- ReadGujarati.com - http://www.readgujarati.com -

માનવતાનું સિંચન – સંકલિત

[1] આરક્ષણ – રવિ પટેલ

[ રીડગુજરાતીને સત્યઘટના પર આધારિત આ કૃતિ મોકલવા માટે શ્રી રવિભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે ravipatel122788@gmail.com સંપર્ક કરી શકો છો.]

બે વર્ષ અમેરિકામાં અભ્યાસ માટે રહ્યા બાદ હું ઉનાળુ વેકેશનમાં બે મહિના માટે અમદાવાદની મુલાકાતે આવ્યો હતો. અમેરિકાના અનુભવોથી મારામાં ઘણો મોટો માનસિક બદલાવ આવ્યો હતો. જ્યારે વિમાન અમદાવાદની ધરતીને સ્પર્શ્યું ત્યારે રાત્રિના આઠ વાગ્યા હતા. ભરઉનાળે અમદાવાદમાં પગ મૂકવાનું મારા માટે જરા આકરું થઈ પડ્યું હતું. શરૂઆતના બે અઠવાડિયા તો હું ક્યાંયે બહાર ન નીકળ્યો કારણ કે ગરમી અને હવાફેરને કારણે બીમાર પડવાની પૂરી શક્યતાઓ હતી. આમ છતાં, અંદરોઅંદર પરિવારજનોને પૂરા બે વર્ષ પછી મળવાનો આનંદ તો હતો જ.

આમ તો હું કોઈના ઘરે રહેવા જવાનું ટાળતો હતો પરંતુ અમારા સ્મિતાકાકીના અત્યંત આગ્રહને વશ થઈને મારે થોડા દિવસો બાદ એમના ઘરે રહેવા જવું પડ્યું. સ્મિતાકાકીનું ઘર દસ માળના ગગનચૂંબી એપાર્ટમેન્ટમાં હતું. એ એપાર્ટમેન્ટમાં હું રોજ સવારે એક છોકરીને કચરો સાફ કરતાં જોતો. એનું નામ ગીતા હતું. છેક દસમા માળેથી શરૂ કરીને એપાર્ટમેન્ટના ટાવરની ચારેબાજુનો વિસ્તાર એ બરાબર સાફ કરતી. રોજ સવારે છ થી તે છેક દસ વાગ્યા સુધી તે આકરી મહેનત કરતી. વળી, એટલું ઓછું હોય તેમ આટલું કામ કર્યા બાદ તે ઘરે-ઘરે કચરો લેવા જતી. આ તનતોડ મહેનત માટે એને મહિને એક હજાર રૂપિયા મળતા હતા.

એક દિવસે સવારે હું મોડો ઊઠીને જરા આરામ ફરમાવતો ટીવી જોતો હતો અને તે આવી. મને નવાઈ લાગી કારણ કે તે થોડા સમય પહેલા જ કચરો ઉઘરાવીને ગઈ હતી. એ ફરીથી કેમ આવી હશે એમ હું વિચારતો હતો ત્યાં જ એણે સ્મિતાકાકીને પૂછ્યું : ‘બેન, કંઈક ખાવાનું પડ્યું હોય તો આપશો ? બહુ ભૂખ લાગી છે. આજે હું મારા ઘરેથી કંઈ નથી લાવી.’ ગીતાના આવા સવાલથી હું ચોંકી ઊઠ્યો. મને થયું કે માણસને જે વસ્તુ સરળતાથી મળી જતી હોય, એની એને કિંમત નથી હોતી. આપણા માટે જમવાનું કામ કેટલું સરળ છે ! ઘણીવાર તો આપણે ન ભાવતી વાનગી હોય તો અન્નનું અપમાન પણ કરીએ બેસીએ છીએ. પરંતુ આ લોકો માટે તો ખાવાનું મળે એ જ કેટલી મોટી વાત હોય છે ! આપણા જેવા રજવાડી શોખ એમને ક્યાંથી હોય ? ગમે તેમ પણ મને ગીતા પર દયા આવી. ટીવીમાંથી ધ્યાન બાજુ પર હટાવીને હું એ જોવા લાગ્યો કે કાકી હવે શું કરે છે. કાકીએ તેને કહ્યું :
‘જરા બે મિનિટ ઊભી રહે, રસોડામાં જોઈને કહું.’

