સુખ – માવજી મહેશ્વરી

[ ‘અદશ્ય દીવાલો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી માવજીભાઈનો (કચ્છ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]

ઉષા થાકેલા પગે પરસેવે નીતરતી ઘેર પહોંચી. એને બારણા આગળ જ બેસી પડવાની ઈચ્છા થઈ આવી. એક હાથમાં કેરોસીનનું ડબલું અને બીજા હાથમાં પકડેલી શાકની થેલી સાથે તે થોડી વાર તાળાને જોઈ રહી. બેય વસ્તુઓ નીચે મૂકી સાડીના છેડાથી મોં પરનો પરસેવો લૂછ્યો. સેંથામાંથી રેલાયેલા કંકુથી સાડીનો છેડો સહેજ લાલ થઈ ગયો. કમરેથી ચાવી કાઢી તેણે તાળું ખોલ્યું. કમને કેરોસીનનું ડબલું અને શાકની થેલી ઉપાડી ઘરમાં આવી અને બધું નીચે મૂકી પલંગ પર ફસડાઈ પડી. વજનદાર થેલી અને ડબલું ઉપાડવાથી હથેળીમાં લાલ આંકા ઊઠી આવ્યા હતા. છેક ક્યાંય દૂર શાક મારકેટ હતી. ત્યાંથી ચાલતા આવવું. રિક્ષા તો ઘણી મળી શકે. પણ….

ઉષાએ ભીંત પર લટકતા કૅલેન્ડર પર નજર નાખી અને બેય હાથની હથેળીઓ મસળી નાખી. ગળામાં તરસ હોવા છતાં તેને ઊઠવાની ઈચ્છા ન થઈ. પલંગ પર પડી પડી ઘરમાં જોવા લાગી. પોતાના જ ઘરમાં કંઈક અજાણ્યાપણું લાગી રહ્યું હતું. કંઈક અણગમતી જગ્યાએ આવી ચડી હોય એવું થવા લાગ્યું હતું. એકએક વસ્તુ પર ફરતી આંખોને તે વસ્તુઓનું નિર્જીવપણું ખૂંચવા લાગ્યું હતું. એ જ જૂનીપુરાણી વસ્તુઓ, કપડું ફાટી જવાથી ઢીલી પડી ગયેલી ખુરશીઓ, વાર્નિશ વગરનું મેલું ટેબલ, રજોટાયેલો રેડિયો, જૂના મોડેલની ટાઈમપીસ, અભેરાઈ પર થોડાંક વાસણો, બરાબર ધ્યાનથી જોઈએ તો લાભશુભ વંચાય એવા મોતી ગૂંથેલા વૉલપીસ અને એ બધી વસ્તુઓને આધાર આપતી ઊખડી ગયેલા ડિસ્ટેમ્પરવાળી ભીંતો. ઉષાને થયું :
‘આ મારું ઘર ? આ જ ?’

એક તીણો સણકો હૈયાને વીંધી નીકળી ગયો.
ભીંત પર લટકતો લગ્ન વખતનો નીતિન સાથેનો ફોટો જાણે અચાનક દેખાયો. પહેલી વાર જોતી હોય તેમ ફોટાને એકધારું તે જોઈ રહી. એ વખતે નીતિન કેટલો સુંદર લાગતો હતો ! જોકે અત્યારેય કાંઈ…..છતાં પણ….. ટાઈમપીસ ટક ટક કરતી રહી. ઉષાએ ઘડિયાળ પર એક નજર નાખી અને પરાણે ઊઠતી હોય તેમ પલંગ પરથી નીચે ઊતરી. થેલી અને કેરોસીનનું ડબલું ઉપાડ્યા અને રસોડું ખોલ્યું. હાથ હૈયાથી અળગા રહી કામ કરતા રહ્યા યંત્રવત. સ્ટવમાં કેરોસીન નાખતાં કેરોસીન ઢોળાયું. તીવ્ર વાસ રસોડાથી આંગણા સુધી ફેલાઈ ગઈ. એ રોજિંદુ કામ પરાણે કરતી રહી.

આમ તો આ ઘર અને આ વાતાવરણમાં આ જ કામ તે રોજ હોંશે હોંશે કરતી, પણ આજે એનો જીવ ચૂંથાતો હતો. એક અકથ્ય મૂંઝવણ એને અકળાવતી હતી. કંઈક હતાશા અને ઈર્ષ્યા જેવી ભેળસેળ થઈ ગયેલી બાબતો દમતી હતી. ઉષા શૂન્ય આંખે સ્ટવ પર રંધાતા ચોખાને જોઈ રહી. ચોખામાંથી આવતી સોડમ આજે એના નાકની ભીતર પ્રવેશતી જ ન હતી. સ્ટવની નીલી જ્યોત જોતાં એને પેલી મોરપીચ્છ રંગની સાડી યાદ આવી ગઈ અને એ સાડીમાંથી નીકળીને ફેફસાં સુધી પહોંચી ગયેલી સુગંધ પણ. માત્ર સુગંધ જ નહીં. એ સુગંધી સાડી અને સાડીથી ઢંકાયેલું શરીર એટલે જ્યોત્સના નામની સ્ત્રી.

