થૉરની વાડ – રાજેશ અંતાણી

[‘જલારામદીપ’ સામાયિક, દીપોત્સવી અંક ભાગ-1, ઑક્ટોબર-2011માંથી સાભાર.]

ઘેરાયેલા વરસાદનું અંધારું કમરામાં ફેલાઈ ગયું. ઊતરતી સાંજનો ઉજાસ આ કમરામાં ફેલાયેલો હોય એની જગ્યાએ ઘેરાયેલા વરસાદનું અંધારું ફેલાઈ ગયું હતું. કમરામાં ફેલાયેલા અંધારામાં વચ્ચે શુભાંગી નાનકડા અરીસામાં જોતી હતી. દીવાલ પર અધ્ધર લટકતા નાનકડા અરીસામાં શુભાંગી ચહેરો સ્થિર રાખીને ચાંદલો કરી રહી હતી.
ચાંદલો કરતાં શુભાંગી રોકાઈ.
પાછળ જોયું. પિનાકીન બારીની બહાર જોતા હતા. એમના ચહેરા પર કેટલાય સમયથી ઊતરી આવેલી ઉદાસીનતા સ્થિર હતી.
‘અરે ! તમારે તૈયાર નથી થવું ?’ પિનાકીને ચમકીને શુભાંગી તરફ જોયું.
‘કેમ ?’
‘તમે ભૂલી ગયા ? આજે આશ્રમમાં સ્વામીજી આવવાના છે ને ? સત્સંગ હૉલમાં અત્યારે વ્યાખ્યાન છે એમનું. વ્યાખ્યાન સાંભળવા તમે નહીં આવો ?’

પિનાકીનના ચહેરા પર વિસ્મૃતિ સ્થિર રહી. પછી ધીમે ધીમે સ્મૃતિ ખુલતી ગઈ.
‘હા બરાબર, તું સવારથી મને કહેતી હતી કે કોઈક સ્વામીજી- તેં વિષય પણ કહ્યો હતો – ‘જીવન-મૃત્યુ યોગ’ કે એવું કંઈક. તે આજે છે ?’
‘જો, યાદ આવ્યું ને ? આજે અને અત્યારે સ્વામીજીનું વ્યાખ્યાન છે. સાંજની આરતી પહેલાં- સમય થવા આવ્યો છે, તમે જલ્દી તૈયાર થઈ જાવ.’ શુભાંગીએ પોતાનો ચહેરો ફેરવીને નાનકડા અરીસામાં સ્થિર કર્યો. પિનાકીન કમરાની અપરિચિત ગંધથી અકળાઈ ગયા. શુભાંગીનો ઉત્સાહ સાચવવા પણ સત્સંગ હૉલમાં સ્વામીજીનું વ્યાખ્યાન સાંભળવા જવું પડશે. હાથમાં પડેલાં પુસ્તકનાં પાનાં વચ્ચે ‘રીડમાર્ક’ ગોઠવીને પુસ્તક એક તરફ મૂક્યું. ફરીને સતત મનમાં ઘોળાતો વિચાર આવી ગયો. જીવનમાં ફરી કલ્પના પણ ન કરી હોય એવી સ્થિતિમાં મુકાવું પડ્યું છે. જીવન સાથે જોડાયેલી પ્રત્યેક સ્થિતિ-પરિસ્થિતિને મૂળમાંથી તપાસીને ફરી ફરીને જોઈ છે. જીવનમાં આવું કેમ બની ગયું ?’
‘અરે ! ફરી વિચારમાં પડી ગયા ?’ શુભાંગીએ કહ્યું.
પિનાકીન અકળાઈને, પલંગ પરથી ઊતરીને કમરામાં વચ્ચે ઊભા રહી ગયા. છત પર લટકતા પંખાની ધીમી ગતિએ ફેંકાતી હવાથી અકળામણ દૂર કરવા પંખાને જોવા લાગ્યા. ખીલી પર લટકતા ઝભ્ભાને ખેંચીને પહેરી લીધો. પછી કંટાળેલા સ્વરે શુભાંગીને પૂછ્યું : ‘ચાલશે ?’
શુભાંગીએ પિનાકીન તરફ જોયું. મોઢું બગાડીને કહ્યું : ‘હં….અ… ચાલશે-’

