બે આંખની શરમનો દુકાળ – ગુણવંત શાહ

[ કલોલથી પ્રકાશિત થતા ‘સંપર્ક’ના દીપોત્સવી અંકમાંથી સાભાર.]

એક નવી જ સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. એનું નામ છે : ‘લેવડદેવડ્યા સંસ્કૃતિ’. માનવસંબંધો ભાખરી બાંધવાના લોટ જેવા છે, જેમાં લાગણીનું મૉણ ન હોય તો ન ચાલે. લેવડદેવડ અનિવાર્ય છે. એના વગર સમાજ ટકી જ ન શકે, પરંતુ લાગણીને કારણે લેવડદેવડ પણ સ્નેહદીક્ષા પામે છે. મારી વાત ગળે ન ઊતરે તો ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે કોઈ બહેનના ચહેરા પરના ભાવ નીરખવાનું રાખશો. એ ચહેરા પર લાગણીનું કાવ્ય વાંચવા મળશે.

બધુ જ વેચી શકાય અને બધું જ ખરીદી શકાય એવા બજારિયા સમાજમાં જીવવા કરતાં તો હું આફ્રિકાના જંગલમાં હરણોના ટોળામાં હરણ બનીને જીવવાનું વધારે પસંદ કરું. આજકાલ બધી જ બાબતો વેચાઉ (બિકાઉ) બનતી ચાલી છે. સ્ત્રીનું સૌંદર્ય વેચવાથી પૈસા મળે છે ને ? તો તેને વેચવા કાઢો. નગ્નતા વેચવામાં નફો થાય તો નગ્નતા વેચો. ઈમાન વેચવાથી માલામાલ થઈ જવાતું હોય તો ઈમાનને મારો ગોળી. માંહ્યલો ગીરવી મૂકવાથી દહેજની રકમ જો તગડી થતી હોય તો માંહ્યલાને પલીતો ચાંપો. ગમે ત્યાંથી, ગમે તેમ કરીને અને ગમે તે ભોગે પૈસો મળે એટલે પત્યું. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું ગણાય છે. પૈસો છઠ્ઠો મહાભૂત બની ગયો છે.

મારી પાસે લાડુ છે. હું એ એકલો જ આરોગી જાઉં તેવી વૃત્તિ થાય એ મારી પ્રકૃતિ ગણાય. મારી પાસે લાડુ નથી, પણ બીજા પાસે છે. હું એ લાડુ ઝૂંટવીને ખાઈ જાઉં તો એ મારી વિકૃતિ ગણાય. મારી પાસે લાડુ છે તે બીજા સાથે વહેંચીને ખાઉં તો એ મારી સંસ્કૃતિ ગણાય. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિથી પર, એવી માણસાઈના મેઘધનુષને માતા કહેવામાં આવે છે. એ પોતાનો લાડુ જતો કરીને અન્યને ખવડાવે છે અને એમ કર્યા બદલ ઊંડો પરિતોષ પામે છે. આવું બને ત્યારે તે ક્ષણે અને તે સ્થળે તીર્થ રચાય છે. દુનિયા આવી અસંખ્ય તીર્થઘટનાઓને કારણે ટકી રહી છે. ક્યારેક કોઈ માતા પોતાના દીકરાને બધું જ આપે છે અને બદલામાં રોકડી અશાંતિ પામે છે. પરબડીએ શીતળ જળ પામ્યા પછી જળ પીનારો જળ પિવડાવનારને તમાચો મારે ત્યારે સંસ્કૃતિ અરણ્યરુદન કરતી હોય છે. બે આંખની શરમનો દુકાળ પડે ત્યારે જીવન ભૂખે મરતું જણાય છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે બે આંખની શરમનો કારમો દુકાળ કૌરવસભામાં પડેલો. એ વેળાએ દુર્યોધનનો ભાઈ વિકર્ણ ચિત્કારી ઊઠેલો : યહ સબ ક્યા હો રહા હૈ ! બે આંખોની શરમના ભયાનક દુકાળ વખતે માનવતાને કાને પડેલા એ ચિત્કારને કારણે વેરાનમાં અમીછાંટણાં થયેલાં. રામને મર્યાદાપુરુષોત્તમ કહ્યા કારણ કે તેઓ બે આંખની શરમ નડે એવા સમાજનું શમણું સેવનારા મહામાનવ હતા. જો બે આંખની શરમ નડી ન હોત તો એમણે કૈકયીને લાફો લગાવી દીધો હોત. બે આંખની શરમ ખૂટી પડે ત્યારે કોક શાહજહાં આગ્રાના કિલ્લામાં બંદીવાન બનીને દૂર દેખાતા તાજમહેલને આંસુ સારતો જોયા કરે છે. કોઈ પણ સમાજ બે આંખની શરમ વગર ટકી ન શકે.

