- ReadGujarati.com - http://www.readgujarati.com -

બે આંખની શરમનો દુકાળ – ગુણવંત શાહ

[ કલોલથી પ્રકાશિત થતા ‘સંપર્ક’ના દીપોત્સવી અંકમાંથી સાભાર.]

એક નવી જ સંસ્કૃતિનો ઉદય થઈ રહ્યો છે. એનું નામ છે : ‘લેવડદેવડ્યા સંસ્કૃતિ’. માનવસંબંધો ભાખરી બાંધવાના લોટ જેવા છે, જેમાં લાગણીનું મૉણ ન હોય તો ન ચાલે. લેવડદેવડ અનિવાર્ય છે. એના વગર સમાજ ટકી જ ન શકે, પરંતુ લાગણીને કારણે લેવડદેવડ પણ સ્નેહદીક્ષા પામે છે. મારી વાત ગળે ન ઊતરે તો ભાઈને રાખડી બાંધતી હોય ત્યારે કોઈ બહેનના ચહેરા પરના ભાવ નીરખવાનું રાખશો. એ ચહેરા પર લાગણીનું કાવ્ય વાંચવા મળશે.

બધુ જ વેચી શકાય અને બધું જ ખરીદી શકાય એવા બજારિયા સમાજમાં જીવવા કરતાં તો હું આફ્રિકાના જંગલમાં હરણોના ટોળામાં હરણ બનીને જીવવાનું વધારે પસંદ કરું. આજકાલ બધી જ બાબતો વેચાઉ (બિકાઉ) બનતી ચાલી છે. સ્ત્રીનું સૌંદર્ય વેચવાથી પૈસા મળે છે ને ? તો તેને વેચવા કાઢો. નગ્નતા વેચવામાં નફો થાય તો નગ્નતા વેચો. ઈમાન વેચવાથી માલામાલ થઈ જવાતું હોય તો ઈમાનને મારો ગોળી. માંહ્યલો ગીરવી મૂકવાથી દહેજની રકમ જો તગડી થતી હોય તો માંહ્યલાને પલીતો ચાંપો. ગમે ત્યાંથી, ગમે તેમ કરીને અને ગમે તે ભોગે પૈસો મળે એટલે પત્યું. આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું ગણાય છે. પૈસો છઠ્ઠો મહાભૂત બની ગયો છે.

મારી પાસે લાડુ છે. હું એ એકલો જ આરોગી જાઉં તેવી વૃત્તિ થાય એ મારી પ્રકૃતિ ગણાય. મારી પાસે લાડુ નથી, પણ બીજા પાસે છે. હું એ લાડુ ઝૂંટવીને ખાઈ જાઉં તો એ મારી વિકૃતિ ગણાય. મારી પાસે લાડુ છે તે બીજા સાથે વહેંચીને ખાઉં તો એ મારી સંસ્કૃતિ ગણાય. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિથી પર, એવી માણસાઈના મેઘધનુષને માતા કહેવામાં આવે છે. એ પોતાનો લાડુ જતો કરીને અન્યને ખવડાવે છે અને એમ કર્યા બદલ ઊંડો પરિતોષ પામે છે. આવું બને ત્યારે તે ક્ષણે અને તે સ્થળે તીર્થ રચાય છે. દુનિયા આવી અસંખ્ય તીર્થઘટનાઓને કારણે ટકી રહી છે. ક્યારેક કોઈ માતા પોતાના દીકરાને બધું જ આપે છે અને બદલામાં રોકડી અશાંતિ પામે છે. પરબડીએ શીતળ જળ પામ્યા પછી જળ પીનારો જળ પિવડાવનારને તમાચો મારે ત્યારે સંસ્કૃતિ અરણ્યરુદન કરતી હોય છે. બે આંખની શરમનો દુકાળ પડે ત્યારે જીવન ભૂખે મરતું જણાય છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થઈ રહ્યું હતું ત્યારે બે આંખની શરમનો કારમો દુકાળ કૌરવસભામાં પડેલો. એ વેળાએ દુર્યોધનનો ભાઈ વિકર્ણ ચિત્કારી ઊઠેલો : યહ સબ ક્યા હો રહા હૈ ! બે આંખોની શરમના ભયાનક દુકાળ વખતે માનવતાને કાને પડેલા એ ચિત્કારને કારણે વેરાનમાં અમીછાંટણાં થયેલાં. રામને મર્યાદાપુરુષોત્તમ કહ્યા કારણ કે તેઓ બે આંખની શરમ નડે એવા સમાજનું શમણું સેવનારા મહામાનવ હતા. જો બે આંખની શરમ નડી ન હોત તો એમણે કૈકયીને લાફો લગાવી દીધો હોત. બે આંખની શરમ ખૂટી પડે ત્યારે કોક શાહજહાં આગ્રાના કિલ્લામાં બંદીવાન બનીને દૂર દેખાતા તાજમહેલને આંસુ સારતો જોયા કરે છે. કોઈ પણ સમાજ બે આંખની શરમ વગર ટકી ન શકે.

