શબ્દની સોંપવા સેવા મને કોઈ જગાડે છે – નીતિન વડગામા

[ પ્રતિવર્ષ દીપોત્સવી વિશેષાંક રૂપે પ્રગટ થતાં ‘શબ્દસૃષ્ટિ’નો આ એકવીસમો વિશેષાંક આ વર્ષે ‘કવિતા અને હું’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વિશેષાંકમાં નામાંકિત કવિઓએ પોતાની કાવ્યની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી છે. પ્રસ્તુત છે તેમાંથી શ્રી નીતિનભાઈ વડગામાની કાવ્ય સર્જનપ્રક્રિયા વિશેનો આ સુંદર લેખ.]

સુથારના ખોળિયામાં અવતરેલા આ દેહને કરવતને બદલે કલમ પકડવાનું કેમ બન્યું હશે એ તો ઈશ્વર જાણે ! જેની સાત પેઢીમાં કોઈએ ક્યારેય કવિતા નથી સર્જી એનો કવિતા સાથે કેવી રીતે સંબંધ સ્થપાયો હશે એ કહેવું કઠિન છે. અલબત્ત, અમારા ઈષ્ટદેવ વિશ્વકર્મા. જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું તથા જેઓ કલા અને કારીગરીના અધિષ્ઠાતા બની રહ્યા એ વિશ્વકર્મા પ્રભુના અમે વંશજ. કલા સાથેના એ ગોત્રસંબંધને કારણે જ કદાચ મારે કાવ્યકલા સાથે સહજ-સ્વાભાવિક સગપણ બંધાયું હશે. સૃષ્ટિનું શિલ્પવિધાન રચનાનો એકાદ અંશ મને કાવ્યશિલ્પ રચવા સુધી લઈ ગયો હોય એ બનવાજોગ છે. કલાની સાથે એમ, અમારી લોહીની સગાઈ તો ખરી જ.

લગભગ અઢારેક વર્ષની ઉંમરે કવિતાનો કક્કો ઘૂંટવાનું આરંભાયેલું. ત્યારથી માંડીને સાડા ત્રણ દાયકા દરમિયાન કવિતાને, અને સાથે જાતને પણ, ઘૂંટવાની પ્રક્રિયા ચાલતી રહી છે. કૉલેજકાળમાં લખાયેલી કવિતાઓ ભીંતપત્રમાં છપાતી રહી ને કાવ્યલેખન સ્પર્ધાઓમાં પોંખાતી રહી. યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં નિર્ણાયક કવિશ્રી રમેશ પારેખે તેમ જ સાંસ્કૃતિક વિભાગના રાજ્યકક્ષાના યુવક મહોત્સવમાં સર્વશ્રી ગની દહીંવાળા, જમિયત પંડ્યા અને રાજેન્દ્ર શુક્લએ મારી કવિતાને કરેલું વિજય-તિલક પ્રોત્સાહક નીવડ્યું અને કલમમાં કશુંક કૌવત હોવાનું અનુભવાયું. કવિતાના આકાશમાં પાંખો ફફડાવવાના એ પ્રયત્નો રોમાંચક અને આહલાદક હતા. આરંભની એ મુગ્ધાવસ્થામાં સ્વાભાવિક રીતે જ કાલુંઘેલુ લખાતું રહ્યું પરંતુ જેમ જેમ એ મુગ્ધતા ઓસરતી ગઈ તેમ તેમ સમજાતું ગયું કે કવિતાનો પંથ તો કષ્ટપ્રદ છે ! જ્યારે ગદ્ય અને કાવ્ય વચ્ચેનો ભેદ પરખાયો ત્યારે લાગ્યું કે કાગળ અને કલમનો મુકાબલો કરવાથી કદાચ પદ્ય નીપજી શકે, પણ દરેક વખતે કવિતા નથી નીપજી શકતી ! માહિતી આપીને અટકી જતાં પદ્ય કરતાં સૌન્દર્યનો આનંદ આપતાં કાવ્યની કોટિ અનેકગણી ઊંચી છે એવું સમજાતાં જ બહુ સાવધ થઈ જવાયું. કવિતા તો અત્યંત કષ્ટસાધ્ય છે એવી પ્રતીતિએ પછીથી આવો શે’ર પણ સંપડાવ્યો કે –

એક ટચલી આંગળીથી પ્હાડ આખો ઊપડે,
આ કલમ ઉપાડવાનું સ્હેજ પણ સ્હેલું નથી.

