[‘અખંડ આનંદ’માંથી સાભાર.]
લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે, તેમની છબિઓ ભીંત પર ટિંગાડે છે. પિતા કે દાદા જીવતા હોય ત્યારે પાણિયારેથી પાણીનો પ્યાલો ભરી દેવામાંય અખાડા કર્યા હોય એવાં મનુષ્યો ભાદરવા મહિનામાં, પીપળે પાણી રેડી, સ્વર્ગમાં પૂર્વજોને પાણી સપ્લાય કરે છે. શ્રાદ્ધના દિવસોમાં કાગડાસમાજની એજન્સી દ્વારા સદગત માતાપિતા અથવા માતા કે પિતાને મિષ્ટાન્ન જમાડે છે. મારા એક મિત્રના પિતાને જીવનના છેલ્લા દિવસોમાં દાળભાત પણ પચતાં નહોતાં. એમના શ્રાદ્ધાદિને મિત્રને ત્યાં એકવાર દૂધપાક-પૂરીનું જમણ જમતાં જમતાં સદગત કાકાને દૂધપાક પચશે કે નહીં એની મને ચિંતા થઈ આવી. પણ તત્કાલ તો મને દૂધપાક પચે કે નહીં એ પ્રશ્ન અગત્યનો હતો. એટલે મેં મિત્ર સમક્ષ સદગત કાકાની પાચનશક્તિ અંગે કશો પ્રશ્ન ન ઉઠાવ્યો.
વર્ષે આ રીતે એકાદ વાર પૂર્વજોને યાદ કરવાની પ્રવૃત્તિ એકંદરે નિર્દોષ છે. જો કે કેટલાંકને માટે આ પણ અઘરું પડે છે. અમારા એક મિત્રે માતાની મૃત્યુતિથિને દિવસે મંદિરમાં પાકું સીધું આપવાનો સંકલ્પ કરેલો. ત્રણ ચાર વરસ તો બધું બરાબર ચાલ્યું. પણ એક વાર એમનાં પત્ની બહારગામ હતાં એટલે એમને કંઈ માતાની પુણ્યતિથિ યાદ આવી નહીં, પરંતુ, પાકા સીધામાંથી બનતા મિષ્ટાન્નને કારણે પૂજારીની યાદશક્તિ પાકી થઈ ગયેલી એટલે બાર વાગ્યા સુધી રાહ જોયા પછી પૂજારી ઘેર આવીને સીધું લઈ ગયા. એ પછી ફરી આવું જોખમ ઊભું ન થાય એ માટે દર વર્ષે પુણ્યતિથિને આગલે દિવસે સીધા માટે રિમાઈન્ડ કરી જવાનો ક્રમ પૂજારીએ રાખ્યો છે. આ કારણે યજમાનને પણ ઘણી અનુકૂળતા રહે છે. કમ્પ્યૂટરના કલાસ ચલાવતા મારા એક મિત્રે તો સારી-માઠી આવી તિથિઓ કમ્પ્યૂટરમાં ફીડ કરી રાખી છે.
કેટલાક મનુષ્યો પ્રતાપી પૂર્વજોના વંશમાં જન્મ્યા હોવાનું ગૌરવ અનુભવે છે. આમાં પણ ખાસ કશું ખોટું નથી, પરંતુ એમાંના કેટલાક પોતાના પૂર્વજોનાં પરાક્રમો, એમની શક્તિઓ, એમની સમૃદ્ધિઓ વગેરે વિષે એટલો બધો ગર્વ લે છે કે જાણે એમણે જ એ પૂર્વજોનું જીવનઘડતર કર્યું હોય ! કેટલાક તો એમ માને છે કે પોતાના જેવા વંશજ જન્મવાના હતા એટલે જ ઈશ્વરે એમના દાદાને કે દાદાના નાનાને કે નાનાના દાદાને અથવા દાદાના ભાઈને કે દાદાના કાકાને કે દાદાના મામાને મહાન બનાવ્યા હતા !