ક્યારેક કોઈ સરકારી ઑફિસમાં જવાનું બને ત્યારે મારું મન ગ્લાનિથી ભરાઈ જાય છે. ત્યાં ખુરશી પર બેઠેલો કર્મચારી ઘણુંખરું આપણી સામે જોવાનું ટાળીને વાત કરે છે. આપણું કામ સાવ વાજબી હોય અને મિનિટમાં પતી જાય તેવું હોય તોયે એ અતડાપણું જાળવીને થોડીક તોછડી રીતે જ વાત કરે છે. એના પરમ પૂજ્ય પિતાશ્રીનું આપણે કશું જ બગાડ્યું નથી હોતું તોય બે આંખની શરમનો દુકાળ જોવા મળે છે. આ બાબતે પણ ક્યારેક ઉમદા અપવાદો જડી આવે ત્યારે ભાંગમાં તુલસી જેવો ઘાટ થાય છે. ઑફિસોમાં હવે સ્ત્રી કર્મચારીઓની સંખ્યા વધી રહી છે. સ્ત્રી કર્મચારીઓ પ્રમાણમાં સારી રીતે વાત કરતી હોય છે. આપણી ઓફિસમાં જે શુષ્ક અતડાપણું (dehumanized and depersonalized alienation) જોવા મળે તેમાં સ્ત્રી કર્મચારીઓની હાજરી થોડુંક આશ્વાસન પૂરું પાડનારી છે. છેલ્લા વાવડ એવા છે કે સ્ત્રી કર્મચારીઓ પણ ધીરે ધીરે બગડતી જાય છે. આ વાવડ ખોટા ઠરે એ શક્ય છે. ભગવદગીતામાં કૃષ્ણ ‘ધર્મની ગ્લાનિ’ની વાત કરે છે. બે આંખની શરમનો દુકાળ, એ જ ધર્મની ગ્લાનિ. બે અજાણી આંખોમાં સામી વ્યક્તિ માટે થોડીક લાગણી જળવાઈ રહે, તેને જ કહે છે ધર્મની સંસ્થાપના. એક માણસ બીજા માણસ સાથે ખુલ્લંખુલ્લા લુચ્ચાઈ ભલે કરે, પરંતુ જ્યાં સુધી લુચ્ચાઈ કરનાર માણસ, લુચ્ચાઈનો ભોગ બનેલા માણસ સાથે આંખો મિલાવવાનું ટાળે ત્યાં સુધી માનવધર્મ ટકી ગયો જાણવો. લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા બાળી મૂકવાનું કાવતરું નિષ્ફળ ગયા પછી દુર્યોધન જો નીચું જોઈ ગયો હોત તો મહાભારતનું યુદ્ધ ન થયું હોત. મહંમદ અલી ઝીણાને મહાત્મા ગાંધીની બે નિર્મળ આંખોની થોડીક શરમ નડી હોત તો કદાચ દેશના ભાગલા ન પડ્યા હોત. ‘ટ્રેજેડી ઑફ જિન્નાહ’ (લેખક : કૈલાસ ચન્દ્ર, વર્મા પબ્લિશિંગ કંપની, પો.બો. નંબર 249, લાહોર, 1943) પુસ્તક વાંચ્યા પછી આ બાબતે કોઈ શંકા રહેતી નથી.

લાભવાદ અને લોભવાદ વકરે એવી આબોહવામાં આજનો માણસ જીવી રહ્યો છે. પૈસો પણ કમાવા જેવી ચીજ છે. લક્ષ્મીનો અનાદર ગરીબીને રોકડી બનાવે છે. દરિદ્રનારાયણની નહીં, સમૃદ્ધિનારાયણની પ્રતિષ્ઠા થવી જોઈએ. પૈસો કમાનારની વૃત્તિ હોવી, એ ગુનો નથી. સગવડ પ્રત્યે દ્વેષ રાખનાર પ્યુરિટનો સુખવિરોધી અને જીવનવિરોધી વાતો કરતાં જ રહે છે. પૈસો આદરણીય છે, પરંતુ જ્યારે એની આગળ ત્રણ શબ્દો ગોઠવાઈ જાય ત્યારે એ જ પૈસો રાક્ષસી બની જાય છે. એ ત્રણ શબ્દો છે : ‘ગમે તે ભોગે.’ આજકાલ મનની ઋતુ બદલાઈ રહી છે. માણસ ગમે તે ભોગે પૈસો બનાવવા માટે અધીરો થયો છે. પૈસો કમાવો અને પૈસો બનાવવો, એ બેમાં ફરક છે.

વેપારી બીજું બધું ભૂલીને કેવળ નફો જ જુએ છે. દાકતર, વકીલ, અમલદાર અને નેતા કમાણી પર નજર ઠેરવે છે. આ ગીધવૃત્તિ છે. રવિશંકર મહારાજ કહેતા કે ગીધ જ્યારે મરેલા ઢોરના પેટમાં ઊંડે સુધી પોતાની ચાંચ ખોસે ત્યારે પાંખો પહોળી કરીને ઢોરના શરીરને ઢાંકેલું રાખે છે, જેથી બીજું કોઈ પોતાની મિજબાનીમાં ભાગ ન પડાવે. આવી વૃત્તિને આપણે ‘કલ્ચર ઑફ ધ વલ્ચર’ કહી શકીએ. લાંચરુશ્વત ટાળી ટળે તેમ નથી. લુચ્ચાઈ વગરનો સમાજ રચાય એવું શમણું ક્યારે સાચું પડશે તે કહેવું મુશ્કેલ છે. દગાબાજી કંઈ આજકાલની ઘટના નથી. માણસ સ્વભાવે સ્વાર્થી પ્રાણી છે. ભલે, એને સ્વાર્થી રહેવા દો. જ્યાં સુધી બે આંખની શરમ બચી છે ત્યાં સુધી માણસ-માણસ વચ્ચેની ‘થોડી સી બેવફાઈ’ સર્વનાશ નહીં નોંતરે. ખલનાયકના શરાબના પ્યાલામાં થોડીક શરમ બરફના ટુકડા સાથે તરતી રહે તોય બસ છે.