પ્રભાતનાં પુષ્પો – વજુ કોટક

[‘પ્રભાતનાં પુષ્પો’ પુસ્તકમાંથી સાભાર.]

[1]
બસને શેઠસાહેબ ! આખરે તો મેં ધાર્યું હતું એવું જ નીકળ્યું. લોકો તમારા બહુ વખાણ કરતા હતા, પણ આ તો વખાણી ખીચડી દાંતે વળગી. તમે મહાન કરોડપતિ ગણાઓ છો પણ તમારી સાથે પડેલા પ્રસંગ પછી મને લાગ્યું કે તમારા કરોડો રૂપિયા ધૂળ જેવા છે. દોલત ભેગી કરી છે પણ એમાંથી એક પાઈ પણ તમને વાપરતાં આવડતી નથી. એમ તો તમારી પાસે ફક્ત હજારેક રૂપિયા આ સંસ્થા માટે લેવા આવ્યા હતા, પણ હજારનું નામ સાંભળીને જ તમારું હૃદય ફફડી ઊઠ્યું. તમે બોલી ઊઠ્યા : ‘હમણાં તો વેપાર બરાબર ચાલતો નથી. બજારમાં બહુ મંદી આવી ગઈ છે. કોઈ હિસાબે ખરચા કરવા પોસાય એમ નથી. અમે તો મરી ગયા છીએ.’

આવું આવું તમે ખૂબ બોલ્યા. અને મને મનમાં થયું કે કરોડોની દોલત ધરાવતો આ માનવી ખરેખર ભિખારી જેવો છે ! અને વાત પણ સાચી છે. માણસ ધનિક હોવા છતાં પણ જ્યારે કોઈને કંઈ આપવાનું આવે ત્યારે રોદણાં રડવા બેસે એ ભિખારી નહીં તો બીજું શું ? જો તમે ધાર્યું હોત તો ઓછા પૈસા પણ આપી શકત. અમે સંતોષ માનત. પણ આ તો આપવાની વાત આવી ત્યાં જ તમને તાવ આવી ગયો. પૈસા છે એટલે ભલે તમે શેઠ ગણાઓ, પણ અમારી નજરમાં તમે શેઠ નહીં પણ શઠ ઠરી ચૂક્યા છો. યાદ રાખજો શેઠસાહેબ કે આ દુનિયામાં જે માનવી આપી શકે છે એ જ ખરો શેઠ છે. જગતમાં બીજાને માટે કંઈ કરી જનારાઓ જ અમર રહ્યા છે. ઈતિહાસને ચોપડે કદી લોભી પુરુષોનાં નામ લખાયાં નથી એ ભૂલી જતા નહીં. બેન્કમાં જમા થયેલી લક્ષ્મી તમે મૃત્યુ પામશો કે તરત જ એનું મૃત્યુ થશે, પણ પરહિત કાજે વાપરેલું નાણું તમને મૃત્યુ બાદ પણ શેઠ તરીકે ઓળખાવશે એ તમે નથી જાણતા. સંઘરી રાખેલી વસ્તુ આખરે નાશ પામે છે, પણ વાપરેલી ચીજ સદા અમર રહે છે. તમે લક્ષ્મીનો સંગ્રહ કરીને બેઠા છો અને મનમાં ફુલાઓ છો કે તમે મહાન કરોડપતિ છો. હાથની એક બાજુ તમે સખત દોરી બાંધશો તો તે બીજી બાજુ ફૂલી જશે અને ફૂલી ગયેલો હાથ જોઈને તમે એમ માની બેસો કે તમારામાં લોહી વધી ગયું છે ! આવી છે તમારી જિંદગી ! સોજો ચડી ગયેલા દેહને તમે તંદુરસ્ત માની બેઠા છો.’

ભૂમિમાં એક દાણો વાવશો તો કુદરત તમને હજારગણા દાણા આપશે. વડલાના એક નાના એવા બીજમાંથી જાજરમાન વડલો પ્રગટ થાય છે એ શું તમે નથી જાણતા ? પરહિત કાજે ખરચેલી એક પાઈની કિંમત, અંગત સ્વાર્થ અને વિલાસ માટે ખરચેલ લાખ્ખો રૂપિયા કરતાં વધુ છે, કારણ કે એકનો હિસાબ સ્વર્ગના ચોપડે જમા થાય છે ત્યારે બીજાનો તો સીધો જ ધુમાડો થઈ જાય છે. લાખ રૂપિયાના વ્યાજ કરતાં પણ આવી રીતે પાઈનું વ્યાજ વધુ આવે છે ! લક્ષ્મીને તમે બાંધી બેઠા છો, કોઈને કંઈ આપવું નથી અને નામ મેળવવું છે. શેઠ કહેવડાવવું છે. જો પૈસાને જોરે જ, કોઈને એક પણ પાઈની મદદ કર્યા વિના તમારે ઉચ્ચ ગણાવવું હોય તો તે ભૂલી જજો. એવા પૈસા તો આજકાલ ચમારને ઘેર પણ ઊભરાઈ ઊઠ્યા છે.

