વિનોબા-વિચાર-દોહન – અનુ. મીરા ભટ્ટ

[ વિનોબાના વક્તવ્યોનું હિન્દીમાં સંપાદન શ્રી પરાગભાઈ ચોલકરે કર્યું હતું, તેનો ગુજરાતી અનુવાદ મીરાબેન ભટ્ટ દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યો છે, જે નેશનલ બુક ટ્રસ્ટ (દિલ્હી) દ્વારા આ પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

સામાજિક જીવનમાં સંયમની ખૂબ જરૂર છે. સંયમ એટલે પોતાના ભોગોની માત્રા અને માપ નક્કી કરવા. જો આપણે આપણા ભોગોની મર્યાદા ન રાખીએ તો બીજા લોકો સાથે, સમાજ સાથે ચોક્કસ અથડામણ થાય. જે ભોગ સૌ કોઈને ન મળે તે ભોગવવાનો અધિકાર આપણને હરગીઝ નથી, આ ભાવના સૌના મનમાં સ્થિર થઈ જવી જોઈએ. કુરાનના એક અધ્યાયમાં ચોરીનો સંબંધ સંયમ સાથે જોડવામાં આવ્યો છે. એમાં કહેવાયું છે કે જો આપણે આપણા ભોગોની મર્યાદા ન રાખીએ તો ચોરી જ કરવાનું શરૂ થઈ જાય છે. આપણે જો આપણું જીવન તપાસીએ, તો કેટલી ચોરીઓમાં ભાગ લઈએ છીએ તેની ખબર પડશે. એટલે આપણા ભોગો ઉત્તરોત્તર ઘટાડતાં જવાં જોઈએ. જે વસ્તુ આપણે નકામી સંઘરી રાખી છે તેને ઓછી કરી દેવી જોઈએ. આપણે આપણી આ મર્યાદા જરૂર બાંધી લેવી જોઈએ કે આપણે સૌ સાથે રહીએ. હા, સૌની પાછળ રહી શકીએ, પરંતુ આગળ તો હરગીજ નહીં. બધાંને જેટલો ભોગ સુલભ હોય તેટલો જ લઈ શકીએ, પરંતુ તેનાથી પણ ઓછો લઈએ તો તે વધારે સારું છે.

સાદું જીવન એટલે સમાજના સ્તર મુજબનું આપણું જીવન બનાવવું. માણસ પોતાના કુટુંબની પરિસ્થિતિ જોઈને વહેવાર કરે છે. કુટુંબમાં એવું નથી થતું કે કોઈએક જણ એશઆરામ ભોગવે અને બીજો અભાવમાં ટળવળે. સમાજ પણ એક કુટુંબ છે. એના પ્રમાણમાં આપણું સ્તર રહે. સાદાઈનો આ મારો અર્થ છે. લોકો જૂના જમાનાનું જીવન જીવે એવું હું નથી ઈચ્છતો. આજના જમાનાની જરૂરિયાતો જરૂર પાર પડવી જોઈએ પરંતુ આપણા દેશનું સ્તર જોઈને એનો વિવેક કરવો જોઈએ.

આજકાલ ‘સ્ટાન્ડર્ડ ઑફ લાઈફ’ (જીવનધોરણ) વધારવાની વાત થાય છે. અર્થશાસ્ત્ર કહે છે કે જીવનધોરણ ઊંચું લાવો. આનો અર્થ એ કે આજે જે રીતે જીવન જીવાય છે, તેના કરતાં એ વધુ સુખસગવડભર્યું બને. આજે પૂરતું ભોજન ન મળતું હોય તો તે મળવું જોઈએ. દૂધ ખૂબ ઓછું મળે છે તો તેમાં વધારો થવો જોઈએ. કપડાં વધારે મળવાં જોઈએ. પરંતુ કઈ કઈ બાબતોમાં વધારો કરશો ? વધારે ફળ ખાશો, વધારે કપડાં પહેરશો, વધારે દારુ-સિગારેટ પીશો કે વધારે મધ ખાશો ? કઈ ચીજ વધારવી અને કઈ ચીજ ઘટાડવી, એ કોણ નક્કી કરશે ? આ નક્કી કરનાર આપણે પોતે હોઈશું. બીજી વાત આ પણ છે કે સારી ચીજોનું ધોરણ પણ કેટલું વધારવું તે પણ વિચારવું પડશે. દૂધ સારી ચીજ છે, પણ એ ય વધારે પીવાથી નુકશાન કરે. એટલે ખરાબ ચીજો તો છોડી જ દેવી અને સારી ચીજોનું પ્રમાણ પણ વધારે વધારી ન દેતાં, એની એક મર્યાદા કાયમ કરવી પડશે. જે લોકો ઘણાં બધાં કપડાં પહેરે છે, એમણે કપડાંની ઓછી જોડ રાખવી જોઈએ. સૌથી મહત્વની ચીજો છે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને આકાશ. આ બધામાં કોઈ જાતની કમી ન કરવી જોઈએ. સારાંશ, જીવનની કેટલીક ચીજો આજે નથી મળી રહી તો તે જરૂર વધારવી જોઈએ. જે અમસ્તાં જ વધારેપડતી વાપરીએ છીએ તે ઘટાડવી જોઈએ. આમ જીવન પ્રમાણસરનું બનવું જોઈએ. હિંદુસ્તાનની આજની હાલતમાં જીવનધોરણ ઊંચું લાવવું જરૂરી છે. સુખ વધારવું જોઈએ, એવું હું પણ માનું છું પરંતુ એમાં બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ (1) પહેલા મારું સુખ વધે આ ખ્યાલ ખોટો છે. આખા સમાજનું સુખ વધે અને એની સાથે મારું પણ વધે અથવા તો પછી મારું વધે (2) કેવળ ચીજ વસ્તુઓ વધારવાથી સુખ નથી વધતું.

