[ તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘પોક મૂકીને હસીએ’માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે. સર્જક શ્રી અમૃતભાઈએ આમ તો ‘વાલ્મીકિ રામાયણમાં ભવિષ્યકથન-એક વિવેચનાત્મક અભ્યાસ’ વિષય પર પી.એચ.ડી કર્યું છે પરંતુ તે સાથે સાહિત્ય-સાધનાના ક્ષેત્રમાં તેમના કુલ ત્રણ હાસ્યલેખોના પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યાં છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ ડૉ. અમૃતભાઈનો (મોરબી) આ નંબર પર +91 9879879900 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
[1] એક પત્ર-નરકમાંથી
પ્રિય અર્ધાગના….!
સંબોધન વાંચતા જ તું ચમકી જશે !
દુનિયા ભલે તને ‘ડોશી’ તરીખે ઓળખતી હોય, મારે મન તો તું સાઠ વર્ષ પહેલા હતી તે જ આજે પણ છો. શરીર વૃદ્ધ અને જર્જરિત થાય છે, મન થોડું ઘરડું થાય છે ? આ વાત માત્ર કવિઓ અને શાયરો જ સારી રીતે જાણે છે !
મારા પૃથ્વી પરથી ગયાને લગભગ ચારેક વર્ષ પૂરાં થવા આવ્યાં છે. ગત વર્ષે આપણા પુત્રો, પૌત્રો અને દૌહિત્રોએ મળીને મને ઉત્સવભેર પિતૃઓની નાતમાં ભેળવી દીધો એ પણ મેં નજરે જોયું અને ખુશી અનુભવી. આમ તો તું પણ જાણે છે કે પૃથ્વી પરથી નીકળ્યા પછી કોઈને એ જ સ્વરૂપે પાછા ફરવાનો જરાય અધિકાર હોતો નથી. અરે હા, પાછું વળીને જોવાનો પણ પ્રતિબંધ છે. આમ છતાં તક મળી છે તો તને ઉતાવળે-ઉતાવળે એક પત્ર પાઠવી દઉં છું. મારા અક્ષરોનો રંજ તો તેં કદી જીવતે જીવ પણ નથી રાખ્યો તો હવે તો શાનો રાખીશ ? એક ભાઈ કે જેને ડૉક્ટરોએ સ્વર્ગવાસી જાહેર કરી દીધા હતા એ ખરેખર સ્વર્ગમાં નહોતા પહોંચ્યા પરંતુ નરકમાં જ એકાદ મિનિટ રહીને પાછા ધરતી પર પરત ફર્યા છે. આ ભાઈ છાત્રાલયમાં મારા રૂમ પાર્ટનર હતા. એ ઓળખાણે આ ચિઠ્ઠી લખી મોકલી છે એ તને જરૂર પહોંચાડશે.
મને તમે લોકો ‘સ્વર્ગસ્થ’ સમજો છો, ખરેખર તો હું નરકમાં નિવાસ કરું છું, આપણા માટે આ જ સારું છે. દુનિયાના લગભગ મોટાભાગના માણસો અહીં જ આવે છે. કદાચ જો હું ખરેખર સ્વર્ગમાં ગયો હોત તો મૂંઝાઈ મરત ! નેતાઓ, અમલદારો, કર્મચારીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ડૉક્ટરો, વકીલો અને અને…..એ બધાં જ અહીંયાં છે. તમામ ધંધાના દલાલો તો બધાં અહીયાં જ છે અને અહીં પણ એ જ ધંધો કરે છે ! સ્વર્ગમાં જવાનો મુખ્ય માર્ગ અમારા દરવાજા પાસેથી જ નીકળે છે. એમાં મહિને દિવસે માંડ એકાદ-બે વ્યક્તિ પસાર થતી જોવા મળે છે ! અહીં તો ટોળેટોળાં ઉમટી રહ્યાં છે !