એક વખત સ્વર્ગમાં દરબાર ભરાયો હતો. દરવાજા પાસે બે માણસો આવીને ઊભા રહ્યા. દરવાને એક માણસને દાખલ કર્યો કે તરત જ બીજા માણસે વાંધો ઉઠાવ્યો. તેણે કહ્યું :
‘આ માણસ ભિખારી છે. અમારી દુનિયામાં તે ભીખ માગતો હતો.’
દરવાને પૂછ્યું : ‘ત્યારે તમે શું કરતા હતા ?’
જવાબ મળ્યો : ‘હું તો મોટો કરોડપતિ છું.’
દરવાને જવાબ આપ્યો : ‘માફ કરજો સાહેબ, અહીંના ચોપડામાં તમારા નામે જમા થયેલી એક પાઈ પણ નથી. આ ભિખારીએ બહુ જ દુઃખી સ્થિતિમાં બીજા એક ભિખારીને બે આનાની મદદ કરી હતી. એના બે આના અહીં જમા કરવામાં આવ્યા છે. માફ કરજો, હું તમને દરબારમાં દાખલ નહીં કરી શકું.’

મને પણ ભય છે કે તમારું જીવન આમ ચાલ્યું જશે તો સ્વર્ગને દરવાજે તમારી આ જ સ્થિતિ થવાની છે. જો તમારે ખરેખરા શેઠ થવું હોય તો આપતાં શીખો. આપનારનો ભંડાર કદી પણ ખૂટતો નથી. જે શુદ્ધ ભાવે કોઈ પણ જાતના બદલાની આશા વિના આપે છે એને કુદરત અનેકગણું આપી રહે છે.

[2]
ઘણા માણસો એવા જોવામાં આવે છે કે જેઓ કામ ઓછું કરતા હોય છે અને પોતે ઘણું કામ કરી રહ્યા છે એવી જાતનો ઢંઢેરો પીટતા જોવામાં આવે છે. આવી મનોવૃત્તિવાળા માણસો જીવનમાં જલદી સફળતા પ્રાપ્ત કરી શકતા નથી અને એક ઠેકાણે કદી લાંબો સમય ટકી શકતા નથી. એમની ભાષાની ભભકથી અને ધાંધલિયા સ્વભાવથી થોડા વખત માટે એવી છાપ જરૂર પડે છે કે આ લોકો ખૂબ કામ કરી રહ્યા છે, પણ કાર્ય પછી ભલે ગમે એવું મોટું હોય કે નાનું, એ પરિણામ દર્શાવ્યા વિના રહેતું જ નથી. આવા માણસના પરિચયમાં આંકડા નજર સમક્ષ આવીને ઊભા રહે છે ત્યારે આપણને ભાન થાય છે કે ખોટી ધાંધલ એ કાર્ય નથી.

હાથમાં લીધેલું કાર્ય તો ત્યારે જ ખીલી ઊઠે છે કે જ્યારે માણસની વાણી મર્યાદિત બને છે અને શક્તિઓ બધી કામે લાગે છે. માણસ પોતે પોતાના કાર્ય વિષે બોલે એના કરતાં કાર્ય પોતે જ બોલી ઊઠે એમાં જ સિદ્ધિનાં દર્શન આપણને થાય છે. જે ખરેખર કાર્યકર્તા છે એ કદી પણ બહુ બોલતો નથી. અને બીજા લોકોને એમ કહેતો નથી કે આ બધું હું જ કરી રહ્યો છું અને મારે લીધે જ બધું ચાલે છે. કોઈ પણ વસ્તુના સર્જન વખતે શબ્દો હમેશાં મૌન ધારણ કરે છે. કવિ, ચિત્રકાર, લેખક, કલાકાર, કારીગર કે શિલ્પી જ્યારે ખરેખર સર્જન કરવા બેસે છે ત્યારે એની જીભ તદ્દ્ન શાંત થઈ જાય છે. જીભ પરનો સંયમ માણસ જ્યારે મેળવે છે ત્યારે એના અંતરમાં એવા પ્રકારની એક શક્તિ પેદા થાય છે કે જેને લીધે એનું કાર્ય વધુ ને વધુ આગળ ધપતું જાય છે. કાર્ય સાધતી વખતે મૌન ધારણ કરવું એ કુદરતનો ક્રમ છે. સિંહ જ્યારે શિકાર ઉપર કૂદી પડવાનો હોય છે ત્યારે તે કદી ગર્જના નથી કરતો. અને ગાજ્યા મેહ વરસતા નથી તેમ જ ભસતા કૂતરા કરડતા નથી એ કહેવત પાછળ પણ આ જ હેતુ છુપાયેલો છે ! ટૂંકમાં, આપણે બહુ બોલબોલ કરીએ છીએ ત્યારે આજુબાજુના બે-પાંચ માણસો જ એ વાત સાંભળે છે, પણ જ્યારે કામ બોલે છે ત્યારે આખી દુનિયા જાણે છે !