જીવનનું ધોરણ વધારવા કરતાં ચિંતનનું સ્તર વધારવા તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. એમાં કોઈ શક નથી કે હિંદુસ્તાન જેવા દેશમાં જ્યાં જીવન-જરૂરિયાતોની ચીજો પણ પ્રાપ્ત નથી થતી, ત્યાં જીવનધોરણ તો વધારવું જ પડે. પરંતુ ઉચ્ચ ચિંતન તો સાદા જીવન સાથે જ સંભવ છે. જ્યાં જ્યાં જીવનનું સ્થૂળ સ્તર ખૂબ ઊંચું થઈ જાય છે, ત્યાં ચિંતનનું સ્તર નીચું પડી જાય છે. હિંદુસ્તાન અમેરિકાની જેમ દોલત વધારતો જાય તેવું હું લગીરે ન ઈચ્છું. આજે હિંદુસ્તાન ગરીબ છે, એને બે ટંક ભોજન નથી મળતું; તો હમણાં ઉત્પાદન વધે, સંપત્તિ પણ વધે એ જરૂરી છે, પરંતુ એ પણ એક મર્યાદામાં જ વધવી જોઈએ. આજે અમેરિકામાં પૂરતી સંપત્તિ છે, જાતજાતનાં સાધન છે, સગવડો છે, તોપણ સંતોષ ક્યાં ? લોકોમાં અંતઃસમાધાન જ નથી. ત્યાં આપઘાતનું પ્રમાણ વધારે છે, કારણ કે સૌનું ધ્યાન બહાર જ બહાર છે. ન આંતરિક ધ્યાન થાય છે, ન કોઈ એકાંતસેવન ! ભજન કરવાની ફૂરસદ જ નથી. કદાચ અઠવાડિયે એકાદ વાર ચર્ચમાં જતાં હશે. બસ, હરહંમેશ સંઘર્ષ. આપણું આ આંદોલન સંપત્તિ અને ઉત્પાદન વધારવાની સાથોસાથ આધ્યાત્મિક સાધના અર્થેનું પણ છે. સંપત્તિ અમુક મર્યાદા સુધી વધારવી જરૂરી છે, કારણ કે અભાવમાં ધ્યાન લાગી ન શકે. પરંતુ પ્રચુરતામાં પણ વ્યક્તિ અંતર્મુખ નથી થઈ શકતો, એટલે સમત્વની આવશ્યકતા છે. જીવનમાં સમત્વ અને સાદાઈ આવે પરંતુ સાદાઈ એટલે દરિદ્રતા નહીં. જેવી રીતે ‘H2O = પાણી’ – આ સમીકરણ છે, એ જ રીતે મેં જીવનનું એક સમીકરણ બનાવ્યું છે કે ‘त2भ = જીવન’. જીવનમાં ત્યાગનું પ્રમાણ બે અને ભોગનું પ્રમાણ એક રહે તો જીવન બને. આજે તો ત્રણેય માત્રા ભોગને જ અપાય છે.