અરે ! આપણા ગામની જ વાત કરું તો ત્યાંથી જે ગયા છે એ બધાં અહીં મારી સાથે જ છે. એક પેલા રવાભગત કે જેણે આપણા ગામની આજુબાજુ ઝાડવાં ઉછેરી મોટાં કર્યા છે, ચબુતરો બનાવ્યો છે અને પશુઓ માટે કાયમ હવાડો ભરી જતા એ મને કદી ભેગા નથી થયા. નક્કી એ સ્વર્ગમાં હોવા જોઈએ. પેલા રાજીમાં, કે જે શિવમંદિરે આવતા સાધુ-સંતો, અતિથિઓ અને ગરીબ-ગુરબાંઓને ભાતું પહોંચાડતા એમને સ્વર્ગ તરફ જતા મેં જોયેલા. તને જાણીને નવાઈ લાગશે કે આપણે ત્યાં મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા વખતે કથા વાંચવા આવેલા એ ‘બાપુ’ પણ અમારા ભેગાં છે ! ધરતી પર આશ્રમો, સત્સંગ, શિબિરો વગેરેમાંથી નવરા નહોતા પડતા એવા કેટલાય ‘મહારાજ’ અમારી વચ્ચે છે. એકવાર જૂની શ્રદ્ધાને વશ થઈ હું એક-બેના પગે પડ્યો તો અહીંના રક્ષકોએ મને ખૂબ પીટ્યો અને કહ્યું કે અહીં તમારા અને તેના વચ્ચે કશો જ ભેદ નથી, સમજ્યા….?
સ્વર્ગ તો જેવું હોય તેવું ખરું. નરકની વાત કરું તો અહીં એટલું ખરાબ નથી કે પૃથ્વી પર જેટલી એની વાતો થતી’તી ! મજા તો એ વાતની છે કે અમારા સમયનાં બધાં જ હીરો-હિરોઈનો અમારી સાથે છે. હવે અમારી વચ્ચે કશોય ભેદ નથી. અહીં તો એ હવે કોઈને બગાડી શકે એમ પણ નથી. કારણ કે આ લોકમાં કોઈએ કશુંય કરવાનું નથી, માત્ર ટકી રહેવાનું છે ! પહેલા જે હિરોઈનના સ્ટેજ શૉ જોવા મોંઘી ટિકિટ લઈને જવું પડતું અને સો મીટર દૂર બેસવું પડતું એની સાથે આજે હાથ મિલાવીએ છીએ અને વાતો કરીએ છીએ. અહીં બીડી, ગુટખાં, પાન-મસાલા કે ચા-કોફી મળતાં નથી એટલે મોટાભાગના લોકો પડી ગયેલા મોંએ જ જીવી રહ્યાં છે. આ લોકમાં ગંદકી તો ખરી જ, એટલે ગામડેથી આવતા જીવો થોડાં કચવાય છે, બાકી શહેરવાળાઓ તો આ વાતાવરણમાં જલ્દી ગોઠવાઈ જાય છે. એમાંય અમદાવાદના ‘ગુલબાઈ ટેકરા’ કે મુંબઈના ‘ધારાવી’ વિસ્તારના રહેવાસીઓને મન તો આ જ ‘સ્વર્ગ’ છે ! ધરતી પર આપણને સ્વર્ગ અથવા નરક ઊભું કરવાનો અધિકાર હતો. અહીં તો જે છે તે જ. આપણા પ્રયત્નો સાવ નિરર્થક બની રહે છે. તને આ વાતથી આશ્ચર્ય થશે કે ક્યારેક ક્યારેક એક ખાસ વૃંદ સ્વૈરવિહાર કરવા નીકળે છે. એને બધાં ‘મુક્ત આત્માઓ’ તરીકે ઓળખે છે. એમને ગમે ત્યાં વિહરવાની અને રહેવાની છૂટ હોય છે. આમાંના થોડાંકને હું ઓળખી શક્યો છું; – ઈશુ, બુદ્ધ, મહાવીર, કબીર, તુલસી વગેરે. એમાં ગાંધીબાપુ પણ છે ! અરે, અહીંના સ્વર્ગ તરફ જતાં રસ્તાને બધાં ‘મહાત્મા ગાંધી માર્ગ’ તરીકે ઓળખે છે ! આપણે જીવતે જીવ, ગાંધીને સમજવાની જિજ્ઞાસા હૃદયથી કદી કરી જ નહીં ! કેવડો મોટો આત્મા-ખરેખર મહાત્મા !
