સાચો મિત્ર કેવો હોય ? – ભૂપત વડોદરિયા

[ નવલકથાઓ સહિત ઉત્તમ જીવનપ્રેરક સાહિત્ય રચનાર શ્રી ભૂપતભાઈ વડોદરિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ શ્રી તા. 04-10-2011ના રોજ દેવલોક પામ્યા છે. તેઓ શ્રી 82 વર્ષનાં હતાં. સત્યના પક્ષે રહીને પત્રકારત્વના ઉમદા સિદ્ધાંતોને તેઓ આજીવન વળગી રહ્યા હતાં. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે આજે તેમનો એક લેખ અંજલિરૂપે માણીએ. – તંત્રી.]

સંપત્તિ મિત્રો મેળવી આપે છે અને વિપત્તિ મિત્રોની પરીક્ષા કરે છે. સંસ્કૃતમાં આવાં અનેક સુભાષિતો છે અને દરેક ભાષામાં મૈત્રી વિશે કંઈ કંઈ ઉક્તિઓ મળી આવે છે. આજે ધંધાદારી મૈત્રીઓની બોલબાલા છે, પણ માત્ર બે વ્યક્તિઓ વચ્ચેની જ દોસ્તી હતી જૂના જમાનામાં – આજના જમાનામાં વળી દોસ્તીને કોણ પિછાને છે ? પણ આજના જમાનામાં પણ ક્યાંક ને ક્યાંક બે સારા જૂના મિત્રોની જોડી જરૂર જોવા મળે છે. દોસ્તીની જોડી આંખ ઠારે છે.

દુનિયાભરના સાહિત્યમાં મૈત્રી વિશે ઘણુંબધું લખાયું છે. કોઈકે તેને ‘ઉચ્ચ આત્મીય સંબંધ’ તરીકે ઓળખાવી છે, તો કોઈએ તેને ‘બે આત્માનાં લગ્ન’ તરીકે ઓળખાવી છે, ફ્રેન્ચ સાહિત્યકાર વોલ્ટેર મૈત્રીને ‘બે આત્માનાં લગ્ન’ કહે છે, પણ તેમાં ‘છૂટાછેડા’ની શક્યતા પણ સ્વીકારે છે. ઈસવી સંવત પૂર્વેના પ્રથમ સૈકાના પુબ્લીલિયસ સાઈરસે તેથી ઊલટું વિધાન કર્યું છે. એ કહે છે, ‘જે મૈત્રીનો અંત આવી શકે તે મૈત્રી શરૂ જ થઈ ના કહેવાય !’ અમેરિકાના મહાત્મા એમર્સન કહે છે કે, ‘જેમ સદગુણનો બદલો – લાભ સદગુણ પોતે જ છે, તેમ મિત્ર મેળવવાનો એકમાત્ર માર્ગ પોતે જ કોઈકના મિત્ર બનવું તે છે ! એમર્સન કહે છે હું જે વહેવાર મારાં પુસ્તકો સાથે રાખું છું તે જ વલણ મિત્રો અંગે રાખું છું. તેમને હાથવગા રાખું છું, પણ તેમનો ઉપયોગ ભાગ્યે જ કરું છું !’ સામાન્ય માણસને પૂછીએ તો એ કહેશે કે મુશ્કેલીમાં મદદ કરે, આપણી પડખે ઊભો રહે તે સાચો મિત્ર ! પણ આ વ્યાખ્યા સાચી અને સારી હોવા છતાં જીવનમાં એવું બને છે કે એક માણસ પોતાના મિત્રને તેની મુશ્કેલીની ઘડીએ મદદ કરી શકતો નથી – તેની સચ્ચાઈમાં કાંઈ કમી નથી હોતી પણ સંજોગો જ તેને લાચાર બનાવી દે છે. કોઈ કહી શકે કે મુશ્કેલીમાં મિત્ર મદદરૂપ બની શકે તેમ ના હોય તેથી સાથેની મૈત્રી મોળી પડવી નહીં જોઈએ.