કવિતા પદાર્થ પ્રત્યેની થોડી ઘણી સમજદારી અને સજાગતાને પરિણામે એવું સમજાયું છે કે કવિતા એ કેવળ શબ્દોની રમત નથી કે નથી તો ડાબા હાથનો ખેલ; કવિતા આપણે ઈચ્છીએ ત્યારે આવતી નથી અને આપણે ધારીએ ત્યારે કવિતાને આવતી રોકી શકાતી પણ નથી; કવિતા પ્રતિજ્ઞાપૂર્વક લખાતી નથી, તેમ આપમેળે અવતરતી કવિતાને પ્રવેશબંધી પણ ફરમાવી શકાતી નથી, એવી સ્વયંભૂ કવિતા સાથે કામ પાડવું એ જ તો કવિને માટે મોટામાં મોટો પડકાર છે. ચિત્તમાં કવિતાનું બીજ ક્યાંથી, ક્યારે અને કઈ રીતે રોપાય છે એ વિશે આંગળી મૂકીને કશુંક કહેવું તો ઘણું અઘરું છે. કાવ્યસર્જનની એ સંકુલ પ્રક્રિયાનું પૃથક્કરણ કરવું કંઈ સહેલું નથી. વરસાદ વરસે, વરાપ નીકળે અને વાવણી થાય, એમ કવિતાના બીજનિક્ષેપની કોઈ નિશ્ચિત મોસમ નથી હોતી. એટલે ‘હું લખું છું’ એવો દાવો કરવા કરતાંય કોઈ ક્ષણે ‘લખાઈ જાય છે’ કે પછી ‘કોઈક લખાવે છે’ એવો એકરાર કરવો મને વધારે ગમે છે. જાત ઉલેચાય છે ત્યારે જ કવિતા સર્જાય છે, તેમ કવિના કંઠે આખરે તો કોઈ અગોચર એવું તત્વ જ આવીને ગાય છે, એવી મારી પ્રતીતિ આ રીતે પ્રગટ થઈ છે –

જાતમાંથી કંઈક જાતું હોય છે.
આ બધું ત્યારે લખાતું હોય છે.

ક્યાં ગજું છે આપણા આ કંઠનું ?
કોઈ આવીને જ ગાતું હોય છે.

કવિને કોઈક દિવ્ય શક્તિનો વાહક મનાય છે અને એ માન્યતામાં મને તો પૂરેપૂરું વજૂદ પણ જણાય છે. એ ‘કોઈક’નું વાહન બનીને લખવામાં કે પછી એવા કોઈક તેજોમય સ્પર્શથી જાગવામાં ધન્યતા પણ અનુભવાય છે. એટલે જ તો ગઝલના રૂપમાં આવું કહેવાનું પ્રાપ્ત થયું છે –

તિમિરનો તાગ કંઈ લેવા મને કોઈ જગાડે છે.
સ્વયમ સૂરજ થઈ કેવા મને કોઈ જગાડે છે !

અકિંચન આમ તો હું સાવ લાગું છું છતાં આજે,
શબ્દની સોંપવા સેવા મને કોઈ જગાડે છે.

ખરેખર, રાતે પથારીમાં પડતી વખતે કલ્પના પણ નથી હોતી કે સવારે કોઈ કવિતાનું કિરણ જગાડવાનું છે ! અને સુખદ આશ્ચર્ય વચ્ચે પરોઢે જાણે કે કોઈ તાજી પંક્તિનું પ્રભાતિયું સંભળાય છે ને જાત ધન્ય ધન્ય થઈ જાય છે ! કવિના સર્જનની એવી રહસ્યમય સૃષ્ટિની ઓળખ આપવાનું કામ આમ તો કપરું છે, પરંતુ કાવ્યસર્જનની રહસ્યકથાને ઉકેલવાના પ્રયત્નને પરિણામે જે કંઈ હાથ લાગે એના તાણાવાણા જોડીને કશુંક અંકે કરી શકાય.