અને હા, છેલ્લે એ પણ જણાવી દઉં કે તું નીતિ, દયા અને હરિસ્મરણ બધું છોડી દે તો સારું. નહિતર તું સ્વર્ગમાં જશે તો આપણે કદીએ ભેગા નહિ થઈ શકીએ.
તારી પ્રતિક્ષા અને તારી યાદમાં,
તારો જ, પરસોત્તમ.
[2] ઉધાર વિશે
એક પરિચિત ગૃહસ્થને ત્યાં નાનકડો પ્રસંગ હતો. આ સામાન્ય પ્રસંગમાં અસામાન્ય આમંત્રિતોની ઉપસ્થિતિ ખાસ ધ્યાનાકર્ષક હતી. એમની સોસાયટીના ફલોરમિલવાળાથી માંડી હૅરકટીંગ સલૂન, દરજી, દૂધની ડેરીવાળા જેવા ધંધાદારીઓ, ‘સુમન એન્ટરપ્રાઈઝ’, ‘ઉદય કાપડ ભંડાર’, ‘વર્ષા કિરાના’, ‘પદમલ જનરલ સ્ટોર્સ’, ‘ચલકચલાણી સાડી સેન્ટર’ જેવી શહેરની અનેક નામાંકિત શોપ્સના પ્રોપ્રાઈટર્સ નજરે ચડતા હતા. આ સિવાય કેટલાય નાના-મોટા ઉદ્યોગપતિઓ પણ હાજર હતા. ટૂંકમાં, તેમના સગાંસંબંધીઓ કરતાં આ લોકોની સંખ્યા સવિશેષ માલૂમ પડતી હતી. મને ક્યારેય એવો વિચાર પણ નહોતો આવ્યો કે મજકૂર યજમાન આ દરજ્જાના મોટા માણસ હશે ! તક મળતા મેં યજમાન ગૃહસ્થની પાસે આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછ્યું : ‘તમારે ત્યાં આ સામાન્ય પ્રસંગમાંયે મોટા માણસો વખત કાઢીને પધાર્યા છે… તમારી પ્રતિષ્ઠા આટલી હશે એ તો….’ મારું વાક્ય પૂરું થાય એની રાહ જોયા પહેલા જ તેઓ બોલ્યા, ‘….. આ લોકોને જ મારી સાથે સંબંધ રાખવામાં રસ છે…. જો ડૉક્ટરો ઉધારમાં સારવાર આપતા હોત તો એ પણ દવાખાના બંધ કરીને આજે આવ્યા હોત…..!’