ક્યારેક કોઈ સરકારી ઑફિસમાં જવાનું બને ત્યારે મારું મન ગ્લાનિથી ભરાઈ જાય છે. ત્યાં ખુરશી પર બેઠેલો કર્મચારી ઘણુંખરું આપણી સામે જોવાનું ટાળીને વાત કરે છે. આપણું કામ સાવ વાજબી હોય અને મિનિટમાં પતી જાય તેવું હોય તોયે એ અતડાપણું જાળવીને થોડીક તોછડી રીતે જ વાત કરે છે. એના પરમ પૂજ્ય પિતાશ્રીનું આપણે કશું જ બગાડ્યું નથી હોતું તોય બે આંખની શરમનો દુકાળ જોવા મળે છે. આ બાબતે પણ ક્યારેક ઉમદા અપવાદો જડી આવે ત્યારે ભાંગમાં તુલસી જેવો ઘાટ થાય છે. ઑફિસોમાં હવે સ્ત્રી કર્મચારીઓની સંખ્યા વધી રહી છે. સ્ત્રી કર્મચારીઓ પ્રમાણમાં સારી રીતે વાત કરતી હોય છે. આપણી ઓફિસમાં જે શુષ્ક અતડાપણું (dehumanized and depersonalized alienation) જોવા મળે તેમાં સ્ત્રી કર્મચારીઓની હાજરી થોડુંક આશ્વાસન પૂરું પાડનારી છે. છેલ્લા વાવડ એવા છે કે સ્ત્રી કર્મચારીઓ પણ ધીરે ધીરે બગડતી જાય છે. આ વાવડ ખોટા ઠરે એ શક્ય છે. ભગવદગીતામાં કૃષ્ણ ‘ધર્મની ગ્લાનિ’ની વાત કરે છે. બે આંખની શરમનો દુકાળ, એ જ ધર્મની ગ્લાનિ. બે અજાણી આંખોમાં સામી વ્યક્તિ માટે થોડીક લાગણી જળવાઈ રહે, તેને જ કહે છે ધર્મની સંસ્થાપના. એક માણસ બીજા માણસ સાથે ખુલ્લંખુલ્લા લુચ્ચાઈ ભલે કરે, પરંતુ જ્યાં સુધી લુચ્ચાઈ કરનાર માણસ, લુચ્ચાઈનો ભોગ બનેલા માણસ સાથે આંખો મિલાવવાનું ટાળે ત્યાં સુધી માનવધર્મ ટકી ગયો જાણવો. લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા બાળી મૂકવાનું કાવતરું નિષ્ફળ ગયા પછી દુર્યોધન જો નીચું જોઈ ગયો હોત તો મહાભારતનું યુદ્ધ ન થયું હોત. મહંમદ અલી ઝીણાને મહાત્મા ગાંધીની બે નિર્મળ આંખોની થોડીક શરમ નડી હોત તો કદાચ દેશના ભાગલા ન પડ્યા હોત. ‘ટ્રેજેડી ઑફ જિન્નાહ’ (લેખક : કૈલાસ ચન્દ્ર, વર્મા પબ્લિશિંગ કંપની, પો.બો. નંબર 249, લાહોર, 1943) પુસ્તક વાંચ્યા પછી આ બાબતે કોઈ શંકા રહેતી નથી.

