મંદિરમાં : પાદુકા પુરાણ – મધુસૂદન પારેખ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

મંદિરે જતી પત્નીનો રોજ ભલે હું અનુચર ન હોઉં પણ દિવાળીમાં સિક્યોરિટી ગાર્ડની ફરજ મારે અનિવાર્યપણે બજાવવી પડે છે. ના, પત્નીના અછોડાની રક્ષા માટે નહિ. મંદિરમાં ભલે મહિલાઓના અછોડાની ચીલઝડપ થાય પણ મહિલાઓનું એ ગ્રીવાવળગણ ક્યારેય છૂટવાનું નહિ. મારી પત્ની પણ એમાં અપવાદ નથી. પણ એનો અછોડો ગરદનની આસપાસનાં આવરણોથી એવો ઢંકાયેલો રહે છે કે ગમે તેવો ગઠિયો પણ એનું ગ્રીવાદર્શન ન કરી શકે તો અછોડા સુધી તો એની આંખો પહોંચે જ ક્યાં ?

મારે દિવાળીમાં પત્ની સાથે અછોડા કરતાંય મહત્વની ચીજની રક્ષા માટે સહચર અથવા અનુચર બનવું પડે છે. મંદિરમાં પ્રવેશતાં જ અમારી વચ્ચે વણબોલી શરત હોય છે કે પહેલાં પત્ની ભગવાનને મળી આવે, રીઝવી આવે; અને એ ભાવવિભોર થઈ પાછી ફરે ત્યાં સુધી મારે એની પાદુકાની રક્ષા કરવાની. મને એમાં નાલેશી લાગતી નથી. ન લાગવી જોઈએ. ભરતે એના ભ્રાતા રામની પાદુકા વર્ષો સુધી સાચવી અને ભ્રાતૃધર્મ ઉજાળ્યો; હું મારી પત્નીની પાદુકા પંદરેક મિનિટ સાચવીને પતિધર્મ કાં ન ઉજાળું ? પત્ની જો પતિવ્રતા હોય તો પતિએ પણ ક્યારેક પત્નીવ્રતાની આઈડેન્ટિટી-ઓળખ આપવી જોઈએ.

અમે મંદિરે પહોંચ્યાં. વૈકુંઠ નાનું અને ભગત ઝાઝા એવો ઘાટ હતો. પત્ની એનાં ચંપલની સુરક્ષા માટે ખાસ તાકીદ કરીને ભીડમાં અલોપ થઈ ગઈ. મહિલાઓ ગમે તેવી ભીડમાંય પોતાનો માર્ગ મોકળો કરી શકે છે એ મને પત્નીના દષ્ટાંતથી સમજાયું. હું પત્નીની પાદુકા સાચવતો બેઠો. નસીબ એવું નઠારું કે પત્નીનાં માસી-માસાય દેવદર્શને આવ્યાં. મને આવી રહેલી આફતનો અણસાર આવી ગયો. મેં એમની નજર ચુકાવવા ગરદન ઘુમાવી. પણ ન માગે દોડતું આવે – એમ માસીની ચીલનજરે મને ઝડપી લીધો.
‘અરે, કુલીનચંદ્ર તમે ? અહીં કેમ બેઠા છો ?’
હું જરા શરમિંદો થઈને કંઈ શબ્દો શોધું ત્યાં જ એ સમજી ગયાં. બ્રહ્માએ સ્ત્રીઓને છઠ્ઠી ઈન્દ્રિય વધારાની આપી છે. મને કહે : ‘કુસુમ અંદર દર્શન કરવા ગઈ છે ? આ એનાં ચંપલ છે ?’
મેં કહ્યું : ‘નવાં જ ચંપલ મંદિરમાં ક્યાંક અટવાઈ જાય….’
‘સાચી વાત….’ માસીએ અનુમોદન આપ્યું અને તરત કહ્યું : ‘કુલીનચંદ્ર ! તમે જરા અમારાં ચંપલ અને માસાના જોડા જોતા રહેશો ? અમે બંને ફટાફટ દર્શન કરીને પાછાં આવી જઈએ છીએ.’