મારા એક સ્નેહી છે. પોતે સારું જ્યોતિષ જાણે છે એમ એ માને છે અને બીજાંઓને મનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એમના પોતાના ગ્રહો એમને જોઈએ એવો સહકાર નથી આપતા. એટલું જ નહીં જેમનો જોષ તેઓ જુએ છે એના ગ્રહો પણ એમની ફેવર નથી કરતા. પરિણામે એમની મોટા ભાગની આગાહીઓ ખોટી પડે છે. એમની કોઈ આગાહી ખોટી પડે છે ત્યારે એનાં કારણો એ અવશ્ય શોધી કાઢે છે. મોટે ભાગે તો એ કુંડળીને જ ખોટી સાબિત કરે છે અને પછી પોતે કેવા મહાન જ્યોતિષીના વંશજ છે એની વાત સવિસ્તર કરે છે : ‘મારા દાદાના દાદાના પિતા મહાન જ્યોતિષી હતા. એમણે ઝાંસીની રાણીને, તાત્યા ટોપેને અને નાનાસાહેબ પેશ્વાને ખાસ દૂતો મોકલીને કહેવડાવેલું કે યોગ્ય તિથિ અને સમય નહિ સચવાય તો 1857નો બળવો નિષ્ફળ જશે. એમણે 1857ના બળવા માટે ખાસ મુહૂર્ત કાઢીને પણ મોકલ્યું હતું. પણ કોઈએ એમની વાત કાને ધરી નહીં, પરિણામે બળવો નિષ્ફળ ગયો. અમારા દાદાએ આપેલી તિથિ માન્ય રાખી હોત તો બળવો સો ટકા સફળ થાત અને ભારતને નેવું વરસ વહેલી આઝાદી મળી ગઈ હોત ! બળવો નિષ્ફળ ગયા પછી નાનાસાહેબ સિહોર આવીને રહ્યા એ અમારા દાદાને કારણે. મારા દાદાએ નાનાસાહેબને પત્ર લખીને કહેવડાવ્યું હતું કે સિહોરમાં આવી સાધુવેશે રહો. મારા દાદાની વાત એક વાર ન માનવાનાં માઠાં પરિણામ ભોગવવાં પડ્યાં હતાં. એટલે આ વખતે નાનાસાહેબે દાદાની વાત તરત માની લીધી.’
‘કોઈ ઈતિહાસકારે આ વાત નોંધી છે ?’ સત્તાવીસમી વાર આ કથા સાંભળ્યા પછી એક વાર મારાથી આવો પ્રશ્ન થઈ ગયો.
‘એ વખતે ઝેરોક્ષ મશીન થોડાં હતાં કે મારા દાદાએ નાનાસાહેબને જે પત્ર લખ્યો એની ઝેરોક્ષ નકલ રાખી હોય ? ઈતિહાસકારો તો તરત સાબિતી માગે; પણ તમે આ કથા ફલાણા ઋષિએ કહી અને તે ફલાણા ઋષિએ બીજા ફલાણા ઋષિને કહી એવી વાત માની લો છો, તો આ વાત મારા દાદાના દાદાના પિતાએ મારા દાદાના પિતાને કહી હતી. એમણે મારા દાદાને કહી હતી ને દાદાએ મારી હાજરીમાં મારા પિતાજીને કહી હતી એ વાત તમે કેમ નથી માનતા ? મારા એ જ્યોતિષદાદા નાનાસાહેબ પેશ્વાને સિહોરમાં રૂબરૂમાં મળ્યા હતા. નાનાસાહેબે એમને પ્રૉમિસ પણ આપેલું કે ‘ફરી બળવો કરીશું ત્યારે તમે આપેલા મુહૂર્ત પ્રમાણે કરીશું ને અંગ્રેજો ચાલ્યા જાય પછી તમને પ્રધાનપદું પણ આપીશું, અંગ્રેજો ભલે એ વખતે ન ગયા પણ પછી ગયા તો ખરા ને, એટલે, જવાહરલાલજીએ મારા દાદાને પ્રધાન બનાવવા જોઈતા હતા. એ ન થયું તો ઈન્દિરાજીએ મારા પિતાને પ્રધાન બનાવવા જોઈતા હતા. પણ એય ન થયું. પછી મારો ભાવ પણ કોઈ વડાપ્રધાને ન પૂછ્યો.’ દીર્ઘ નિઃશ્વાસ નાખી મિત્ર વાત પૂરી કરે છે.
