કહો શું પામશો ? – મહેશ યાજ્ઞિક

[ ‘કથા સરિતા : મહેશ યાજ્ઞિકની 35 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આપ લેખકનો આ નંબર પર +91 79 26305614 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

યાતનાની વાત સંભારી કહો શું પામશો ?
મન ઉપર બહુ ભાર રાખીને કહો શું પામશો ?

‘હજુ બસ ઊપડી નથી પણ સતત ગભરામણ થાય છે…..’ લકઝરી બસમાં બારી પાસે બેઠેલો અનિલ મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો. પાલડી સ્ટેશન ઉપરથી બસ ઊપડવાને દસેક મિનિટની વાર હતી. અનિલના પિતા ભાવનગર રહેતા હતા. છાતીમાં દુખાવો થવાથી એમને હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. એવો સંદેશો મળ્યો કે તરત અનિલ સ્કુટર લઈને પાલડી આવી ગયો. લકઝરી બસનું આ સ્ટેન્ડ સૌરાષ્ટ્રનાં શહેરો માટે આશીર્વાદરૂપ છે.

‘તમે જરાય ચિંતા ના કરો….’ સામા છેડે અનિલની પત્ની રેખા સમજદાર હતી, ‘પપ્પાજીને હાર્ટનો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. બધાને આપીને રાજી થયા છે એટલે ઈશ્વર એમની સંભાળ રાખશે. ચિંતા કર્યા વગર પહોંચી જાવ. ત્યાં જઈને સારા સમાચાર આપજો.’
‘તું કહે છે એ સમજું છું પણ મનમાંથી ઉચાટ ઓછો નથી થતો. ખરેખર, મનમાં મૂંઝારો થાય છે….’
‘હે ભગવાન ! તમને શું કહેવું ? ત્યાં અશોકભાઈ અને નીલાભાભી ખડે પગે ઊભાં હશે. ટેન્શનનું કોઈ કારણ નથી….’ રેખાએ રસ્તો બતાવ્યો, ‘બે-ત્રણ મેગેઝિન ખરીદીને એ વાંચવામાં જીવ પરોવો….’ વાત પૂરી કરીને અનિલે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો. ભાવનગરમાં અશોકભાઈ ખાનગી પેઢીમાં નોકરી કરે છે, પગાર સાધારણ છે એટલે મોબાઈલ રાખતા નથી. નહીં તો દર દસ મિનિટે એમને પૂછી શકાત. બારી બહાર નજર ફેરવીને અનિલે છાપાના ફેરિયાને બોલાવ્યો. રોડ ઉપર ટ્રાફિક ધમધમતો હતો. લકઝરી બસમાં સીટ નંબર હોય પણ ટાઈમટેબલ ચુસ્ત ના હોય. પેસેન્જરોનું ટોળું બહાર ઊભું હતું.
એક સાથે આખું ધાડું અંદર પ્રવેશ્યું એટલે અનિલને ખ્યાલ આવ્યો કે બસ ઊપડવાની તૈયારી છે. બે યુવતીઓ અનિલની સીટ પાસે થઈને પાછળની સીટ તરફ ગઈ. આંખો બંધ કરીને એણે ઊંડો શ્વાસ લીધો.
‘એકવીસ નંબર ?’
સવાલ સાંભળીને એણે આંખો ખોલી. એના પિતાની ઉંમરના એક વડીલ બ્રીફકેસ લઈને ઊભા હતા. અનિલ લગીર બારી તરફ ખસ્યો. બ્રીફકેશ છાજલીમાં ગોઠવીને એ વડીલ અનિલ જોડે ગોઠવાઈ ગયા. અનિલની નજર એમના નિરીક્ષણમાં રોકાયેલી હતી. પાંસઠ વર્ષની ઉંમર, એકવડિયું તંદુરસ્ત શરીર, ખાદીનો સફેદ ઝભ્ભો-લેંઘો, ઝભ્ભા ઉપર કથ્થઈ રંગની બંડી, ઘઉંવર્ણી ચમકતી ત્વચા, કાળા રંગની જાડી ચશ્માની ફ્રેમ, જાડા કાચની પાછળ તગતગતી પાણીદાર આંખો અને આછા થઈ ગયેલા સફેદ વાળ.
‘ગઈ રાત્રે માવઠું થયું એટલે વાતાવરણમાં ઠંડક છે…..’ અનિલ સામે જોઈને એમણે વાતની શરૂઆત કરી, ‘બાકી તો બસ ઊપડે નહીં ત્યાં સુધીમાં તો પરસેવો પરસેવો થઈ જાય….’ અનિલની આંખ સામે પિતાજીનો ચહેરો તરવરતો હતો. કંઈ બોલવાની ઈચ્છા નહોતી. પણ આ વડીલનું અપમાન ના કરાય એ સભાનતા સાથે એણે હસીને હકારમાં માથું હલાવ્યું.
‘આપણા અમદાવાદની આ બલિહારી છે. વર્ષમાં અગિયાર મહિના ઉનાળો રહે છે…..!’

