હિસાબ – વિજય શાસ્ત્રી

[‘નવનીત સમર્પણ’ દીપોત્સવી ઓક્ટોબર-2011માંથી સાભાર.]

પૈસો ખૂબ. ગણી ગણીને વાપરે એટલે પૈસો ખૂબ. ગણવામાં આખું કુટુંબ પાક્કું. રોટલી પણ ખાનારદીઠ ગણીને કરવાની. ખાવાની પણ ગણીને. સ્વાભાવિક છે કે ગણતરી બહારના કોઈને ખવડાવી પડે ત્યારે એડજેસ્ટ કરવાનું. બધાએ એક-એક કે પછી અસાધારણ સંજોગોમાં બબ્બે ઓછી ખાવાની. આ તો ભઈ, દાખલો આપ્યો. શેઠ-શેઠાણી વત્તા તેમનો એકનો એક દીકરો. કુલ જણ ત્રણ. દીકરી માટે કશી ઈચ્છા નહીં. દીકરો પરણશે ને વહુજી ઘરમાં આવશે એ દીકરી જ બનશેને ? બોલવામાં આવું કેટલું સારું લાગતું હતું ! વહુને દીકરી ગણવાની વાતથી બોલનાર પણ કેટલા સારા લાગતા હતા ! દીકરી, ખરેખરી દીકરી હોય તો એને પાળોપોષો, ભણાવો-ગણાવો, ખર્ચો કરી ડૉક્ટર બનાવો કે બીજું કંઈ બનાવો – એ બધું એમ ને એમ થોડું થાય છે ? ડોક્ટરફોક્ટરની વાત બાજુ પર મૂકીએ તોયે દીકરી ખાધાપીધા વગર થોડી રહેવાની છે ? એનોય ખર્ચ તો ખરો જ ને ? ટૂંકમાં, ખર્ચો નહીં જ કરવાનો એમ તો નહીં પણ ‘ટૂંકમાં’ કરવાનો ! ગણીને કરવાનો. કરેલી ગણતરીની બહાર જો કશુંક ગયું તો અપસેટ ! ગણતરી આઘીપાછી થઈ જાય તો બીજી રીતે સરભર કરવાની. દાખલો, રોટલીવાળો ઉપર આપ્યો છે.

તો આમ ગણતરી પ્રમાણે જીવતાં શેઠ-શેઠાણીને ત્યાં, ગણતરી મુજબ પુત્ર પ્રસવ્યો. ગણતરી પ્રમાણે ઊછરવા લાગ્યો. અને ગણતરી પ્રમાણે પરણાવ્યો પણ ખરો. અહીં સુધી તો બધું સમુંસૂતરું ચાલતું રહ્યું. પણ વહુજીએ રૂમઝૂમ પગલે ગૃહપ્રવેશ કર્યો ત્યારથી તેની અને ગણતરીદેવી વચ્ચે તલવારો તણાવા માંડી. વહુજી જરા જુદા વાતાવરણમાં, કહો કે સાવ ઊલટા વાતાવરણમાં ઊછરેલી હતી. ઘરના નોકરચાકરોને પણ નામ પાછળ ભાઈ કે બહેન લગાડીને સંબોધાતાં. સુમિત્રાનું ‘સુમી’ ન થતું, ‘સુમિત્રાબહેન’ થતું. નટવરનું નટિયો નહીં નટુભાઈ થતું. ઉંમરમાં નાનાં હોય તે ‘નટુકાકા’ કહેતાં. ચાપાણી, નાસ્તો અને યથાકાળે ભોજન. જમતાં પહેલાં ગાયકૂતરાનું અલગ કાઢવાનું. અચાનક કોઈ આવી ચડે તો ‘સાચો’ આગ્રહ કરી જમાડવાના. ટૂંકમાં કોઈ પણ વ્યવહારમાં કશી ગણતરી નહીં. આવા ઘરની દીકરી નવે ઘેર પરણીને ગઈ ત્યારે ત્યાંની નોકરાણી બાઈનું નામ પણ ‘સુમિત્રા’ જ નીકળ્યું એ અજબગજબના જોગાનુજોગે આ વહુજીએ આનંદ-આનંદ કરાવી દીધો. હા, માળીકાકાનું નામ મરાઠી માણૂસનું હોય એવું પાંડુરંગ હતું પણ એમની બેઠી દડીનું શરીર અને બોલવાચાલવાની ઢબછબ તો પિયરના નટુકાકાની જ યાદ અપાવતાં હતાં. આમ ‘બહાર’ના બે માણસો ‘ઘર’ના જેવા મળ્યા હતા તેને વહુજી પોતાનું સૌભાગ્ય માનતી.
પણ-
બહારના ઘરના જેવા હતા એ સાચું
પણ-
ઘરના, કોણ જાણે કેમ બહારના જેવા લાગ્યા કરતા હતા. વાતે વાતે હિસાબ. આમ કરીએ તો આટલો ખર્ચ ને તેમ કરીએ તો તેટલો ! એક વાર તો પિયરના ગામથી મામાનો દીકરો મળવા આવેલો. જમવાટાણું થઈ ગયેલું એટલે જમવાનો આગ્રહ (બનાવટી) કર્યો. બહેનનું ઘર હોઈ ભાઈએ ના પાડવાની જરૂર જોઈ નહીં. એણે ખાધેલી રોટલીઓ બાદ કરી બહેને, છાનીમાની ખાધી ! જતા છોકરાને પાછો સાસુજીએ આગ્રહ કર્યો કે – આજે રોકાઈ જાઓ. સાંજે જમીને જજો. વારેવારે થોડું અવાય છે ? તમારું જ ઘર કહેવાય. બીજી વાર અહીં જ ઊતરજો. વગેરે ગોખેલાં વાક્યો નિયમાનુસાર બોલી કાઢ્યાં. મામાનો દીકરો બહેનનાં સાસુમાને મનમાં ‘કેટલાં ભલાં !’ ‘કેટલાં પ્રેમાળ !’ કહેતો પ્રશંસતો રવાના થયો ત્યારે વહુજીને પોતાના ઓરડામાં ગયા પછી ‘હાશ’ થઈ.

