પ્રેરણાની પરબ – સંકલિત

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

[1] એક દાતણ વેચવાવાળીની વાત – અરવિંદ ગજ્જર

સને 1960 આસપાસના સમયની વાત છે. જ્યારે સમાજનો બહોળો વર્ગ બાવળના દાતણથી સવારે મોં સાફ કરતો હતો. બહુ થોડા સુખી અને શોખીન લોકો ટૂથપાઉડર અથવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરતા હતા. આજે જે દેવીપૂજક કહેવાય છે તે કોમના પુરુષ સવારે સીમમાં જતા અને બાવળના ઝાડ પરથી સોટીઓ કાપી લાવતા. બપોર પછી આ સોટીઓના કાંટા છોલી, સીધી કરી તેને વેચવામાં તેમની સ્ત્રીઓ પણ મદદરૂપ થતી હતી.

વૈશાખ મહિનાના સખત તાપમાં બપોરના ત્રણ વાગ્યે ટાઉનહૉલ સામેની ફૂટપાથ પર મકાનના છાંયે હું મારા મિત્રની રાહ જોતો ઊભો હતો ત્યારે ફૂટપાથની ધાર પાસે બેસી દેવીપૂજક પતિ-પત્ની દાતણની સોટીઓ તૈયાર કરી રહ્યાં હતાં. વાતો કરતાં કરતાં મતભેદ થવાથી બંને વચ્ચે ઝઘડો ચાલુ થયો. જૂના પ્રસંગો અને બાબતો યાદ કરી બંને એકબીજા પર દોષારોપણ કરવાં લાગ્યાં. ધીરે ધીરે ઝઘડો ઉગ્ર બનતો ચાલ્યો, ‘તારો બાપ આવો’ અને ‘તારી મા આવી’ એવી ગાળાગાળી પણ ઘણો સમય ચાલી. ઝઘડાનો અંત કેવો આવે છે તે જાણવા માટે હું મિત્ર આવી ગયા પછી પણ ત્યાં રોકાયો. અંતમાં ગુસ્સાથી દાતરડું જમીન પર પછાડી પતિ ઊભો થઈ દૂર જવા ચાલતો થયો. આવીને બેઠો હતો ત્યારે એણે પગમાંથી કાઢી પગરખાં બાજુમાં મૂકેલાં તે ગુસ્સામાં પહેરતાં ભૂલ્યો. તે જોઈ પત્ની બોલી : ‘તારાં ખાસડા તો પહેરતો જા. આ તાપમાં ટાંટિયા સળગી જાશે. મૂઆમાં એટલી અક્કલ નથી બળી.’

ઝઘડાની ગુસ્સાભરી સ્થિતિમાં પણ તડકાથી પતિના પગ દાઝે એ જોઈ દિલદાઝ એવી પત્નીની પ્રબળ અને પ્રગાઢ લાગણીથી હું પ્રભાવિત થયો. શિક્ષણ અને સંસ્કારને લાગણીશીલ હોવા સાથે કોઈ સીધો સંબંધ નથી તેની પ્રતીતિ થઈ. ક્યાં ક્ષુલ્લક બાબતોને મહત્વ આપી પાંચ-પચીસ દિવસ અબોલા રાખતાં શિક્ષિત દંપતીઓ ને ક્યાં આ દાતણ વેચવાવાળી બાઈ.

[2] ગઈ તે ગઈ ? ના, ના પાછી આવી ! – રમા ગજેન્દ્ર ઠાકોર

મારા નાનકડા ચાર વર્ષના ભાઈની વાત છે. ભાઈ મારો બધી વાતોમાં બહુ શોખીન. સ્વાદમાં, સંગીતમાં અને શણગારમાં. ભાવે બધું, ગાવામાં લગ્નગીતોય આવડે અને ગળામાં કંઠી ને આંગળીમાં વીંટી પહેરવી ગમે. કોણીમાં કડું પણ એને ગમતું.

અમે ગયાં હતાં અમારે વતન ભરૂચ. 1929માં અમારાં ફઈબાની દીકરીના લગ્નમાં. અમે દાગીના પહેરીએ એટલે ભાઈ પણ મારા હાથમાંથી વીંટી ઝૂંટવીને લઈ ગયો અને પહેરી જ લીધી ! કાઢે શેનો ? એ જમાનાની વીંટી. સોનાનો ભાવ કેટલો ખબર છે ? આજે તો માન્યામાં જ ના આવે – રૂ. 20નું એક તોલો ! તેમાં વીંટી તો માત્ર પા તોલાની ! એની કિંમત પાંચ-સાત રૂપિયા થાય. લગ્નમાં તો ઘણાંબધાં સગાંવહાલાં આવેલાં. કુટુંબ આખું ભેગું મળેલું. બધાં આનંદથી ઘરમાં હરે ફરે, છોકરાઓ દોડાદોડી કરી ધીંગામસ્તી કરે, ભરૂર શહેરમાં નાનકડું ઘર તેમાં નાનકડો ચોક, એક ખૂણે નાનકડી સીડી જેવો દાદર, જાણે નિસરણી. અસલના ઘરોમાં બધા જ ઓરડામાં ઉપર જવાના દાદર હોય. અમારા દાદાજી આમોદ રહેતાં. એ ઘરમાં પણ બધા ઓરડામાં દાદર હતા. મેં જોયેલું ને !