બસ ઊપડી. ‘ભાવનગર ?’ એ વડીલે અનિલને પૂછ્યું. પરાણે હસીને અનિલે હકારમાં માથું હલાવ્યું. એ વડીલ વધુ પ્રશ્ન ન પૂછે એ માટે ખરીદેલાં બે મેગેઝિન પૈકી એક એમના હાથમાં પકડાવીને, બીજું પોતે વાંચવાનું શરૂ કર્યું. મેગેઝિનનાં પાનાં ઉપર એની નજર ફરતી હતી. પણ પોતે શું વાંચે છે એનું એને ભાન નહોતું. પિતાજીને હાર્ટએટેક હશે તો ? મોં-મેળાપ તો થશે ને ?……. પિતાજી સાથેની એક એક સ્મૃતિ આંખ સામે તરવરતી હતી. પિતાજીનું મોં જોયા પછી શાંતિ થશે. પાંત્રીસેક મિનિટ પછી બાવળા વટાવ્યું કે તરત બસ હચમચી ઊઠી. બ્રેક મારીને ડ્રાઈવરે બસને રોડની સાઈડમાં લીધી.
‘પંક્ચર છે…..’ કંડકટરે બૂમ પાડી, ‘અડધો કલાક થશે. સામે હૉટલમાં ચા પાણી કરવાં હોય તો જઈ આવો…..’ હે પ્રભુ ! અનિલના મગજમાં મિનિટે મિનિટની ગણતરી ચાલતી હતી એમાં આ ઉપાધિ આવી. એના ચહેરા પરની નિરાશા વધુ ઘેરી બની. એની પાસે બેઠેલા વડીલની આંખો અનિલના ચહેરા ઉપર સ્થિર હતી.
‘ચાની ઈચ્છા છે ?…..’ વડીલે ઊભા થઈને હળવેથી અનિલના ખભે હાથ મૂક્યો, ‘અહીં બસમાં બેસી રહેવાને બદલે પગ છૂટો થશે. મનમાં કોઈ ટેન્શન હશે તો એ પણ હળવું થશે.’ એમના અવાજમાં કંઈક એવું હતું કે અનિલ ઊભો થયો. એ બંને હોટલ તરફ આગળ વધ્યા. ચાનો ઓર્ડર આપ્યા પછી એમણે અનિલની આંખોમાં આંખો પરોવી, ‘શેનું ટેન્શન છે ?’ એમના સીધા સવાલ સામે અનિલ ટકી ના શક્યો. ભીના અવાજે આખી વાત કહ્યા પછી એનું મન પણ લગીર હળવું થયું.