સાસુજીને અમુક શારીરિક તકલીફો વય વધવાને કારણે રહેતી હતી. તેની દવાનું ખર્ચ પ્રતિમાસ ફાળવેલું. 30 દિવસનો મહિનો હોય તો બધું કટોકટ આવી રહેતું પણ 31 દિવસનો હોય તો એકત્રીસમો દિવસ ખાલી પડતો. જ્યોતિષમાં, પંચાંગમાં ‘ખાડો’ કહેવાય છે તેમ દવા વગરનો રહેતો. ‘હું પોતે આટલું વેઠતી હોઉં’ એમ આવે વખતે સાસુજી કહેતાં. તો વહુજીને તો માંદા પડવાનો, વગર બજેટે, કોઈ કરતાં કોઈ હક રહેતો નહોતો. શરદી-માથું જેવી સીઝનલ તકલીફો માટે પિયરથી સાથે લવાયેલી દર્દશામક ગોળીઓનો છાનોમાનો ઉપયોગ કરતી. થોડીક વાર સારું રહેતું પછી પાછું એનું એ. અને આમાંથી જ વાત વણસી. એક દિવસ રસોડામાં ઊભાં ઊભાં રસોઈ કરતાં એકાએક ચક્કર આવ્યાં અને વહુજી બેસી પડ્યાં. સુમિત્રા રસોડામાં જ હતી. તેણે આ જોયું ને તરત જ દોડીને વહુજીને બાજુના સ્ટૂલ પર બેસાડી દીધાં. બધાને બૂમ પાડી ભેગા કર્યાં. ‘થોડી વાર સૂઈ રહે…. થાકને લીધે આવ્યાં હશે’ સાસુજી ઉવાચ. સૂઈ રહેવાથી સાવ ફ્રી-માં વહુજી બેઠી થઈ જતી હોય તો ભયોભયો ! નહીં તો છેવટે (રિપીટ : ‘છેવટે’) ડોક્ટર અંકલ તો છે જ.

