પુલ બાંધો, દીવાલો ચણો નહીં – વીનેશ અંતાણી

[‘મરજીવા’ પુસ્તકમાંથી સાભાર.]

એકલવાયાપણાની લાગણી માણસને ઊધઈની જેમ અંદર ને અંદર કોરી ખાય છે. સાહજિક રીતે એકલા હોવું એક વાત છે અને માનસિક રીતે એકલા પડી જવું એ જુદી વાત છે. તરુણાવસ્થામાં કિશોર-કિશોરીઓમાં એમને કોઈ બરાબર સમજતું નથી એવી લાગણી વિકસવા લાગે છે. વૃદ્ધ લોકોને લાગે છે કે કોઈને એમની પડી નથી. લગભગ દરેક ઉંમરની વ્યક્તિઓમાં કારણ વિના અને સકારણ એક પ્રકારની એકલવાયાપણાની લાગણી જન્મે છે.

એવું કહેવાય છે કે માણસના માનસિક ખાલીપણાને વ્યક્ત કરવા માટેનો અંગ્રેજી શબ્દ ‘લોન્લી’ સૌથી પહેલીવાર મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે એમના એક નાટકમાં પ્રયોજ્યો હતો. ‘લોનલીનેસ’ની તીવ્ર લાગણી વ્યક્તિના મનમાં હતાશા ફેલાવે છે. એને આ જગતમાં કશું જ સારું લાગતું નથી. કેટલાક લોકો એવું વિચારવા લાગે છે કે બીજા લોકોને એમની જરૂર હોય છે ત્યાં સુધી જ એમને પસંદ કરવામાં આવે છે. ઘણા લોકો પોતે બીજા લોકોથી જુદા છે એવું ધારીને પણ એકલતાથી પીડાય છે. કોઈને મારામાં રસ રહ્યો નથી એવી ગ્રંથિ પણ માણસોને અંદરથી કનડવા લાગે છે. લાંબી શારીરિક બીમારી પણ માણસોને એકલા પાડી દે છે. સતત ઉદ્વિગ્નતા અને બેચેનીભરી પરિસ્થિતિ માટે મધર ટેરેસાએ કહ્યું છે : ‘એકલવાયાપણા જેવી ગરીબી બીજી કોઈ નથી.’

એકાંતપ્રિય હોવું અને એકલવાયાપણાની માનસિકતાથી રિબાવું બે જુદી જ સ્થિતિ છે. ઘણા લોકો વ્યસ્ત જિંદગીની ભીંસમાંથી છૂટવા માટે ઘણી વાર થોડા દિવસો કોઈ એકાંત સ્થળમાં એકલા ચાલ્યા જાય છે. સ્વેચ્છાએ પસંદ કરેલો એકાંતવાસ પ્રસન્નતા આપે છે અને માણસને પડકારો ઝીલવા માટે તાજગી બક્ષે છે, જ્યારે એકલવાયાપણાની માનસિકતા પીડાકારક હોય છે. સોલિટ્યુડ – એકાંત –ની સ્થિતિમાં આપણે આપણી ભીતર અદ્દભુત શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિ કરતી વ્યક્તિ માટે એ અનુભવ ફળદાયી નીવડે છે. 1830માં જન્મેલી અને 1886માં મૃત્યુ પામેલી અમેરિકાની કવયિત્રી એમિલી ડિકિન્સને એની જિંદગીનાં વીસથી પચ્ચીસ વર્ષો તદ્દન એકલી સ્થિતિમાં પોતાના ઘરની ચાર દીવાલો વચ્ચે જ વિતાવ્યાં હતાં. એણે એની એકલવાયી જિંદગી દરમિયાન અત્યંત સુંદર કાવ્યો લખ્યાં છે. સંસારની ભીડભાડ છોડીને પહાડ જેવી જગ્યાના એકાંતમાં વર્ષોનાં વર્ષો વિતાવનાર કેટલીયે વ્યક્તિઓએ એમના વિચારોથી માનવજીવનને સમૃદ્ધ કર્યું હોવાનાં અનેક દષ્ટાંતો મળે છે. અંગ્રેજીના મહાન કવિ વિલિયમ વર્ડઝવર્થે એક કાવ્યપંક્તિમાં કહ્યું છે : ‘હું વાદળોની જેમ એકલો વિહરતો રહ્યો છું.’

