બીક – યશવંત ઠક્કર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી યશવંતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : asaryc@gmail.com ]

‘જેને મોઢે રૂમાલ બાંધવો હોય તે બાંધી લેજો. હું સુરતથી આવ્યો છું.’ કાનાનો અવાજ સાંભળીને શાંતિ ચમકી. આમ તો ચમકવા માટે સુરતનું નામ પૂરતું હતું. પરંતુ આ તો કાનો ! સગો નાનો ભાઈ! એ તો રહેવા જ આવ્યો હશેને ? કોને ખબર ! એનાં શરીરમાં પ્લેગનાં કેટલાં જંતુઓ ભરાયાં હશે ? હે ભગવાન ! આ મુસીબત સામે મારી રક્ષા કરજે. એક તો સાજાંમાંદાં છીએ ને એમાં સુરતથી મહેમાન ! હવે શું થશે ?…. શાંતિને ગભરાવી નાખનારા વિચારો આવવા લાગ્યાં.

‘આવું કે મોટીબહેન ? કે પછી અહીંથી જ પાછો જાઉં ?’ ઘરનાં બારણે આવીને કાનાએ હસતાં હસતાં પૂછ્યું.
શાંતિ ફિક્કું ફિક્કું હસી. બીજો કોઈ દિવસ હોત તો વાત જુદી હતી…. તો તો પોતે પણ ખુલ્લું ખુલ્લું હસી લેત. દોડીને કાનાના ફૂલેલી રોટલી જેવાં બંને ગાલને પોતાની બંને હથેળીઓ વચ્ચે ભીંસી દેત ને મીઠો ગુસ્સો કરીને કહેત કે : ‘તું તો કાનીયા, એવો ને એવો જ રહ્યો. બહેનના ઘરમાં આવવા માટે વળી રજા લેવાની હોય ?’ પણ આજની વાત તો સાવ જુદી છે. આજે તો…….શાંતિને છાપાના મથાળાં યાદ આવાવા માંડ્યાં… પ્લેગના દર્દીને રસ્તા વચ્ચે છોડીને ભાગી ગયેલા મુસાફરો…સુરતથી મોટાપાયે હિજરત… ધર્મશાળામાં આશરો લઈ રહેલા સુરતીઓને કાઢી મુકાયા…. સુરતથી આવેલાં દીકરી-જમાઈને મળેલો જાકારો….! પરંતુ કાનો સુરતમાં શું લાડવા લેવા ગયો હશે ?

‘વિચારમાં પડી ગયાં મોટી બહેન ? બીક લાગતી હોય તો અહીંથી જ પાછો ફરું.’ કાનાએ ફરીથી પૂછ્યું. એ જ રીતે, જેવી રીતે પહેલાં પૂછ્યું હતું….હસતાં હસતાં….
‘હેં, શું કહ્યું ?’શાંતિને શું બોલવું તેની સમજ પડી નહીં. છતાંય તે બોલી: ‘તું ગાંડો થઈ ગયો છે ? બહેનનાં ઘરનાં બારણેથી પાછો ફરવાની વાત કરે છે ? શરમ નથી આવતી ?’ પછી તો કાનો ઘરમાં આવીને બેસી ગયો. દર વખતની જેમ આ વખતે પણ તેણે ઘરમાં ચારે તરફ નજર નાંખી. ‘આ ક્યારે લીધું ? આ કેમ આવું થઈ ગયું ? ફલાણું ક્યાં ગયું ?’…. આવા સવાલો કર્યા. શાંતિએ જેમતેમ જવાબો દીધા. એણે તો જાણે કાનામાં પ્લેગ-પૂડો જ દેખાતો હતો. અને દેખાતાં હતાં પ્લેગનાં નર્યાં જંતુઓ… જંતુઓ ને જંતુઓ !
‘દીદી તેરા દેવર દીવાના…..’ ગીત ગણગણતો કાનો પોતાનો ટુવાલ લઈને બાથરૂમમાં ગયો અને હાથપગ ધોવા માંડ્યો.
‘અરેરે….!’ શાંતિ મનમાં બબડી, ‘બાથરૂમનું પણ સત્યાનાશ વાળી નાંખ્યું ! ઠીક છે.. આવ્યો છે તો ભલે આવ્યો. પાણી પીને રવાના થાય….’ પણ કાનાને પાણીનો ગ્લાસ તો આપ્યો જ નથી ! સાવ ભુલાઈ ગયું. આ પ્લેગની બીક જ એવી છે. મોત જાણે આસપાસમાં જ હવામાં વહેતું હોય એમ લાગે છે. ચાંચડ કેવું હોય એ ખબર નથી પણ એકએક જંતુ ચાંચડ જેવું લાગે છે. ઉંદર તો અમથોય દીઠયો ગમતો નથી પણ પાડોશીના ઘરમાંથી ક્યારેય આવી ચડે છે ત્યારે તેની પૂંછડી પકડીને મોત પણ ઘરમાં ઘૂસતું હોય એમ લાગે છે.