મિત્રતાથી કોઈ લાભ થાય કે ના થાય, કોઈ વાર હાનિ પણ થાય પણ સાચી મૈત્રીને લાભ-નુકશાનના ત્રાજવે તોળવી નહીં જોઈએ. ફિલસૂફ ઍરિસ્ટોટલની વાત સાચી છે કે એક ખરો મિત્ર હોવો તે એક વધારાની પૂરક જિંદગી પ્રાપ્ત કરવા બરોબર છે. મિત્રની હસ્તી માત્ર, આપણી પોતાની હસ્તીનો આનંદ ખૂબ વધારે છે ! ચીનની એક જૂની કહેવત છે – માણસો વચ્ચે દોસ્તી હોય ત્યારે સાદું પાણી પણ મીઠું લાગે ! ચીનની બીજી કહેવત એવી છે કે મિત્રોની મિલન-મુલાકાતમાં મઝા, પણ સાથે રહેવું પડે તો તકલીફ ! આવી દરેક જૂની કહેવતમાં એક તથ્ય હોય છે. મોરોક્કોની એક કહેવત એવી છે કે તમારા સાચા મિત્રો એ જ જે તમને જેલખાનામાં કે દવાખાનામાં વિના સંકોચ મળવા આવે ! ઘણાબધા માણસોને દોસ્તીમાં કડવા અનુભવો પણ થાય છે – ઘણાને મીઠા અનુભવો પણ થાય છે. માણસ સારા કે માઠા અનુભવને આધારે પોતાનો મત બાંધે છે. અંગ્રેજ લેખક હેઝલીટ કહે છે કે મિત્રો-આપણા મિત્રો-આપણા માટે બધું જ કરવા તૈયાર હોય છે – સિવાય કે આપણે તેમને સોંપેલું કામ ! અમેરિકન હાસ્યલેખક માર્ક ટ્વેઈને મજાકમાં કહ્યું છે : ‘સાચો મિત્ર એ કે જે આપણે ખોટા હોઈએ ત્યારે પણ આપણો પક્ષ લે ! બાકી આપણે સાચા હોઈએ ત્યારે તો કોઈ પણ માણસ આપણો પક્ષ લેવાનો !’ જૂના મિત્રો સારા કે નવા મિત્રો સારા ? ગોલ્ડસ્મિથે એવું કહ્યું છે કે, ‘મને તો બધું જૂનું જ ગમે છે ! જૂના મિત્રો, જૂનો સમય, જૂની રીતભાતો, જૂનાં પુસ્તકો અને જૂનો શરાબ !’ જોન સેલ્ડને કહ્યું છે કે જૂના મિત્રો જ શ્રેષ્ઠ. રાજા જેમ્સ હંમેશાં જૂનાં જોડાં જ પસંદ કરતો – પગને તો બહુ માફક આવે છે.

માણસ દોસ્તીનો વિચાર આદિકાળથી કરતો આવ્યો છે. કિશોરકાળમાં તેને સાચી મૈત્રીનો પ્રથમ આસ્વાદ મળ્યો હોય છે. સુદામા ભગવાન કૃષ્ણ સાથેની બાળપણની મૈત્રી સંભારે છે. આપણા લેખક ધૂમકેતુએ એવું કહ્યું છે કે, ‘હું કિશોર હતો ત્યારે મને પૈસાદાર થવાનું બહુ મન થતું – એક જ કારણસર – મારા મિત્રોની ગરીબીને દૂર કરી શકું તે માટે !’ પન્નાલાલ પટેલે પોતાના એક પુસ્તકના અર્પણમાં વાપરેલા શબ્દોનો ઉપયોગ કરીને કહીએ તો એમ કહી શકાય કે, હારેલા-થાકેલા આપણે જેને ઘેર જઈને રાહતનો દમ લઈ શકીએ તે સાચો મિત્ર ! સાચો મિત્ર એ જે દુઃખમાં આશ્વાસન આપે અને આપણા સુખમાં આપણી ઈર્ષ્યા ના કરે ! સાચા મિત્ર થવાનું કામ બહુ મુશ્કેલ છે અને છતાં માણસનો ઈતિહાસ નોંધે છે કે બ્રુટ્સની જેમ કોઈક મિત્ર સિઝરની પીઠમાં ખંજર ભોંકે એવું પણ બન્યું છે, તો એવું પણ બન્યું છે કે એન્જલ્સ જેવા કોઈક મિત્રે કાર્લ માર્ક્સની હયાતીમાં તો તેની બધી જ મદદ કરી, પણ મિત્ર માર્ક્સના મૃત્યુ પછી તેની પુત્રીઓએ એન્જલ્સે પોતાની મિલકત વહેંચી આપી. સારા મિત્ર બનવા માટે માણસે સારો માણસ બનવું પડે છે. માણસમાં સ્વાર્થવૃત્તિ અને ઈર્ષ્યાવૃત્તિ સહજ છે પણ તેણે તેના તાર છોડી નાંખવા પડે છે. મિત્ર પ્રત્યેની મિત્રની ફરજો વિશે અલબત્ત ઘણા મતભેદો છે. કોઈ કહે છે કે સારો મિત્ર એ જે તમારા દુર્ગુણો તરફ તમારું ધ્યાન ખેંચે ! કોઈ બીજો કહે છે કે એ કામ તો વિરોધીઓ કરતા જ હોય છે – મિત્ર જ જો દુર્ગુણો જુએ તો પછી બાકી શું રહ્યું ?

