શ્રી સમર્થ રામદાસ – રમણલાલ સોની

[‘સંતસાગર’ પુસ્તકમાંથી સાભાર. ભારતના કુલ 101 સંતોના ટૂંકા ચરિત્રોનું આ એક અદ્દભુત પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. શ્રીરામ સોનીનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

રાતનો વખત છે. વર લગ્નમંડપમાં આવી ઊભો છે. બ્રાહ્મણોએ ઉચ્ચ સ્વરે ગર્જના કરી : ‘અતિ સુમુહૂર્ત સાવધાન !’ વરની ઉંમર માત્ર બાર વર્ષની છે. બ્રાહ્મણોનો ઘોષ સાંભળી એ ચમક્યો : ‘અરે, મારું વ્રત તો રામની ભક્તિ કરવાનું છે. હું આ શું કરી રહ્યો છું !’ એકદમ મૂઠીઓ વાળી એ નાઠો. લોકોએ ઘણી શોધખોળ કરી, પણ તેનો કંઈ પત્તો લાગ્યો નહિ. (ઈ.સ. 1620). લગ્નમંડપમાં ‘સાવધાન’ તો દરેક જગાએ બોલાય છે, પણ તે સાંભળીને સાવધાન થનારો આ એક જણ નીકળ્યો. એનું નામ નારાયણ.

નારાયણનો જન્મ મહારાષ્ટ્રના જાંબ નામે ગામમાં બ્રાહ્મણ કુળમાં થયો હતો. ઈ.સ. 1608. તેમનાં માતાપિતા ધર્મનિષ્ઠ ભાવનાવાળાં હતાં. તેઓ એકનાથ મહારાજનાં ભક્ત હતાં અને ઘણીવાર તેમનાં દર્શન કરવા જતાં. બાળક નારાયણનેય એકનાથ મહારાજે આશીર્વાદ આપ્યા હતા. બાળપણથી જ નારાયણનું ચિત્ત રામ અને રામભક્ત હનુમાનમાં લાગેલું હતું. એના મોટા ભાઈ ગંગાધર પણ રામભક્ત હતા અને રામમંત્ર જપતા હતા. નારાયણ આઠ વર્ષનો થયો ત્યારે તેણે ગદાધર પાસે રામમંત્ર માગ્યો. ગદાધરે કહ્યું : ‘હજી તું નાનો છે.’ નારાયણને ખોટું લાગ્યું. તે ઘર છોડીને ભાગી ગયો અને ગોદાવરી તીરે જંગલમાં એક મંદિરમાં જઈ સૂતો. મોટા થઈને તેણે પોતે એક કાવ્ય આ વિષે લખ્યું છે : ‘મોટાભાઈએ ઉપદેશ દેવાની ના પાડી, એટલે મંદિરમાં જઈને હું ઊંઘી ગયો. ઊંઘમાંથી શ્રી રામે મને જગાડ્યો ને કાનોકાન મંત્ર સંભળાવ્યો !’ રામના ભક્ત હોઈ નારાયણે ‘રામદાસ’ નામ ધારણ કર્યું અને ટાકળી નામે ગામ પાસે ગોદાવરી અને નંદિનીના સંગમ આગળ એક ગુફામાં રહી બાર વરસ ઉગ્ર તપશ્ચર્યા કરી. તેણે ત્રણ ગાયત્રી પુરસ્ચરણ કર્યાં અને ‘શ્રી રામ જય રામ જય જય રામ’ એ તેર અક્ષરી મંત્રનો તેર કરોડ વખત જપ કરી મંત્ર સિદ્ધિ મેળવી. (ઈ.સ. 1632).