કવિ જીવન અને જગતના અનુભવો આત્મસાત કરે છે તથા જિવાતા જીવનનું અવલોકન પણ કરતો રહે છે. અને ચિત્તમાં સંચિત થયેલું એ બધું અવકાશે કાવ્યમય અભિવ્યક્તિ પામે છે. કવિની આંખ જનજીવનની ગતિવિધિને નિહાળી શકે છે, તો કવિનો કાન પ્રજાના હૃદય-ધબકારને પણ સાંભળી શકે છે. પરિણામે કવિની કવિતામાં માનવ-જીવનનાં વિવિધ આંદોલનો સુપેરે ઝિલાય છે. કવિતાને નિમિત્તે મને પણ માનવજીવનને સમજાવાની વિશિષ્ટ દષ્ટિ મળી છે અને માનવજીવનનાં રહસ્યો જાણવા-માણવાનો મોકો પણ મળ્યો છે. જેમ કોઈ અગોચર તત્વના અનુગ્રહનું અમીવર્ષણ કાવ્યસર્જનનું નિમિત્ત કારણ બન્યું છે, તેમ વ્યક્તિજીવન અને સમાજજીવનના આઘાતો-પ્રત્યાઘાતોએ પણ કશુંક લખવા માટે મને વિવશ કર્યો છે. ક્યારેક દુરિતની કપટલીલાથી કંટાળીને નિરાશાનો સૂર પ્રગટ્યો છે, તો ક્યારેક કશીક આસ્થાની ઓથે આશાનો બુલંદ ઉદગાર પણ નીકળ્યો છે. કવિતાના માધ્યમથી એમ આશાની ટોચે પહોંચાયું છે, તો વળી નિરાશાનું તળિયું પણ દેખાયું છે. સતત અનુભવાતી વિષમતા કે વ્યથિત કરી મૂકતી વિડંબનાએ ઘણીવાર કવિતાના રૂપમાં પ્રતિભાવ પાડ્યો છે. કેટલાંક દષ્ટાંતોના દીવાને અજવાળે આ વાત વધુ સ્પષ્ટ થઈ શકશે.

શું વ્યવહારજગત કે શું વિદ્યાજગત – બધે જ આજે જૂથવાદ કે વર્ગવાદ વકર્યો છે; શિક્ષણનું ક્ષેત્ર હોય કે સાહિત્યનું-સર્વત્ર તેજોદ્વેષનો દાવાનળ ફૂટી નીકળ્યો છે. સત્તાધીશો કે સૂત્રધારો, આયોજકો કે સંચાલકો માંદી માનસિકતાનો ભોગ બન્યા છે. એવે વખતે એમની સંકીર્ણતાને ઉઘાડી પાડીને, એક ગીતમાં આ મતલબની ટકોર થઈ છે –

તું મારે છે છેકો.
એ જ નામને મળતો મોટો કોઈ અગોચર ટેકો.
ઝંઝાવાતો સામે જાણે એક પાંદડું જીતે.
કાળમીંઢ પથ્થરને ફાડી કૂંપળ ફૂટે ભીંતે !
વહેતાં રહેતાં પવન ઉપર ક્યાં હતો કોઈનો ઠેકો !
તું મારે છે છેકો.

સતની અને સતના મૂર્તરૂપ સમા સંતની કસોટી આમ તો દરેક યુગમાં થતી રહી છે. એમાંયે કળિકાળમાં તો સતની જ્યોત જલતી રાખનારાઓને પારાવાર પીડા વેઠવી પડી છે. શુદ્ધ અને સાત્વિક સંતો કે સજ્જનોની સામે થતી રહેતી કાદવઉછાળની બાલીશ ચેષ્ટાઓએ પણ આવું કંઈક લખવાની ફરજ પાડી છે –

સતની થાય કસોટી.
સોનામહોરો સાથે હોડ બકે છે એક લખોટી !
સતને મારગ કાંટા ઊગે, પૂગે વાવાઝોડું.
તુચ્છ તણખલું કહે ઝાડને : ‘તને મૂળથી તોડું !’
ખોટાં વેણ મથે છે કરવા ખુદની લીટી મોટી !
સતની થાય કસોટી.