ડોકટર ખરેખર દૂરના સગા હતા એટલે ખરા અર્થમાં ‘અંકલ’ હતા. બહુ પ્રેમાળ હતા. તરત વિઝિટે આવી જતા. પાઈપૈસો કદી લેતા નહીં. દવાઓ પણ ફ્રી સેમ્પલોવાળી આપી જતા. પૈસા લેતા નથી એ વાત પાકી થવાથી સાસુજી હરખભેર કહેતાં-
‘ભઈલા, તું આમ પૈસા નો (નહીં) લ્યે તો દવા ગણ (ગુણ) નહીં કરે.’ ડૉક્ટર અંકલ જવાબમાં ફક્ત મીઠું હસીને વિદાય લેતા.

દર વખતે થોડી વાર સૂઈ જવાથી વહુજીને ખરેખર સારું લાગતું. સાસુજીને વધારે સારું લાગતું. કશા ખર્ચ વગર વહુ બેઠી થઈને કામે લાગતી એટલે ઈશ્વરનો પાડ માનતાં. ‘મારી દીકરીને બેઠી કરી તમે’ કહી શ્રીનાથજી બાવાની મોટી છબી સામે જોઈ ગણગણતાં સાસુજીને જોઈ વહુ છેતરાતી કે ‘બા મારે માટે કેટલો જીવ બાળે છે’ વગેરે વગેરે. પણ…. આ વખતે થોડી વાર સૂઈ રહેવાથી સારું નહીં લાગ્યું. શરીર ગરમ થવા લાગ્યું ને જોતજોતામાં તો ધાણીફૂટ ગરમીથી ધખધખી ઊઠ્યું. ડોક્ટર અંકલે આવીને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ થવા તાકીદ કરી. એ સાંભળી સાસુજી ફસડાઈ પડ્યાં. પલંગ પર બેસી પડ્યાં. હોસ્પિટલનું નામ કાને પડતાં જ મોટાં બિલોની રાક્ષસી કલ્પનાથી તેમને પરસેવો વળી ગયો. હાજર ડોક્ટર અંકલે તરત તપાસ્યાં. કંઈ જ નહોતું. (ખર્ચના વિચારો સ્ટેથોસ્કોપથી પકડાયા નહોતા.)

એક અઠવાડિયું હોસ્પિટલમાં કાઢવાનું હતું. દીકરો પૂરેપૂરો ધંધામાં ખૂંપેલો હતો. શેઠજી તો બાઈમાણસ સાથે કેવી રીતે રહે ! માજીને પણ તકલીફો હતી જ. પિયરથી પણ કોઈને બોલાવાય એમ નહોતું, કેમ કે છોકરીની માએ તો છોકરીને નવ વર્ષની મૂકીને જ સ્વર્ગે પ્રયાણ કર્યું હતું. પિતાશ્રી ખબર કાઢવા એક વાર આવી ગયા. સાથે રહેવા એક બાઈની શોધ શરૂ થઈ. રાતવરત જાગે. સાફસફાઈ કરે. આખો દિવસ તો ખરો જ પણ આખી રાત પણ વહુજીના સ્પેશ્યલ રૂમમાં (હા, પોતાના સ્ટેટ્સ મુજબ સ્પેશ્યલ રૂમ કચવાતે મને રાખવો પડ્યો હતો.), કેમ કે પ્રતિષ્ઠા એમને પૈસા જેટલી જ વહાલી હતી. જોકે આ પ્રતિષ્ઠા પણ છાનીમાની જવા બેઠી હતી. આ કુટુંબના સભ્યોનાં નિકટવર્તી વર્તુળોમાં પૈસાને સાચવવાના દુરાગ્રહથી ઘટતી જતી પ્રતિષ્ઠાનું ધોવાણ પ્રસાર પામી ચૂક્યું હતું પણ બધું છાનેમાને હતું એટલે ચાલ્યા કરતું. હવે ચોવીસ કલાકનું બાઈમાણસ રાખવાનું થયું એટલે મિત્રો, સગાંઓ, અડોશપડોશ-માં ચક્કર ચલાવ્યું. એક દિવસના કમસે કમ 300થી માંડીને હજાર સુધીના આંકડા સાંભળવા મળ્યા. વળી વહુજીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ કંઈ તરત વેઠે વળગાડવાની નહોતી. ડોક્ટરે એક મહિનો ‘કમ્પ્લીટ બેડરેસ્ટ’ની સૂચના આપી હતી નહીં તો આવનાર દીકરો (કે દીકરી જે હોય તે) ગુમાવશો એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી.

