- ReadGujarati.com - http://www.readgujarati.com -

ચિંતન સ્ફુલિંગો – પ્રિયકાન્ત પરીખ

[ પોતાની ધારાવાહી નવલકથાઓ દ્વારા એક આખી પેઢીને કલ્પનાજગતમાં રસતરબોળ કરનાર પ્રો. પ્રિયકાન્ત પરીખનું ગઈકાલે બપોરે તા. 2-10-2011ના રોજ વડોદરા ખાતે અવસાન થયું છે. તેઓ શ્રી 74 વર્ષના હતાં. બે વર્ષ અગાઉ તેમણે ‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા’માં નિર્ણાયક તરીકે સેવા આપીને નવોદિતોને માર્ગદર્શન આપ્યું હતું. ઈશ્વર તેમના આત્માને પરમ શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આજે તેમના પુસ્તક ‘પ્રિયકાન્ત પરીખનાં ચિંતન સ્ફુલિંગો’માંથી માણીએ તેમની નવલકથાઓમાં બિંદુરૂપે વ્યક્ત થયેલા કેટલાક તેમના વિચારો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

કોઈને વ્યક્તિ નડે છે, કોઈને પોતાની જ પ્રકૃતિ નડે છે, તો કોઈને વિધિ કહો તો વિધિ અને સંજોગોનું નામ આપીએ તો સંજોગો નડે છે. ખૂબ ઓછાનું જીવન પ્રારંભથી અંત સુધી સુખથી, ચેનથી, સરળતાથી પાર ઊતરે છે.
********

માનવીએ શા માટે માનવીને ઓળખવા મથવું જોઈએ ? કોઈ કોઈને કદી ઓળખી શક્યું છે ? માનવી સૌથી વધુ દુઃખ પામતો હોય છે, આ ‘સમજી શકવાની’ની મથામણને અંતે લાધેલી ‘ન સમજી શકવાની’ અનુભૂતિથી શારીરિક દુઃખો કરતાંય અધિક.
********

કસોટીની સરાણ પર ન ચડે ત્યાં સુધી માનવીનું આંતરસ્વરૂપ પ્રગટતું નથી. બાકી, બાહ્ય સ્વરૂપનો પ્રશ્ન છે ત્યાં સુધી માનવી જેવું સુંદર પ્રાણી બીજું કોઈ નથી.
********

આ દુનિયામાં જાત જાતની મનોવૃત્તિ ધરાવતા, ભાત ભાતના માનવીઓ વસે છે એટલે દુનિયા રમ્ય છે, એટલી જ વિચિત્ર છે ! આ દુનિયામાં એકને પ્રેમ કરી બીજાને પરણનારા છે. એકને પરણી બીજાને પ્રેમ કરનારા છે. લગ્ન પહેલાં દેહ સોંપનારા છે. લગ્ન કરીનેય દેહ ન સોંપનારા છે. માત્ર પ્રેમ કરીને, લગ્ન કર્યા સિવાય આયખું વિતાવી દેનારા છે. પ્રેમ ખાતર જાન આપનારા અને લેનારા પણ છે. રાગીમાંથી ત્યાગી બનનારા છે, તો ત્યાગીમાંથી રાગી બનનારા પણ છે. માનવજાત વિશેનો ક્યો અભિપ્રાય અંતિમ ગણીશું ? માનવજાતની એ જ તો ખૂબી છે !
********

વેદનાગ્રસ્ત માનવી ચેનથી ઊંઘી શકતો નથી, તો આનંદવિભોર માનવી પણ નિરાંતે ઊંઘી શકતો નથી.
********

માનવી માનવી, સ્ત્રીપુરુષોના સંબંધો વચ્ચે પૂર્ણ સંવાદિતા શક્ય નથી, પણ મનભેદની ન પુરાઈ શકે એટલી ઊંડી ખાઈ ન સર્જાય તો અનેક આરોહ-અવરોહની વચ્ચેય સંબંધો હૂંફાળા રહી શકે છે.
********

લાગણીના આવેશમાં તણાવું એક બાબત છે અને નક્કર વાસ્તવિકતા બીજી બાબત છે. લાગણીનું સ્વરૂપ જેટલું રમ્ય છે તેનાથી અનેકગણું બિહામણું સ્વરૂપ વાસ્તવિકતાનું છે.
********