‘જો દોસ્ત ! પપ્પા માટે લાગણી છે એટલે અત્યારે દોડીને ભાવનગર પહોંચી જવાનું મન થાય છે પણ એ શક્ય નથી એટલે તું ચિંતા કરે છે, પરંતુ ચિંતા કરવાથી કોઈ ઉપાય નથી જડતો….’ અનિલ એમની સામે તાકી રહ્યો, ‘મારું નામ સન્મુખરાય દવે. જિંદગીમાં એટલી બધી ઊથલ-પાથલ જોયેલી છે કે અત્યારે તારી દશા સમજી શકું છું. મારી વાત માનીશ.’ અનિલે હકારમાં માથું હલાવ્યું. સન્મુખરાયે પાણીનો ગ્લાસ ગળામાં ઠાલવ્યો. ‘આપણું મન જાતજાતની કલ્પનાઓ કરે છે. આપણાં મોટા ભાગનાં દુઃખ મનના વિચારોમાંથી પેદા થતાં હોય છે. વિકરાળ સંજોગોની કલ્પના કરીને દુઃખી થવું એ આપણી નબળાઈ છે….. મારા અનુભવની વાત કહું…..’ એમણે પાણીનો બીજો ગ્લાસ ખાલી કર્યો. ‘આઠમી ભણતો હતો ત્યારે ભણવામાં પહેલો નંબર પણ ગણિતનું ઘરકામ જરાયે ગમે નહીં. ગોહિલસાહેબ અમારા ગણિતના શિક્ષક. ભણાવે દિલથી પણ ભારે કડક મિજાજ. એમાંય ઘરકામ ના લાવ્યો હોય એ છોકરાની ચડ્ડી ભીની થઈ જાય એવી એમની ધાક. એમાં એકવાર એવું બન્યું કે પતંગ ચઢાવવાની લહાયમાં ઘરકામ બાકી રહી ગયું. બે રજાઓ હતી એટલે અડધી નોટ ભરાય એટલું ઘરકામ આપેલું…… શાળાએ જતાં પગ ઊપડે નહીં એવી બીક…..’

સન્મુખરાય યાદ કરીને બોલતા હતા. એમના રણકતા અવાજમાં સામા માણસને જકડી રાખવાની તાકાત હતી, ‘મનમાં ફફડાટ એવો કે વાત ના પૂછો. મારું મોસાળ તળાજા હતું એટલે પહેલો વિચાર તો એ આવેલો કે દફતર સાથે ભાગીને મામાના ઘેર તળાજા પહોંચી જાઉં. ભાગવાની હિંમત ના ચાલી. પગ ધ્રૂજતા હતા. પાછળની બેન્ચથી સાહેબે ઘરકામ જોવાનું શરૂ કરેલું. ગળામાં રીતસર શોષ પડતો હતો. ધીમે ધીમે એ આગળની બેન્ચ તરફ આવતા હતા અને મારા હૃદયના ધબકારાની ગતિ વધુ તીવ્ર બનતી હતી. પગ પાણી-પાણી થઈ ગયેલા. ગભરાટથી મોં સુકાઈ ગયેલું. મારી બેન્ચ પાસે આવીને એ ઊભા રહ્યા. હાથમાંની આંકણી એમણે હળવેથી બેંચ ઉપર પછાડી. એમની સામે આંખ મિલાવીને જોવાની હિંમત તો ક્યાંથી હોય ? બંને હાથે કાનની બૂટ પકડીને હું ઊભો થયો. નીચું જોઈને જ નકારમાં માથું ધુણાવ્યું. એમનો જમણો હાથ લાંબો થયો. પહેલી બે આંગળીઓથી એમણે મારી હડપચી ઊંચી કરી. કસાઈ સામે બકરી તાકી રહે એમ હું એમની સામે તાકી રહ્યો. ભયને લીધે આખું શરીર ધ્રૂજતું હતું.
‘બેસી જા….’ મારા માથે હળવી ટપલી મારીને એમણે કહ્યું, ‘કાલે પહેલા પિરિયડમાં બતાવી જજે.’ – બસ એ પછી જિંદગી પ્રત્યેનો મારો અભિગમ બદલાઈ ગયો. આઠમા ધોરણના આ અનુભવ પછી આવનારા દુઃખની કલ્પના કરીને દુઃખી થવાનું છોડી દીધું….’