‘તમે મોટીબહેન આ વખતે મને પાણીનોય ભાવ પૂછ્યો નથી હોં હું જાણું છું. તમે મને જોઈને જ ગભરાઈ ગયા છો.’ કાનાએ બાથરૂમમાંથી બહાર આવીને કહ્યું.
‘ના….ના…. એમાં ગભરાવાનું શું ? તું સુરતથી આવ્યો તો શું થઈ ગયું ? ભાઈ થોડો મટી જવાનો છે ? લોકો તો ગાંડા છે. સુરતનું નામ સાંભળીને ભડકે છે. લે પાણી…. ચા પીશને ?’
‘લો કરો વાત. ચા પીશને ?… ત્યાં જ તમે પકડાઈ જાઓ છો મોટીબહેન, તમે ખરેખર ગભરાઈ ગયાં છો. નહીં તો આવા ફાલતું સવાલો ન કરો. ચાલો જવા દો. આજે ચા નથી પીવી. નાસ્તો પણ નથી કરવો. અને આ પાણી પણ ઊંચેથી જ પીવું છે.’ કાનો પાણી ઊંચેથી પીવા માંડ્યો. તે ઓતરાઈ ગયો. શાંતિને થયું કે પોતે બોલે : ‘ગાંડિયા……ગ્લાસ મોઢે માંડને !’ પણ તેનાથી બોલાયું જ નહી. તેણે સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો ત્યાં તો કાનો બોલ્યો:
‘શું કરું મોટીબહેન ? રવાના થાઉંને ?’
હવે તો હદ થાય છે. શાંતિને થયું કે ઠીક છે, નાનો ભાઈ છે, પહેલેથી હસમુખો છે. ખમી ખાઈએ. પણ ખમવાની હદ હોયને ? એક તો રોગચાળામાંથી આવ્યો છે. ને પાછો ઉપરથી વાતવાતમાં મમરા મૂકે છે. હવે તો જવાબ આપવો જ જોઈએ. ભલે જતો રહેતો. ઓછી ઉપાધિ…
તેણે કહ્યું: ‘તને યોગ્ય લાગે તેમ કર. હું શું કહું ? અમને તો ભાઈ મનમાં એવું કશું નથી. તારા મનની વાત તું જાણે.’
‘યે બાત હૈ.’ કાનાએ ફિલ્મી સ્ટાઈલ શરૂ કરી. સોફા પર ધબ દઈને બેસતાં તેણે કહ્યું : ‘આમ તો મોટીબહેન, હું પાણી પીને નીકળી જ જવાનો હતો. પણ હવે થાય છે કે, જે થવાનું હતું તે તો થઈ ગયું. હવે જવાનો પણ કશો અર્થ નથી. જેટલાં જંતુઓ ફેલાવાનાં હતાં એટલાં તો ફેલાઈ ગયાં હશે. આ ઓરડામાં…. બાથરૂમમાં… અરે મોટીબહેન, તમને મારા શરીર પર ક્યાંય પ્લેગનાં જંતુ ચોંટેલાં દેખાય છે ખરાં ?’
‘જો કાના, તારે સીધી વાત કરવી હોય તો કર. નહિ તો ચૂપ બેસ. હું ક્યારની કશું બોલતી નથી. એટલે….’ શાંતિ આગળ બોલી શકી નહિ. તેનું ગળું રૂંધાતું હતું. તેની આંખોમાંથી આંસુ દદડવાની અણી પર હતાં.