છેવટે એકાએક સૂઝ્યું કે મોટા શહેરમાં તો તગડા ભાવ જ આપવા પડે પણ ગામડેથી કોઈને લાવીએ તો સસ્તામાં પતી જાય. આ ‘સસ્તામાં પતી જાય… સસ્તામાં પતી જાય….’નું રટણ આખી જિંદગી કરતાં આવ્યાં હતાં. સસ્તામાં પતાવવા જતાં કોઈ વાર કશું રસ્તામાં પણ પતી જાય એનો ખ્યાલ તેમને નહોતો, કેમ કે એવો ખ્યાલ કરવા તેઓ તૈયાર નહોતા. છેવટે માળીકાકાને બોલાવી તેમના ગામમાં, વતનમાં આવી કોઈ બાઈ હોય, ઊંઘઉજાગરા કરીને વહુજીને અને તેના પેટમાંના બાળકને સાચવી શકે એવી, પૈસા બાબત ‘જે આપે તે લઈ લ્યે’ ‘કચકચ નહીં કરે’ વગેરે ગુણલક્ષણોવાળી વયસ્ક, આધેડ, પ્રૌઢ બાઈ હોય તો….. પાંડુરંગને તરત જ પોતાના મહારાષ્ટ્રના ઊંડાણના ગામના વતનની સવિતાબાઈ યાદ આવ્યાં. દિવાળી પર ગામ ગયેલો ત્યારે શહેરમાં પાછા ફરતી વખતે સવિતાએ તેને, પોતાને લાયક કોઈ કામ હોય તો શહેરમાં આવવાની ઈચ્છા જણાવેલી. સવિતાબાઈનો સંપર્ક સધાયો ને ત્રીજે દિવસે બસ પકડીને તે હાજર સુદ્ધાં થઈ ગઈ.

તેને તેની બધી ફરજો સમજાવી દેવાઈ. સવિતાબાઈને પગારનું કશું કહ્યું નહીં. પડશે એવા દેવાશે. શહેરવાળા 300 એક દિવસના માગે છે તો બહુ બહુ તો 200-250માં પતાવટ થઈ શકશે અને 200માં પતે તો રોજના 100 અને 250માં પત તો રોજના 50 બચાવ્યા ગણાય. રાજી થવાય એવો હિસાબ હતો. સવિતાબાઈ પણ મૂગેમૂગાં કામમાં લાગી ગયાં. વહુજીના પલંગ પાસે જ બેસી રહે. દર્દીનાં સગાં માટે એકસ્ટ્રા બેડ હતો પણ વહુજી ઊંઘતી હોય ત્યારેય બેડ પર સૂએ નહીં. ઘડી-અધઘડી હોસ્પિટલની ફર્શ પર ઝોકું ખાઈ લે. એમને વળી છત્તરપલંગ ફાવે ? પલંગમાં ઊંઘાઈ જાઉં તો દીકરીને કોણ જુએ !’ સવિતાબાઈ વહુજીને, આવ્યાં ત્યારથી ‘દીકરી’ કહીને જ સંબોધતાં તેથી વધુ એક વાર વહુજીને બહારનું માણસ બહારનું મટી, ઘરનું હોવાની સુખદ લાગણી થવા માંડી. દવાઓ વત્તા, વધુ તો સવિતાબાઈની માતૃસદશ પ્રેમાળ સારવારથી વહુજીને બારને બદલે દસ દિવસમાં રજા મળી. (બે દિવસનું હોસ્પિટલનું બિલ બચ્યું ! – સાસુજી) પણ ‘ઘેર જઈને કમ્પ્લીટ બેડરેસ્ટ કરવાનાં હો તો જ’ એવી કડક ભાષામાં તાકીદ પણ કરી. એટલે સવિતાબાઈની ફરજનું સ્થળ બદલાયું ને બધાં ઘેર આવ્યાં.