લાભવાદ અને લોભવાદ વકરે એવી આબોહવામાં આજનો માણસ જીવી રહ્યો છે. પૈસો પણ કમાવા જેવી ચીજ છે. લક્ષ્મીનો અનાદર ગરીબીને રોકડી બનાવે છે. દરિદ્રનારાયણની નહીં, સમૃદ્ધિનારાયણની પ્રતિષ્ઠા થવી જોઈએ. પૈસો કમાનારની વૃત્તિ હોવી, એ ગુનો નથી. સગવડ પ્રત્યે દ્વેષ રાખનાર પ્યુરિટનો સુખવિરોધી અને જીવનવિરોધી વાતો કરતાં જ રહે છે. પૈસો આદરણીય છે, પરંતુ જ્યારે એની આગળ ત્રણ શબ્દો ગોઠવાઈ જાય ત્યારે એ જ પૈસો રાક્ષસી બની જાય છે. એ ત્રણ શબ્દો છે : ‘ગમે તે ભોગે.’ આજકાલ મનની ઋતુ બદલાઈ રહી છે. માણસ ગમે તે ભોગે પૈસો બનાવવા માટે અધીરો થયો છે. પૈસો કમાવો અને પૈસો બનાવવો, એ બેમાં ફરક છે.

વેપારી બીજું બધું ભૂલીને કેવળ નફો જ જુએ છે. દાકતર, વકીલ, અમલદાર અને નેતા કમાણી પર નજર ઠેરવે છે. આ ગીધવૃત્તિ છે. રવિશંકર મહારાજ કહેતા કે ગીધ જ્યારે મરેલા ઢોરના પેટમાં ઊંડે સુધી પોતાની ચાંચ ખોસે ત્યારે પાંખો પહોળી કરીને ઢોરના શરીરને ઢાંકેલું રાખે છે, જેથી બીજું કોઈ પોતાની મિજબાનીમાં ભાગ ન પડાવે. આવી વૃત્તિને આપણે ‘કલ્ચર ઑફ ધ વલ્ચર’ કહી શકીએ. લાંચરુશ્વત ટાળી ટળે તેમ નથી. લુચ્ચાઈ વગરનો સમાજ રચાય એવું શમણું ક્યારે સાચું પડશે તે કહેવું મુશ્કેલ છે. દગાબાજી કંઈ આજકાલની ઘટના નથી. માણસ સ્વભાવે સ્વાર્થી પ્રાણી છે. ભલે, એને સ્વાર્થી રહેવા દો. જ્યાં સુધી બે આંખની શરમ બચી છે ત્યાં સુધી માણસ-માણસ વચ્ચેની ‘થોડી સી બેવફાઈ’ સર્વનાશ નહીં નોંતરે. ખલનાયકના શરાબના પ્યાલામાં થોડીક શરમ બરફના ટુકડા સાથે તરતી રહે તોય બસ છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાચકમિત્રોને…. – તંત્રી
મેરે પૂર્વજ મહાન ! – રતિલાલ બોરીસાગર Next »   

33 પ્રતિભાવો : બે આંખની શરમનો દુકાળ – ગુણવંત શાહ

 1. Moxesh Shah says:

  વાહ! અદભૂત!!!

 2. ushapatel says:

  ખૂબજ મનનીય અને અનુભવની કલમે લખાયેલ લેખ જુદો જ તરી આવે છે. લેખ વાંચવો ગમ્યો.

 3. Pragna Patel says:

  superb!

  good to read such articles again and again peridically.

 4. hir says:

  very true ushapatel….
  Shree Gunvant shah is my best one….I just love it…

 5. ખુબ સરસ, વાસ્તવીક વિચાર સહિતનો લેખ.
  જિન્નાને બાપુજીની બે આખની શરમ ના નડી,જે ઇતિહાસની વ્યાજબી ઘટના.

 6. ગીધ જ્યારે મરેલા ઢોરના પેટમાં ઊંડે સુધી પોતાની ચાંચ ખોસે ત્યારે પાંખો પહોળી કરીને ઢોરના શરીરને ઢાંકેલું રાખે છે, જેથી બીજું કોઈ પોતાની મિજબાનીમાં ભાગ ન પડાવે. આવી વૃત્તિને આપણે ‘કલ્ચર ઑફ ધ વલ્ચર’ કહી શકીએ.

 7. Ami patel says:

  Wah janab! Different perspective….

 8. varsha says:

  very nice article….
  aaj ni paristhiti ne khubj vastvik rite raju kari 6r
  kharekhar khub sundar…..

 9. સાચી વાત કે માણસ ગમે તે ભોગે પૈસો બનાવવા માટે અધીરો થયો છે. લેખકો નિમ્નકોટિના અને તદ્દન વ્યર્થ લેખો લખવામાં જરા પણ અચકાતા નથી.