ઘડીભર તો મને એમની વાત ન સમજાઈ. પરંતુ જ્યારે પેલા મહાશયવૃંદ બાજુમાં ઘડીક બેઠો ત્યારે એક-બે જણાની આપસની વાત પરથી જાણવા મળ્યું કે આ લોકોની ઉછી-ઉધારીના નાણાં આ ઘરધણી પાસે સલવાયાં છે….. આથી સંબંધ જાળવવાની ખેવના આ લોકોને છે ! પેલો પણ દરેક નાના-મોટા પ્રસંગમાં આ બધાને નિમંત્રણ પાઠવીને સંબંધ ટકાવવાનો લ્હાવો લૂંટાવી રહ્યો છે. ઉપરાંત, ચાંદલો, ભેટ-સોગાદ અને ઝભલા લેખે હજુયે તેમને ખંખેરી રહ્યો છે ! મને પહેલી વખત જ્ઞાન થયું કે ઉછી-ઉધારીથી મનુષ્યના સંબંધો સારા રહે છે, ફિલ્ડ વિકસે છે અને પ્રતિષ્ઠા વધે છે. આજ સુધી હું એવા જ વહેમમાં રાચતો હતો કે ઉધાર લેવું એ નબળા માણસની નિશાની છે ! ખરેખર તો નબળાને ઉધાર આપેય કોણ ? આ પ્રસંગ પછી ખબર પડી કે સામાન્ય સંબંધીઓ કરતાં આપણે જેની પાસેથી ઉછી-ઉધારી કરી છે એવા લોકો આપણી સાથે પૂરાં વિનયથી અને વધારે મીઠી ભાષામાં વ્યવહાર કરે છે. જો આદરમાન વધતા હોય, સંબંધો પ્રગાઢ બનતા હોય તો ભદ્ર માણસે આ પ્રવૃત્તિને શા માટે ત્યાજ્ય ગણવી ? ઈશ્વરનું મુખ્ય કર્તુત્વ જીવોનો ‘ઉદ્ધાર’ કરવાનું છે. ‘ઈશ્વર અંશ જીવ અવિનાશી’ ને નાતે પણ, જીવ બીજા જીવનો ઉદ્ધાર નહીં, તો પણ તેમાંનું થોડુંક એટલે કે – ઉધાર તો આપી શકે છે ! આ ઉધારથી કૃપાપાત્ર જીવનું કલ્યાણ જ થાય છે ! ‘नहि कल्याणकृत्कश्चिददुर्गतिं तात गच्छति….’ એમ શાસ્ત્રો પણ વદે છે.
બીજાને માથું મારીને ઉદરપૂર્તિ કરવી એ પશુઓનો સ્વભાવ છે. પોતાના સુખ પામતા રહી અન્યને સુખ મળે એવો વિચાર કરવો એ સામાન્ય માણસનું લક્ષણ છે. બીજાનાં સુખ માટે થોડું દુઃખ વેઠવું એ ઉમદા ઈન્સાનનો ગુણ છે. પરંતુ આજકાલ માનવતા ખોરંભે પડી છે. એટલું જ નહીં, મનુષ્ય બીજા મનુષ્યમાંથી શ્રદ્ધા ગુમાવી રહ્યો છે. ઉધાર એ એક માણસની અન્ય માણસમાં રહેલી શ્રદ્ધાનું પ્રતિક છે. વર્તમાન સમયમાં તો થોડી ઘણી બચેલી આ શ્રદ્ધા પર છડેચોક કુઠારાઘાત થઈ રહ્યો છે ! ઉધાર વિરોધી સ્લોગનો લગભગ દુકાનો પર લટકતાં જોવા મળે છે. જેમને ઉધાર આપવાથી ધંધો બંધ થાય છે એવી ખાતરી થઈ ગઈ હોય એ ભલે આવું માનવતા વિહોણું કૃત્ય કરે. પરંતુ જેઓ હજુ નવી દુકાન કે એકમ શરૂ કરે છે એવા વ્યાપારીઓ પણ વગર અનુભવે અને સમજણ વિના જ આવા બોર્ડ ટાંગી બેઠાં છે ! આથી જ કોઈકે આ લોકને ગતાનુગતિકો લોકઃ ‘ગાડરિયા પ્રવાહ’ જેવો કહ્યો છે.