કબીરે લોકોને કહ્યું હતું કે હું તમને વૈરાગ્ય નથી શીખવી રહ્યો, બલકે વ્યવહાર શીખવી રહ્યો છું – पानी बाढो नाव में, घर में बाढो दाम, दोनों हाथ उलीचिए, यही सयानो काम । હોડીમાં પાણી વધી જાય તો ખતરો છે, એ રીતે ઘરમાં સંપત્તિ વધી જાય તો ખતરો છે. હોડીને ચાલવા પાણી તો જોઈએ પરંતુ એ પાણી હોડીની નીચે જોઈએ, હોડીની અંદર નહીં. એ જ રીતે સંપત્તિની જરૂર છે, પરંતુ ઘરમાં નહીં, સમાજમાં. ઘરમાં સંપત્તિ વધી જવાથી એ જ ખતરો પેદા થાય છે અને એટલે જ બે હાથે ઊલેચીને એને બહાર ફેંકી દેવી જોઈએ. હોડીની અંદરનું પાણી બહાર ફેંકી દઈએ તો જ હોડી બચે. કબીરે કહ્યું કે – આ જ વ્યવહાર શાસ્ત્ર છે. જેવી રીતે ફૂટબોલની રમતમાં મારા હાથમાં દડો આવ્યો અને જો મેં એને મારી પાસે જ રાખી મૂક્યો તો ખેલ પૂરો થઈ જાય છે. એટલે મારી પાસે આવેલા દડાને લાત મારીને તરત જ બીજા તરફ ફેંકી દેવો એ મારું કર્તવ્ય બની જાય છે. પછી એ બીજો વળી ત્રીજા ભણી ફેંકશે અને એમ રમત રમાતી રહેશે. આ જ રીતે, આપણી પાસે સંપત્તિ આવી તો આપણે એને લાત મારીને બીજા પાસે ફેંકી દેવી પડશે. પછી એ વળી ત્રીજા પાસે ધકેલશે. આમ સમાજમાં જીવનનો ખેલ અત્યંત સુખમય રીતે ચાલશે. આ વહેવારુ બુદ્ધિ છે, સંન્યાસ નથી. આ તો એક ધર્મકાર્ય છે. હું તો કેવળ એક પ્રાથમિક ભૂમિકા સમજાવી રહ્યો છું. સમસ્ત સમાજની સંપત્તિ વધારવાનો મૂળધર્મ અમે સમાજમાં ફેલાવી રહ્યા છીએ. આ કોઈ અઘરી વાત નથી. આપશો તો બે હાથે પરંતુ પામશો અનંત હાથો દ્વારા, કારણ કે તમને તો ભગવાને બે જ હાથ આપ્યા છે, જ્યારે સમાજના તો અનંત હાથ છે પરંતુ તમારા બે હાથે તમે કશું નહીં આપો, તો તમને કશું નહીં મળે.

ધન દ્રવ્ય બનવું જોઈએ. દ્રવ્ય એટલે દોડનારું, દ્રુત થનારું, એટલે કે વહેનારું. જો એ એક સ્થળે રહે તો ‘ધન’ કહેવાશે અને વહેતું રહેશે તો ‘દ્રવ્ય’ કહેવાશે. દ્રવ્ય ખૂબ જોઈએ. પાણી સતત વહેતું રહે છે તો સ્વચ્છ-નિર્મળ રહે છે. જેવી રીતે નદીનું પાણી આગળ વધતું રહે છે અને પાછળથી નવું પાણી આવ્યા કરે છે, એ રીતે એક હાથે સતત આપતાં રહેવાથી બીજી તરફથી આવતું પણ રહેશે. આપણી પાસે જે ધન આવ્યું, તે તરત બીજા તરફ ધકેલી દેવું જોઈએ. ધન પાસે રહેશે તો તે નિધનનું કારણ બને છે. એટલે ધનનું દ્રવ્ય બનવું જોઈએ. ધન દ્રવ્ય બનાવવાથી ધન્ય થઈ જાય છે. જેવી રીતે ધન દ્રવ્ય બનીને પિતા પાસેથી પુત્ર પાસે અને પછી પૌત્ર ભણી જાય છે, એ રીતે એ આપણી પાસેથી પાડોશી પાસે જવું જોઈએ. ‘ધન’ અને ‘દ્રવ્ય’ આ બે શબ્દ સમજાય તો આખું અર્થશાસ્ત્ર આપણા હાથમાં આવી જાય છે. ધનનું જલદીમાં જલદી દ્રવ્યમાં રૂપાંતર કરવાથી જ એ સમાજના કાલમાં આવે છે.

