સુખી કોણ ? – સોનલ ક્રિસ્ટી

[ શ્રી રોહિત શાહ દ્વારા સંપાદિત પુસ્તક ‘સુખનું સરનામું’માંથી સાભાર.]

‘અરે…. જલદી જલદી જલદી આવો….. જુઓ આપણા ઘરે પરી આવી છે…..’ અને અચાનક જ મારી આસપાસ અનેક ચહેરા ઝળૂંબી રહ્યા. પહેલાં તો મને થયું, આ કોણ હશે ! આટલા બધા….! પણ પછી મને એમના અવાજમાં પોતાપણાનો અહેસાસ થવા લાગ્યો. મને પ્રેમથી સ્પર્શવું, મને રમાડવું…. મને હસાવવા પ્રયત્ન કરવો…. આ બધું મને ગમવા લાગ્યું. ધીરે-ધીરે હું એમને ઓળખવા પણ લાગી…. આ વ્હાલથી મને ગોદમાં ઊંચકતાં, કરચલીવાળા ચહેરે પપ્પી કરતાં મારાં ‘બા’, ચશ્મા પાછળથી પ્રેમભરી નજરે મારી તરફ જોતા મારા દાદા….. મને લઈને ફૂદરડી ફેરવતી મારી ફોઈ….. મને ઉછાળી ઉછાળીને રમાડતા મારા કાકા…. અને મને ગલીપચી કરી ચીડવતા મારા મોટા કાકાના બે ટાબરિયા……

આખા દિવસમાં હું મારી ‘મા’ ની ગોદમાં થોડો જ સમય વિતાવતી, બાકીનો બધો જ સમય આ મારા વ્હાલાઓ સાથે….! ખરેખર, હું ખૂબ ખુશ હતી…. ખૂબ જ આનંદિત હતી…. ઘર એટલે શું એ મને સમજાતું હતું…. રાત્રે મારી ‘મા’ સાથે સૂતી હોઉં ત્યારે જ મારા પપ્પા મને મળતા, મને ખૂબ વહાલ કરતા. એ વખતે ‘મા’ ફરિયાદ કરતી. ‘આખો દિવસ મને અહીં કેટલું કામ પહોંચે છે, તમને ક્યાં કશી ખબર હોય છે ? છેક અત્યારે મારી છોકરીને હાથમાં લેવાનો સમય મને મળ્યો.’ હા પણ, એ જ ‘મા’ને કોઈક વાર એમ કહેતાં પણ સાંભળી હતી કે, ‘આજે તો તમારી લાડલીએ મને ખૂબ હેરાન કરી….. એટલું રડી….. એટલું રડી….. આ તો સારું થયું કે બાએ તેના પેટે હિંગ ચોપડાવી. પછી જરાક એને સારું લાગ્યું…..’ અને આ જ તો મોટો હાશકારો છે વડીલોની સાથે રહેવાનો….! એમના અનુભવ…. એમની હૂંફ…. અને એમની દોરવણી….. હંમેશાં સાથે ને સાથે જ….. કદાચ, કોઈ વાર આપણી ઉંમરને લીધે એ ટકટકારો પણ લાગી શકે…. પરંતુ આખરે એમના દરેક વર્તન પાછળ બાળકો માટેનો પ્રેમ જ ધબકતો હોય છે. બસ, એટલું જ કે કોઈક જ તેને સમજી અને અનુભવી શકે છે.