કોઈ કહે છે કે સરખેસરખી સ્થિતિના મિત્રો વચ્ચે મિત્રાચારી સંભવિત બને અને લાંબું ચાલે ! બાકી અમીર અને ગરીબ વચ્ચે દોસ્તી બંધાય તોય લાંબું ના ચાલે ! પણ આ વાત સાચી માની શકાય તેવું નથી. કેમ કે અમીર-ગરીબ વચ્ચેની સાચી દોસ્તીની ઘણી દાસ્તાનો છે. આમાં સવાલ અમીર-ગરીબ સ્થિતિનો નહીં પણ મનોવૃત્તિનો હોય છે. ઓસ્કાર વાઈલ્ડની એક વાર્તા છે : એમાં એક વાડીવાળા અને એક ઘંટીવાળાની વાત છે. વાડીવાળો ગરીબ છે, ઘંટીવાળો-લોટ દળવાની ઘંટીવાળો- શ્રીમંત છે. ઘંટીવાળો દોસ્તીના નાતે વાડીવાળાની વાડીમાંથી જોઈએ તે બધાં ફૂલ અને ફળ લઈ જાય છે ! જ્યારે ફળ-ફૂલની મોસમ ના હોય ત્યારે તે વાડીવાળાને યાદ પણ ના કરે ! રાત્રે ઘંટીવાળાની પત્નીએ ઘંટીવાળાને કાતિલ શિયાળાની એક રાત્રે કહ્યું :
‘તમારા દોસ્ત વાડીવાળાની ખબર તો કાઢો !’
ઘંટીવાળાએ કહ્યું : ‘તું કેવી વાત કરે છે ! બરફ પડવાનું ચાલુ રહે ત્યાં સુધી વાડીવાળાને મળવાનો કોઈ અર્થ નથી. અત્યારે એ બિચારો તકલીફમાં હશે અને ડાહ્યા માણસોએ કહ્યું છે કે કોઈ તકલીફમાં હોય ત્યારે તેને એકલો છોડી દેવો જોઈએ. મિત્ર તકલીફમાં હોય ત્યારે તેને મળીને શું કામ તેને ક્ષોભ-શરમમાં નાંખવો ! મિત્રાચારી વિશેના મારા ખ્યાલો આવા છે અને હું માનું છું કે તે સાચા છે ! એટલે હું હમણાં વાડીવાળાને નહીં મળું – હા, જેવી વસંતઋતુ આવશે કે તરત હું તેને મળવા જઈશ ! ત્યારે એ બિચારો મને જરૂર જાતજાતનાં ફૂલો આપી શકશે ! મને એ બધાં રંગબેરંગી ફૂલો આપીને એટલો બધો ખુશ થશે !’
પત્નીએ કહ્યું : ‘તમે બહુ જ સમજદાર છો – મિત્રની કાળજી લેતાં તમને આવડે છે !’