પ્રકૃતિની મનોહારિતા કે માનવપ્રકૃતિની રુગ્ણતા, જીવનમાં અનુભવાતી ધન્યતા કે વ્યર્થતા, માણસ-માણસ વચ્ચેના ખોખલા સંબંધો કે સ્વાર્થવશ બદલાતાં જતાં સંબંધનાં સમીકરણો – એ બધાંએ કાવ્યલેખન માટેની પીઠિકા તૈયાર કરી છે અને એમ, કવિતા દ્વારા ક્યારેક આનંદની, તો ક્યારેક આક્રંદની અભિવ્યક્તિ થઈ છે. અલબત્ત, એનું માધ્યમ તો ‘કવિતા’ જ છે, એવી સંપ્રજ્ઞતા સાથે એ થયું છે. દરેક સર્જકને એનું આગવું-અલાયદું ભાવજગત અને સંવેદનક્ષેત્ર હોય છે. મને કવિતાના દ્રાવણમાં ઓગાળીને કશાંક વિચાર-વચન વ્યક્ત કરવા ગમે છે. મારી કવિતાને ઊર્મિના આકાશમાં ઉડ્ડયન કરવાને બદલે વિચારના વિશ્વમાં વિહરવું વિશેષ ફાવે છે. કવિતા થકી નર્યો સૌંદર્યાનુભવ જ નહિ પરંતુ વિચારપુદગલ પણ પ્રગટ થાય એમાં મને સતત રસ પડે છે. અને એમ કરવા માટે દેખીતી સરળતા પાછળ વૈચારિક ગહનતા વ્યક્ત કરતું ગઝલનું વાહન વધુ અનુકૂળ આવે છે. વિચાર-વિશેષને વ્યક્ત કરતા આ મતલબના કેટલાક શૅરમાંથી એ વાતને સમર્થન મળશે –

એક, બે, ત્રણ, ચાર છોડી દે.
એ નર્યો અંધકાર છોડી દે.
*
જાતને મળવા તમારે એકલું પડવું પડે.
સાવ ઓગળવા તમારે એકલું પડવું પડે.
*
હટી જાશે બધા પથ્થર સ્મરણ જો એમનું થાશે.
થશે એકેક ક્ષણ અવસર સ્મરણ જો એમનું થાશે.

ગઝલોની માફક મોટેભાગે મારાં ગીતોનું કાઠું પણ વિચારના તંતુથી ઘડાતું રહ્યું છે. ‘જીવો, આજને જીવો’, ‘સહજ મળે તે સાચું’, ‘ઊગે એ જ ઉગાડો’, ‘સમજો સાચું શરણું’, ‘કંઈક ખાતરી કરવી’, ‘બોલે સૌનું કામ’ જેવાં મુખડાંથી આરંભાતાં અનેક ગીતોની ઈમારત કોઈને કોઈ વિચારના પાયા પર જ ઊભી છે. જો કે, ગઝલમાં કે ગીતમાં વિચારપ્રેરક સંવેદન શબ્દસ્થ કરતી વખતે પણ, કવિતાનો પ્રાણ તો એના અંતર્ગત રહેલી કલા જ છે અને કવિતા તરીકેનું એનું મૂલ્ય એના કવિતાપણામાં જ છે, એનો સહજ સ્વીકાર કર્યો છે.

મારી કવિતાનો એક મહત્વનો મુકામ છે મોરારિબાપુ ને બાપુની રામકથા. નાનપણમાં દાદાજીના બુલંદ કંઠે સાંભળેલાં ભજનોની સ્મૃતિ આજેય અકબંધ છે. ભજનની અસલી હલક અને ભગવી ભાવસૃષ્ટિ મોંઘી મૂડી બનીને મનના કોઈક ખૂણે સચવાયેલી પડી છે. મોરારિબાપુએ જાણે કે એ સંચિત સંસ્કારોમાં પ્રાણ પૂર્યા છે. બાપુના વ્યક્તિત્વ અને વિચારોએ મારા માટે દર્શનની એક નોખી જ દિશા ઉઘાડી આપી છે, અને તેથી એ પૂજ્ય ચરણનું શરણ લઈને ધન્યતા અનુભવાય છે. બાપુ અંગેની મારી તો આવી આત્મપ્રતીતિ પણ છે કે –

આયખું અભરે ભરે છે એટલે માથું નમે છે.
રોજ ઝીણું ઝરમરે છે એટલે માથું નમે છે.

હાથ સાથોસાથ હૈયાના અગોચર કોઈ ખૂણે,
રાત-દિ’ માળા ફરે છે એટલે માથું નમે છે.

પ્રેમની ચાદર વણે છે, એટલે સૌ એમના પગમાં પડે છે.
રોમરોમે રણઝણે છે, એટલે સૌ એમના પગમાં પડે છે.