સાસુજી ભારે હૃદયે દિવસો ગણવા લાગ્યાં. વહુજીના પગ ભારે હતા તો સાસુજીનું હ્રદય. વીસ દિવસ ઘરના, 10 દિવસ હોસ્પિટલના. સારું હતું કે મહિનો 30 દિવસનો હતો ! એમ 10 વત્તા 20નો આંકડો માંડી જોયો. ગામડાગામની અભણબાઈના હાથમાં એક સામટી રકમ આવશે એટલે બિચારી ગળગળી થઈ જશે. પોતાને પગે પડીને નમન કરશે. આંખમાં પાણી આવી જશે. પોતે પોરસાશે. મીઠું બોલીને ‘આવજો’ ‘આવજો’ કરશે ને એમ આખો નાટારંભ મધુરેણ સમાપન પામશે. આખરે એ ધન્ય ઘડી ને ધન્ય દિવસ આવ્યાં. આજે બેડરેસ્ટ પૂરો થતો હતો. વહુજી અવારનવાર ચેક-અપ માટે જઈ આવ્યાં હતાં. રિપોર્ટ સારા હતા. શક્તિ પણ ઠીક ઠીક આવી હતી. જોકે અમુક ટોનિક દવાઓ તો છેક સુધી લેવાની હતી. હરતાંફરતાં હળવું કામ કરવાની છૂટ હતી. વજન ઊંચકવાની, દોડવાની, જલદીથી ચાલવાની મનાઈ હતી.

સવિતાબાઈ એક જાડા કોથળામાં પોતાનાં બે લૂગડાં ને પાનમસાલાની ડબી ને કાંસકો વગેરે સામાન લાવ્યાં હતાં. સાસુજીએ 30 દિવસ પૂરાના હિસાબ પેટે થતી રકમ ચીવટપૂર્વક બેત્રણ વાર ગણીને તૈયાર રાખી હતી. પાંડુરંગ તેને બસ પર મૂકવા જવાનો હતો. બધું ગણતરી મુજબ પાર પડ્યું હતું તેનો છૂપો હરખ સાસુજી અનુભવી રહ્યાં હતાં. જતી વખતે બંગલાના પગથિયે વિદાય આપવા બધાં ઊભાં હતાં. સવિતાબાઈએ વહુજીને બાથ ભીડી વહાલ કર્યું. છૂટાં પડતાં તેની આંખમાં આંસુ હતાં. રડતે અવાજે સવિતાબાઈ બોલ્યાં :
‘મુલગા, મુલગી કાઈતરી અસેલ, તર કળવ’ (દીકરો-દીકરી જે હોય તે જણાવજે.)
‘તબ્યત નીટ ઠેવ’ (તબિયત સંભાળજે)
સાસુજીએ બરાબર ગણેલા પૈસા મુઠ્ઠીમાં જકડી રાખ્યા હતા તે સવિતાબાઈને આપવા માંડ્યા. જીવનભરના તકિયાકલામ મુજબ છેવટે બધું ‘સસ્તામાં પડ્યું હતું’ તેનો રાજીપો મનોમન માણી રહ્યાં હતાં પણ….

આ શું ?
સવિતાબાઈએ એકપણ પૈસો લેવાની ધરાર ના પાડી. હઠપૂર્વક ના પાડી. બધાં તાજ્જુબ રહી ગયાં. કોઈને ઘડીભર તો કશી ખબર-સમજ પડી નહીં. બહુ પૂછ્યું ત્યારે કહ્યું :
‘નાહિ આજી નાહિ, મુલગી કડૂન પૈસે ઘેણાર કાઈ ?’ (ના માજી ના, દીકરી પાસે કંઈ પૈસા લેવાય ?)
વાત કંઈક આમ હતી. આ સવિતાબાઈની સાસરવાસણી જુવાન દીકરી પ્રસૂતિ માટે પિયર આવી હતી. જરૂર સાચવણ છતાં, અંતવેળાએ તબીબી સહાય નહીં મળતાં મા અને બાળક બંને જીવી શક્યાં નહોતાં. સવિતાબાઈને એ સદગત દીકરી પાછી અહીં વહુજીરૂપે જાણે મળી હતી. અને પેલી પહેલી દીકરી ગુમાવવી પડી તેનું વહાલભર્યું સાટુ વાળતાં હોય તેમ આ બીજી દીકરીની સાચી મા બનીને ચાકરી કરી ઓરતા પૂરા કર્યા હતા. ‘મને મારી દીકરી પાછી મળી, હવે પૈસાનું શું કામ !’ એવા ભાવાર્થવાળું ડૂસકાં ભરતી ત્રૂટક-ત્રૂટક રીતે બોલતાં સવિતાબાઈએ બંગલાનો ઝાંપો પાંડુરંગ સાથે વટાવ્યો ત્યારે વહુજીએ ઘરનું માણસ બહાર ચાલી ગયું હોવાનો ખાલીપો અનુભવ્યો. સાસુજીની, રૂપિયાની નોટો પકડેલી મુઠ્ઠીની પકડ પણ તેમની જાણબહાર ઢીલી પડી ગઈ હતી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બાપુજીની છત્રી – રાજેન્દ્ર પટેલ
સુખી કોણ ? – સોનલ ક્રિસ્ટી Next »   