 10. shocking,shameful and sad thing but reality of our fast growing,educated and devloping society including me too…

  each and every article of sh.gunvant bhai shah is real pearls and serves us the best among the best…

  thank you so much for publishing the article

  manish and sangita

 11. PH Bharadia says:

  શ્રી ગુણવંત શાહના લેખમાં તેમનો આગ ઝરતો બળાપો આપણે
  બધાંને છે ,તેમને દર્શાવેલી સરકારી નોકરોની આપખુદી લગભગ
  બધાયેજ અનુભવી હોય છે,આપણે રહ્યા અહિંસક ધર્મના પાલતું
  તો તેમને આવાજ અનુભવ થયે રાખવાના, ‘મારું કામ પતે છે ને
  હું ક્યાં બીજાની વ્યાધી કરું!!’ આવી સિલસિલો છેલ્લા ૬૪ વર્ષથી
  ચાલુ છે,ફરિયાદ કરી કરીને અને આવા લેખોના ભરમારમાંથી
  આપણે વધુ કંઈ નથી કરી શકતા તેજ ‘ખાટલે ખોડ છે’ કોઈ જાતની
  નાગરિક ફરજની લડત ચાલતી હોય તે બહુ જાહેરમાં આવતું નથી
  તેથી ‘આમઆદમી’ હાથ જોડીને જીવે જાય છે,હા, કથા-વાર્તામાં તેમની
  હાજરી લગાતાર સંખ્યાબંધ છે,પણ તેનાથી કોઈ સમાજમાં બહુ
  ફેર નથી જણાયો,ધાર્મિક લાગણીવેળા,અંધશ્રદ્ધા ફાલી ફૂલી છે અને
  કથાકારો,સંતોનો તો રાફડો ફાટ્યો છે!! ઘણીવાર સારા સજ્જનો પણ
  આવા પ્રચારમાં કેમ જોડાય છે તેજ સમજમાં નથી આવતું.
  શ્રી ગુણવંત શાહ એક પ્રખર ચિંતક છે તેમની કલમમાં સત્ય નીતરતું
  રહેતું હોય છે અને દેશદાઝ પણ એટલીજ છે.
  તાજેતરમાં તેમના સ્વાથ્ય વિશેની માહિતી ગુજરાતના દૈનિકો કે
  કોઈ સમાચાર માધ્યમોમાં નહતી હવે તેમની તબિયત કુશળ
  હશે.
  ,

 12. બે આંખની શરમ એ મથાળું બરાબર નથી.

 13. આ લેખ વાંચીને ઈસ્વરને દિલની પ્રાર્થના કે મને શક્તિ આપે કે હું ક્યારેય એવું કામ ના કરું કે ‘આંખ ના મિલાવી શકું’. અને મને કાયમ ‘બે આંખની શરમ નડે’.

  શ્રી ગુન્વાન્તભાઈ ને મારા તરફથી નવા વરસ ની સુભકામના અને સુખ અને સમૃદ્ધી આપે એવી ઈસ્વરને મારી સાચા દિલની પ્રાર્થના.

 14. Harsh says:

  ખુબ સરસ રજુઆત…

 15. Very good article like his all other articles. But does a writer of the calibre/stature of Shri Gunvant Shah need any comments? That he has survived a heart attack is a matter of relief for not only himself/his family, but also for all his fans. May God bestow upon him good health and long life.

 16. khushalshah says:

  ખુબ જ સરસ

 17. Name* says:

  very good gunvantbhai is always inspiring

 18. KTN says:

  gunavant shahebne ghana vakhate vanchvano moko mlyo, khubaj anand thayo….

 19. ુAs usual, the article of Dr. Gunwavt Shah is superb. I am die-hard fan of Shri Gunubhai & late Shri Chandrakant Baxi. May Almighty God give him a very healthy & wealthy life!

 20. Mehul Shah says:

  આશા રાખીયે કે તમારી તબિયત સારી થઈ રહી હશે. તમારા લેખૉનૉ લાભ અમને મળતૉ રહે એવી પ્રભુને પ્રાર્થના.

 21. મા.શ્રી ગુણવન્તભાઇ, જોડણીદોષ માફ કરશો. જેને મરવુ છે તેને જીવાડવાનો અર્થ નથી.હાલમા જગત મરવા માટે જીવી રહ્યુ છે.લાગણી,ભાવના,સમ્વેદના આ બધી પરગ્રહ્ ની વાતો અને ભાષા છે.શરમ હવે સ્વપ્નમા પણ કોઇ અનુભવતુ હશે કે કેમ ? તમારા વિચારો સાથે કિશોરાવસ્થાથી સમ્પર્ક છે,સહયાત્રી છુ માટેજ લખૂ છુ.