પિનાકીન પણ શુભાંગીને જોઈ રહ્યા. આજે શુભાંગી સરસ લાગી રહી હતી. આ ઉંમરમાં અને આવી વિપરિત પરિસ્થિતિમાં સરસ લાગવું એ આશ્ચર્યજનક ઘટના કહી શકાય. પિનાકીનને થયું લાવને, શુભાંગીને કંઈક કહું. પણ કોણ જાણે કેમ મનના તળિયામાં ખોવાઈ ગયેલો ઉત્સાહ સંકોચાઈને પડ્યો છે એ કહેવા દેતો નથી. શુભાંગીની નજીક જઈને પિનાકીન શુભાંગીને ભાવસભર આંખોથી જોવા લાગ્યા-
‘અરે ! આ વળી તમને શું થયું ?’
‘તને એક વાત કહેવા માગું છું, શુભાંગી……’
‘અત્યારે ? જે વાત કરવી હોય તે રાતે કરજો. તમારી વાત સાંભળ્યા વિના સૂવાની નથી. આમ પણ, અહીં આપણને સમય મર્યાદા જેવું ક્યાં કશું છે ?’ શુભાંગી રોકાઈ ગઈ. પછી પિનાકીનના ખભાને ધક્કો મારીને કહ્યું : ‘ચાલો….. ચાલો…. મોડું થાય છે. તમારા પરમ મિત્ર ઉપેનભાઈ….. તમારી રાહ જોઈને બહાર ઊભા હશે.’ પિનાકીન શુભાંગી પાસેથી ખસીને કમરામાં આસપાસ જોવા લાગ્યા – જાણે વેરવિખેર સમયને એકત્ર કરવા ઈચ્છા ન હોય ?

બંને કૉટેજની બહાર નીકળ્યા.
સામેથી ઉપેનભાઈ આવતા દેખાયા. ‘અરે ! વાહ ! પિનાકીન, તું તો આજે સમયસર તારી ગુફામાંથી બહાર નીકળ્યો ! શું વાત છે ?’
‘મારે કારણે, ઉપેનભાઈ. એ તો હજુ પણ ન આવવાના મૂડમાં છે. હવે સંભાળો તમારા પરમમિત્રને.’ શુભાંગીએ કહ્યું. ઉપેનભાઈએ પિનાકીનના ખભા પર હાથ મૂક્યો. પિનાકીને ઉપેનભાઈનો હાથ ખભા પરથી ખેસવી દીધો. થોડું આગળ ચાલતાં શુભાંગીને ઉમાબહેન મળી ગયાં. એ લોકો સત્સંગ હૉલ તરફ ઝડપથી ચાલવા લાગ્યાં. ઉપેનભાઈને સતત બોલવાની ટેવ હતી. એ સતત બોલતા હતા. પિનાકીનનું ધ્યાન સત્સંગ હૉલના સીધા રસ્તા પર હતું. વરસાદ પહેલાંનું અંધારું અને પક્ષીઓનો વૃક્ષ પર બેસવાનો કોલાહલ…..

સત્સંગ હૉલમાં બધા ગોઠવાઈ ગયા. પિનાકીન અને ઉપેન્દ્રભાઈએ જગા લીધી. પિનાકીને હૉલમાં બેસતાં લોકોના ગોઠવાઈ ગયેલાં શરીર તરફ જોયું. પિનાકીનને થયું- અહીં આવેલાં અને અહીં વિવશતાથી રહેતા તમામ લોકોની અંદરની પીડા એકસરખી જ છે…….
કોઈકે સ્વામીજીનો પરિચય આપ્યો.
કોઈકે સ્વાગત કર્યું.
એ પહેલાં પ્રાર્થના. કેટલાક અસ્પષ્ટ શ્લોકો….. પિનાકીનનું ધ્યાન મંચ પર સ્થિર ન હતું. એ સત્સંગ હૉલની બહાર ઝળુંબેલા આકાશના રાખોડી રંગને અને આશ્રમના મુખ્ય દરવાજા સુધી લંબાતી સડકને અને આશ્રમને ફરતી થૉરની વાડને જોઈ રહ્યા હતા. પિનાકીનની નજર સત્સંગ હૉલમાં પાછી ફરી. જોયું, સ્વામીજીએ બોલવું શરૂ કર્યું હતું. શુભાંગી ઉમાબહેનની બાજુમાં બેસીને રસપૂર્વક સ્વામીજીનું વ્યાખ્યાન સાંભળી રહી હતી. આજે શુભાંગી ખરેખર સરસ લાગી રહી હતી. પહેલીવાર જોઈ હતી ત્યારે લાગતી હતી તેવી…..
પિનાકીનનું મન અકળાતું હતું.
પિનાકીન બારીબહાર જોવા લાગ્યા. સ્વામીજીના વ્યાખ્યાનમાંથી સતત નીકળતો શબ્દ ‘જીવન’ કાનની સપાટી પર અથડાતો હતો. જીવનતો જોઈ લીધું-જીવી લીધું-હવે મૃત્યુયોગ….. જીવનયોગ પૂરો હવે-