ભૂદાનમાં ‘દાન’ શબ્દના પ્રયોગ પર કેટલાક લોકોનો આક્ષેપ છે. જે લોકો શબ્દતત્વનો સાર સંઘરી જાણે છે તે પુરાણા શબ્દોને છોડી દેતા નથી, એનામાં નવા અર્થો ભરે છે. પુરાણા ભાષ્યકારોમાં આ કળા જોવા સાંપડે છે. એમણે પુરાણા શબ્દોની શક્તિ વધારી છે. ભગવાન શંકરાચાર્યે દાનની આવી જ વ્યાખ્યા કરી છે. એમણે લખ્યું છે : ‘दानं-संविभागः’ મતલબ કે દાનનો અર્થ સમ્યક વિભાજન છે. ભગવાન બુદ્ધે પણ કાંઈક આવું જ કહ્યું છે यमाहु दानं परमं अनुत्तरं । यं सं विभागं भगवा अवण्णायी – દુનિયાએ જે દાનને અત્યુત્તમ ગણ્યું, તેને ભગવાન બુદ્ધે ‘સંવિભાગ’ કહ્યું. ‘दान’ શબ્દ ‘दा’ ધાતુ પરથી બન્યો છે. दा એટલે દેવું અને दा એટલે કાપવું. કાપવું અને આપવું બંને અર્થ ભેગા કરીને સમ-વિભાજન થાય, એટલે કે પોતાનું કાંઈક કાપીને આપવું. દાનમાં આપણે બીજા પર કશો ઉપકાર નથી કરતા, આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. બીજા લોકોના આપણા પર ઘણા ઉપકારો થઈ ચૂક્યા છે. એટલે આ તો આપણે આપણા પર ચઢેલા કરજને ફેડી રહ્યા છીએ. બાળપણથી જ આપણે સમાજના નિરંતર ઉપકારો લીધા છે. સમાજે આપણને વિદ્યા આપી, આપણું ભરણપોષણ કર્યું છે. એણે આપણી સેવા માટે સેંકડો ચીજો બનાવી છે. એટલે આપણે આપણા મનમાં એમ સમજીએ કે ઉપકાર કરનારો તો સમાજ છે, આપણે નહીં. દાન આપનારા આ ભાવનાપૂર્વક દાન આપે.

માણસ જ્યારે જીવનમાં વહેવારોમાં ઊતરે છે ત્યારે કાંઈક ને કાંઈક તો સંઘરો થઈ જ જાય છે. એટલે એ પાપમાંથી છૂટવાનો ઉપાય આ જ છે કે એ સંઘરાનો એક હિસ્સો સમાજને આપી દેવો. વધારેમાં વધારે જેટલું આપી શકાય, તે અર્પણ કરી દેવું જોઈએ. ભોગ ભોગવનારા દરેક વ્યક્તિનું આ કર્તવ્ય છે. આને दान કહે છે. એમાં મનાયું છે કે તમે થોડો પણ સંઘરો કરો છો તો દાનનું કર્તવ્ય તમને આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે. જેની પાસે સહેજ પણ સંઘરો નથી, એવા માણસો તો જૂજ જ મળે. એટલે દાનના કર્તવ્યથી કોઈ ન છૂટી શકે. આને ‘નિત્ય-દાન’ કહે છે. મતલબ કે, કોઈ ખાસ પ્રસંગે આચરવાનો ધર્મ નહીં પણ સતત આચરવાનો ધર્મ છે. કેટલાક લોકો પૂછે છે કે તમે અત્યારે જમીનનો છઠ્ઠો ભાગ માંગો છો તો એક વાર છઠ્ઠો ભાગ આપી દીધા પછી, એક વાર ધર્મકાર્ય બજાવી દીધા પછી, શું અમારો છૂટકારો થઈ જશે ? તો હું કહેવા માગું છું કે આવું કહેવામાં ધર્મ-વૃત્તિ નથી. તમે લગ્ન કરો છો તો બંધાઈ જાઓ છો કે છૂટી જાઓ છો ? જે રીતે લગ્નમાં બંધાઈ જવામાં તમે તમારું કલ્યાણ સમજો છો, એ જ રીતે ધર્મકાર્યમાં બંધાઈ જવામાં કલ્યાણ જ છે. આપણે એવું તો નથી કહેતાં કે એક વાર થોડું ખાઈ લઈશું તો પછી ખાવામાંથી છૂટકારો મળી જશે. આપણે જાણીએ છીએ કે ખાવાથી દેહ ટકે છે. જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી એને કાંઈક ને કાંઈક આહાર આપવો સારું છે. જેવી રીતે રોજ સ્નાન કરીએ છીએ, રોજ ભોજન કરીએ છીએ, રોજ નિદ્રા લઈએ છીએ, એ જ રીતે દાન પણ નિત્યકાર્ય છે. જેવી રીતે નહાવા, જમવા અને સૂવામાં આપણને રોજ આનંદ અનુભવાય છે, આવું જ નિત્યદાનને સમજનારા લોકોને એમાં પણ આનંદ આવે છે. ભોગથી જે મેલ ચઢે છે, એને ધોવા માટે રોજ દાનરૂપી સ્નાન અવશ્ય કરવું જોઈએ. આપણે જો ક્યારેક ભોગરૂપી મલિનતામાંથી મુક્ત બની જઈશું, ભોગની જરૂર જ નહીં રહે તો પછી દાનની પણ આવશ્યકતા નહીં રહે પરંતુ આપણો ભોગ તો નિરંતર ચાલે છે, એટલે દાન-ક્રિયા પણ નિરંતર ચાલવી જોઈએ. ભારતમાં નિત્ય-દાનની પ્રવૃત્તિ જ રૂઢ થઈ જાય એવું હું ઈચ્છું છું. જ્યાં આપણે ‘દાન’ની સાથે ‘નિત્ય’ શબ્દ જોડી દઈએ છીએ ત્યાં એમાંથી પરોપકારની ભાવના જતી રહે છે. નિત્ય-દાનનો અર્થ છે કે નિત્ય આપતાં રહેવાનું છે અને એનાથી જ સમ-વિભાજન થાય છે.