એક પ્રકારની સ્વૈચ્છિક – અંદરની તાતી જરૂરિયાતને લીધે પસંદ કરેલે – એકલાપણાની વાત જુદી છે. એનો આનંદ પણ અલગ પ્રકારનો છે. કોઈ રોગની જેમ માનવચિત્તને કોરી ખાતી એકલવાયી પરિસ્થિતિ અસહ્ય બને છે. આવા પ્રકારના એકલવાયાપણાનું ડિપ્રેશન આવવાનાં અનેક કારણો હોઈ શકે. સંબંધોમાં આવી જતું પરિવર્તન એક મહત્વનું કારણ બને છે. લગ્ન પછી થોડા સમયે કામ પરથી મોડા પાછા આવતા પતિની ગેરહાજરીમાં પત્નીઓમાં આવી લાગણી જાગવા લાગે છે. અત્યારના સમયમાં જ્યારે નાઈટ-શિફટ કરવી પડે એવી નોકરીઓ વધી છે ત્યારે તો એ સ્થિતિ વધારે સામે આવે છે. ઘણી વાર નવું શહેર, નવું ઘર, સ્વજનના મૃત્યુ કે છૂટાછેડા જેવા બનાવોથી પણ એકલવાયાપણાની તીવ્ર લાગણી વિકસે છે. વિદેશમાં વસતાં સંતાનોને લીધે એકલાં પડી ગયેલા વૃદ્ધજનોની એકલતા તો અસહ્ય હોય છે. કેટલાક લોકોને આજીવિકા રળવા માટે એમનાં કુટુંબીજનોથી સેંકડો માઈલ દૂર રહેવું પડે છે અને ઘણા કિસ્સાઓમાં સંતાનોને હૉસ્ટેલમાં રાખવાં પડે છે.

મહાનગરની ભીડના શોરબકોરની વચ્ચે જીવતો માણસ એની અંદર ભયાનક એકલતા અનુભવતો હોય છે. એક સમાજશાસ્ત્રીનું તારણ છે કે શહેરમાં વસતા માણસો ભીડની વચ્ચે સતત ચહેલપહેલવાળા વાતાવરણમાં જીવતા હોવા છતાં એકલા હોઈ શકે છે, જ્યારે નાના કસબામાં વસતા લોકો ભીડ વિનાના સ્થળમાં રહેતા હોવા છતાં એકલા પડી જતા નથી. તૂટી રહેલી સંયુક્ત કુટુંબની પરિસ્થિતિ પણ એકલતાની હતાશાનું કારણ બને છે. આધુનિક સમયમાં કેટલાય લોકો એકલતાથી બચવા માટે ઈન્ટરનેટ-ચેટ કે ફોનનો વ્યાપકપણે સહારો લે છે, પણ માનસશાસ્ત્રીઓ કહે છે તેમ આ બધા તકલાદી અને પોકળ ઉપાયો છે. એનાથી માણસને ધબકતી હૂંફ કે પ્રેમનો જીવંત અનુભવ થતો નથી, બલકે છેવટે તો લાંબાગાળાની હતાશા જ જન્મે છે.

એકલવાયાપણાના શાપથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે પોતાની જાતને પ્રેમ કરવો અને કશાથી પણ વિખૂટા પડી ગયા હોવાની લાગણીથી બચવું. જાતને પ્રવૃત્તિમય રાખવાથી ખાલી સમયની ભીંસમાંથી બચી શકાય છે. બાગકામ, ચિત્રકામ, લખવા-વાંચવા જેવી પ્રવૃત્તિઓ અને નાની મોટી સમાજસેવાની પ્રવૃત્તિઓમાં જાતને વ્યસ્ત રાખવાથી પણ હતાશામાંથી છુટકારો મળી શકે છે. સૌથી મોટી વાત છે આપણી આજુબાજુ રહેતા લોકોની સાથે સંપર્કમાં રહેવું. આપણી જાતને નકામી – નિરર્થક માનવાની હતાશામાંથી જલદી બહાર આવી જવું. આપણી આસપાસ ઊંચી ઊંચી દીવાલો ચણી દઈને કેદ થઈ જવાની જરૂર નથી. જોસેફ એફ. ન્યુટનની આ વાત સમજવા જેવી છે. ‘લોકો એટલા માટે એકલા પડી ગયા છે કે એમણે પુલ બાંધવાને બદલે પોતાની આસપાસ ભીંતો ચણી દીધી છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “પુલ બાંધો, દીવાલો ચણો નહીં – વીનેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.