પિનાકીને ઊંડો શ્વાસ લીધો.
મોડી સાંજે અથવા રાતે વરસાદ પડે. આજે કેતનને રજા છે. તો કેતન, લીના અને દેવીને લઈને મળવા તો નહીં આવે ને ? આમ પણ, કેટલાય દિવસો થયા મળવા આવ્યાં નથી. નાનકડી દેવીને રમાડવાનું મન થાય છે. વરસતા વરસાદમાં દેવીને લઈને નાહવાની ભીંજાવાની ઈચ્છા થાય છે. કેટલી નાની નાની અપેક્ષાઓ હોય છે જીવન પાસેથી…. અને આ નાની નાની ઈચ્છાઓ કેમ પૂરી થતી નથી-જીવનમાં…..
સ્વામીજીનો ઘેરો અવાજ…..
ઘેરા અવાજમાં એક શબ્દ-જીવન…..
પિનાકીનને થયું એ રડી પડશે કે શું ?
‘જીવન પ્રત્યેની અપેક્ષા…..’ સ્વામીજીનો ઘેરો અવાજ. પિનાકીન વિચારવા લાગ્યા. કેટલી સીમિત હતી જીવન પ્રત્યેની અપેક્ષા ? સાવ જ સામાન્ય. કોઈપણ સામાન્ય માનવી માટે તો તદ્દન સહજ. એને બદલે….. સાયન્સ કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. પિનાકીન ઓઝાને નિવૃત્તિનો દિવસ આંખો સામે સ્થિર થયો. સાંજે ઘેર આવીને કુટુંબના સભ્યો અને મિત્રોની વચ્ચે બેઠા હતા. એ ક્ષણે બધું બદલાઈ ગયેલું લાગતું હતું. બત્રીસ વર્ષની શૈક્ષણિક કારકિર્દીનું ભવ્ય ભૂતકાળનું વજન ખંખેરીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. બધું સહજ અને સહાનુકૂળ. પુત્ર કેતન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વધૂ લીના અને પૌત્રી દેવી….. પ્રેમાળ પત્ની શુભાંગી…. કોણ જાણે ધીરે ધીરે જીવનમાં આવી પડેલી વાસ્તવિકતા ખુલ્લી થઈને પ્રસરવા લાગી. કેતનના વાણીવ્યવહારમાં પરિવર્તન આવવા લાગ્યું. લીના બદલાવા લાગી. કેતન વચ્ચે એક દિવસ કહેતો હતો, ‘પપ્પા, તમને તમારી કૉલેજમાં ઍક્સટેન્શન આપતા હતા તો શા માટે તમે એ ન લીધું ? એની વે, બીજી કોઈક પ્રાઈવેટ કૉલેજ જોઈન કરી શકોને ? પિનાકીન પાસે આ વાતનો જવાબ ન હતો. પણ કેતનના કહેવાનો આશય એ સમજી ગયા હતા.