બાર વર્ષની તપશ્ચર્યા પૂરી થતાં રામદાસ તીર્થયાત્રાએ નીકળ્યા.
પગમાં પાદુકા, હાથમાં માળા ને તુંબીપાત્ર, કાખમાં સમાધિની ઘોડી, માથે ટોપી ને શરીરે કફની – આ એમનો વેશ હતો. કઠોર તપસ્યાના બળે તેમનામાં અદ્દભુત શક્તિ આવી હતી, અને તેમની ટહેલ હતી : ‘જય જય રઘુવીર સમર્થ !’ તેથી તેઓ ‘સમર્થ રામદાસ’ નામે ઓળખાયા. તેમણે પૂરાં બાર વર્ષ તીર્થયાત્રામાં કાઢ્યાં; દ્વારકાથી જગન્નાથપુરી ને હિમાલયથી કન્યાકુમારી સુધીનો બધો પ્રદેશ તેમણે પગ તળે કાઢ્યો ! ‘પગે તીર્થયાત્રા અને મુખે રામનામ’ આ એમનું સુત્ર હતું. દરેક તીર્થમાં જે દેવ હોય તેની પૂજા કરતા. કહેતા : ‘બધાયે દેવો મારા રામચંદ્રની જ મૂર્તિઓ છે !’ આ પ્રવાસમાં તેમણે દેશની ભયાનક દુર્દશા જોઈ. એનું વર્ણન કરતાં તેમણે કહ્યું છે : ‘પ્રલયકાળ આવ્યો હોય એવું લાગે છે. જુલમની કોઈ હદ નથી ! લોકો નિર્માલ્ય થઈ ગયા છે. બ્રાહ્મણોએ જ લોકોને ડુબાડ્યા છે. જેનામાં રોષ નથી, સ્વમાન નથી, તેને માણસ કેમ કહેવાય ? માણસના આકારનો એ પથ્થર છે – પછી ભલે એ સંત, મહંત કે મહાત્મા કહેવાતો હોય.’ એમને એટલી બધી નિરાશા થઈ કે તેઓ દેહ પાડી નાખવા જતા હતા. ત્યાં સ્વયં શ્રી રામે આવીને એમને પકડી લીધા ને આજ્ઞા કરી : ‘સ્વધર્મની સ્થાપના કર ને જગતનો ઉદ્ધાર કર !’

તીર્થયાત્રા પૂરી કરી તેઓ પાછા જાંબ આવ્યા ને ‘જય જય રધુવીર સમર્થ !’ ની ગર્જના કરી પોતાને જ ઘેર ભિક્ષા માગવા ગયા. વૃદ્ધ માતા ભિક્ષા આપવા આવી ત્યારે ‘મા, હું તારો નારાયણ’ કહી તેઓ એના પગમાં પડ્યા. ચોવીસ વર્ષે માતાપુત્ર મળ્યાં. માએ રામદાસને ઘરમાં જ રાખ્યા. રામદાસ રહ્યા. તેમણે માને ભાગવતકથા સંભળાવી. મા પ્રસન્ન થયાં. રામદાસે હવે જવાની રજા માગી. માએ કહ્યું : ‘ભલે જા, પણ મારો અંતકાળ સાચવજે !’ રામદાસે કહ્યું : ‘સાચવીશ !’ બસ, પછી એ ચાલી નીકળ્યા. હવે સમર્થનું જીવનકાર્ય શરૂ થયું. ચાફળ ગામમાં તેમણે પોતાનું મુખ્ય મથક કર્યું. ત્યાં તેમણે મંદિરમાં રામ અને મારુતિની મૂર્તિઓ પધરાવી. લોકો સમર્થને મારુતિનો જ અવતાર માને છે. સમર્થ કહે છે : ‘મારુતિ સિવાય મારું બીજું કોણ છે ? મારુતિ મારા ખલાસી છે. જ્યારે જ્યારે હું મુસીબતમાં આવી પડ્યો છું ત્યારે એ જ વચમાં કૂદી પડ્યા છે અને એમણે જ મને બચાવ્યો છે !’ સમર્થ કાયમ ફરતા જ રહેતા હતા. એમનો શિષ્ય સમુદાય વધતો જતો હતો. ઠેરઠેર મંદિરો ને મઠો સ્થપાયા હતા. શિષ્યોને તેઓ કહેતા : ‘શરીર બીજાની સેવામાં વાપરવું. પરનું સુખ જોઈ સુખી થવું. પહેલું આચરવું, પછી બોલવું. મહંતાઈ કંઈ સુખની શય્યા નથી, એમાં તો અપાર દુઃખ છે – છાતી ફાટી જાય એવાં !’ સમર્થના શિષ્યોનો એક નવો સંપ્રદાય ઊભો થઈ ગયો. તેને ‘રામદાસી સંપ્રદાય’ કે ‘સમર્થ સંપ્રદાય’ કહે છે. રામની ઉપાસના દ્વારા તેમણે લોકો આગળ ‘રામરાજ્યનું ધ્યેય’ રજૂ કર્યું. તે માટે એમનો ખાસ ઉપદેશ હતો : ‘સમુદાય કરવા ! – સંગઠન કરો, એક થાઓ !’ સમર્થ કોઈને પત્ર લખે તો એના પહેલા જ શબ્દો હોય ‘સમુદાય કરવા !’ ‘પહેલું હરિકથા-નિરુપણ અને બીજું દેવ, ધર્મ અને ગોબ્રાહ્મણના હિતાર્થે રામરાજ્યની સ્થાપના’ – આ સમર્થનું લક્ષ્ય હતું. હરિકથા-નિરુપણ એ એમના હાથની વાત હતી; પણ બીજા વગર પહેલાનો પ્રભાવ નહોતો એ એમણે દેશમાં બધે ફરીને જોઈ લીધું હતું. તેથી એમણે ‘સમુદાય કરવા’ની હાકલ કરી. તેમની કલ્પનાનું સ્વરાજ્ય શિવાજી દ્વારા સ્થપાશે એવો એમને વિશ્વાસ હતો.