ધીંગામસ્તીમાં મારા નાનકડા ભાઈની આંગળીની વીંટી દાદર ઉપર દોડાદોડી કરવામાં સરકી ગઈ ! ક્યાંક ફાટમાં એવી ફસાઈ ગઈ. દેખાઈ પણ નહિ ને જડી પણ નહિ. ખૂબ શોધી પણ ના જ મળી. ભાઈને પૂછ્યું કે વીંટી ક્યાં ગઈ ? એ તો નિર્દોષભાવે આંગળી બતાવીને કહે : ‘છુરુરુ છટ થઈ ગઈ !’ ના જ જડી. તે વખતે ખાસ વિસાત નહિ, પણ સોનું તો ખરુંજ ને ? અને આવક અને ખર્ચનું પ્રમાણ જ અત્યારના જમાના પ્રમાણે કલ્પી જ ના શકાય, ખૂબ શોધી પણ ના જડી તે ના જ જડી. મન મનાવ્યું કે ચાલો ભાઈ, નસીબમાંથી ઊતરી ગઈ ! હવે સન 1937માં એ જ ફોઈબાને ત્યાં એમની બીજી દીકરીનાં લગ્નનો પ્રસંગ આવ્યો ત્યારે આઠ દશ વર્ષ પસાર થયેલાં. લગ્નપ્રસંગ એટલે ઘરમાં સફાઈ રંગરોગાન શરૂ થયાં, હા આ રંગરોગાન વખતે પેલી ખોવાયેલી વીંટી જડી. ચાર વર્ષના બાળકે પહેરેલી તે દસ બાર વર્ષનો થયો ત્યારે અમે પાછાં લગ્નમાં ભરૂચ ગયાં ત્યારે અમારાં ફઈબા કહે કે જો નસીબમાં હોય તો કોઈ ના લઈ જાય. ઘર સાફ – સમું કરાવતાં પેલી ખોવાયેલી વીંટી પાછી જડી ! પણ એ આંગળીને નાની પડી. પણ એનાથી નાનકડા ભાઈને બરાબર બેસી ગઈ.

હાથમાંથી કોઈ લઈ જાય નસીબમાંથી કોઈની દેન નથી કે લઈ શકે.

[3] હાથના કર્યા….. – દિવ્યા કે. વ્યાસ

ભાવનગર જિલ્લાના નાનકડા ગામ લંગાળામાં બનેલ સત્ય ઘટના. જે સૂબેદાર મેજર હેમંતસિંહ ગોહિલે કહી તે તેમના જ શબ્દોમાં અત્રે રજૂ છે :

ખેતી સાથે સંકળાયેલ બહોળું કુટુંબ અને એ કુટુંબના દીકરા, તેમની વહુઓ, બાળકો અને વૃદ્ધ વયના વિધુર બાપા. કુટુંબના અન્ય સભ્યો પોત-પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે. બાપા વૃદ્ધ અને આંખે ઝાંખપ હોવાથી ખાટલામાં પડ્યા રહે. પડ્યા પડ્યા ઘરકામ અંગેની સૂચનાઓ સતત આપ્યા કરે. બોલ બોલ કરવાની પ્રવૃત્તિ વધી ગઈ એટલે ત્રણેય દીકરાઓએ નક્કી કર્યા મુજબ વાડીએ લઈ જવા ગાડામાં બેસાડ્યા. ગાડામાં બેસાડતાં પહેલાં બાપાને વાત કરી કે હવે તમારે વાડીની ઓરડીમાં કાયમ માટે રહેવાનું છે. ચા-પાણી, ખાવા-પીવા વગેરેની વ્યવસ્થા કરી દઈશું.

ગાડું વાડીના રોઢા પાસે આવ્યું ત્યારે બાપાએ દીકરાને હાંક મારી ગાડું ઊભું રખાવ્યું અને ગાડામાંથી ઊતરીને જમીન ઉપર બેસી ગયા અને આંખે ઝાંખપ હોવાથી બન્ને હાથથી જમીન ફંફોસવા-શોધવા લાગ્યા. એમના દીકરાને નવાઈ લાગી. તેણે બાપાને પૂછ્યું :
‘બાપા, શું ગોતો છો ? કંઈ ખોવાઈ ગયું ? કંઈ પડી ગયું ?’
જવાબમાં બાપા એટલું જ બોલ્યા કે, ‘તારી ઉંમરનો હું હતો ત્યારે મારા બાપાને આ જ જગ્યાએ ઉતાર્યા હતા. તે જગ્યા તપાસું છું. હાથનાં કર્યાં હૈયે વાગે તે અનુભવું છું.’ ગાડું તો વાડીએ પહોંચી ગયું પણ બાપાએ એની જવાનીમાં પોતાના બાપાને કાયમી ધોરણે વાડી ભેગા કરી દીધા હતા તેનો વલોપાત મનને મુંઝવતો હતો.

માતા પિતા સાથે આપણે જેવો વ્યવહાર કરીશું તેવો જ વ્યવહાર – વર્તન આપણાં આપણી સાથે કરશે, આ કુદરતી ન્યાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “પ્રેરણાની પરબ – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.