સ્મિતાકાકીનો સ્વભાવ આમ પાછો દયાળુ. રસોડામાં જઈને એમણે જોયું તો ત્રણ ભાખરી વધેલી. એમણે વધેલી ભાખરી હાથમાં પકડીને ઉપરના માળિયામાંથી પેપરડિશ કાઢી. મને મનમાં થયું કે શું કાકીના ઘરમાં સ્ટીલની ડિશ નહીં હોય ? એમણે પેપરડિશમાં ત્રણ ભાખરી અને અથાણું આપ્યા. મારા માટે જે ચા મૂકેલી એમાંથી થોડી વધેલી ચા એમણે થર્મોકોલના કપમાં ભરી અને ગીતાને આપી. ગીતા ચા-નાસ્તો કરીને પ્રસન્નતાથી વિદાય થઈ પછી મેં કાકીને પૂછ્યું :
‘હેં કાકી, તમે ગીતાને સ્ટીલના વાસણમાં નાસ્તો કેમ ન આપ્યો ?’
કાકીની મુખમુદ્રા થોડી બદલાઈ. કમને જવાબ આપતાં બોલ્યાં : ‘એ તો આ ટાવરમાં કચરો વાળે છે. એને સ્ટીલના વાસણમાં આપીએ તો વાસણ ખરાબ થઈ જાય.’
‘અરે કાકી, પણ સ્ટીલના વાસણ ધોઈ નાખો પછી શું ? એ તો ચોખ્ખા થઈ જાય ! જે વ્યક્તિ તમારા ટાવરની ગંદકી સાફ કરે છે, એની સાથે તમારો આવો વ્યવહાર ?’
‘એ તો આ લોકો સાથે એમ જ હોય. એમને બહુ ઘરમાં ન બેસાડાય, ઘર અભડાઈ જાય. એમની વસ્તુ ન અડકાય.’
‘પરંતુ કાકી, એના શરીરમાં વહેતા લોહીનો રંગ શું જુદો છે ? એ શું સમાજમાં રહેવાને લાયક નથી ? એમાં એનો શું વાંક છે. એ મજબૂરીથી સફાઈનું કામ કરે એટલે શું એ ખરાબ છે ?’

આ પ્રસંગથી મને ખૂબ દુઃખ થયું. મને એ વાતની ખાતરી થઈ કે હજુ આપણે ત્યાં અમુક કોમની વ્યક્તિઓને ખૂબ સહન કરવું પડે છે. ખાસ કરીને નિમ્નકૂળની વ્યક્તિઓ સાથે આવા તો લાખો પ્રસંગો બનતા હશે. ગીતાને આંખ સામે રાખીને અનેક ગરીબોના જીવનની આ હાલત વિચારતાં મારી આંખમાં આંસુ આવી ગયાં. ગાંધીજી શા માટે સફાઈનું કામ કરતાં હતાં એ વાત હવે મને સમજાઈ. આ પ્રકારના વ્યક્તિઓ માટે તેમણે ‘હરિજન’ શબ્દ શા માટે વાપર્યો હતો એ પણ ખ્યાલ આવ્યો. ડોક્ટર ભીમરાવ આંબેડેકરે અનામતનો કાયદો સંવિધાનમાં શા માટે ઉમેર્યો તે આ ઘટના પરથી વધારે સ્પષ્ટ થયું. આજે કદાચ આ આરક્ષણની પદ્ધતિનો દૂરઉપયોગ થતો હશે, પરંતુ મને લાગે છે કે સો માંથી પચાસ ખરેખરી જરૂરિયાતવાળાને પણ જો એનાથી સુયોગ્ય જીવનધોરણ પ્રાપ્ત થતું હોય તો આ કાયદો સફળ છે. હા, એનો ખોટો ઉપયોગ ન થાય એ પણ એટલું જ આવશ્યક છે. નરસિંહ મહેતાથી લઈને ગાંધીજી સુધીના મહાપુરુષોએ દૂરંદેશી અને દીર્ઘદષ્ટિ વાપરીને જો આવું થોડુંક પણ કાર્ય આ લોકો માટે ન કર્યું હોત તો સમાજના ઉચ્ચ વર્ગોએ તો આ લોકોને પૂરેપૂરા કચડી નાખ્યાં હોત. સાચા અર્થમાં જો આ વ્યવસ્થાનો લાભ સમાજના શ્રમજીવી વર્ગને પ્રાપ્ત થાય તો ગીતા જેવા અનેક લોકોનું જીવન વધારે ઊજળું બને.

.

[2] વિકલ્પ – મોહનલાલ પટેલ

[ આ લઘુકથા ‘બાલમૂર્તિ’ સામાયિક ઓક્ટોબર-2011માંથી સાભાર લેવામાં આવી છે.]