એકવાર શિવાજીએ સમર્થના પગમાં માથું મૂકી દીધું : ‘પ્રભુ, મને મંત્રદીક્ષા આપો !’ સમર્થે એમને ‘શ્રીરામ જયરામ જયજયરામ’ નો મંત્ર આપ્યો. ઈ.સ. 1649. હવે શિવાજીએ કહ્યું : ‘પ્રભુ, બીજા શિષ્યોની પેઠે મને પણ તમારી સેવામાં રાખો !’ હસીને સમર્થે કહ્યું : ‘તારો ધર્મ ક્ષાત્રધર્મ છે. પ્રજાનું પાલન કર, વિધર્મીના હાથમાંથી દેશને મુક્ત કરી સ્વધર્મની સ્થાપના કર ! રામની તને આ આજ્ઞા છે.’ આમ કહી તેમણે એને એક શ્રીફળ, એક મૂઠી માટી, બે મૂઠી ઘોડાની લાદ અને ચાર મૂઠી કાંકરા પ્રસાદમાં આપ્યા અને આશીર્વાદ આપ્યા : ‘શિવબા, તું ધન્ય છે. તારી ચિંતા શ્રી હરિને માથે છે.’ શિવાજી ચતુર હતા. તેઓ આ પ્રસાદનો અર્થ સમજી ગયા. ઘરે જઈ માતા જિજાબાઈને તેમણે એ અર્થ કહ્યો : ‘નાળિયેર મારા કલ્યાણને માટે છે. માટી એટલે પૃથ્વી, કાંકરા એટલે કિલ્લા, લાદ એટલે ઘોડેસવારી ! હું પૃથ્વીપતિ બનીશ, ઘણા કિલ્લા મારા હાથમાં આવશે અને અસંખ્ય ઘોડેસવારો મારા સૈન્યમાં હશે.’ શિવાજીનું રાજ્ય જેમ જેમ વધતું ગયું તેમ સમર્થ પરથી તેમની ગુરુ-ભક્તિ પણ વધતી જતી હતી. એકવાર રામદાસને ઘેર ઘેર ભિક્ષા માગતા જોઈ તેમણે એમની ઝોળીમાં એક ચિઠ્ઠી લખીને નાખી. ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘મારું સમસ્ત રાજ્ય હું આપના ચરણમાં સમર્પું છું. તમે માલિક, હું દાસ !’ સમર્થે કહ્યું : ‘તો લે, આ ઝોળી ખભે નાખ ને ચાલ મારી સાથે ભિક્ષા માગવા !’ હાથમાં ભિક્ષાપાત્ર લઈ શિવાજી ગુરુની સાથે ઘેરઘેર ભિક્ષા માગવા ફર્યા. એ ભિક્ષાન્નનો પ્રસાદ લીધા પછી સમર્થે શિવાજીને કહ્યું : ‘હવે આ રાજ્ય મારું છે, પણ મારી વતી એનો ભાર ઉપાડવા હું તને આજ્ઞા કરું છું. લે આ મારું ઉત્તરીય ! એનો તું ધ્વજ બનાવજે ! શ્રીરામની કૃપાથી તું જે મન પર લેશે તે સિદ્ધ થશે.’ શિવાજીએ આજ્ઞા માથે ચડાવી. ત્યારથી એમના રાજ્યમાં ભગવો ઝંડો ફરકવા લાગ્યો. શિવાજીના સહી સિક્કા સાથેનો શકે 1600 આસો સુદ દશમ (તા. 15-10-1678)નો સમર્થ ઉપર લખેલો એક પત્ર મળી આવ્યો છે તેમાં શિવાજીએ પોતે આ વાત કરી છે.