સામાજિક દષ્ટિએ દાનનો અર્થ થાય છે કે આખા સમાજમાં સતત દાન વહેતું રહે. આજે આપણી પાસે કોઈ ચીજ આવી તો એનો થોડો અંશ ભોગવીને બાકીનું તરત એ જ દિવસે અને એ જ ક્ષણે સમાજને પાછું વાળી દેવાની પ્રક્રિયાને સામાજિક દાન-પ્રક્રિયા કહે છે. એનું ઉત્તમ દષ્ટાંત આપણું આ શરીર છે. જમતી વખતે હાથ લાડુ ઉપાડીને મોમાં નાખવાને બદલે લોભી બનીને પોતાની પાસે પકડી રાખે તો શું ભોજનનો આનંદ મલશે ? પરંતુ હાથ તો પરોપકારી બનીને તરત જ મોમાં લાડુ પધરાવી દે છે. મોઢું પણ જો એને પેટમાં ધકેલવાને બદલે પોતાની પાસે પકડી રાખે તો મોં ફૂલી જશે અને ભોજનનો આનંદ નહીં મળે. પરંતુ મોં તો પરોપકારી બનીને લાડુને ચાવી-ચાવીને પેટ પાસે પહોંચાડી દે છે. હવે જો પેટ સ્વાર્થી બની જાય અને લાડુને પોતાની પાસે રાખી મૂકે તો ઑપરેશન કરાવવાનો વારો આવી પહોંચે. પરંતુ પેટ તો લાડુને પચાવી એનું લોહી બનાવીને શરીરમાં બધે પહોંચાડી દે છે. આમ શરીરનાં પ્રત્યેક અવયવ સ્વાર્થી નથી હોતાં – દેહપરાયણ હોય છે. જો દરેક અવયવ સ્વાર્થી બને તો ભોજનની વાત જ પતી જાય. આ જ રીતે, કોઈના ઘરમાં ધનના ઢગલા પડ્યા રહે, સડ્યા કરે અને ધનને કારણે એ આળસુ બની જાય તો બીજા લોકોમાં એના માટે મત્સર ભાવ પેદા થશે. પછી ચોરી થાય. એના બદલે એ પોતે જ પોતાની પાસે આવેલા ધનનો એક અંશ પોતે ભોગવીને બાકીનું સમાજ પાસે પહોંચાડી દે તો એ ધનનો આજે જ ઉપયોગ થશે. આને જ દાનનું ‘સામાજિક મૂલ્ય’ કહે છે.

હિમાલયના શિખર પર પાણી પડે છે તો એ પાણી નીચે વહેવા ઈચ્છે છે. પાણી ગમે ત્યાં હોય, એનો પ્રયત્ન આ જ રહે છે કે એ નીચાણ તરફ ધસી જાય. દુનિયાની દુઃખી જનતા એક મહાસમુદ્ર છે. બાકીના લોકો જે કોઈ સપાટી પર, ઊંચાઈ પર હોય તે ત્યાંથી ઊઠીને ગરીબાઈ મટાડવા નીચે ધસી રહ્યા છે એવું દ્રશ્ય દેખાશે ત્યારે દુનિયા બચશે.

[કુલ પાન : 204. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નિયામક, નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા. ‘નહેરુ ભવન’, 5 ઈન્સ્ટીટ્યુશનલ એરિયા, ફેસ-II વસંતકુંજ, નવી દિલ્હી-110070.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “વિનોબા-વિચાર-દોહન – અનુ. મીરા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.