 22. Megha Joshi says:

  ખુબ જ સરસ લેખ… નવી પેઢીને આ૫ની ખુબ જ જરુર છે.

 23. શાહ સાહેબ કેટલા છે જે કહી શકે કે મને કોઇની બે આઁખોની શરમ નડી!!!

 24. શાહ સાહેબ કેટલા છે જે કહી શકે કે મને કોઇની બે આઁખોની શરમ નડી!!!
  જરા માન.જલન માતરી સાહેબ, શુ કહે તે તો જુઓ
  આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
  પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?

  ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
  ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?

  નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
  તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?

  ઈમાનદારી છોડવાનો છે સમય હવે
  આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?

  અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
  ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?

  લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
  પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?

 25. Mukund Patel says:

  Good article by shri Gunvant bhai and thanks mrugesh bhai for sharing here.

 26. jay says:

  શુ તમે મને – નિચેના નિબન્ધ વિશે લેખ

  ૧.ગ્યાનસક્તિ અને માનવવિકાસ્

 27. dinesh bhai bhatt says:

  ખરે ખર સમજવા જેવો લેખ છે. જો માણસ સમજે તો જે સુતો હોય એને સાહેબ આપણે જગાડી શકાય પણ જે સુવા નો ડૉળ કરિ ને જે સુતો હોય તેને જગાડવો
  મુશકેલ હોય છે.મા.શ્રી ગુણવન્તભાઇ,ના વિચારો ખરેખર પ્રેરણા દાયક હોય છે
  બહુ સરસ લેખ છે. ધન્યવાદ્

 28. Balvant Ahir says:

  સાહેબ આ લેખ લખવા બદલ આભાર .

 29. subhas panchal says:

  i always waite for sunday divya bhaskar where dr. gunvantbhai write.

  mrugesh bhai, i have read about your activity in mumbai samachar and immediately show your site. very impressive. for those gujarati reader to get many things in one site.i have sent altlest 40 friends your readgujarati.com information. all the best.

 30. Arvind Patel says:

  લેખ સારો છે, પણ ફરિયાદ સ્વરૂપે છે. સમય કે જમાનો બદલાય એટલે પ્રભાવ, સ્વભાવ, ટેવ, પ્રાથમિકતા, વગેરે ઘણું બદલાય છે. જેને પચાવવું જરૂરી છે. જો ના પચાવી શકીયે તો ફરિયાદ પોથી બની જઇયે. સમય પ્રમાણે જે સંજોગો બદલાય તેને સ્વીકારતા શીખીયે તો સારું. ફરિયાદ રહેશે નહિ. જે છે તે છે, અને જે નથી તે નથી. છેલ્લી સદીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સારું પણ છે અને કૈક ના ગમે તેવું પણ છે. સરવાળે સારું વધારે છે અને ખરાબ ઓછું છે. પરિવર્તન સ્વીકારી ચાલુ સમય માં ભળી જવું તે જ ડહાપણ ની વાત છે. ભૂતકાળ ને વળગી રહેવાની આદત છોડી દેવી. હમેંશા દરેક પરિસ્થિતિ માં સારું શું છે, તે જોવું અને જે સારું નથી તેને સુધારવાનો પ્રયત્ન કરી જોવો અને ના સુધારે તો સ્વીકારી લેવું. ક્યારેય જગડવાના મૂડ માં આવવું નહિ.

  • Kalidas V. Patel {Vagosana} says:

   અરવિંદભાઈ,
   મુ.ગુણવંતભાઈનો આ વિદ્વતાપૂર્ણ લેખ ફરિયાદ સ્વરૂપે નથી, બલ્કે સામાજિક દર્શન કરાવતો એક વાસ્તવદર્શી લેખ છે.
   અન્યાયને પચાવવાનો ના હોય બલ્કે તેની સામે પૂરા જોશથી લડવાનું હોય !
   સારુ હોય તેને જરૂર સ્વીકારીએ પરંતુ નરસાને તો દેશવટો જ શોભે ને ?
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.