ઉષા શૂન્યમનસ્ક બેસી રહી. આજે એના મનના અકબંધ કિલ્લાના પથ્થરો અચાનક ફસક્યા હતા. એ વિચારવા લાગી….. – શું એ પેલી જ જ્યોત્સના હતી જે આજથી થોડાંક વર્ષો પૂર્વે એની સાથે હૉસ્ટેલમાં રહેતી હતી ? અને તેણે જેનો પતિ તરીકે ઉલ્લેખ કર્યો એ વ્યક્તિ તો……
એની આંખો આગળ કેટલાંક દશ્યો પસાર થઈ ગયાં.
જાણે એ કૉલેજની લાઈબ્રેરીમાં બેઠી છે. હંમેશની ટેવ મુજબ વાંચતા વાંચતા ગણગણે છે. અચાનક પાછળ કોઈનો પદસંચાર થાય છે. તે ગરદન પાછળ ફેરવી જુએ છે. સહેજ ચમકે છે પણ તરત સ્વસ્થ થઈ જાય છે. આવનારના ચહેરા સામે જુએ છે. સામેના ચહેરા પર મૂંઝવણની લાલીમા છે. થોડોક ગભરાટ છે. થોડીક મક્કમતા પણ છે. એના મનમાં વિચાર ઊઠે છે કેમ આવ્યો હશે ભરત ? અચાનક તે પૂછી બેસે છે :
‘બોલ શું કામ છે ?’
‘ઉષા, મારે તારી સાથે જરૂરી વાત કરવી છે.’
‘બોલ સાંભળું જ છું ને !’
ઉષાના અવાજમાં રણકતી બેફિકરાઈ ભરતને મૂંઝવે છે.
‘મારી વાત પર ગુસ્સે ન થઈશ. સચ્ચાઈના ભાવ સાથે કહેવા આવ્યો છું, જો તું શાંતિથી સાંભળે તો.’
‘તું વાત કર. હું નહીં ઉશ્કેરાઉં બસ !’
‘મારો સ્વીકાર કરીશ ?’
ઉષાને લાગ્યું ભરત બહુ પ્રયત્ન કર્યા પછી આ વાત કહી શક્યો છે. તે ભરત સામું જોઈ સ્થિર અવાજે બોલી :
‘મારા વિશે તું નથી જાણતો ભરત ?’
‘બધું જાણું છું એટલે જ કહેવા આવ્યો છું.’
‘આપણે સારા મિત્રો છીએ તે ઓછું છે ? અને માણસ પાસે કોઈને આપવા એક જ હૃદય હોય છે.’

ભરત ઉષાને જોઈ રહ્યો. ઘડીભર શું બોલવું તે સૂઝ્યું નહીં. ઉષા પુસ્તકોના કબાટને જોઈ રહી.
‘ઉષા બરોબર વિચાર કરી લેજે. જિંદગી ફકત કવિતાઓ લખવાથી કે ફક્ત પ્રેમથી નથી જિવાતી. જીવવા માટે બીજું ઘણું બધું જરૂરી છે. હું ફક્ત પ્રેમ જ નહીં, તે ઉપરાંત ઘણું બધું આપી શકીશ તું ઈચ્છે તે અને ઈચ્છે તેટલું.’ ભરત જો આટલું બોલીને ઊભો રહ્યો હોત તો ઉષાના ચહેરા પર ઉપસેલી તંગ રેખાઓ જોઈ શક્યો હોત. થોડી વારની અસ્વસ્થતા પછી તે હળવી થઈ વાંચતી રહી હતી. પછી તે લાઈબ્રેરીમાં જતી ત્યારે ભરતના શબ્દો પડઘાઈ ઊઠતા. થોડા દિવસ એવું બન્યું. ભરત લાખોપતિનો એકનો એક પુત્ર હતો. એમાં ના નહીં પણ આખરે નીતિનના નિર્ભેળ પ્રેમ આગળ તો……