સ્કૂલ છૂટવાના સમયે જ વરસાદ શરૂ થઈ ગયો. શાળાનાં લગભગ બધાં જ બાળકો ભાગંભાગ કરતાં નીકળી ગયાં. પહેલા વરસાદની ઝડીનો આનંદ લૂંટતાં હોય એમ સ્તો ! ભીંજાઈ જવાની કશી તમા રાખ્યા સિવાય કોઈ સાઈકલ પર તો કોઈ ઊભા પગે દોડતાં…. પણ ત્રણ કિશોરો પડાળીમાં થોભી ગયા હતા. ભાર્ગવ, સુનિત અને રમેશ. પહેલા બે એમની ગાડીઓની રાહ જોતા હતા અને રમેશ વરસાદ બંધ થવાની પ્રતીક્ષા કરતો હતો.

ત્રણેયના વર્ગો જુદા હતા. પણ ધોરણ એક હતાં. શાળમાં થતી વિવિધ પ્રવૃત્તિઓને લીધે એ બધાં એકબીજાના પરિચયમાં હતા. ભાર્ગવે રમેશને પૂછ્યું, ‘બધાં ચાલુ વરસાદમાં ભાગી ગયા અને તું કેમ ન ગયો ? અમારે તો ગાડી આવવાની છે એટલે રોકાઈ જવું પડ્યું.’ કિશોરાવસ્થામાં દંભનો રંગ જવલ્લે જ ચડ્યો હોય છે. એટલે કિશોર કે કિશોરીને અંદરોઅંદર કંઈ છુપાવવાનું હોતું નથી. રમેશે જવાબ આપ્યો, ‘મારી પાસે એક જ ગણવેશ છે. અત્યારે પલળતો જાઉં અને વરસાદ ચાલુ રહે તો કપડાં સુકાય નહીં, કાલે શું પહેરું ? વરસાદ બંધ થાય એ પછી જ ઘેર જઈશ.’
‘તારા મમ્મી-પપ્પા ચિંતા નહીં કરે ?’
‘ના રે, હું કેમ ન આવ્યો એનો એમને ખ્યાલ આવી જ જાય.’
‘તું ગામડેથી આવે છે, નહીં ?’
‘હા.’
‘ચાલતો ?’
‘હા.’
‘તારું ગામ કેટલું દૂર છે ?’
‘અહીંથી ચાર-સાડા ચાર કિલોમીટર જેટલું.’
‘માય ગોડ !’ સુનિલે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું, ‘આવવા-જવાના થઈને રોજ નવ કિલોમીટર ચાલવાનું !’
‘એમાં શું ? ચાલી નાખીએ.’

ભાર્ગવ બોલ્યો : ‘અમારે તો એક કિલોમીટર જેટલુંય અંતર નથી, તો પણ ગાડી મૂકી જાય અને લઈ જાય.’
સુનિલે પોતાની વાત કરતાં કહ્યું : ‘મારા પપ્પાનો તો સખત ઓર્ડર, કે ચાર ડગલાં પણ નહીં ચાલવાનું. થાકી જવાય.’
ભાર્ગવ બોલ્યો : ‘મારા પપ્પા પણ એવું જ કહે. જ્યાં જવાનું હોય ત્યાં ગાડી અને ડ્રાઈવર તૈયાર !’
સુનિતે રમેશને પૂછ્યું : ‘તું થાકી ન જાય એનું તારા પપ્પા કંઈ વિચારતા નથી ?’
‘વિચારે છે ને ?’
બંને કિશોરોને રમેશના જવાબથી આશ્ચર્ય થયું. બંને રમેશ તરફ આશ્ચર્યથી જોઈ રહ્યા. એટલે એ બોલ્યો : ‘રોજ રાત્રે સૂઈ જાઉં ત્યારે મારા પપ્પા મારા પગ દાબે છે. હું ઘણુંય ના કહું, તોય પગ દાબે. હું કહું, મને જરાય થાક નથી લાગ્યો, તોય દાબતા જ રહે. ઊંઘ આવી જાય અને મને ખબર ન રહે કે ક્યાં સુધી….’ રમેશ બોલતો હતો એ વખતે બે ગાડીઓનાં હોર્ન સંભળાયાં. એ એની વાત પૂરી કરે એ પહેલાં તો ભાર્ગવ અને સુનિત પડાળીમાંથી ભાગીને પોતપોતાની ગાડીઓમાં ભરાઈ ગયા. અને રમેશ વરસાદના થોભી જવાની રાહ જોતો ઊભો જ રહ્યો.
.