માસાએ ફટાફટ જોડા ઉતાર્યા. અને બંને મેદનીમાં ભળી ગયાં. દૂરથી એક કૂતરું લોભી નજરે ચર્મયોગ થાય તેની પ્રતીક્ષામાં હતું. મને ચિંતા થવા માંડી. ક્યાં સુધી મારે ચંપલબૂટની ચોકી કરવાની રહેશે ? પત્નીની પાદુકા બીજી સખીનેય ખેંચી લાવી. હું મારાંય ચંપલ ઉતારીને પગને જરા છૂટો કરતો હતો. એવામાં એક બીજું યુગલ આવ્યું. મારી બાજુમાં ચંપલ-બૂટની ત્રણ-ત્રણ જોડ પડેલી જોઈ. યુગલમાં પત્ની હતી તેણે પતિને કહ્યું : ‘આમને જ આપણાં બૂટ-ચંપલ સોંપી જઈએ…. બહુ બહુ તો આઠ આના લેશે. ચંપલ-બૂટની સલામતી તો ખરી.’
બહેન કહે : ‘એ ભાઈ ! જરા અમારાં જોતા રહેજો. આઠ આના આપીશું…. કૂતરા તાણી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો.’ હું એમને જરા તોછડાઈથી જવાબ આપું તે પહેલાં તો બંને જણે એમનાં બૂટ-ચંપલ ઉતારવા માંડ્યાં. એકદમ મેં જરા ઉદ્ધતાઈથી કહ્યું : ‘મહેરબાન ! હું બૂટ-ચંપલ સાચવનારો નથી ! માણસ જોઈને તો અક્કલ ચલાવો !’

પેલાં બહેને જરા મિજાજથી નજર નાખી અને ચાલ્યાં ગયાં. મારાથી થોડે દૂર બીજી એક બાઈ ચંપલ અને જોડા સાચવવાનો ધંધો કરતી બેઠી હતી. મારા સામું મોઢું મચકોડીને બોલી : ‘મારા ધંધામાં પથરો શું કામ નાખો છો ? એક ગરીબ બાઈનો રોટલો તો રળવા દો !’ હું એની સાથે ખુલાસો કરતો જરા વાતે વળગ્યો. એટલામાં પત્ની આવી અને તરત તીણી ચીસ પાડી :
‘અરે, મારી એક ચંપલ ક્યાં ગઈ ?’
‘હેં ?’ હું ચમકી ઊઠ્યો. હાંફળોફાંફળો ઊભો થઈ ચંપલ શોધવા ડાફળિયાં મારવા માંડ્યો. પત્નીના શબ્દોની ફૂલઝડી વરસી રહી હતી. રોષથી એ પૂછી રહી હતી :
‘આ બીજાં બૂટ-ચંપલ કોનાં છે ? અહીં જોડા સાચવવા તમને બેસાડ્યા છે ?’
ત્યાં માસામાસી આવી પહોંચ્યાં : ‘અરે કુસુમ, અમે તો કુલીનચંદ્રને ચંપલની ચોકી કરવા બેસાડી દીધા. કુલીનચંદ્ર, થેન્ક યુ, હોં !’

કુસુમબહેનને અને મને પરેશાનીમાં મૂકી બંને ચાલ્યાં ગયાં.
ભરતે રામની પાદુકા સાચવી. હું પત્નીની પાદુકા સાચવવામાં નિષ્ફળ નીવડ્યો. કળિયુગના પ્રતાપ, બીજું શું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

12 thoughts on “મંદિરમાં : પાદુકા પુરાણ – મધુસૂદન પારેખ”

Copy Protected by Chetan's WP-Copyprotect.