[3]
એમને ચરણે જ્યારે મેં મસ્તક ધર્યું કે તરત જ મારાં ચક્ષુઓમાંથી આંસુની ધારા વહેવા લાગી. ચાંદની રાતમાં જાણે હિમાલય અતિ મીઠાશથી બોલતો હોય તેમ તેમણે બહુ જ ધીમેથી મને પૂછ્યું :
‘વત્સ ! મારાં ચરણો ઉપર મોતી ખરતાં હોય એવું લાગે છે.’
‘જી હા, એ મારાં આંસુ છે.’
‘મને મળવાથી તારામાં આટલો બધો આનંદ ઊભરાય છે ?’
મેં કહ્યું : ‘કૃપાનાથ ! એ આંસુ આનંદનાં નથી પણ દુઃખનાં છે.’
તેમણે આશ્ચર્યથી પૂછ્યું : ‘દુઃખ ? મેં તને આપવામાં કંઈ બાકી રાખ્યું છે ?’
‘જી, નહીં. સર્વ પ્રકારની સુખસમૃદ્ધિ છે. છતાં પણ દુઃખ થાય છે. હૃદય બળ્યા કરે છે. આપે દુઃખ શા માટે પેદા કર્યું ? જવાબ આપો.’

આ સાંભળીને તેમણે મને હાથ પકડીને ઊભો કર્યો અને પૂછ્યું :
‘દૂર પૂર્વમાં દેખાય છે તે શું છે ?’
‘સૂર્ય.’
‘સૂર્ય અંધકારને જાણે છે ? એને ખબર જ નથી કે અંધકાર શું છે. એ તો શાશ્વત પ્રકાશ છે. એના અસ્ત પછી અંધકાર થાય છે. એનો અર્થ એ નથી કે અંધકાર સૂર્યમાંથી પ્રગટ થયો છે. અને તું મને શું કહીને પોકારે છે ?’
‘પરમ આનંદ !’
‘બસ ત્યારે, હવે તું જ કહે, જો હું સંપૂર્ણ આનંદ છું તો પછી હું દુઃખને ઉત્પન્ન કેવી રીતે કરી શકું ? આ સૃષ્ટિ ઉપર મેં ખૂણે ખૂણે સુખ અને સમૃદ્ધિ પાથર્યાં છે. તારી જરૂરિયાતો પૂરી થાય એટલા માટે મેં ધરતીમાં અનાજના ભંડાર ભર્યા છે, પાણી મળે એવી વ્યવસ્થા કરી છે, જીવવામાં તકલીફ પડે નહીં એટલા માટે વાયુ તથા પ્રકાશને તારી સેવામાં હાજર રાખ્યા છે અને આ ઉપરાંત તારા મોજશોખ માટે મેં રંગબેરંગી પુષ્પો ઉત્પન્ન કર્યાં છે. પક્ષીઓના કંઠમાં સંગીત મૂક્યું છે, સુંદર અને મધુર ફળ પાકે એવી વ્યવસ્થા કરી છે અને આકાશમાં અદ્દભુત સૌન્દર્ય પાથર્યું છે. મેં તો ચારે બાજુ સુખનું અને આનંદનું જ સર્જન કર્યું છે, પણ આ સુખ તું જીરવી ન શક્યો એટલે તેં જ દુઃખ ઉત્પન્ન કર્યું છે. દુનિયામાં જે કંઈ દુઃખ દેખાય છે એ તમે લોકોએ જ પેદા કર્યું છે. બાકી હું તો દુઃખ જેવો શબ્દ પણ જાણતો નથી.’

આ સાંભળીને મારી આંખમાંથી હર્ષનાં આંસુઓ વહેવા લાગ્યાં અને સૃષ્ટિમાં મને ચારે બાજુ સૌંદર્યનાં જ દર્શન થવા લાગ્યાં.