‘ઓહ ! આઈ એમ વેરી સૉરી મોટીબહેન. મારો કહેવાનો મતલબ એમ હતો કે મને કકડીને ભૂખ લાગી છે. ચા સાથે થોડો નાસ્તો હશે તો મજા આવશે.’ કાનો તાળી પાડીને ઊભો થયો. ફ્રીજ પર પડેલી ટેટ્રાસાઈકિલન દવાનું પેકેટ હાથમાં લઈને બોલ્યો : ‘મોટીબહેન, નાસ્તાની ડિશમાં થોડીક આ દવા પણ મૂકી દેશો તો ચાલશે.’ હવે શાંતિને ખરેખરું હસવું આવ્યું.
‘જવા દેને…. તારા જીજાજી કેટલીય લાગવગ લગાવીને લઈ આવ્યા. અમે તો રોજ ત્રણ ત્રણ વખત લેવા પણ માંડેલાં. ત્યાં તો છાપામાં આવ્યું કે…’ શાંતિએ પોતાના આંસુ લુછી નાંખ્યાં.
‘અરે મોટીબહેન, તમે તો ઠીક પણ અશોકકુમાર પણ આટલા હોંશિયાર થઈને વગર બીમારીએ આવી ભારે દવા ખાવા માંડ્યા ? આવવા દો એમને મારી સામે. ધૂળ ન કાઢી નાખું તો મારું નામ કાનો નહિ.’
‘બીક તો બીમારીથીય મોટી છે ભઈલા. સુરતમાં જ્યારથી બીમારી ફેલાણી છે ત્યારથી…. તું નહિ માને કાના, તારા જીજાજી પણ શાંતિથી બેઠા નથી. સોસાયટીનાં લોકોને એમણે જ ભેગાં કર્યાં. પૈસા ઉઘરાવ્યા. ખાડા પુરાવ્યા. કેટલીય દવા છંટાવી.’
‘એ તો મને સોસાયટીમાં પગ મૂકતાંની સાથે જ ખ્યાલ આવી ગયો. પરંતુ મોટીબહેન, સંદીપ કેમ દેખાતો નથી ?’
‘રમવા ગયો છે.’ શાંતિએ જવાબ આપ્યો ને ફરીથી મનમાં ભગવાનને પ્રાર્થના કરવા માંડી કે: ‘હે પ્રભુ, સંદીપને રમવા દેજે. ઘેર જલ્દી આવે નહિ એવું કરજે. એ તો છોકરું છે. પણ આ કાનો તો નાનાં છોકરામાંથીય જાય એવો છે.’
‘પણ કાના, તું સુરત કેમ ગયો હતો ?’ શાંતિએ પૂછ્યું.
‘જવા દો ને મોટીબહેન. જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. નહોતું જવું…નહોતું જવું ને જવાઈ ગયું. બાકી, ધંધામાંથી જરાય નવરા થવાય એવું નહોતું. પણ…..’
‘પણ તું સુરત ગયો’તો ક્યારે એ તો કહે….’
‘પ્લેગનું ભોપાળું બહાર પડ્યું એના આગલા દિવસે જ. મારા સાળાએ ઘર ઉપર માળ લીધેલો એટલે કેટલાય દિવસોથી તેડાવતો’તો. મેં કહ્યું કે ભાઈ, આ બધા તો પૈસાના ખેલ છે. તેં માળ લીધો એ જોઈને હું શું કરું ? પણ મોટીબહેન, ન જાઉં તો બિચારાને ખોટું લાગે. એટલે ગયો. ને ફસાયો. હું સુરત ગયો ને લોકો સુરતની બહાર.’
‘તારે પણ નીકળી જવું’તું ને.’
‘હું નીકળવા તૈયાર થયો પણ મને નીકળવા ન દીધો. એ લોકોએ કહ્યું કે આવ્યા છો તો નિરાંતે રહોને. બીકના માર્યા ભાગો છો શું ? મેં કહ્યું કે બીવે છે કોણ ? આ રોકાયા લે….’
‘તે ત્યારથી આજ સુધી તું સુરત રોકાણો ?’
‘હા વળી. બીજું શું થાય ?’
‘તું ને તારો સાળો એક નંબરના મૂરખ છો.’ શાંતિએ ઠપકો આપવાનું શરૂ કર્યું. પણ…..એની મનની મનમાં જ રહી ગઈ. સંદીપ રમીને ઘરમાં આવ્યો ને કાનાને જોઈને જ એના ગળે વળગી પડ્યો.
‘મામા, ક્યારે આવ્યા ?’ તેણે પૂછ્યું.
‘ક્યારના આવ્યા છે.’ શાંતિ બોલી.

