તોફાની બાળક વધુ તોફાની કઈ રીતે બને છે ? – ડૉ. રઈશ મનીઆર

[‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર.]

જીવંત તાંડવ સમાન તોફાની બાળકો સૌએ જોયાં હશે. ક્યાં નવું જન્મેલું ભોળપણ અને કુતૂહલથી ભર્યું ભર્યું નવજાત બાળક અને ક્યાં જીદ, હઠ અને તોફાનથી ઘરને ગજવતું બાળક ! આ બાળકને કોણે તોફાની બનાવ્યું ? અથવા કહો કે એક તોફાની બાળક કઈ રીતે વધુ ને વધુ તોફાની બને છે ?

આપણે ત્યાં બાળકને નાનપણમાં જ લાડ કરાવાના ભાગરૂપે બીજા પર હાથ ઉપાડતાં શીખવવામાં આવે છે. (ચાલ ! હત્તા કરી દે !) બાળકના તરવરાટ ભરેલા હાથને મળેલો આ સબક બાળક સહેલાઈથી ભૂલી શકતું નથી. બીજા પર હાથ ઉપાડવાનું જે ગળથૂથીમાંથી શીખ્યું છે, એ બાળક મોટું થઈ શાંત અને શિસ્તબદ્ધ કઈ રીતે રહે ? બાળકનું તોફાન, અનુચિત વર્તન ઘણીવાર રમૂજપ્રેરક હોય છે. આમ તો બાળક તોફાન કરે ત્યારે માબાપ ખીજવાય, પરંતુ ત્યાર બાદ બાળકની હાજરીમાં જ બીજાની આગળ એના તોફાનોનું રસપ્રદ રીતે વર્ણન કરે. માબાપ પણ હસે અને સાંભળનાર પણ હસે. બાળક ફુલાય, એને એમ લાગે, ‘મેં પરાક્રમ કર્યું.’

વિસ્મય નામના ચાર વર્ષના છોકરાએ એક વાર તોફાને ચડીને ટીવીનો કાચ ફોડી નાખ્યો. મારા ક્લિનિક પર શરદી માટે વિસ્મયને બતાવવા લાવતી વખતે એના પપ્પાએ રસપ્રદ રીતે એની રજૂઆત કરી. વિસ્મય ખુશ. પંદર દિવસ પછી વિસ્મયનાં મમ્મી વિસ્મયને ઝાડા માટે બતાવવા લાવ્યા. એમને ખબર નહીં કે પપ્પા એ વાત કરી ચૂક્યા છે, એટલે એમણે પણ ટીવી તોડવાના વિસ્મયના પરાક્રમની વાત કરી. વિસ્મય અતિશય ખુશ. મહિના પછી એના દાદા વિસ્મયને પેટના દુખાવા માટે લઈને આવ્યા ત્યારે પણ એ જ વાત અને વિસ્મય મલકાયા કરે. એક મહિનાના ગાળામાં ટી.વી.નો કાચ ફોડ્યા બદલનો વિસ્મયનો રહ્યોસહ્યો અપરાધભાવ પણ નાબુદ થઈ ગયો. બાળકના તોફાનનું બીજા આગળ બાળકની હાજરીમાં કદી પણ રસપ્રદ રીતે વર્ણન ન કરવું જોઈએ. આમ કરવાથી બાળકને ખોટું પ્રોત્સાહન મળે છે. બાળકના અણછાજતાં, અનુચિત વર્તન પ્રત્યે હસવું અયોગ્ય છે.

અમુક બાળકો જિદ્દી હોય છે. આ જીદનું ગણિત પણ સમજવા જેવું છે. બાળક ધીમા અવાજે કોઈ વસ્તુની માગણી કરે ત્યારે માબાપ સાંભળે જ નહીં. સહેજ મોટો અવાજ કરે તો સાંભળીને તરત અવગણી નાખે. પછી બાળક બરાડા પાડે, ધમપછાડા કરે, ખૂબ રડે ત્યારે હારી-થાકીને બાળકની જીદ સંતોષવામાં આવે. બાળક એવું સમજે છે કે આ ઘરમાં ધીમેથી વાત કરવાનો કોઈ અર્થ નથી. તોફાન કરીને માબાપના કામકાજમાં ખલેલ પહોંચાડીએ તો જ માગેલી વસ્તુ મળે છે. બાળકના મગજમાં ગણિત બંધાય છે, શાંતિથી માગો તો કશું ન મળે, વધારે ને વધારે જીદ કરો તો વધુ મળે. બાળક આ જ ગણિતનો વારંવાર સફળતાપૂર્વક હથિયાર તરીકે ઉપયોગ કરે છે. આ ગણિત કેવી રીતે નકામું કરી શકાય તે માબાપને આવડતું નથી. ખરેખર તો બાળક કોઈ પણ વસ્તુની માગણી કરે કે તરત જ એ વસ્તુ આપવી કે નહીં તે નક્કી કરી નાખવું જોઈએ. જો ‘હા’ હોય તો તરત તે વસ્તુ આપી દેવી અને ‘ના’ હોય તો મક્કમતાપૂર્વક ‘ના’ને વળગી રહેવું. ‘ના’માંથી ‘હા’ કરવી નહીં. બાળક ગમે તેટલી જીદ, તોફાન, ધમપછાડા કરે તોય મક્કમ રહેવું. ત્રણચાર વાર માબાપની મક્કમતાનો અનુભવ થતાં બાળકને તોફાન કે જીદ કરવાથી કોઈ ફાયદો થતો નથી, એમ ખ્યાલ આવી જાય છે અને બાળક જીદ કરવાનું છોડી દે છે.

બાળક તોફાન કરે ત્યારે એક વડીલ (દા.ત. માતા કે પિતા) ગુસ્સે થાય ત્યારે બીજું વડીલ (મોટે ભાગે દાદા કે દાદી) બાળકને ખોળામાં લઈને લાડ કરે…. તેથી બાળકને પોતે શું ભૂલ કરી તેનો અહેસાસ થતો નથી. ગુસ્સો કરનાર વડીલનો ગુસ્સો નિષ્ફળ જાય છે અને લાડ કરનાર વડીલનો બાળક ગેરલાભ ઉઠાવતા શીખે છે. તેથી એક વડીલ બાળકને યોગ્ય રીતે ઠપકો આપી રહ્યું હોય તો બીજા વડીલે વચ્ચે પડવું જોઈએ નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “તોફાની બાળક વધુ તોફાની કઈ રીતે બને છે ? – ડૉ. રઈશ મનીઆર”

Copy Protected by Chetan's WP-Copyprotect.