14 પ્રતિભાવો : હિસાબ – વિજય શાસ્ત્રી

 1. આમાં એવું છે કે અમુક લોકો વિચારસરણીમાંથી બહાર જ આવી ના શકે. પ્રગતિ કરવી , નવું શીખવું અને એવું બધું હોઈ શકે એ એમના મગજમાં ઉતારે એવું જ ના હોય. એટલે એ પોતે તો ત્રાસ પામે જ અને એમના સંપર્કોમાં આવતા તમામ જીવિત મનુષ્યો અને પ્રાણીઓને ત્રાસ કરે. આવા લોકો જીવનના અંતે એવું કહે: “ક્રિયાકર્મ પાછળ ખર્ચો કરશો નહિ”! એમને જો એવું પૂછ્યું હોય કે જીવન જીવ્યાનો સંતોષ છે? તો એ પ્રશ્નનો એમને અર્થ જ ખબર ના પડે. એવા કન્સેપ્ટની એમને જાણ જ ના હોય અને એની સમજાવટ આપવાથી ખુબ જ કન્ફયુઝ થઇ જાય. જયારે લાંબુ વિચારવું અને જીજ્ઞાસાવૃત્તિ રાખવી એવા બધાની ઈચ્છા જ ના હોય ત્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય.

 2. સાદી,સરળ,આપણા જીવનની,આપણા લોકોને હળવેકથી કંઈક સંદેશો આપી જતી વાર્તા.

 3. “હિસાબ” શરુઆતથી લગભગ અંત સુધી સારી પકડ જમાવે છે,પરંતુ છેલ-છેલ્લે અકુત્રિમ અંત તરફ વળી જાય છે,જે ખુંચે છે.

 4. surbhi says:

  હિસાબિ દુનિયામા લાગનિ નો હિસાબ …હ્ર્દ્ય્ સ્પશરિ

 5. Anil Vyas says:

  સરપટ સરપટ ચાલતી સહજ હાસ્ય રેલાવતી આ વાર્તામા વણાતો જતો ઘેરો કરુણ
  મર્મસ્પર્શી….સરસ વાર્તા.

 6. રડતે અવાજે સવિતાબાઈ બોલ્યાં :

  ‘મુલગા, મુલગી કાઈતરી અસેલ, તર કળવ’ (દીકરો-દીકરી જે હોય તે જણાવજે.)

  ‘તબ્યત નીટ ઠેવ’ (તબિયત સંભાળજે)

  સાસુજીએ બરાબર ગણેલા પૈસા મુઠ્ઠીમાં જકડી રાખ્યા હતા તે સવિતાબાઈને આપવા માંડ્યા.

  જીવનભરના તકિયાકલામ મુજબ છેવટે બધું ‘સસ્તામાં પડ્યું હતું’ તેનો રાજીપો મનોમન માણી રહ્યાં હતાં પણ….

  આ શું ?

 7. Ankita says:

  લેખન શ્રેણી ગમી , સુંદર વાર્તા છે

 8. “હિસાબ” બહુ સરસ વાર્તા છે.

 9. S. K. Vaidya says:

  ખુબ જ સુન્દર વાર્તા!!!!

 10. Girish Andipara says:

  Nice. very nice.

 11. Dr.Rudresh vyas says:

  ખુબજ સરસ વાર્તાઆજ ના ઘનાબધા લોકો ને લાગુ પડૅ.

 12. SANJAY UDESHI says:

  અતિ સુન્દર !! હ્યદય સ્પશઈ !!

 13. p j pandya says:

  સરસ વારતા ચ્હે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.