કાનો તો સંદીપના ગાલે બચી પર બચી ભરવા માંડ્યો. શાંતિ ધ્રૂજી ગઈ. તેને ગુસ્સો તો એટલો આવ્યો કે કાનાના હાથમાંથી સંદીપને આંચકી લેવા આગળ વધી. પણ પોતાના મન પર કાબુ મેળવ્યો અને સંદીપનો હાથ પકડીને કહ્યું:
‘ચાલ… બહારથી આવીને હાથપગ ધોવા નથી જવું ?’
‘ભુલાઈ ગયું.’ સંદીપે કહ્યું. ને પછી કાનાને, ‘મામા, હું હાથપગ ધોઈને આવું. પછી આપણે કેરમ રમીએ.’
‘નાં સંદીપ. મારે તો હમણાં જવું છે. આપણે પછી ક્યારેક રમીશું.’
‘નહીં. મામા. હું તમને નહિ જવા દઉં. મમ્મી, તું મામાને જવા નહિ દેતી.’
‘ભલે.’ શાંતિ બોલી. તે છોભીલી પડી ગઈ. પોતે કાનો જલ્દી જાય તેમ વિચારતી હતી જ્યારે સંદીપ એને રોકવા માટે હઠ કરે છે. ‘બાળકને ક્યાં વિકાર હોય છે ! ને બાળક જેવું થવું ક્યાં સહેલું છે ?’ તે મનમાં બોલી.
સંદીપ હાથપગ ધોઈને બાથરૂમની બહાર આવ્યો. શાંતિએ મામા-ભાણીયાને ચા-નાસ્તો આપ્યા. ચા-નાસ્તો લીધાં પછી બંને જણા કેરમ રમવા બેઠાં. શાંતિને હવે ભાભી અને ભત્રીજીની ખબર પૂછવાનું સાંભર્યું. કાનાએ ટૂંકા-ટૂંકા જવાબો આપ્યાં. તેનો જીવ કેરમમાં પરોવાઈ ગયો હતો.