એકધારું આટલું બોલ્યા પછી જાણે થાક લાગ્યો હોય એમ એ અટક્યા. અનિલ અહોભાવથી એમની સામે તાકી રહ્યો. વેઈટર ટેબલ ઉપર ચા મૂકી ગયો હતો. બંનેએ ચાના કપ હાથમાં લીધા. ‘એ પછી જ્યાં જ્યાં તક મળી ત્યાં જિંદગીએ મારી પત્તર ખાંડી છે. ભલભલા ભાંગી પડે એવી અવદશામાં પણ અડીખમ રહ્યો છું. આજે અડસઠ વર્ષની ઉંમરે એકલો છું…..’ એમની આંખો આકાશ સામે તાકતી હતી, ‘વારાફરતી બધાને વિદાય આપીને મારા વારાની રાહ જોઈને મસ્તીમાં જીવું છું.’
‘ફેમિલીમાં કોઈ નથી ?’
‘હતાં….. બધાં હતાં….’ કોઈકના ચહેરાઓ શોધતી હોય એમ એમની નજર હજુ ખુલ્લા આકાશ સામે મંડાયેલી હતી. ‘સુશીલ અને સમજદાર પત્ની હતી. ગૌરવ લઈ શકું એવી ત્રણ દીકરીઓ હતી. છ ફૂટની ઊંચાઈ અને છપ્પનની છાતીવાળો જુવાનજોધ દીકરો હતો…….’ એમના અવાજમાં લગીર ભીનાશ ભળી. ‘એ બધાની સ્મૃતિઓનો ભાર વેંઢારીને હજુ જીવતો છું.’
હે પ્રભુ ! દુઃખદ આશ્ચર્યથી અનિલ એમની સામે તાકી રહ્યો. આ માણસે કેટકેટલી યાતનાઓ સહી હશે ?
‘દીકરાને જન્મ આપીને ચોથા દિવસે શ્રીમતીજીએ વિદાય લીધી. સુવાવડમાં કમળો થઈ ગયેલો અને એ વખતે આજના જેવી તબીબી સવલતો નહોતી…..’ એ યાદ કરીને બોલતા હતા, ‘મોટી દીકરી એ વખતે તેર વર્ષની. એ પછી આઠ અને નવ વર્ષની બે દીકરીઓ અને ચાર દિવસનો દીકરો…. એ મારી મૂડી…..!’ એ ફિક્કું હસ્યા.

એમની વાતોમાં અનિલ એ હદે ડૂબી ગયો હતો કે પિતાજીનો વિચાર એના મગજમાંથી નીકળી ગયો હતો. કંડકટર વ્હિસલ વગાડીને બધાને બોલાવી રહ્યો હતો. પંક્ચરનું કામ પતી ગયું હતું. વેડફાયેલા સમયને સરભર કરવા મથતો હોય એમ ડ્રાઈવરે બસની ગતિ વધારી.
‘જિંદગીનો બોજ આમેય બહુ ભારે હોય છે…..’ એમણે અનિલ સામે જોયું, ‘એમાં વળી ચિંતા અને પીડાનાં પોટલાં ઊંચકીને ચાલીએ તો વહેલા થાકી જવાય. એક વાત યાદ રાખવી. આપણા હાથમાં ઉપાય ના હોય ત્યાં ચિંતા ના કરવી. ચિંતાથી ઉકેલ મળતો હોય તો કરવી, બાકી હરિઓમ !’