મને ઘણી વાર લહેરાતાં વૃક્ષોને જોઈને વિચાર આવે છે….. આખા વૃક્ષનું પાણીથી સિંચન કરતાં મૂળિયાંની જેમ ઘરનાં વડીલો વહાલથી પરિવારનું સિંચન કરે…. વૃક્ષનું થડ તે પોતાના ખભે કુટુંબનો આર્થિક અને સામાજિક ભાર ઊંચકીને ઊભેલા વયસ્કો…. તેના પર લહેરાતાં લીલાં પાંદડાં એ કુટુંબને પોતાની હાજરીથી હર્યુંભર્યું રાખતો સ્ત્રીવર્ગ અને રંગબેરંગી ફૂલો એ તો કુટુંબમાં પતંગિયાંની જેમ ઊડાઊડ કરતાં બાળકો…. અને તેનાં ફળો કે જેમાં ભવિષ્યનાં બીજ સમાયેલાં છે એ તો પોતાનામાં ભવિષ્યને સમાવી બેઠેલા, જોશ અને ઉમંગથી ભરપૂર યુવાનો…… છે, ને વૃક્ષ એ પોતે જ એક સંયુક્ત કુટુંબ…. જેમાં કુટુંબની પ્રત્યેક વ્યક્તિના તાલમેલથી હંમેશાં હરિયાળી છવાયેલી રહે……

હા, તો આપણે મારી વાત પર પાછાં આવીએ….. બાળપણનાં મારાં વર્ષો મારી જિંદગીનાં સોનેરી વરસો રહ્યાં. દાદા-દાદીનું વહાલ, કાકા-કાકી, ફોઈ બધાંનો સ્નેહ અને બીજાં ભાઈ-ભાંડુ સાથેની ખટીમીઠી યાદો…. એક કવિએ કહ્યું છે :
‘તું વેદના કેરા વરસાદે મને સાચવજે….. મને સાચવજે…..
આ જીવનના સહુ આઘાતે મને સાચવજે… મને સાચવજે….’
બસ, એમ જ…. અમારા કુટુંબમાં જ્યારે જ્યારે જેની ઉપર વેદનાનો વરસાદ વરસ્યો કે આઘાતરૂપી વાદળો છવાયાં ત્યારે ત્યારે તો કુટુંબની પ્રેમાળ છત્રી તળે સહુ સચવાઈ ગયાં. જુઓને, બાની ઉંમર થતાં તેમને વાની તકલીફ શરૂ થઈ ને હરવા-ફરવાનું ખૂબ ઓછું થઈ ગયું ત્યારે મારી મમ્મી અને કાકીની સંભાળથી જ તેઓ ટકી શક્યાં. દાદાજીની લાંબી બીમારી દરમિયાન હૉસ્પિટલના આંટાફેરા, ઘરની સાચવણી, બાળકોની દેખરેખ બધું જ એકબીજાના સહયોગથી કરી શક્યાં…. મોટા કાકાનું જ્યારે અવસાન થયું ત્યારે કાકી અને બે બાળકોને કુટુંબના વિશાળ વડલાની જ ઓથ મળી હતી ને ? આજીવન અપરિણીત રહેલાં ફોઈ તો અમારાં કાયમનાં સંગાથી…. હું જ્યારે કૉલેજમાં જતી, ત્યારે મારી મમ્મી કરતાં મારાં ફોઈ જ મારી સહેલી બની ગયાં હતાં. કોલેજના બધા જ અનુભવો હું એમની સાથે શૅર કરતી.