પરંતુ શાંતિના જીવને નિરાંત નહોતી. કાનો સાજોસમો તો હશેને ? આટલા દિવસો સુરતમાં રોકાણો છે તો એને રોગનાં જંતુઓ તો નહિ વળગ્યાં હોયને ? ચેક કરાવીને આવ્યો હોય તો સારું. ચેક તો કરાવ્યું જ હશે ને ? સુરતથી આવનારાં બધાંની તપાસ તો થાય છે…… પણ તો તો એ વાત ન કરે ! ભલું પૂછું એનું ! એ તો તપાસ કરાવ્યાં વગર ઘૂસી જાય એવો છે. જૂઠું બોલવામાં પાછો પડે એવો નથી. એના જીજાજી આવે ત્યારે વાત કરવી કે નહિ ? કરવી તો પડશેને ? સંદીપ કહ્યા વગર રહેવાનો નથી કે મારા મામા આવ્યા’તાં. કાનો તો ભલો હશે તો રોકાઈ જશે. એ એના જીજાજીનો અસલ સ્વભાવ જાણતો નથી ને પડ્યો રહેશે. સાંભળવું મારે પડશે. કાનો સુરતથી આવ્યો છે એવું જાણશે તો એ કાનાને એક પળ માટે પણ ઊભો રહેવા નહિ દે. હે ભગવાન ! આજે તેં શું ધાર્યું છે ?
…..અને કાનો એકદમ જ ઊભો થઈ ગયો. ‘અચ્છા તો હમ ચલતે હૈ….’ કહીને તેણે પોતાની સુટકેશ હાથમાં લીધી. સંદીપને તેડીને વહાલ કર્યું. ‘આવજો મોટીબહેન…..’ કહીને ઝડપથી ઘરમાંથી બહાર નીકળી ગયો. એકદમ કાનાને શું થયું ? શાંતિ ડઘાઈ ગઈ. ‘આવજે’ સિવાય તેનાથી બીજું કશું જ બોલાયું નહિ. સંદીપને તો મામા જતાં રહ્યાં તે જરાય ગમ્યું નહિ. તે રડવા જેવો થઈ ગયો.
શાંતિએ નિરાંતનો શ્વાસ લીધો.
શાંતિએ ઘડિયાળમાં જોયું. સાડાદશ થયા હતાં. કચરાપોતા કરીને બાઈ તો કાનો આવ્યો એ વખતે જ જતી રહી હતી. હવે તો કાલે બધું થાય. ના….ના….. શાંતિના મનમાં વિચારો ધડાધડ દોડવા લાગ્યા…. એક આખો દિવસ ને આખી રાત ! આટલી બધી રાહ ન જોવાય. અશોક તો બે વાગે જમવા આવશે. થોડી ઉતાવળ કરવી પડશે પણ બધું પતી જશે….. સફાઈ તો કરવી જ પડશે. અશોકને તો ઠીક પણ મને પોતાનેય ત્યાં સુધી ઉબકા આવ્યા કરશે. ચક્કર ચડ્યા કરશે. માથું દુ:ખ્યા કરશે. શરીર ગરમ લાગ્યા કરશે. એના કરતાં જેમ બને તેમ જલ્દી બધું સાફ કરી નાખું. કરવું જ જોઈએ.

શાંતિ ઊભી થઈ. પલંગ પરથી ચાદરો લઈને બાથરૂમમાં નાખી. ઓશિકાના કવર પણ કાઢી નાખ્યાં. કાનાએ હાથ લૂછ્યા હતાં એ નેપકીન પણ. સંદીપના કપડાં બદલાવી નાખ્યાં. બધું બાથરૂમમાં…સંદીપને રમવા મોકલી દીધો. પછી દવાનો પંપ હાથમાં લીધો. મોઢા પર રૂમાલ બાંધ્યો. દવા છાંટવી શરૂ કરી… કપડાં પર… અંદરનાં ઓરડામાં…. બેઠકરૂમમાં…..
ને ત્યાં તો….
‘મોટીબહેન, આવું કે ?’ કાનાનો જ અવાજ !!
શાંતિને થયું કે પોતે પંપ જલ્દીથી સંતાડી દે. પણ કાનો તો બારણામાં આવીને ઊભો રહી ગયો હતો. હવે તો બચાવ કરવો પણ નકામો હતો. છતાંય તે બોલવા ગઈ કે : ‘હમણાં મચ્છર બહુ થઈ ગયાં છે.’ ત્યાં તો કાનો જ બોલ્યો કે : ‘સૉરી ટુ ડિસ્ટર્બ યુ. મોટીબહેન, હું મારા ગોગલ્સ બાથરૂમમાં ભૂલી ગયો છું. એક જ મિનિટમાં લઈ આવું.’ કાનો બૂટ કાઢીને બાથરૂમ તરફ દોડ્યો. ઝડપથી પાછો ફર્યો અને બૂટ પહેરતાં બોલ્યો : ‘હવે તમે બરાબર દવા છાંટો. બધું વાતાવરણ જંતુમુક્ત કરો. પછી સરસ મજાની રસોઈ બનાવો એટલે હું અને મારા જીજાજી આવીને સાથે જમીશું.’