બસ ભયાનક ગતિથી આગળ વધી રહી હતી. સન્મુખરાયની આંખો ભૂતકાળનાં દશ્યો યાદ કરતી હતી, ‘વચ્ચેની બંને દીકરીઓ સ્કૂલમાંથી ગોવા પ્રવાસમાં ગઈ હતી. ગોવા પાસેના કોઈ ઘાટમાં એમની બસ ગબડી પડી. ભાવનગરમાં અધૂરા-પધૂરા સમાચાર આવ્યા એ પછી મારી દશા કેવી હશે એ વિચારી જો. ભાવનગરથી ટેક્સી કરીને અમે છ-સાત વાલીઓ ગોવા પહોંચેલા. એક સાથે આઠ બાળકો મૃત્યુ પામેલાં. એમાં બે તો મારી દીકરીઓ….’ સહેજ અટકીને એમણે બારી બહાર નજર કરી, ‘મા વગરની દીકરીઓને ફૂલની જેમ ઉછેરી’તી. એમના છૂંદાયેલા શરીર જોઈને હૃદયમાં શારડી ફરતી હોય એવી પીડા અનુભવેલી. એ છતાં સાથે આવેલા બીજા વાલીઓને મેં સાંભળેલા. એ બધા તો સાવ તૂટી ગયેલા. હૃદય ઉપર પથ્થર રાખીને મેં એમની કાળજી લીધેલી……’ ગળામાં ડૂમો ભરાયો હોય એમ એ અટક્યા. અનિલ સ્તબ્ધ હતો. સન્મુખરાયની સુકલકડી કાયાની નૈતિક શક્તિ અને માનસિક તાકાતથી એ પૂરેપૂરો પ્રભાવિત થઈ ચૂક્યો હતો.
‘હવે સંતાનમાં એક દીકરી અને એક દીકરો. દીકરી માટે વડોદરામાં સારું ઠેકાણું શોધ્યું અને ધામધૂમથી લગ્ન કર્યાં. પણ માણસો કપાતર નીકળ્યા. એમની નાની-મોટી માગણીઓ આવતી રહી. મારી હેસિયત મુજબ હું એમની ભૂખ સંતોષતો રહ્યો. છેલ્લે જમાઈને ધંધા માટે મોટી રકમની જરૂર હતી. બે હાથ જોડીને મેં માફી માગી. બીજા અઠવાડિયે સવારમાં વેવાઈનો ફોન આવ્યો કે તાત્કાલિક વડોદરા આવી જાવ. રસોડામાં અકસ્માત થયો છે. એ વખતે ભાવનગરથી વડોદરાનો રસ્તો કઈ રીતે કપાયેલો એ મારું મન જાણે છે. લાલ પાનેતર પહેરાવી ને મોકલાયેલી દીકરીનો કાળો ભડથા જેવો દેહ જોઈને આ બાપની આંખે શું અનુભવ્યું હશે એની કલ્પના કરી જો…..’

એ બોલતા અટક્યા. ગળું ખોંખારીને એમણે ડૂમો ખંખેર્યો. પછી અનિલ સામે જોયું. ‘બહેનના અપમૃત્યુ પછી મારા દીકરાની માનસિક હાલત કથળી ગઈ. બી.કોમમાં ફર્સ્ટકલાસ લાવીને એ એક શેરબ્રોકરને ત્યાં નોકરી કરતો હતો. ધીમે ધીમે સ્વસ્થ થયા પછી એના મગજમાં એક જ વિચાર ઘૂમરાતો હતો. પૈસાના અભાવે બહેનને એના સાસરિયાંએ મારી નાખેલી એ ઘટનાના પ્રત્યાઘાતરૂપે એની પૈસાની લાલસા તીવ્ર બની, મારી પાસેની પ્રારંભિક મૂડી લઈને એણે શેરબજારમાં ઝંપલાવ્યું. ધીમે ધીમે વધતા જતા ઈન્ડેક્સની સાથે એણે ગાંડી હિંમત કરી. વધુ કમાણી માટે વધુ જોખમ લેવામાં એ ખત્તા ખાઈ ગયો. મારી જાણ બહાર એ પોતાની મર્યાદાથી પણ વધારે દેવામાં ડૂબતો ગયો. સમાજમાં મારી ઈજ્જત અને પ્રતિષ્ઠા એટલી ઊંચી કે એને ઊછીના પૈસા મળતા રહ્યા. પૈસા મેળવવામાં એને કોઈ તકલીફ નહોતી પડતી. પાછા આપવાની જ મુશ્કેલી હતી ! ટુકડે ટુકડે ત્રીસ-પાંત્રીસ લાખનું દેવું કર્યા પછી એ ભાનમાં આવ્યો. કઈ રીતે દેવું ચૂકવવું એ એને સમજાતું નહોતું. જબરજસ્ત હતાશા વચ્ચે એ પંખે લટકી ગયો ! સવારમાં એના રૂમનું બારણું તોડવું પડ્યું. ચહેરા ઉપર શ્વાસ રુંધાયાની ભયાનક યાતના થીજી ગઈ હતી. ખેંચાયેલી ગરદન અને ફાટી ગયેલા ડોળા. એ વાતને વર્ષ થઈ ગયું છતાં એ દશ્ય ભુલાતું નથી !…..’