એ પછી એક દિવસ કેતન કહેતો હતો – ‘પપ્પા, અમારા કલાયન્ટ છે-પારેખ બ્રધર્સ. એ લોકોએ એમના માતા-પિતાની સ્મૃતિમાં, આપણા શહેરથી થોડું દૂર એક ‘ઓલ્ડ હાઉસ’ ક્રિએટ કરેલું છે. –સુપર્બ ! એને વૃદ્ધાશ્રમ તો ન કહી શકાય. પણ જસ્ટ લાઈક એ રિસોર્ટ…. વીથ ઑલ ટાઈપ ઑફ ફેસિલિટીઝ… હું જોઈ આવ્યો છું ને….!’
પિનાકીને કેતન તરફ જોયું.
કેતનની આંખો સાથે લીનાની પણ આંખો ઢળી.
કેતન આગળ વાત કરતાં રોકાઈ ગયો.
પણ પિનાકીન કેતનની વાત સાંભળીને હવે પછી આવનારા દિવસોની- હવે પછી આવનારા ભયાનક દિવસોની એંધાણી મળતી હોય એમ ચિંતામાં પડી ગયા. પિનાકીન અને શુભાંગી એક રવિવારે સાંજે વ્યાવહારિક પ્રસંગે બહાર ગયેલાં. મોડેથી રાતે ઘેર આવ્યાં ત્યારે કેતન અને લીના મોઢું ફુલાવીને બેઠાં હતાં- ‘અમને જરા આવવામાં મોડું થઈ ગયું…..’ શુભાંગીએ કહ્યું- કપડાં બદલીને એ લોકો કેતન-લીનાની સામે બેઠાં.
‘દેવી સૂઈ ગઈ છે ?’ શુભાંગીએ કહ્યું
‘હા….’ લીનાએ ટૂંકો જવાબ આપ્યો.
અચાનક કેતન બોલ્યો : ‘પપ્પા, મને થાય છે કે આપણે મોટું ઘર લઈએ. પણ નાઉ એ ડેઝ પૉસિબલ છે ? આ મોંઘવારીના જમાનામાં અને હાઈ રાઈઝ હોમ વેલ્યૂઝ… આપણા ઈન્કમ સોર્સીઝ પણ લિમિટેડ…..’
‘એટલે તું કહેવા શું માગે છે, કેતન ?’ પિનાકીને કહ્યું.
‘હવે….પપ્પા, હું એ કહું છું કે હવે આપણને આપણું આ ઘર બધી રીતે નાનું પડે છે. તમે રિટાયર્ડ થઈ ગયા છો. આખોય દિવસ તમારે ઘરમાં રહેવાનું…. તમે રિટાયરમેન્ટ પછી કોઈ જૉબ પણ ન કરી, લિમિટેડ ઈન્કમ….’ પિનાકીન વચ્ચેથી કેતનને કશું કહેવા જતા હતા ત્યાં- ‘એટલે મેં અને લીનાએ એવું નક્કી કરી લીધું છે કે તમે લોકો- મેં તમને અમારા કલાયન્ટના ઓલ્ડ હાઉસની વાત કરી હતી એ તૈયાર થઈ ગયું છે. એમાં તમારું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે. તો તમે લોકો ત્યાં…..’

પિનાકીનના હૃદયમાં ડૂમો ભરાઈ આવ્યો.
એ ઊભા થઈ ગયા.
અંદરના રૂમમાં ચાલ્યા ગયા.
શુભાંગી પરિસ્થિતિની ગંભીરતાને સમજી ન શકી. હોવાપણા ઉપર ગંભીર હુમલો થયો છે એ નક્કી. શુભાંગી થોડીવાર કેતન અને લીના પાસે બેસી રહી. કેતન અને લીનાના ચહેરાઓની રેખા ફરી ગઈ. શુભાંગીના હૃદય પર સગા દીકરાએ સંબંધ પર મૂકેલા કાપાનો ઘા રૂઝાઈ શકે તેમ ન હતો. શુભાંગી ઊભી થઈને પિનાકીન પાસે પહોંચી ગઈ. શુભાંગીએ રૂમમાં જઈને જોયું. પિનાકીન બારી પાસે ઊભા હતા. શુભાંગીએ પિનાકીનની નજીક આવીને ખભા પર હાથ મૂક્યો. પિનાકીને શુભાંગી તરફ જોયું. પિનાકીનની આંખો રડતી હતી. શુભાંગીએ આટલા વર્ષોમાં પહેલીવાર પિનાકીનને રડતાં જોયા હતા. ભીના અવાજે પિનાકીને શુભાંગીને પ્રશ્ન કરેલો :
‘શું કરીશું શુભાંગી ?’
શુભાંગી રડી હતી. ભીના અવાજે શુભાંગીએ કહ્યું હતું : ‘હવે આપણાથી- આપણા ઘરમાં- અહીં રહી શકાશે ?’ થોડા દિવસો પછી કેતન અને લીના-પિનાકીન અને શુભાંગીને અહીં- ઓલ્ડ હાઉસ- વૃદ્ધાશ્રમમાં મૂકી ગયાં હતાં.