શિવાજી સાત્વિક પ્રકૃતિના હતા. ત્રણ વાર એમણે સંસાર-ત્યાગ કરવાની તૈયારી કરેલી. બે વાર સમર્થે અને એકવાર તુકારામે તેમને તેમ કરતાં વાર્યા હતા. સમર્થ મહાન સંત છે, સિદ્ધ છે, પણ પોતાની અતિ ઉચ્ચ ભૂમિકાએથી નીચે ઊતરી તેઓ લોકોનાં સુખ દુઃખમાં ભાગ લે છે ને કહે છે : ‘જ્યાં જગત છે ત્યાં જ જગન્નાયક છે. જે જગતના અંતર સાથે એક થશે તે પોતે જ જગતનું અંતર બની જશે.’ અચાનક એક દિવસ સમર્થને થયું કે મા યાદ કરે છે. માનો અંતકાળ સાચવવાનું પોતે વચન આપ્યું હતું તે યાદ આવ્યું. (ઈ.સ. 1655). તેઓ પોતાની ઓરડીમાં પેઠા અને શિષ્યોને આજ્ઞા કરી : ‘ઓરડીનું બારણું બંધ કરી બહાર તાળું મારી દો ! સોળ દિવસે ઉઘાડજો !’ શિષ્યો સમજ્ય કે ગુરુ સમાધિમાં બેસવાના છે. તે વખતે જાંબમાં માતા રાણુબાઈ છેલ્લો શ્વાસ લેતાં હતાં. અચાનક ‘મા, હું તારો નારાયણ !’ કહેતા સમર્થ ત્યાં પ્રગટ થયા. માતાએ રામ નામના ઉચ્ચાર સાથે શાંતિથી પુત્રના ખોળામાં દેહ-ત્યાગ કર્યો. સોળ દિવસ પૂરા થતાં શિષ્યોએ બારણું ઉઘાડી જોયું તો ગુરુજી ક્ષૌરકર્મ કરી બેઠલા હતા ! તેમણે કહ્યું : ‘મારાં માતાજીનાં છેલ્લા દર્શન કરવા જાંબ ગયો હતો. ત્યાં શ્રાદ્ધવિધિ થઈ ગયા પછી અહીં આવ્યો છું.’

એકવાર શિષ્યો સાથે સમર્થ જતા હતા. રસ્તામાં ભૂખ લાગવાથી શિષ્યોએ જુવારનાં ખેતરોમાંથી ડૂંડા તોડી પોંક પાડ્યો. ખેતરવાળાઓને ખબર પડતાં એમણે સમર્થને લાકડીએ લાકડીએ ઝૂડી નાખ્યા. શિવાજીને આ વાતની ખબર પડી એટલે એ ખેડૂતો પર ગુસ્સે થયા. તેમણે સમર્થને કહ્યું : ‘કહો, આ લોકને શી સજા કરું ?’ સમર્થે કહ્યું : ‘એમને પાઘડી શેલુ પહેરાવી ઈનામ આપો ! વાંક એમનો નથી, અમારો છે.’ એકવાર મઠમાં ચોરી કરવા ચોર પેઠા. બધા જાગી ગયા. શિષ્યો કહે :
‘મહારાજ, મઠમાં ચોર ભરાયા છે.’
સમર્થ કહે : ‘કંઈ લઈ જશે તો રામનું જશે ! આપણું અહીં શું છે !’
શિષ્યો : ‘એટલે ચોરી થવા દેવી ?’
‘શા સારુ ન થવા દેવી ?’
‘પણ ભગવાનના ઘરમાં ચોરી ?’
‘તો શું ભગવાનનું ઘર તમારું છે ને ચોરનું નથી ? ધન અહીં હોય કે ચોરને ઘેર હોય, એ ઉદરનિર્વાહમાં જ વપરાવાનું છે ને !’ ચોર આ સાંભળતા હતા. તેમનો હૃદય પલટો થઈ ગયો. સમર્થના પગમાં પડી તેમણે માફી માગી. સમર્થે તેમને જમાડીને વિદાય કર્યા.