‘ઉધાર માગીને શરમાવશો નહીં’ જેવા શરમજનક સુવિચારો બજાર વચ્ચે દુકાન ખોલીને બેઠેલાઓએ જાહેરમાં ટીંગાડી રાખ્યા છે. કોઈ ઉધાર માગે ને શરમાવું પડે એવી સ્ત્રી સહજ લજ્જાવાળા દુકાનદારોને ભરબજારમાં બેસતા શરમ શીદને નહીં આવતી હોય ? ‘આજે રોકડા, કાલે ઉધાર’ જેવાં ઉલ્લુ બનાવનાર વિધાનો દુકાનમાં ચોંટાડી મૂક્યાં છે તેવા વેપારીઓ આ બોર્ડ દ્વારાય જો આપણને ઉલ્લુ બનાવી શકતા હોય તો તેમના માલ-સામાન વિશે તો કહેવાનું જ શું હોય ? અમુક ઉત્પાદકો વેચનારાઓને તો ઉધાર આપે છે ને સાથે સાથે બીજાને ઉધાર ન આપવાની સલાહ પણ તેમને આપતા જાય છે ! પોતાની આ સંવેદના કાવ્યરૂપે અભિવ્યક્ત કરી, એ છાપેલી શિખામણ દુકાને ચોંટાડી રાખવાનો આગ્રહ રાખે છે ! હદ તો ત્યાં થાય છે, નામ રાખ્યું હોય – ‘પરમેશ્વર એન્ટરપ્રાઈઝ’, ‘કુદરત કિરાના’, ‘જગદંબા સ્ટોર્સ’, ‘શિવમ રેડીમેઈડ’, ‘જગદીશ જ્વેલરી’, ‘શ્રદ્ધા ફરસાણ’, ‘સંતોષી શૂઝ હાઉસ’ વગેરે વગેરે…. ઈશ્વરના નામે ચાલતાં આવા એકમો પણ ‘ઉધાર બંધ છે’ ના પાટિયાં લટકાવી દુકાનને અખંડ સૌભાગ્યવતી બનાવે છે ત્યારે આપણને થાય છે કે આ લોકોએ પરમાત્માના નામનું બોર્ડ એટલા માટે લખ્યું છે કે તેમને બીજું નામ મળ્યું જ નહીં હોય. અન્યથા જેને પરમાત્મામાં વિશ્વાસ હોય એવા દુકાનદારો તેમનો નિવાસ જેમાં છે તેવા હૃદયવાળા મનુષ્યો પર આટલો બધો અવિશ્વાસ કરીને અપમાનિત કરે ખરાં ?
‘ઉધાર લેવું’ એટલે ‘ભીખ માગવી’, ઉધારનો આવો અર્થ કોઈ ભાષાશાસ્ત્રી, સમાજશાસ્ત્રી કે માનસશાસ્ત્રીએ કર્યો નથી. તો પછી વિક્રેતાઓ ‘ઉધાર આપવું’ એટલે ‘ગયા ખાતાનું સમજવું’ આવો અર્થ કરીને પોતાના ઓછા અભ્યાસનું, પોતાનામાં રહેલી ઉદારતાના અભાવનું અને ધંધો ચલાવવાની અણઆવડતનું જ પ્રદર્શન શા માટે કરી રહ્યા હશે ! ઉધાર વિશે વિચારીએ તો સમગ્ર માનવસૃષ્ટિમાં સૌથી અવિશ્વાસુ પ્રાણી તરીકે ‘ડૉક્ટર’ને ગણાવી શકાય. બીજા વ્યવસાયિકો તો થોડી ઘણી ઉધારી જાણે-અજાણે પરાણે કે આંખની શરમે કરી દે છે ! જ્યારે ડૉક્ટરો ભૂલેચૂકેય ઉધારની પ્રથા આરંભતા નથી. ઊલટાનું, ઘણાં વ્યવહારુ ડોક્ટરો અગાઉથી ડિપૉઝિટ જમા કરાવવાની ફરજ પાડી પછી દર્દીનો હાથ પકડે છે કે ઑપરેશન થિયેટરમાં એન્ટ્રી કરાવે છે. જો કે આમ કરીને તેઓ પોતાને જ નુકશાન પહોંચાડતા હોય છે. ઍડવાન્સ ફી લેવાનો અર્થ એવો થાય છે કે મજકૂર દર્દી સાજો કે સ્વસ્થ થવાની શક્યતા ઘણી ઓછી છે….!