પત્ની તો સ્વાર્થી પતિની ચતુર વાણીમાં ભરમાઈ ગઈ પણ ઘંટીવાળાનો નાનકડો પુત્ર ભલો હતો. તેણે સીધો જ પ્રશ્ન કર્યો : ‘પણ એ ગરીબ વાડીવાળાને આપણે આપણા ઘેર તેડી લાવીએ તો ? હું તો તેને મારું અડધું ભોજન આપી દઈશ !’
ઘંટીવાળાએ પુત્રને કહ્યું : ‘તું ખરેખર એક મૂરખ છોકરો છે. તને નિશાળે મોકલવાનો અર્થ પણ શું ? તું કંઈ શીખતો હોય તેવું લાગતું નથી. તને એટલી અક્ક્લ નથી કે વાડીવાળાને અહીં લઈ આવીએ તો તે આપણું ઘર જુએ, ગરમાગરમ સગડી જુએ, ભોજનનો થાળ જુએ, શરાબના શીશા જુએ અને આ બધું જોઈને તેને આપણી ઈર્ષ્યા થયા વગર રહે ખરી ? ઈર્ષ્યા બહુ જ ખરાબ વસ્તુ છે અને તેનાથી તેનો સ્વભાવ પણ બગડી જવાનો એ નક્કી ! હું એનો શ્રેષ્ઠ મિત્ર છું અને હું તેની બરાબર કાળજી રાખવા માગું છું કે એ કદી ખોટાં પ્રલોભનોમાં ના પડી જાય ! વળી, વાડીવાળો અત્યારે તકલીફમાં છે અને તેને અહીં બોલાવું તો એ ચોક્કસ મારી પાસે ઉધાર લોટ માગે ! પણ હું એવું કરી શકું નહીં ! લોટ એક વસ્તુ છે, દોસ્તી જુદી ચીજ છે ! હું એ બંનેની ભેળસેળ કરવા માગતો નથી !’
ઘંટીવાળાની પત્નીએ કહ્યું : ‘તમે કેવી સરસ રીતે બધું બોલો છો ! મને તો ઊંઘ આવે છે ! એવું લાગે છે કે હું દેવળમાં છું.’ ‘ધી ડિવોટે ફ્રેન્ડ’ – જિગરી દોસ્ત – નામની આ વાર્તામાં ઈંગ્લેન્ડના એક મહાન કટાક્ષ લેખક ઓસ્કાર વાઈલ્ડે વાર્તાના અંતમાં ઘંટીવાળાના મોંમાં જ એવા શબ્દો મૂક્યા છે કે આપણે દાદ દેવી પડે ! ઘંટીવાળો કહે છે, ‘ઘણા લોકો સારી રીતે વર્તે છે પણ બહુ થોડા લોકો સારી રીતે બોલી શકે છે. એનો અર્થ એ જ કે સારી રીતે બોલવું એ સારી રીતે વર્તવા કરતાં કંઈક વધુ અઘરું છે અને તેથી જ વધુ સુંદર ગણાય !’ લેખકે કેટલો ગજબનો કટાક્ષ કર્યો છે ! ઘણાબધા સામાન્ય લોકો મિત્રાચારી વિશે ચતુરાઈભર્યા શબ્દો બોલતા નથી. મોટી મોટી વાત કરતા નથી – સાચા સારા મિત્ર તરીકે સ્વાભાવિકતાથી વર્તે છે. પણ એક એવો વર્ગ છે કે દોસ્તી વિશે મોટી મોટી વાતો કરશે પણ તે ‘દોસ્ત’ હોવાનો દેખાવ કરીને બીજા માણસનો લાભ ઉઠાવશે પણ પેલા માણસની મુશ્કેલીમાં કશી જ મદદ કરવા આગળ નહીં આવે !

માણસને જિંદગીમાં એક જ સાચો મિત્ર મળે તો તેનું મોટું સદભાગ્ય કહેવાય. દરેકને આવું સદભાગ્ય ના મળે તેમ બને પણ મહાત્મા એમર્સન કહે છે તેમ ‘તમે સાચો મિત્ર ના મેળવી શકો તો તેને દુર્ભાગ્ય ગણવાને બદલે તમે જાતે જ કોઈકના સાચા મિત્ર બનો ! તમે જ્યારે એક સાચા મિત્ર બનો છો ત્યારે તમને વહેલી કે મોડી સાચી મિત્રતા પ્રાપ્ત થયા વગર રહેતી નથી. કોઈ કહે છે કે મૈત્રીને ટકાવવી હોય તો રૂપિયાની આપ-લેમાં પડવું જ નહીં ! જો મિત્રને તમે પૈસા આપ્યા તો સમજી લેવું કે પૈસા પણ ગયા અને મિત્ર પણ તમે ગુમાવ્યો ! પણ આ વાતને સાચી માનવાની જરૂર નથી. એ ખરું છે કે મિત્રો વચ્ચેની નાણાંની લેવડદેવડમાં ઘણાંને કડવા અનુભવો થયા હોય છે, પણ આમાં સાચો મુદ્દો એ જ છે કે જો તમે એક સાચા મિત્ર તરીકે મિત્રને જ નાણાં આપ્યા હોય તો પૈસાને કારણે મૈત્રીને મુદ્દલ આંચ આવવી નહીં જોઈએ. તમે જે મિત્રને મદદ કરી હોય તે સાચો મિત્ર હોય, તેની દાનત સાચી હોય તો તેની સાથેની મૈત્રીને આંચ શું કામ આવે ? માણસ સાચો હોય, સાચી દાનતનો હોય અને છતાં સંજોગોની લાચારીને લીધે તે પૈસા વખતસર પાછા આપી ના શકે તો તેથી તે ખરાબ મિત્ર કે ખરાબ માણસ થઈ જતો નથી. જેઓ આવી ફરિયાદ કરે છે તેમાંના ઘણા તો મદદ કરવા આગળ આવ્યા હોય ત્યારે મિત્રનો પોશાક પહેરે છે અને પછી શાહુકારનો પોશાક પહેરીને ઉઘરાણી કરવા લાગે છે. મિત્રને જ મદદ કરતા હોય ત્યારે એમ જ સમજવું રહ્યું કે તમે તમારી જાતને જ મદદ કરી રહ્યા છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “સાચો મિત્ર કેવો હોય ? – ભૂપત વડોદરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.