સમર્થ મરાઠી ભાષાના એક મોટા કવિ ગણાય છે. તેમની કવિતામાં નસીબવાદ કે નિરાશાને સ્થાન નથી. એમણે શક્તિ અને પરાક્રમનું જ ગાન ગાયું છે. એમનો મુખ્ય ગ્રંથ ‘દાસબોધ’ છે. એમણે ‘મનાચે શ્લોક’ નામે 205 કડીનું એક ભાવવાહી સ્તોત્ર લખ્યું છે જે ખૂબ જ જાણીતું છે. એકવાર મધરાતે તેમણે એક શિષ્યને કહ્યું : ‘લખ !’ એ બોલતા ગયા ને શિષ્ય લખતો ગયો. આમ મનાચે શ્લોકનું આખું સ્તોત્ર લખાયું. શિષ્યો ભિક્ષા માગવા જાય ત્યારે એક ઘર આગળ એક શ્લોક બોલે, ને ત્યાંથી ભિક્ષા લઈ બીજે ઘેર બીજો શ્લોક બોલે ! આ શ્લોકની લોકો પર ખૂબ જ અસર થઈ. આજે પણ એની એટલી જ અસર છે. સમર્થ એમાં કહે છે : ‘હે મન, તું પરમ સમર્થ અને ભક્તવત્સલ રામને શરણે જા ! રામનું ભજન કર ! રામનો મહિમા ગા ! રામ એ જ બ્રહ્મ છે; રામ એ જ આદિ અને અંત છે.’ સમર્થનું બીજું આવું સુંદર સ્તોત્ર ‘કરુણાષ્ટક’ છે. તેમાં કહે છે : ‘અરે મારા ભીરુ મન, ભવસાગરથી શાને આટલું ડરે છે ? માથા ઉપર રઘુપતિ રામ બેઠો છે. જમરાજા પોતે આવે તોયે એનું અહીં શું ચાલવાનું છે ? કોની માએ શેર સૂંઠ ખાધી છે જે રામના દાસની ઉપર વક્રદષ્ટિ કરે ?’ શિવાજીના ઉદયથી મહારાષ્ટ્ર ખરેખરું મહા-રાષ્ટ્ર બન્યું હતું. સમર્થે તેને ‘આનંદવન ભુવન’ કહ્યું છે ને તેનું સુંદર સ્ત્રોત રચ્યું છે. જાણે મહારાષ્ટ્રનું રાષ્ટ્રગીત ! તેમાં તેઓ કહે છે : ‘ભલા, એકવાર મારું આનંદવનભુવન તો જો ! અહીં કેવો આનંદ ઊછળી રહ્યો છે એ જો ! એ જોઈને ‘અહીં જ ફરી મારો જન્મ થાઓ !’ એવું હું ઈશ્વરને પ્રાર્થના કર્યા વિના રહેવાનો નથી ! મેં સ્વપ્નમાં જે જોયેલું તે આજે પ્રત્યક્ષ જોઉં છું.’

અંતકાળ પાસે આવ્યો ત્યારે સમર્થે અન્નજળનો ત્યાગ કર્યો. નવમે દિવસે પરોઢિયે તેઓ રામની મૂર્તિ સામે ભોંય પર બેઠા. ગુરુના થનારા વિયોગથી શિષ્યો રડવા લાગ્યા. ત્યારે સમર્થે કહ્યું : ‘આટલાં વરસ મારી પાસે રહી તમે શું રોતાં જ શીખ્યા છો ?’ તે પછી તેમણે એકવીસ વાર ‘હર હર’ કહી ‘શ્રીરામ’ શબ્દ ઉચ્ચાર્યો. તે જ પળે તેમણે દેહ છોડી દીધો. તે વખતે તેમની ઉંમર 78 વર્ષની હતી. ઈ.સ. 1681 શકે 1603 મહા વદ નવમી, શનિવાર. જય જય રઘુવીર સમર્થ !

[કુલ પાન : 559. કિંમત રૂ. 300. પ્રાપ્તિસ્થાન : સૌ. જયશ્રી દિલીપ સોની, સુતરિયા હાઉસ, ચોથો માળ, ભાઈકાકા ભવન પાસે, એલિસબ્રિજ. અમદાવાદ-380006. ફોન : +91 79 26460225.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “શ્રી સમર્થ રામદાસ – રમણલાલ સોની”

Copy Protected by Chetan's WP-Copyprotect.