મોરારિબાપુની રામકથાઓમાંથી મળેલા દાર્શનિક વિચારોએ મારી કેટલીક કવિતાનો પિંડ રચ્યો છે. સાહિબ-શ્રેણી કે સંત-શ્રેણીની રચનાઓ એનું જ રૂડું પરિણામ છે. એ ઉપરાંત પણ અનેક રચનાઓમાં કથામાંથી સાંપડેલાં સૂત્રોને શબ્દરૂપ મળ્યું છે. એમ કહું કે, એ વિચારોના પ્રસાદના પાયા ઉપર કેટલાંક પદોનો પ્રાસાદ રચાયો છે. કથાનું કવિતા સાથેનું સૂત્રાત્મક અનુસંધાન આપી અનેક પંક્તિઓમાં થયું છે –

સાહિબ, જગને ખાતર જાગે.
છેક ભાંગતી રાતે જાતે ઊંડું તળિયું તાગે.

સંત આપશે શાતા.
ચંદનની એ ડાળ બનીને ભીતરમાં લહેરાતા.

રટવું નામ નિરંતર.
હરિ નામનો સૂરજ અજવાળું પ્રગટાવે અંદર.

આ ઉપરાંત સહજભાવે કે સાક્ષીભાવે થતાં રહેતાં આધ્યાત્મિક મંથનો પણ યથાવકાશ ગીતોમાં અને ગઝલોમાં પ્રગટતાં રહ્યાં છે અને સૂત્રાત્મક વાણીનો સર્જનાત્મક પદાવલિ સાથે યોગ સધાતો રહ્યો છે. મારી કવિતાને ભાવ-સંવેદનની પાર્શ્વભૂમાં નિહાળું છું ત્યારે, ચિંતનથી સમ્પૃક્ત એવી રચનાઓનો મોટો હિસ્સો હાથ લાગ્યો છે; તો સાથે જ, સમયાંતરે એમાં કોઈ ને કોઈ નવા કોણનો ઉઘાડ થતો પણ અનુભવાયો છે.

કોઈ પણ પ્રકારની ભાવ-સામગ્રીને એની વિશિષ્ટ અને સૌન્દર્યમૂલક અભિવ્યક્તિને કારણે જ કવિતાનો દરજ્જો મળે છે. ભાષા, છંદ અને લયની શિસ્તબદ્ધ એવી કાવ્યમય શબ્દનિર્મિત જ સર્જકની સર્ગશક્તિનો હિસાબ આપે છે અને ભાવકના આકર્ષણનું કેન્દ્ર બને છે. કાવ્યસૌન્દર્યના પ્રગટીકરણનો મોટો આધાર કવિના ભાષાકર્મ પર તેમજ અભિવ્યક્તિનાં ઉપકરણોના વિનિયોગ પર છે. કવિતામાં ભાષાનો કેવળ અર્થલક્ષી પ્રયોગ જ પર્યાપ્ત નથી નીવડતો, પરંતુ કવિતાનો ભાષાપ્રયોગ સૌન્દર્યલક્ષી પણ બની રહે એ ખૂબ જ જરૂરી છે. કાવ્યસર્જન વેળાએ જ્યારે હું ભાષાનો વાહક બન્યો છું ત્યારે, ભાષાના માધ્યમથી સૌન્દર્યબોધ પણ થાય એની શક્ય તેટલી ખેવના કરી છે. આધુનિક કવિતામાં આકૃતિ પરત્વેના પ્રયોગો પણ થતા રહ્યા છે પરંતુ કવિ તરીકે મને શૈલીનાવીન્ય પ્રગટાવવા કરતાં કાવ્યત્વ સિદ્ધ કરવાની મથામણમાં સવિશેષ રસ પડ્યો છે. કવિતાને ભોગે પ્રયોગો કરવાને બદલે કવિતાના શિલ્પવિધાનને સાચવવામાં તેમ જ કવિતાના રૂપસૌષ્ઠવને જાળવવામાં મારી વિશેષ દિલચસ્પી છે. સર્જકપ્રતિભા અને સર્જનપ્રક્રિયા નૈસર્ગિક હોય એ સાચું પરંતુ કાવ્યસર્જનને માટે કાવ્યપરિશીલન ઉપકારક ભૂમિકા અવશ્ય ભજવી શકે. ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતામાં કલ્પન’ વિષય પર મેં પી.એચ.ડી.નો શોધનિબંધ તૈયાર કર્યો, એ સંશોધનને નિમિત્તે અનેક કાવ્યકૃતિઓનો નિકટનો પરિચય થયો અને સાથે જ, કાવ્ય-વિશેષોને જાણવા-માણવાનો મોકો પણ મળ્યો. સ્વાધ્યાય-સંશોધનને કારણે સંખ્યાબંધ કવિતાનો આસ્વાદ-અભ્યાસ થઈ શક્યો, તો સાથોસાથ કવિતાની ભાષા ઉપરાંત કલ્પન, પ્રતીક, પુરાકલ્પન જેવાં અભિવ્યક્તિનાં ઉપકરણો વિશેની શાસ્ત્રીય સમજ પણ કેળવી શકાઈ. અભ્યાસને બહાને કવિની અર્થગર્ભ અને ઈન્દ્રિયગ્રાહ્ય સૃષ્ટિનો એમ સીધો સાક્ષાત્કાર થયો અને મારી કાવ્યસર્જનની પ્રવૃત્તિ માટે એ વરદાનરૂપ નીવડ્યો.

