઘરની જવાબદારી માથે લઈશ તો મને આનંદ થશે.’ સમયની માંગ સમજી ભાવના સેલ્સગર્લ બની ગઈ. વિનોદનાં સંતાનો પણ હવે પપ્પાની ઑફિસમાં આવતાં ગયાં.

પણ આટલા સમયમાં રમા ક્યારેય જયાને મળવા નહોતી ગઈ. કંઈ ને કંઈ બહાનું ટાળી એ એને ઘેર જવાનું ટાળતી. વિનોદ દ્વારા રમાનું માનસ જાણી જયા પણ વિનોદને ત્યાં નહોતી જતી. એમનાં સંતાનોને પણ નહોતી મોકલતી. કલહને કંકાસમાં ફેરવવા નહોતી માગતી. એ ભાવનાની સગાઈમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવા ગઈ ત્યારે રમાએ જોકે મોં મચકોડ્યું પણ આજે, આટલાં વર્ષે જયાએ હવે ઘટસ્ફોટ કરવો પડ્યો. એણે કહ્યું :
‘રમાભાભી, હું તો બહુ નાની વયે વિધવા થઈ. મારું પિયર અતિ નબળું. જો વિનોદભાઈ પડખે ન હોત તો મારે છોકરાઓ સહિત આપઘાત કરવો પડ્યો હોત….’
‘જયાભાભી,’ રમા કટાક્ષમાં બોલી, ‘તમે એને બરાબર પડખામાં રાખ્યા છે.’
‘ભાભી, ભાભી આ શું બોલો છો ? તમે ખુદ વિનોદભાઈનું પડખું સેવ્યું છે છતાંય એને જાણી શક્યાં નથી ? હું સીતા તો નથી. એના જેવી થઈ શકું એમ પણ નથી પણ વિનોદભાઈએ ખરેખર લક્ષમણજતિનો પાઠ ભજવ્યો છે. એની સાથેના આજના દિનના અમારા વ્યવહારોની વાત અમારા મોઢે કહેવડાવવાને બદલે મારા પડોશીઓ પાસેથી જાણશો તો તમારા મનની બધી ભૂતાવળ દૂર થશે. એ માત્ર મારા દિયર જ નથી રહ્યા, સગ્ગા, મા-જણ્યા ભાઈથી પણ વિશેષ છે. મારા તો એ દિયર પણ છે ને ભાઈ પણ છે.’ આટલું બોલી જયાએ દ્વારકાની રેતીના પટ પર બેસી બંને મિત્રોએ જે વાતો કરી હતી, વચનો લીધાં-દીધાં હતાં એની વાત કરી ઉમેર્યું, ‘કોણ જાણે, એક સારા વિચારનો બદલો ભગવાન કઈ રીતે આપી રહે છે તે આજે વિનોદભાઈ ખૂબ મોટા વેપારી બની ગયા છે. દર વર્ષે હું દ્વારકાધીશની જાત્રા કરું છું ને ભગવાનને વિનવું છું કે ભાઈને બરકત આપતો રહેજે ભલા ભગવાન. જોઈએ તો મારા આયખામાંથી થોડાં વરસ ઓછાં કરી નાખ પણ એને મારી ઉંમર દેજે. બસ, આટલું…..આટલું…..’

જયાની આંખોમાં આંસુ આવી ગયાં. એ બહુ બોલી શકી નહિ. એણે વાંકા વળી રમાનો ચરણસ્પર્શ કર્યો અને ગળગળા સ્વરે તૂટક તૂટક શબ્દોમાં કહ્યું : ‘ભાભી, વિનોદભાઈ દેવ છે તો એની દેવીને હું નમી લઉં. આ નમનના તમે અધિકારી છો. પુણ્યશાળી માણસનું પુણ્ય તમને પણ લાગે. ભાવનાની સગાઈમાં તમે આવો એવી મારી આગ્રહભરી વિનંતી. બીજું શું કહું ?’
જયા ઊભી થઈ. રમાએ એનો હાથ પકડી બેસાડતાં કહ્યું :
‘જયાભાભી, મારા ઘરની ગોળની કાંકરી પણ નથી ચાખવી ? ચા-નાસ્તો નથી કરવાં ? વર્ષો સુધી હું અંધારામાં અટવાતી રહી અને હવે જ્યારે પ્રકાશ પાથર્યો છે તો…. બેસો…. ના ના, મારી સાથે રસોડામાં આવો. ચામાં ખાંડ આજે તમે નાખજો ભાભી…..’
આટલું બોલતાં બોલતાં ખુદ રમા જ રડી પડી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

21 thoughts on “વચન – ગિરીશ ગણાત્રા”

Copy Protected by Chetan's WP-Copyprotect.