શાંતિ કાના તરફ જોઈ રહી. આ મુરખને શું કહેવું ? તે વિચારવા લાગી…. તેને શબ્દો મળ્યા નહિ. પણ તેની આંખોને વ્યક્ત કરવા માટે નારાજગી મળી. તેના ચહેરા પરનું લખાણ કોઈપણ વાંચી શકે તેમ હતું. કાનો પણ ! છતાં ય કાનો તો જાણે સાવ નફ્ફટ !
‘મોટીબહેન, તમે તો જાણો જ છો ને કે મને શાનું શાક વધારે ભાવે છે ? ને તમારા હાથની દાળ તો તપેલી મોઢે પીવાનો છું. ઓકે… ઠીક દો બજે હમ આતે હૈ.’ શાંતિને થયું કે છૂટ્ટો પંપ જ મારું. એક તો સુરતના રોગચાળામાંથી આવ્યો છે ને પાછો ખોટા મસ્કા મારીને રોકાવાની વાત કરે છે.
‘બાઝીગર… મૈં…. બાઝીગર’ ગીત ગણગણતો કાનો ચાલતો થયો…. ઝાંપે પહોંચ્યો ને પાછો ફર્યો.
‘હવે શું છે ?’ શાંતિએ ગુસ્સામાં પૂછ્યું.
‘મોટીબહેન, હું તો માત્ર એટલું જ કહેવા પાછો ફર્યો છું કે તમે ગભરાતાં નહિ. હું સુરતથી નથી આવ્યો. સુરત હું ગયો જ નથી. સુરતથી મારે ત્યાં પણ કોઈ આવ્યું નથી. હું તો રાજકોટથી સીધો જ આવ્યો છું. અહીનું થોડું કામ હતું તે પતાવવાનું છે. બપોરે મારા જીજાજીની સાથે બેસીને જમીશ. ઓકે… આઈ એમ ગોઈંગ….’ કાનો ધડાધડ બોલી ગયો ને દરવાજે પહોંચી પણ ગયો.

કાનાએ દરવાજેથી ફરી બૂમ પાડી: ‘મોટીબહેન…. સૉરી ફોર મજાક.’ ને શાંતિએ મીઠા ગુસ્સા સાથે પંપ ઉગામ્યો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સાચો મિત્ર કેવો હોય ? – ભૂપત વડોદરિયા
સુખ – માવજી મહેશ્વરી Next »   

26 પ્રતિભાવો : બીક – યશવંત ઠક્કર

 1. સુરતનાં આ રોગચાળા વખતે અમે પણ વડોદરામાં મોંઢે બુકાની બાંધીને ફરતાં,એ દિવસો યાદ આવી ગયાં ! લેખકને અભિનંદન !

 2. Enjoyed reading this story. It is humorous at the same time depicts very well how people become conscious, try to take all preventive measures and avoid meeting with people who are from any disease-prone place.

  Thank you for sharing this story with us Dr. Yashvant Thakkar.

 3. Please ignore my typo in the above comment. I meant to thank the author Shri Yashvant Thakkar.

 4. સરસ વાર્તા…ખરેખર વાર્તા સ્પર્ધામાં ક્રમાંક પામે એવી વાર્તા છે.

  • jignisha patel says:

   વાર્તા સભા મા આ વાર્તા ને મારા તરફ થેી હુ બેીજો ક્રમ આપેીશ કારણ કે પ્રથમ માટે તમારે રેીડ ગુજરાતેી મા ચાન્સ – આઇ.કે. વિજલેીવાણા નેી સ્ટોરેી વાચવેી પડશે.

 5. raj says:

  intresting,good story
  raj

 6. રમુજની રન્ગત સાથે સ્વાર્થી માનવ સ્વભાવ છતો કરતી એક ખુબજ સુન્દર વાર્તા.