[4]
આપ આ વખતે જ્યારે અમારે આંગણે આવ્યા ત્યારે પહેલા તો અમને એમ જ લાગ્યું કે સૂર્યનો ઉદય થયો છે. કારણ કે આપના ચહેરા ઉપર મસ્તી હતી અને આંખમાં આનંદના ફુવારા ઊડી રહ્યા હતા. મૂંગા પડેલાં અમારાં વાદ્યોમાં સંગીત પ્રગટ થયું અને ઝાંખા બળતા અમારા દીપક વધુ તેજસ્વી બની ગયા. પ્રભાતનાં પુષ્પો જેવા સુવાસિત શબ્દો આપના મુખમાંથી નીકળ્યા. આપે કહ્યું : ‘આ વખતે હું કંઈ તમને મહાન ઉપદેશ આપવા નથી આવ્યો. હું તો જીવનની સીધી સાદી વાતો કહેવા આવ્યો છું. મારું તો તમને એટલું જ કહેવું છે કે જો સુખી થવું હોય તો અને પરમ આનંદનાં દર્શન કરવાં હોય તો તમે એકબીજા માટે જીવન ગાળતાં શીખો. કોઈ તમને પ્રેમનું એક બિંદુ આપે તો એના બદલામાં તમે એને દસ બિંદુ આપો. એકબીજાની લાગણીને અનુકૂળ રહેવાથી જીવનમાં એક પ્રકારનું એવું અદ્દભુત સંગીત ઉત્પન્ન થાય છે કે જેથી માણસ આનંદની મસ્તી અનુભવી શકે છે.

પારકાને પોતાના બનાવી લેવા એ એક કળા છે, પણ આ કળા શીખવા માટે કંઈ પુસ્તકો નથી મળતાં તેમ જ એને માટે નિશાળો નથી. એને માટે અંતરમાં તપાસ કરવી પડે છે અને ત્યાગનો માર્ગ શોધી કાઢવો પડે છે. ભગવાન બુદ્ધે જ્યારે વૈભવવિલાસનો ત્યાગ કર્યો કે આખું જગત એનું બની ગયું. જીવનના નાનાં નાનાં કાર્યોમાં પણ જો તમે સામા માણસને ખાતર જીવી રહ્યા છો એ ભાન રાખશો તો તમારા ડગલે અને પગલે પ્રેમનો પ્રકાશ પથરાશે. આ વસ્તુને જીવનમાં વણી લેવી પડે છે. કેટલાક માણસો કહે છે કે અમે આટલું કરીએ છીએ છતાં પણ કંઈ પરિણામ નથી આવતું, પણ આ જાતનું ભાન કરેલા કાર્ય ઉપર પાણી ફેરવી નાખે છે. આ કંઈ શુભ ભાવના નથી, આ તો વેપારીનો સોદો છે. અને જે લોકો જીવનને ઉચ્ચ કક્ષાએ મૂકવા માગે છે તેમણે આવી વેપારીની ગણતરી નહીં જ કરવી જોઈએ. ‘સાગરમાં મળી જઈશ તો હું ખારી થઈ જઈશ.’ એવો વિચાર કરીને શું સરિતાએ વહેવાનું મુલતવી રાખ્યું છે ? ‘ખીલી ઊઠીશ તો કોઈ ચૂંટી જશે’ એવો વિચાર કરીને બાગની કોઈ કળીએ શું ખીલવાનું બંધ રાખ્યું છે ?
નહીં…
તો પછી કોઈને માટે આપણે કંઈ સ્વેચ્છાથી અને પ્રેમભાવે કરતાં હોઈએ એમાં વળી આ વેપારી ભાવના શા માટે ? હું તમને ખાતરીપૂર્વક કહું છું કે શુભ ભાવનાઓનું વાવેતર જીવનમાં વહેલું મોડું શુભ ફળ આપ્યા વિના રહેતું જ નથી. તમે સૌ આજે બેચેન છો, નિરાશ છો કારણ કે તમે સૌ પોતપોતાના માટે જીવનનાં બારણાં બંધ કરીને જીવી રહ્યા છો. જિંદગીમાં જે ફક્ત પોતાનું સુખ જોયા કરે છે એને શાંતિનો તેમ જ આનંદનો અનુભવ કદી થતો નથી.’ આટલું કહીને આપ ચાલ્યા ગયા અને અમે સૌ વિચારમાં પડી ગયાં.

Leave a Reply to Deepak Shastri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “પ્રભાતનાં પુષ્પો – વજુ કોટક”

Copy Protected by Chetan's WP-Copyprotect.