હા, અહીં એ ચોક્કસ કબૂલવું પડે કે બધાંની સહિયારી સાચવણીમાં ક્યારેક ક્યારેક વ્યક્તિગત સ્વતંત્રતા જોખમાય પણ ખરી….. નાની વહુ તરીકે મારી મમ્મીને ઘણાં બંધનો કઠતાં હતાં અને તેની હંમેશાં પોતાની સ્વતંત્રતા બાબતે ફરિયાદ રહેતી….. બિચારી સવારે વહેલી ઊઠે. ઘરના દરેક સભ્યની સગવડ સાચવે. મોટાં કાકીની મદદ ખરી, પણ મારાં ‘બા’નો તેજ સ્વભાવ, ચોકસાઈનો આગ્રહ… બંનેને થથરાવી દે… વળી ઉપરથી નોકરી કરતી નણદીની દાદાગીરી…. ‘ભાભી, ટિફિન તૈયાર છે ?’ મોટું ઘર એટલે મહેમાનોની અવર-જવર પણ વધારે…. આખો દિવસ ઘરના દોડા વચ્ચે મમ્મી-પપ્પાનું દામ્પત્યજીવન સતત ઝૂર્યા કરતું. બંનેનું સહજીવન સમૂહજીવનમાં ફેરવાઈ ગયું હતું. મારાં કાકી વિધવા થયાં પછી તો એમની લાગણી ના દુભાય એ ખાતર પણ મમ્મી જાહેરમાં પપ્પા સાથે વાત કરવાનું ટાળતી અને આ અભાવ તેના પ્રત્યેક વર્તનમાં ડોકાતો હું જોઈ શકતી હતી. તરુણ વયે પહોંચ્યા પછી તો ખાસ…. સંયુક્ત કુટુંબ પ્રથાની આ એક વરવી બાજુ પણ કહી શકાય…. જેમ અનેક નદીઓ સાગરમાં ભળી પોતાની ઓળખ અને અસ્તિત્વ ગુમાવી દે એમ જ કુટુંબ રૂપી મહાસાગરમાં એકબીજા સાથે સંકળાયેલા રહેવામાં પહેલો ભોગ બને વ્યક્તિની સ્વતંત્રતા…. હંમેશાં અન્યની મરજીમાં પોતાની મરજી ભેળવતાં રહેવું પડે. આ એક એવું વૃક્ષ છે જેને કાયમ પ્રેમ, ત્યાગ અને સહનશીલતાનું ખાતર આપ્યા કરવું પડે. એટલે જ બદલાતા યુગમાં જ્યારે સ્વાતંત્ર્યનો મહિમા ગવાય છે ત્યારે આ વ્યવસ્થામાં બંધાવું આકરું લાગે તે સ્વાભાવિક છે !

પરંતુ આ આજુબાજુની સૃષ્ટિ જ જુઓ ને ! આપણા સર્જનહાર કદીયે એવું ઈચ્છતા નહોતા કે જગતનો કોઈ જીવ એકલો રહીને મૂંઝાયા કરે. એટલે જ એમણે આપણને સૌને એકબીજા પર અવલંબિત રાખ્યાં. પોતાના કુટુંબથી વિભક્ત થઈને માણસ આખરે મિત્રોમાં કે આડોશપડોશમાં સ્નેહીઓ જ શોધે છે ! કારણ એકલતા માનવીને હંમેશાં ડંખ્યા કરે છે. આકાશમાં એકસમાન ઊંચાઈએ ઊડતાં પંખીના ઝુંડને જુઓ કે બાગમાં સાથે લહેરાતાં ફૂલોને જુઓ…. કે પછી જમીનમાંથી ફૂટેલી કૂંપળોને જુઓ…. દરેકનું અસ્તિત્વ સાથે રહીનેય સ્વતંત્ર રીતે ખીલેલું છે. જાણે સઘળાં ગાઈ રહ્યા છે :
‘સંગમાં રાજી રાજી…… આપણે એકબીજાના સંગમાં રાજી રાજી……’
એટલે મને તો એટલું સમજાય છે કે સંગમાં જ રંગ છે. જો કે અંદર ઘૂંટાતી મારી ‘મા’ને જોઈને મને કોઈ વાર વિચાર આવતો કે એવો સંગાથ શા કામનો જેમાં આપણી સ્વતંત્રતાનું કોઈ મૂલ્ય જ ના હોય…..? કદાચ ને એટલે જ મારાં લગ્ન પછી જ્યારે મારે અલગ શહેરમાં સ્વતંત્ર રીતે ઘર વસાવવાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે હું મનોમન થોડી ખુશ પણ થઈ હતી…. કદાચ, મારી ‘મા’ એ અનુભવેલી મૂંઝવણ મારે ક્યારેય ભોગવવી નહીં પડે. મારા પતિ સાથે હું એવું ઘર બનાવીશ કે જેમાં મારી ઈચ્છાઓને કદી મારવી નહીં પડે…. અને મારા નવા જીવનના માર્ગમાં હું ખૂબ ઉત્સાહિત થઈને દોડી રહી હતી. મારે મારું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવવું હતું. ખૂબ આગળ વધવું હતું. તેથી જ મારો મનપસંદ વ્યવસાય કરવાનું મેં નક્કી કર્યું. અમે બંને અમારા વ્યવસાયમાં વ્યસ્ત હતાં. સવારે ઘરેથી ટિફિન લઈને, ઘરને તાળું લગાવી નીકળી જતાં…. જોકે ઘરને તાળું મારવાની વાત મારા મનમાં હંમેશાં ખૂંચ્યા કરતી. કારણ, હું જ્યાં મોટી થઈ હતી એ ઘરને કદી તાળું વાગતું જ નહીં. કોઈ ને કોઈ તો ઘરમાં હાજર જ હોય. જ્યારે જ્યારે બહારથી ઘર તરફ આવીએ ત્યારે પરબ ભણી જતાં હોઈએ એવો ભાવ પ્રગટે…. ખેર, પતિના સાંનિધ્યમાં અને પ્રેમમાં ભીંજાતાં શરૂઆતનાં વર્ષો પસાર થઈ ગયાં અને અમારા ક્યારના છોડ પર પણ સુંદર ફૂલ ખીલ્યું. શરૂઆતનો સમય મારા પિયેરમાં સચવાઈ ગયો, પણ જ્યારે મારા એ ફૂલને મૂકી મારે નોકરીએ જવાનો દિવસ આવ્યો ત્યારે મારા પગ ઊપડતા નહોતા. હું અને મારા પતિ એમ બે જ જણ હોવાથી મારી દીકરીને મારે આયા પાસે મૂકીને નોકરીએ જવું પડતું. બાળકીનો ઉછેર સાવ અજાણ્યા હાથોમાં થાય છે એ વાત મને અકળાવતી હતી. મારી દીકરીને મારી જેમ દાદીમાની વાર્તાઓ કે દાદાજીનું વહાલ, બીજા સ્નેહીઓની સંભાળ હું કદી ના આપી શકી.