[3] લાખેણો માનવી નૂરો – ડૉ. દીપક આર. લંગાલિયા

[ સત્યઘટના પર આધારિત, ‘અખંડ આનંદ’ ઓગસ્ટ-2011માંથી સાભાર.]

ગોંડલ તાલુકાનું નાનકડું ગામ સીસક. એક અલગારી વૃદ્ધ, ઉંમર આશરે 70 વર્ષ, હાથમાં કાવડ લઈને ચાલ્યો જાય છે. ભૂતકાળના પડછાયા કે ભવિષ્યની ઉપાધિને છોડીને ચાલતા વૃદ્ધનું નામ છે નૂરો જુસબ. મનનો અલગારી, ખુદાનો બંદો, નેકી અને ઈમાનનો માણસ. સાફ દિલ એ ઈન્સાનના મગજમાં એવી તે ધૂન સવાર થઈ કે માંડ માંડ ખેતમજૂરી કરીને બે છેડા ભેળા કરતો નૂરો કુદરતે આપેલ ચીજોનું પ્રેમથી જતન કરવામાં લાગી પડ્યો. વૃક્ષોનું જતન, પંખીડાંને ચણ અને પાણી અને તરસ્યાંને શીતળ જળ. બસ, એ જ એનું જીવન.

સીસક ગામની વસ્તી માંડ હજાર-પંદરસોની. તેમાં નૂરો મજૂરી કરતાં કરતાં સાંજ પડે એટલે ગામને પાદર દરગાહની જગ્યામાં પડ્યોપાથર્યો રહે. એ જ એનું કાયમી સરનામું. દરગાહ પાસે બે ઘેઘૂર ડાલામથ્થા વડલાની વચ્ચે એણે પક્ષીઓની ચણ માટે પતરાની ચોકી બનાવીને બાંધી જેથી બિલાડાથી બચી શકાય. પક્ષીઓ માટે પાણીનાં કૂંડા બાંધે અને સંતાનોથી અધિક ચાહે. મને બેત્રણ મહિને અચૂક ફોન આવે અને ફોનમાં ફક્ત ત્રણ જ વાત, ‘સાહેબ, ચકલાની ચણ ખલાસ થઈ ગઈ છે, આવતાંજતાં જાર મોકલાવજો.’ બસ, આટલો જ સંવાદ પણ ઓળખાણ ફક્ત ફોનથી મળવાની ને હક્કથી માગી લેવાનું. એ ધન્ય ઘડી હજુ મારા મનમાં સ્મરે છે. સીસક ગામની એ દરગાહની આસપાસ ખડકાળ અને પથરાળ જમીન કે જ્યાં ઝાડ તો શું તણખલું પણ ના ઊગે. નૂરો એ જમીનમાં કોસ-કોદાળી લઈને ખાડા કરે, પછી કાવડમાં કાળી માટી લઈ ખાડો ભરે અને તેમાં લીમડા, આંબળા, પીપળા, વડલા વગેરે વૃક્ષોને વાવીને સંતાનથી અધિક ઉછેરે. કોઈ દાતાએ રેંકડી આપેલી તેમાં પાણીના બૅરલ સીંચીને ભરે અને ઝાડવે ઝાડવે પાણી સીંચે. કેવો અદ્દભુત વૃક્ષપ્રેમ ! તેનાં વાવેલ વૃક્ષો આજેય અડીખમ ઊભાં છે, નૂરાની યાદમાં.

ગામને પાદર બસસ્ટોપ, એની આજુબાજુની જમીન પથરાળ. તેને સમથળ કરીને પાણીનાં બે માટલાં ભરીને ઉનાળામાં નૂરો બેસે. રેંકડીમાં સીંચીને પાણી દોરી લાવે અને ગોળા ભરે. બસ આવે એટલે અચૂક બસને રોકીને બે હાથ જોડીને બધાંને પાણી પિવડાવે. કેવી નિઃસ્વાર્થ સેવા ! પરોપકારને જીવનમાં ઉતારવો હોય તો નૂરાને નિહાળીએ એટલે સાક્ષાત થઈ જાય છે કે કુદરતને પ્રેમ એ જ ઈશ્વરને પ્રેમ છે. કૂળનો સીંધી પરંતુ ઓલિયાથી પણ મૂઠી ઊંચેરો. નૂરાની કબર આજે પણ સીસક ગામમાં તેનાં વાવેલ વૃક્ષો વચ્ચે પક્ષીઓના કલરવમાં ધબકે છે.