આ ક્ષણે પણ પિનાકીનની આંખોની ધાર પર પાણી ફરી વળ્યું.
‘મૃત્યુ એ નવજીવનનો પ્રારંભ છે.’ સ્વામીજીનો ઘેરો અવાજ કાને અથડાયો.
પિનાકીને આંખો લૂછી.
‘શું થયું, પિનાકીન ?’ ઉપેનભાઈએ ધીમા અવાજે કહ્યું.
‘કંઈ નહીં ઉપેન, હું મારા મૃત્યુ પછીના નવજીવનના પ્રારંભ વિશે વિચારતો હતો.’ પિનાકીને મક્કમતાથી કહ્યું.
‘વૉટ ? ઈમ્પોસિબલ.’ ઉપેનભાઈએ કહ્યું. સ્વામીજીનું વ્યાખ્યાન પૂરું થયું. બધાં સત્સંગ હૉલની બહાર નીકળ્યાં. મંદિર તરફ ગયાં. સાંજની આરતી થઈ. રસોઈ ઘર તરફ ગયાં. જમીને બહાર નીકળ્યાં ત્યાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. બધાં કૉટેજ તરફ દોડવા લાગ્યાં. કૉટેજમાં આવીને પિનાકીને બારણું બંધ કર્યું. નેપકીનથી ચહેરો લૂછ્યો. સામે જોયું તો શુભાંગી અરીસા સામે ઊભી હતી. પિનાકીન શુભાંગીની નજીક ગયા. ખભા પર હાથ મૂકીને કહ્યું :
‘શુભાંગી, તું આજે સરસ લાગી રહી છે. પહેલીવાર તને જોઈ હતી ત્યારે લાગતી હતી એવી……’
‘તમે પણ શું ? આ જ વાત કહેવી હતી મને ?’
‘ના. એક બીજી પણ વાત છે !’
‘તમને આજે શું થઈ ગયું છે ?’
પિનાકીન શુભાંગીને નજીકે ખેંચીને પલંગ તરફ લઈ ગયા. શુભાંગીનો હાથ પકડીને શુભાંગીનો ચહેરો ભાવથી જોઈ રહ્યા. પછી ધીમેથી કહ્યું : ‘શુભાંગી તને યાદ છે ? મારો એક મિત્ર મુનીન્દ્ર નાણાવટી આપણે ઘેર વર્ષો પહેલાં આવ્યો હતો ?’
‘હા, કેમ નહીં. એમના દીકરાને મૅથ્સમાં તૈયાર કરવાની જવાબદારી તમને સોંપી હતી. પણ આજે એનું શું છે ?’
‘આજે મુનીન્દ્ર એના દીકરાને લઈને અહીં આવ્યો હતો.’
‘એમ ? એ લોકોને અહીં ન લઈ આવ્યા ?’
પિનાકીને હસીને કહ્યું : ‘આ આપણું ઘર થોડું છે ? એ લોકોને અહીંના ગેસ્ટરૂમમાં મળવાનું થયું. હું અને ઉપેન મૉર્નિંગ વૉકમાંથી પાછા વળતા હતા ત્યારે અહીંનો માણસ મને બોલાવવા આવ્યો હતો. મુનીન્દ્ર કહેતો હતો કે એ આપણે ઘેર ગયો હતો. લીનાએ અહીંનું સરનામું આપી દીધું. મુનીન્દ્રનો દીકરો હમણાં અમેરિકાથી આવ્યો છે. મેં એને મૅથ્સમાં તૈયાર કર્યો પછી ઘણો જ આગળ વધી ગયો છે. ત્યાં અમેરિકામાં એણે ઘણી ડીગ્રી મેળવી છે. અત્યારે અમેરિકામાં ત્યાંની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. ખૂબ કમાયો છે ત્યાં.’

‘વાહ સરસ….’
‘મુનીદ્ર કહેતો હતો કે ‘ત્યારે તેં કાંઈ પણ લીધું ન હતું. મારા દીકરાની અપેક્ષાથી વધુ કેરિયર ઊભી કરી દીધી. તું મારી પાસે કંઈ જ ન લે એની મને ખાતરી છે. પણ મારો દીકરો ગુરુદક્ષિણા આપવા માગે છે. તને અહીં આ જગ્યાએ જોઈને અમને દુઃખ થયું છે. શુભાંગી, એનો દીકરો આપણને રહેવા ઘર આપે છે, અહીં આ શહેરમાં- બધી જ સગવડ સાથે. કહેતો હતો તમારી બધી જ જવાબદારી મારી. તમે આવતીકાલથી જ રહેવા આવી જાવ.’ પિનાકીન રોકાઈ ગયા.
શુભાંગીએ પિનાકીન તરફ જોયું.
‘તમને શું લાગે છે ? આપણે આ વૃદ્ધાશ્રમને ફરતી થૉરની વાડ ઓળંગીને આપણી નવી જિંદગી ફરી શરૂ કરી શકીશું ?’ પાછળ ધોધમાર પડતા વરસાદનો અવાજ. પિનાકીન શુભાંગીના ચહેરાને ફાટી આંખે જોઈ રહ્યો.

Leave a Reply to Vaishali Maheshwari Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

29 thoughts on “થૉરની વાડ – રાજેશ અંતાણી”

Copy Protected by Chetan's WP-Copyprotect.