મારી કારકિર્દીમાં મેં ઘણાં શિખરો સર કર્યાં – જે કદાચ મારી ‘મા’એ સ્વપ્નામાં પણ નહીં વિચાર્યાં હોય. મારું સમાજમાં સ્થાન, મોભો અને અલગ વ્યક્તિત્વ પણ નીખર્યું. પણ આ બધા માટે મારી દીકરીએ તેના બાળપણની કિંમત ચૂકવવી પડતી હતી. આધુનિક યુગમાં જ્યારે સ્ત્રીઓ પોતાની જાતને સાબિત કરવા બહાર નીકળી છે ત્યારે ચાર દીવાલોના મકાનને ‘ઘર’ બનાવવા માટે તેમણે વડીલોની છાયા સ્વીકારવી જ રહી…. અલબત્ત, ઘણી વાર વડીલો વિસામાને બદલે વિમાસણ રૂપ બની જતાં હોય છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે…. સંબંધોમાં જો સમજદારી કેળવાય તો સહિયારું અસ્તિત્વ ભાર રૂપ ના લાગે…. સંબંધમાં સુગંધી જળવાય…. એક જ ઘરમાં સાથે રહેવાની એકમાત્ર શરત એકબીજાનો સ્વીકાર… સાસુ હંમેશાં મા સમાન લાગવી જોઈએ તો વહુ હંમેશાં દીકરી સમાન… સંયુક્ત કુટુંબમાં ‘સ્વ’નો લોપ નથી કરવાનો પણ ‘સ્વ’ને સહિયારામાં સાંકળવાનું છે. હું તો એટલે સુધી કહીશ કે, એવું શા માટે કે હંમેશાં સ્ત્રીએ જ ઘર છોડી પતિના ઘરને શોભાવવું પડે ? જો જરૂરિયાત ઉદ્દભવે તો પતિ પોતાની પત્નીનાં કુટુંબીજનો સાથે પણ રહી શકે. વાત અહીં સાથે મળીને રહેવાની છે. પછી એ સ્ત્રીના ઘરના સભ્યો હોય કે પુરુષના ઘરના…. આજનો માનવી ‘આપણું’ શબ્દ ભૂલીને ‘મારું…..મારું…..’ કરતો થયો છે તેનું કારણ પણ કુટુંબનું વિભાજન જ છે. મારી જ વાત કરીએ તો એક બાજુ મારું મન મેં મેળવેલી સ્વતંત્રતા માટે ખુશ હતું તો બીજી તરફ મને મારાં કુટુંબીજનોની ઊણપ પણ સાલતી.

