- ReadGujarati.com - http://www.readgujarati.com -

કેવો મજાનો ઢીંગલો ! – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ ભાગ-4માંથી સાભાર.]

ખાઈને ઊઠ્યો કે નાની દિકુએ પાનનું બીડું બનાવી આપ્યું. સોપારી સિવાય એમાં કશું નહોતું. હમણાં ઘરમાં પૈસાની તંગી છે, એ વાતની ચાડી પાને ખાધી. ઑફિસે જવા નીકળ્યો. પગથિયે પહોંચ્યો ત્યાં દિકુ મારી કને આવીને ઊભી રહી. કંઈક કહેવા માગતી હતી. પણ એની જીભ ઊપડતી નહોતી. મેં પૂછ્યું : ‘શું છે ? કહે ને ?’ છેવટે ગલ્લાં તલ્લાં કરતાં એ બોલી, ‘બાબા, એક રમકડું લેતા આવશો ? એક ઢીંગલો ? પડોશની હસીનાની ઢીંગલી સાથે વિવાહ કરવાના છે. લાવશો ?’

દિકુ કહેતી’તી મને, પણ જોતી’તી એની મા સામે. દિકુનો ડર સાચો પડ્યો. સલીમા ગરજી ઊઠી, ‘આટ આટલી સમજાવી પણ ક્યાં ગમ પડે છે ? જ્યારે ને ત્યારે આ લાવજો.’ પછી મારી સામે જોઈને બોલી, ‘તમે જ દિકુને બગાડવાના છો. જુઓ, એવા ખોટા ખરચા નથી કરવાના. તમે તો….’ લીધી વાત સલીમા છોડતી નથી. એટલે મેં ચાલતી પકડી. પણ વારંવાર દીકરીની પ્રેમભરી માગણી મનમાં ઝબકવા લાગી. માગી માગીને લાડલીએ શું માગ્યું છે ? એક રમકડું. એય નહીં આપી શકું ? પણ ગજવું કહેતુ’તું એક પાવલી જ પડી છે ! એમાંથી એક આનો તો સાંજે ટ્યુશને જતાં બસભાડું જોઈશે. આખો દહાડો ઓફિસમાં કામ કર્યા પછી સાંજે અઢી માઈલ ચાલવાનું આ ઉંમરે હવે મારે માટે મુશ્કેલ હતું.

સામેની દુકાન પર નજર ખોડાઈ ગઈ. સરસ મજાના ઢીગલા જોઈ પગ ત્યાં જ થંભી ગયા. પણ કિંમત વાંચીને ચોંકી ઊઠ્યો, ‘બાપ રે ! એક ઢીંગલાના બાર રૂપિયા, સાત આના !’ દયામણે મોઢે મેં ચાલતી પકડી. વળી, આગળ એક લારી મળી. એમાંય ઢીંગલા હતા. ભાવ પૂછ્યો. એકી શ્વાસે લારીવાળો કિંમત બોલી ગયો. પણ મારા ગજવા સાથે મેળ મળે તેમ નહોતો. છેવટે એક રદ્દી જેવો ઢીંગલો મેં શોધી કાઢ્યો. એની કિંમત પૂછી.
‘એના ? સાડા પાંચ આના. પણ એ રદ્દી માલ છે, લેવા જેવો નથી.’
સાંજે ચાલતો ભણાવવા જઈશ, પણ દિકુ ને નિરાશ નથી કરવી, એમ વિચારીને ચાર આનામાં સોદો પતાવ્યો. પછી ઑફિસે પહોંચ્યો, ત્યારે કતરાતી આંખે સાહેબ બોલ્યા : ‘અડધો કલાક મોડા છો, અલી સાહેબ !’
હું ગૂંચવાઈ ગયો. ઘડિયાળ બગડ્યાનું બહાનું બતાવું ? પણ સાચું બોલાઈ ગયું :
‘દીકરી માટે રમકડું લેવામાં મોડું થયું.’
‘રમકડું ?’ સાહેબ વિસ્મિત થયા, ‘જોઉં તો, કેવું છે ?’
મેં બતાવ્યું. મોં બગાડીને એમણે કહ્યું, ‘સાવ બેકાર છે. આને માટે આટલું મોડું કર્યું ?’
મારી ખુરશી પર જઈને બેઠો. પડખેના મિત્રે ટોક્યો, ‘આટલું બધું મોડું ?’
‘દિકુ માટે એક ઢીંગલો ખરીદવો હતો.’
‘કેવો છે ? લાવો તો જોઉં.’
આમ તેમ ફેરવીને તેણે કહ્યું : ‘ના, ના. દુકાનદારે તમને છેતર્યા. સાવ રદ્દી માલ છે.’

હું હતાશ થઈ ગયો. મને એમ હતું : ‘મોંઘી ચીજ વેચવા દુકાનદાર આને રદ્દી કહેતો હશે. સાહેબ તો મોંઘી ચીજ ખરીદી આને રદ્દી કહેતા હશે. પણ મારા જેટલો જ પગાર પામતો આય રદ્દી કહે છે. તો સાચે જ આ રદ્દી હશે…. ને મારું મન ખાટું થઈ ગયું. સાંજ પડી ગઈ. અઢી માઈલ ચાલીને વીણાને ભણાવવા ગયો. મારા હાથમાંનો ઢીંગલો જોઈ વીણા બોલી ઊઠી, ‘સાવ સડેલી ચીજ ક્યાંથી ઉઠાવી લાવ્યા, માસ્તર સાહેબ ?’ વીણા ને દિકુ સરખી ઉંમરનાં છે. વીણાને ન ગમ્યું તો દિકુને ગમશે ? મનમાં કીડો સળવળવા લાગ્યો.

દશ વાગે ધીમે ડગલે મેં ઘરમાં પ્રવેશ કર્યો. મારી રાહ જોતી દિકુ જાગતી હતી. હું સમજી ગયો કે ઢીંગલા વાસ્તે જ એ જાગે છે. ‘લાવ્યા બાબા ?’ તરત તેણે પૂછ્યું. કુંઠિતભાવે હું બોલ્યો : ‘લાવ્યો છું.’
‘ના કહ્યું, તોયે એવી નકામી ચીજો લાવવાની તમારી આદત ના ગઈ તે ના જ ગઈ….’ સલીમાની જીભ સળવળી ઊઠી. હું એકીટસે દિકુ સામે જોઈ રહ્યો. વીણાની જેમ જ અજબ ભાવભંગિમાથી તે પણ ઢીંગલાનું નિરીક્ષણ કરી રહી હતી. એકાએક તે બોલી ઊઠી :
‘વાહ, બાબા ! કેવો મજાનો ઢીંગલો છે !’
હું ચોંકી ઊઠ્યો, ઉત્સાહભર્યા સાદે મેં પૂછ્યું : ‘હેં ! શું કહ્યું ?’
ભયભીત સાદે તે ફરી બોલી, ‘સુંદર છે ને !’
મારી ખુશીનો પાર ન રહ્યો. હું મનમાં મનમાં નાચી ઊઠ્યો. મેં તેને છાતી સરસી ચાંપી લીધી. રહસ્યભરી નજરે સલીમા મારી સામે તાકી રહી હતી. દિકુના વિખરાયેલા લાંબા વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં સલીમા સામે મેં નજર નાખી. હજીયે એવી જ રહસ્યમય, આશ્ચર્યપૂર્ણ દષ્ટિથી તે મારી સામે જોઈ રહી હતી.