અનિલનું મગજ ચકરાઈ ગયું. સન્મુખરાય કઈ માટીના બનેલા માણસ હતા ? પ્રચંડ માનસિક તાકાત ધરાવતી એમની સુકલકડી કાયાને એણે મનોમન વંદન કર્યાં….. એ પછી વાતાવરણ એટલું ભારેખમ હતું કે બંને ચૂપચાપ બેસી રહ્યા. ભાવનગરથી અશોકભાઈએ કહેલું કે પિતાજીને કાળા નાળા વિસ્તારમાં જીવનધારા હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. સન્મુખરાયની વીતકકથા સાંભળ્યા પછી એ પોતાની ચિંતા તો ક્યાંય ભૂલી ગયો હતો ! સાંજે ચાર વાગ્યે ભાવનગર આવ્યું. બસ ઊભી રહી. નીચે ઊતરતાં અગાઉ એણે સન્મુખરાય સામે જોયું. ‘હવે સીધા હૉસ્પિટલ પહોંચી જાવ. સામેથી રિક્ષા મળશે. બાર રૂપિયા લેશે…..’ સન્મુખરાયના શબ્દો સાંભળ્યા પછી એણે બેગ હાથમાં લીધી. આભારવશ નજરે એમની સામે જોયું અને સડસડાટ નીચે ઊતર્યો.

રાત્રે સાડા આઠ વાગ્યે ડૉક્ટર દીપક દવે કાર ચલાવી રહ્યો હતો. એની બાજુની સીટ પર એના પપ્પા સન્મુખરાય બેઠા હતા. પાછળ સન્મુખરાયની પત્ની બેઠાં હતાં. એમની જમણી તરફ દીપકની પત્ની બેઠી હતી. ડાબી તરફ દીપકની બહેન બેઠી હતી. એ પોતાના એક વર્ષના દીકરાને લઈને થોડા દિવસ પિયર રહેવા આવી હતી. કાળા નાળા વિસ્તારમાં જીવનધારા હોસ્પિટલનું ઝળહળતું બોર્ડ જોઈને સન્મુખરાયના હોઠ મલક્યા.
‘અચાનક શું યાદ આવ્યું ?’ દીપકે પૂછ્યું.
‘કંઈ નહીં…….’ સન્મુખરાયે હસીને કહ્યું, ‘ડૉક્ટર તરીકે લોકોનાં દુઃખદર્દ દૂર કરવાનું કામ તારું છે પણ આજે અમદાવાદથી આવતી વખતે મેં તારી ફરજ બજાવી. એક ચિંતાતુર યુવાનને થોડીક માનસિક રાહત આપી. રિટાયર્ડ પ્રોફેસર અને વાર્તા લખવાનો જૂનો શોખ કામમાં આવ્યો. જાતજાતની વાર્તાઓ કહીને એ બિચારાને એનું દુઃખ ભુલાવી દીધું !

[કુલ પાન : 312. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : રન્નાદે પ્રકાશન, 58/2, બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22110081. ઈ-મેઈલ : rannade_2002@yahoo.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

30 thoughts on “કહો શું પામશો ? – મહેશ યાજ્ઞિક”

Copy Protected by Chetan's WP-Copyprotect.