કાવ્યપ્રકારના સંદર્ભમાં વાત કરું તો, મારી આંતરિક સર્જકીય અનિવાર્યતાને અનુલક્ષીને મારાથી બહુધા ગીત અને ગઝલનું સર્જન થાય છે. અપવાદરૂપ કેટલીક અછાંદસ રચનાઓ અવશ્ય થઈ છે, પરંતુ તેમ છતાંય મોટેભાગે તો મારાથી ગીતો અને ગઝલો જ સર્જાય છે. અને હા, એમ કહેવામાં કે એમ કરવામાં મને બિલકુલ ક્ષોભ અનુભવાતો નથી, કેમ કે મારી સમજ મુજબ ‘સ્વરૂપ’ કરતાં ‘સર્જન’ મહત્વનું છે. ગંભીરતાપૂર્વક શબ્દસાધના કરવામાં આવે તો, ગીત અને ગઝલની ફળદ્રુપ ભૂમિમાં પણ સર્જકતાનો ફાલ ઊતરી શકે છે. હું પણ એ બંને પ્રકારોમાં કશીક ઉપલબ્ધિ માટે સર્જકીય મથામણ કરું છું અને સાથે જ, એ કાવ્યકૃતિઓ કેવળ મનોરંજક બનીને અટકી જવાને બદલે કવિત્વની ઊંચાઈ પણ સિદ્ધ કરે એ માટે અંદરનો ચોકીપહેરો પણ કરતો રહું છું.

મુગ્ધાવસ્થામાં કવિતાના આંગણામાં કરેલી પાપા પગલીથી માંડીને આજ સુધી થયેલી મારી કવિતાસર્જનની યાત્રા દરમિયાન અનેક પડાવો આવ્યા છે. એમાં મને ક્યાંક નાજુક-નમણો ઢાળ મળ્યો છે, તો ક્યારેક મારે સીધાં ચઢાણનો સામનો પણ કરવો પડ્યો છે; મારી કેટલીક કવિતાનો પ્રથમ પાઠ જ અંતિમ પાઠ બની રહ્યો છે, તો કેટલીક વખત મેં કવિતાના હિતમાં છેક-ભૂંસનો ઉદ્યમ પણ કર્યો છે. કવિતાએ મને આંતરિક સભરતાનો અહેસાસ કરાવ્યો છે. તો સાથોસાથ કવિતાના શબ્દએ જોજન દૂર બેઠેલા ભાવકો સુધી પણ પહોંચાડ્યો છે; કવિતાએ મારા વિચારને ધાર કાઢી છે અને મારી વાણીને ઓજસ્વી બનાવી છે. અલબત્ત, ‘મારી કવિતા’ કે ‘મારો શબ્દ’ જેવા પ્રયોગો કરતી વખતે કે પછી ‘મારાપણા’નો દાવો કરતી વેળાએ ફરી ફરીને હું મારી જાતને જ પૂછું છું કે, ‘આ બધું કોણ લખે છે કે કોણ લખાવે છે ? ઉત્તર પણ અંદરથી જ આવે છે કે, ‘કોઈ’ સર્વોપરિ સત્તા જ કાનમાં મંત્ર ફૂંકે છે અને હાથમાં કલમ પકડાવે છે !

કાનમાં કોઈ કશું કહી જાય છે.
એ પછી આખી ગઝલ સર્જાય છે.

સાવ ભીતર કંઈક ભીનું થાય છે.
એ પછી આખી ગઝલ સર્જાય છે.

આંખમાં ભગવી ધજા લ્હેરાય છે.
એ પછી આખી ગઝલ સર્જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “શબ્દની સોંપવા સેવા મને કોઈ જગાડે છે – નીતિન વડગામા”

Copy Protected by Chetan's WP-Copyprotect.