બાપુજીની છત્રી – રાજેન્દ્ર પટેલ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

જ્યારે જ્યારે ખાબકે વરસાદ
બાપુજીની છત્રી
આવે યાદ.

ત્યારે માળિયામાં ચડું
જૂની છત્રી કાઢું.

જ્યાં ખોલું છત્રી
જાણે એક અકબંધ આકાશ ખૂલતું.

અજવાળા સામે ધરું છત્રી
જીર્ણ છત્રીનાં અનેક નાનાં કાણાંમાંથી
અજવાળાનો જાણે ધોધ વરસે.

વરસાદમાં જ્યાં નીકળું બહાર
છિદ્રાળી છત્રીમાંથી
મજાનું વ્હાલ વરસાવે વાછટ.
જાણે એકસામટા બધાય પૂર્વજો વરસી પડે
અને બાપુજી તો હાજરાહજૂર.

ખાદીની સફેદ ધોતી પહેરણ
માથે ગાંધી ટોપી
ઉપર કાળી છત્રી.
બાપુજી ચાલતાં
આખેઆખો રસ્તો એમની સાથે
વટભેર ચાલતો.

એ દશ્ય કેમ ભુલાય ?
બા બાપુજીને જોયેલાં સાવ નજીક
માત્ર આ છત્રીમાં
બાના મોં પર શરમના શેરડા ને
બાપુજીનું મંદ મંદ હાસ્ય જોઈ જાણે
પડતો અઢળક વરસાદ

જ્યારે જ્યારે
ઘનઘોર વાદળો ઊમટે
ભયંકર વીજળી ત્રાટકે
મસમોટું વાવાઝોડું ફૂંકાય
સાથે રાખું છું
બાપુજીની આ જીર્ણ છત્રી
એ મને સાચવે છે
જેમ બા બાપુજી સાચવતાં મને.

ઘણી વાર અંધારી રાતે
ટમટમતા તારાઓ ભરેલા આકાશને જ્યારે જોઉં
લાગે છે બાપુજીની એ જ એ
કાળી છત્રી.

એ માળિયું, એ છત્રી, એ આકાશ, નક્ષત્રો,
એનો એ જ વરસાદ
બધુંય જાણે ધબકે છે
બાપુજીની જૂની પુરાણી
એકમાત્ર આ છત્રી થકી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “બાપુજીની છત્રી – રાજેન્દ્ર પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.