મેં મારી સ્વતંત્રતા માણી. ‘મા’ કરતાં મારી જિંદગીને પોતાની રીતે જીવી જાણી. પણ મારી દીકરી…. મારું એકમાત્ર સંતાન….. આ સામે પલંગ પર સૂતી છે. ઘરની આર્થિક જરૂરિયાત અને સામાજિક મોભો મેળવવામાં રોકાયેલાં પોતાનાં માતાપિતા પાસેથી તે હંમેશાં હૂંફ શોધતી રહી. દિવસભરની દોડધામ અને માનસિક તનાવગ્રસ્ત એવાં અમારી પાસે તેની સાથે રમવા માટે એવી નવરાશ ક્યાંથી હોય ? ભાઈ-ભાંડુ સાથેની નિર્દોષ રમતો અને મસ્તી અમારી પાસેથી તેને કઈ રીતે મળે ? વધારામાં ઘણી વાર અમારી વચ્ચે થતી બોલ-ચાલનાં તેને સાક્ષી થવું પડતું. ઘણી વાર અમારાં બંનેથી એ નારાજ પણ થતી ત્યારે એની નાની નાની માગણીઓ અને લાડ સંતોષવા એ કોની ગોદમાં છુપાઈ જાય ? તેને માટે દાદીનો વહાલભર્યો ખોળો કે દાદાના અમૂલ્ય સંસ્કાર હું ક્યાંથી લાવું ? બાળપણ અને યુવાનીના સંધિકાળના અત્યંત નાજુક સમયે તેની પાસે તેની વાતો વહેંચવા માટે ફક્ત અને ફક્ત મૂંગી દીવાલો જ હતી. તેથી જ એણે અનુભવેલા શૂન્યાવકાશને ભરવા તે બહાર પ્રેમ શોધવા મથી. અને તેમાં તેણે પછડાટ ખાધી. એ સમયે પણ પોતાની મૂંઝવણ એ મારી સાથે ના વહેંચી શકી. ઘણા પ્રયત્નો છતાં હું એની સહેલી ના બની શકી. આખરે આ વલોપાતમાંથી છૂટવા તેણે આત્મહત્યાની કોશિશ કરી….. અત્યારે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી મારી દીકરીના ચહેરા પર ખાલીપણાના એવા ભાવો મને વંચાઈ રહ્યા છે, જેવા મેં મારી યુવાનીમાં કદાચ અનુભવ્યા ન હતા. મારી પાસે મારાં માતા-પિતા ઉપરાંત મારાં સ્વજનો પણ હતાં અને એટલે એકલવાયા હોવું એટલે શું એની પીડાથી હું અજાણ જ હતી. તેથી જ આ માસૂમ ચહેરા પાછળ ડોકાતી વેદનાએ મને વિચારવા મજબૂર કરી છે કે, અનેક બંધનોમાં બંધાયેલી છતાં મારી ‘મા’ એની દીકરી એટલે કે મારો ઉછેર કરવામાં સફળ નીવડી હતી. જ્યારે હું મારી ‘મા’ કરતાં વધુ સ્વતંત્ર…. પ્રગતિના પંથે….. હોવા છતાં મારી દીકરીનો ઉછેર કરવામાં હું ક્યાં પાછી પડી ? હું કેમ પાછી પડી ?

…તમે જ વિચારો ને…..!!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “સુખી કોણ ? – સોનલ ક્રિસ્ટી”

Copy Protected by Chetan's WP-Copyprotect.