યુવાનો સાથે યુવાન થઈને ન રહેનારાં, પલટાતા સમય સાથે તાલ ન મેળવી શકનારાં, ઘણાં માબાપ યુવાનપેઢીને ગમતાં નથી. માબાપ બુઢ્ઢાં થઈ જાય છે એટલે નહીં, પણ એમના વિચારો યુવાન નથી રહી શકતા માટે.
********

‘રૂપિયા’ નામના ભૌતિક યુગના સૌથી ચમકદાર પદાર્થથી ઈમારતો, થિયેટરો, કૉમર્શિયલ સેન્ટર્સ, સરહદો, સત્તાઓ, અરે ! માનવીઓનાં શરીરો સુદ્ધાં ખરીદી શકાતાં હશે, પણ હૃદય ખરીદવામાં એ સૌથી ચમકદાર પદાર્થ નામે ‘રૂપિયો’ હજુ સફળ થઈ શક્યો નથી.
********

મિલનનો સાચો આનંદ માણવા માટે વિયોગ પણ જરૂરી છે. ચોવીસ કલાક સાથે રહેનારાં યુગલો એકબીજા સાથે ફિજુલ ચર્ચાઓ કરી, સમજ કરતાં ગેરસમજ તરફ આગળ વધી, સમય કરતાં વહેલાં બુઢ્ઢાં થઈ જતાં હોય છે.
********

સુખદુઃખની મિશ્રિત અનુભૂતિ પણ સુખ જ છે. સંપૂર્ણ સુખ તો ક્યાંય નથી. કોઈ અવસ્થામાં નથી. કૌમાર્યમાં નથી, લગ્નમાં, એકાકીપણામાંય નથી. દરેક અવસ્થાનાં સુખદુઃખ હોય છે જ. માટે સુખની ખોજ કરવાને બદલે જિંદગીની પ્રત્યેક પલટાતી અવસ્થા મસ્તીથી, ખુમારીથી, ખેલદિલીથી જીવી જવી. સુખદુઃખનું સરવૈયું ન કાઢવું એ જ સુખ.
********

વીતી ગયેલી વાતોને નાહક સજીવન કરવાથી વર્તમાનનો આનંદ ઓગળી જાય છે. બની ગયું તે નથી બન્યું, નહોતું બન્યું એમ બનવાનું નથી. કબરમાંથી મડદાને ખોદી કાઢીએ તોપણ શું ?
********

‘લગ્ન’ વડીલોએ શોધેલા પાત્ર સાથે હોય, ‘ચોઈસ મેરેજ’ હોય, ‘લવ મેરેજ’ હોય, આંતરજ્ઞાતિય કે આંતરદેશીય હોય; ‘લગ્નસુખ’ પ્રથા કે પદ્ધતિ પર અવલંબતું નથી, પરંતુ પરસ્પરને સમજીને, અનુકૂળ થવા પર અવલંબે છે. પદ્ધતિ તો સ્ત્રીપુરુષનું ઐક્ય રચી આપે છે. પછી….?
********

માનવી ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, પ્રોફેસર, કલાકાર, સર્જક, ઉદ્યોગપતિ કે બીજું કોઈ પણ બાહ્ય ‘લેબલ’ ધરાવતો હોય, પરંતુ ‘માણસ’ તરીકેનું તેનું આંતરિક સ્વરૂપ પહેલું છે, મહત્વનું છે. ‘લેબલ’થી નહીં, આચરણથી જ માનવી શોભે છે.
********

વિશ્વ ? કયું વિશ્વ ? વિશ્વ જેવી વસ્તુ છે ખરી ? સાચું વિશ્વ તો માનવીના અંતરની અગોચર કંદરાઓમાં જ પડેલું હોય છે. એ વિશ્વમાં વફાદારીપૂર્વક ન જીવી શકનાર માનવી બાહ્ય વિશ્વમાં કઈ સચ્ચાઈથી જીવવાનો છે ?
********

[કુલ પાન : 96. (પાકું પૂઠું) કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001.]