નવાઈ તો એ વાતની છે કે કોઈકની ઉછી-ઉધારી કરીને ડોક્ટર બનનાર પણ કોઈનું બીલ ઉધાર રાખતા નથી ! આમ ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની તક જતી કરીને ‘સજ્જન’નું બહુમાન મેળવવાનું પણ ચૂકી જાય છે ! અલબત્ત, ‘ઉધાર’ એ વ્યાપાર સાથે સંકળાયેલો શબ્દ છે. ડોકટરનું ક્ષેત્ર ‘સેવાધર્મ’ અંતર્ગત આવે છે. આથી પૂરવઠો વધે તો ભાવ ઘટે અથવા અછત વધે તો ભાવવૃદ્ધિ થાય એવા નિયમો તેને લાગુ પડતા નથી. ધર્મમાં જેમ મંદિરો વધે છે, ભગવાનો વધે છે, ભક્તો વધે છે, પૂજારીઓ વધે છે, ભિખારીઓ વધે છે – આમ બધું જ વધ્યાં જ કરે છે તેમ આ ક્ષેત્રમાં પણ દવાખાનાઓ વધે છે, ડૉક્ટરો વધે છે, દવાની ફેકટરીઓ વધે છે, દવાઓ વધે છે, દર્દો વધે છે, દર્દીઓ વધે છે, ઑપરેશનો વધે છે અને ડૉક્ટરોની ફી પણ વધ્યાં જ કરે છે ! આ જ બતાવે છે કે ડૉક્ટરોનું ક્ષેત્ર વ્યાપાર નથી, ધર્મ છે…..! તો પછી તેઓ ઉધાર શરૂ કરે એવી આશા રાખવી એ આપણું અજ્ઞાન છતું કરે છે !
[કુલ પાન : 140. કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : કોન્ટેક એડ્સ. ચં.દી. બિલ્ડીંગ, 7/11, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ. ફોન : +91 281 2461142. ઈ-મેઈલ : dineshtilva@gmail.com]
14 thoughts on “પોક મૂકીને હસીએ – ડૉ. અમૃત કાંજિયા”
bogus.. nothing to laugh about..
આ શું? કાંઈ ખબર ના પડી! આમા હસવા જેવું શું હતુ? જો કોઈ મહાનુભવ ને ખબર પડે તો જણાવવા મારી નમ્ર વિનંતી!…
બરાબર ન કહેવાય
ખુબ સરસ,મજા પડિ ગ ઇ.
એક સરસ રમત રમીએ…એક એક વાક્ય લખવાનુઁ ફરજીયાત એક વાક્ય પછી બીજા નો વારો.
સરસ વાર્તા બનશે.
તો ચાલો શરૂ કરીશુ?
એક મોટુ નગર હતુઁ….
te nagar ma ek paresh namno vichitra adami rheto hato.
ક્યારેક ક્યારેક એક ખાસ વૃંદ સ્વૈરવિહાર કરવા નીકળે છે એને બધાં ‘મુક્ત આત્માઓ’ તરીકે ઓળખે છે.
એમને ગમે ત્યાં વિહરવાની અને રહેવાની છૂટ હોય છે.
આમાંના થોડાંકને હું ઓળખી શક્યો છું; – ઈશુ, બુદ્ધ, મહાવીર, કબીર, તુલસી વગેરે. એમાં ગાંધીબાપુ પણ છે !
મીત્રો મુક્ત આત્માઓ એટલે ભુત સમજવું અને આ ભટકતેી આત્માઓ હાલે એટલે કે આજ કાલ ભારતમાં ફરી રહી છે………
HI..
HI.. VACHAK MITRO KEM 6O..
9824985184
Hi KEM CHO
8306533517
બધુજ ગમ્યુ
ગુજરાતી ભાષા સાહિત્ય અને ઉત્તમ લખાણો માટે જાણીતા છે ધન્યવાદ.
બક્વાસ લેખ. લાગે છે કે આ બ્લોગનુ ધોરણ પણ નીચુ થતુ જાય છે…….
કેયુરભાઈ,
હું આપની વાત સાથે સહમત છું.
આખા લેખમાં હસવા જેવું કંઈ પણ લાગ્યું નહિ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}