પાણી થઈ રહેવાથી તપેલીને તળિયે ચોખા તડતડવા લાગ્યા. ઉષાએ ઝડપથી પાણી નાખ્યું. સહેજ છમકારા જેવું થયું. બેય પગે ખાલી ચડી ગઈ હતી. એ પલાંઠી વાળીને બેઠી પણ પેલા વિચારો એનો કેડો મૂકતા ન હતા. એની નિર્ભેળ પ્રેમના પાયા પર ઊભેલી ઈમારતને આજે જ્યોત્સના ભરત શાહ નામની સ્ત્રીએ કશાય પ્રયત્ન વગર હચમચાવી મૂકી હતી. ઉષાને ભરતના શબ્દો યાદ આવતા હતા. એને થયું સાવ ખોટી વાત. જિંદગી પ્રેમથી જ જિવાય છે. તો પછી…..
તરત બીજો વિચાર ધસી આવ્યો.
જો ભરતની વાત ખોટી જ હોય તો કૉલેજકાળની સુકલકડી અને શ્યામળી જ્યોત્સના. જેના પર કોઈ નજર પણ નાખતું ન હતું તેની સામે હું આજે કેમ વામણી લાગતી હતી ? કેમ એની સામે આંખ માંડી ન શકી ? નીતિને તો ચાહવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. મારી એક ખુશી ખાતર બધુંય કરવા તૈયાર છે તો પછી મન હજી કઈ ખુશી ખાતર અકળાય છે ? શું ભરત સાચો હતો ? ઉષાના મનમાં ઊઠતા પ્રશ્નો આગળ તેનું કાંઈ ચાલ્યું નહીં. એની તમામ દલીલો પોકળ લાગવા માંડી. આજે એને એનું ઘર, રસોડું, આંગણું નિરસ લાગતું હતું. હંમેશા ઑફિસેથી આવતા નીતિન અને સ્કૂલેથી આવતા વિશાલને જોવા ઓટલે બેસતી. પણ આજે તેને પડ્યા રહેવાનું મન થયા કર્યું. એના ચિત્તતંત્ર પર રહી રહીને બે ચહેરા છવાઈ જતા હતા. જ્યોત્સના શાહ, ભરત શાહ અને તેમની આસપાસનું ઘણું બધું…… ઉષાની બુદ્ધિ તેના મનને સમજાવી શકી નહીં. બધું સમજતી હોવા છતાં અંદરથી સ્વીકાર કરવા તૈયાર ન હતી. વચ્ચે કંઈક આડું આવી જતું હતું. ઉષા પાસે એનો કોઈ જવાબ ન હતો.

બીજા દિવસે જ્યોત્સના સાથે કરેલા વાયદા પ્રમાણે તેના ઘેર પહોંચી ત્યારે મનમાં ભયંકર ઊથલપાથલ થઈ રહી હતી. નાના એવા બંગલામાં પ્રવેશતાં જ આસપાસની સાહ્યબીએ એનું સ્વાગત કર્યું. તે ચકળવકળ આંખે બધું જોતી આગળ વધી. કૉલબેલ પર હાથ મૂકતાં એનાં ટેરવાં સહેજ કંપી ઊઠ્યાં. મનમાં ન સમજાય તેવા ભાવ ઊઠતા હતા. દરવાજો ખૂલતાં ફરી એક મીઠી સુગંધે એને ઘેરી લીધી. ઉષા સોફા પર બેઠી પણ કંઈક સંકોચ સાથે તેની નજર ઘરમાં ફરતી રહી. ઘરની સજાવટ, ઘરમાં રહેલી મોંઘી વસ્તુઓ, ભીંત પર ટીંગાતી મોટી છબીમાં હસતો ભરત. ઉષાને અચાનક પોતાનું ઘર યાદ આવી ગયું, એણે બળ કરીને થૂંક ગળા નીચે ધકેલ્યું. એ.સી. રૂમમાં પણ તેણે કપાળ પર રૂમાલ ફેરવી લીધો. જ્યોત્સના સાથે વાતચીતમાં ઉષા ખૂલી શકી નહીં. કોઈક અદશ્ય પ્રભાવ હેઠળ તે દબાયેલી બેઠી હતી. ઔપચારિક વાતો થતી રહી.
‘જ્યોત્સના, તમે હજી સુધી બે જ છો કે પછી…….?’
જ્યોત્સના ઘડીભર ઉષાના ચહેરા સામે તાકી રહી. કંઈક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો પણ શબ્દોથી પહેલાં આંખોમાં આંસુ ઊભરી આવ્યાં. ઉષા જ્યોત્સનાની તૂટક તૂટક વાતો સાંભળતી રહી. જેમ જેમ જ્યોત્સનાને સાંભળતી રહી તેમ તેના ભીતર કશુંક ટટ્ટાર થવા લાગ્યું. જ્યોત્સનાની સામું જોતાં તેને એકદંડિયા મહેલમાં પુરાયેલી મહારાણી અને રંગીન મિજાજના મહારાજાની વાર્તા યાદ આવી ગઈ. તેને એવું લાગ્યું જાણે એ જ કૉલેજ કાળની શ્યામળી, દુબળી અને અસહાય જ્યોત્સના સામે બેઠી છે. ખાસ્સી વાર બેઠા પછી વળતી વખતે તે હળવીફૂલ હતી.

ઘેર આવતાં તો પગે પાંખો આવી. એ પહોંચી ત્યારે પુત્ર વિશાલ સ્કૂલેથી આવી ગયો હતો. બે ડગલાં સામે આવેલા વિશાલને તેણે વહાલથી નવરાવી નાખ્યો. વિશાલ તો આ ન સમજી શક્યો પણ રાત્રે નીતિન પણ કંઈ જ ન સમજી શક્યો.

[કુલ પાન : 159. કિંમત રૂ. 80. (આવૃત્તિ : ઈ.સ. 2000 પ્રમાણે). પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ. ફોન : +91 79 25506573]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “સુખ – માવજી મહેશ્વરી”

Copy Protected by Chetan's WP-Copyprotect.