 7. “રીડ ગુજરાતી”ના વિશાળ અને કદરદાન વાચકગણ સમક્ષ મારી આ વાર્તા મૂકવા બદલ શ્રી મૃગેશભાઈનો આભારી છું. ટૂંકી વાર્તા જેવાં સાહિત્યપ્રકાર માટે રસ દાખવનારા અને પ્રતિભાવો આપનારા વાચકોને ખૂબ ખૂબ ધન્યવાદ.

 8. શાંતિ કાના તરફ જોઈ રહી.

  આ મુરખને શું કહેવું ?

  તે વિચારવા લાગી….

  તેને શબ્દો મળ્યા નહિ. પણ તેની આંખોને વ્યક્ત કરવા માટે નારાજગી મળી.

  તેના ચહેરા પરનું લખાણ કોઈપણ વાંચી શકે તેમ હતું. કાનો પણ ! છતાં ય કાનો તો જાણે સાવ નફ્ફટ !

  વાહ !! વાહ !!!!!

 9. ડરશો નહીં – હું ભાવનગરથી આવું છું 🙂

  સુરતના પ્લેગ વખતે અનુભવેલી બીકનું જીવંત પ્રસારણ જોતા હોઈએ તેમ લાગ્યું. શું કહો છો મોટીબહેન?

 10. શ્રી.યશવંતભાઈને તો ‘અસર’ પર બહુ માણ્યા છે, આજે અહીં તેમની આ સુંદર વાર્તા માણી, ભારે આનંદ થયો.
  બીક અને શરમ વચ્ચે અટવાતા મોટીબહેનની વર્તણૂક એ આપણી સામાન્ય વર્તણૂક છે. આને જ ભારે ધર્મસંકટ કહેતાં હશે ને !
  રીડ ગુજરાતીનો પણ ખુબ ખુબ આભાર.

 11. સરસ નવલિકા છે.
  લેખકને પણ આવી સરસ નવલિકા લખવા માટે આભાર..

 12. બાકી અઘરી મજાક હતી હો….

 13. rakesh kheni says:

  તયારે હુ કદશ ૩ વરશ નો હતો અને સુરત હતો ફરિ યાદ અવિ ગયા એ દિવશો

 14. devina says:

  dear writer bahu maja padi,halma felayelo chicken guniya yaad aavi gayu, je rogchalo ocho hato ne multinational pharma companies mate paisa kamavvani tak vadhare

  • સાચી વાત છે. આડે દિવસે ગમેં તેવી ગંદકીની પરવા ન કરનારા પણ સાવચેત થઈ ગયાં હતા. દવા લેવા માટે તો પડાપડી કરવા લાગ્યાં હતા. નજીકનાં સગાંઓથી પણ ગભરાતાં હતા. ણે હવે… “બીક ” નથી તો…
   ખેર, સુરત ત્યાર પછી જ ઘણું બદલાયું!

 15. Hitesh Zala says:

  Mara kaka tyare surat hata,atyare kaka nathi temni yaad avi gai

 16. M D Virparia says:

  ં મિત્રઓ સાથે બેસિને વાચ્વા જેવો નિબ્ન્ધ્

 17. Chirag Joshi says:

  ખુબ જ સરસ અને રસપ્રદ…….Thanks Yashwantbhai

 18. nisha rathod says:

  fear with fun…!!!!
  really funny..!!!
  aakhare fun karvawala nu nam su chhe bhai? “KANO….” majak vagar maja na aave….!!!
  right?

 19. jignisha patel says:

  ખરેખર ખુબ મજા આવી.વાર્તા મા લાગતુ હતુ કે કાના ના મોટાબહેન કાના ને ખોટુ લાગે તેવુ ના કરે તો સારુ. પણ આ તો રહસ્ય જાણેી ને મજા આવેી ગયેી. રહસ્યપદ રમુજ સ્ટોરેી.

 20. viral says:

  Simply Superb ..!!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.