આવા અમારા એક બીજા મિત્ર છે. હવે તો તેઓ નિવૃત્ત થઈને વતનમાં જતા રહ્યા છે. પણ પહેલાં અમદાવાદમાં શિક્ષક હતા. તેઓ હંમેશાં માંદા રહેતા. પહેલા વરસાદે શરૂ થયેલી એમની શરદી છેલ્લા વરસાદ સુધી ચાલુ રહેતી. આ પછી એકાદ મહિનાના લઘુવિરામ પછી દિવાળીના દિવસથી શરૂ થઈ હોળીના દિવસ સુધી શરદીના પ્રભાવ હેઠળ રહેતા. ઉનાળામાં આઈસ્ક્રીમ ખાય એ દિવસે એમને અચૂક શરદી થતી. (મિત્રોની લાગણીને માન આપવાની ભાવના એમનામાં ઘણી પ્રબળ, એટલે એમને આઈસ્ક્રીમ ખાવાના પ્રસંગો પણ બહુ આવતા.) પોતાની નબળી તબિયત અંગે ખેદ પ્રગટ કરતાં તેઓ કહેતા, ‘વિધિની વક્રતા જુઓ ! મારા બાના દાદાના મામા પ્રખર વૈદ્ય હતા. લોકોએ જેમને મૃત્યુ પામેલા માન્યા હોય, સગાંસંબંધીઓને સ્મશાને આવવા માટે કહેવરાવી દીધું હોય, નનામીનું બધું મટિરિયલ આવી ગયું હોય એ વખતે મરનારના – આમ તો જો કે જીવનારના – નસીબ હોય ને કોઈને અમારા એ પૂર્વજ યાદ આવે ને તાબડતોબ એમને તેડું જાય અને તેઓ જો ઘેર હોય તો સ્મશાને જવા આવેલા ડાઘુઓને ઘેર પાછા જવું પડે ! નનામીનો સામાન તો કોઈ પાછો રાખે નહીં પણ એ તો આજ નહીં તો કાલ, આપણને નહીં તો પડોશીને કામ આવશે એમ માની મેડે ચડાવી દેવામાં આવે. દાદાએ ચાટણ ચટાડ્યું નથી કે પેલો (કે પેલી) સળવળ્યો નથી ! હા, કલાકમાં દાદા પહોંચી જવા જોઈએ. ગામમાં બીજા બે વૈદ્યો હતા. એમની પ્રૅક્ટિસ ભાંગી ન પડે એ માટે દાદા સીરિયસ કેસ જ હૅન્ડલ કરતા. ગામમાં નનામીના સાજસામાનની એક દુકાન હતી એ એણે ધંધો પડી ભાંગવાને કારણે કાઢી નાખેલી. એટલે ક્યારેક દાદા આઉટ ઑફ સ્ટેશન હોવાને કારણે કોઈનું મૃત્યુ થતું તો નનામીનો સાજસામાન લેવા બહારગામ જવું પડતું. આવા દાદાનો વંશજ એવો હું સદાય માંદો ને માંદો રહું છું એ વિધિની વક્રતા, બીજું શું ?’ મિત્ર અતિશયોક્તિ કરી રહ્યા છે એમ મને એકલાને જ નહીં બીજા મિત્રોનેય લાગતું, પણ દાદાની વાત ચાલતી હોય ત્યારે એમની શરદીમાં રાહત રહેતી. છીંકો ઓછી આવતી એટલે અમે એની એ વાતો ફરી ફરી સાંભળતા.
હવે છેલ્લે મારી વાત. હું તદ્દન બીકણ નથી, પણ બહાદુર તો ન જ કહેવાઉં. મારા ખાતે કોઈ વીરતાભર્યું કાર્ય નોંધાયું નથી ને હવે જીવનના આ ઉત્તરાર્ધમાં નોંધાય એવો બહુ સંભવ પણ નથી. પણ જોગીદાસ ખુમાણનું ભાવનગર રાજ્ય સામે બહારવટું ચાલતું હતું ત્યારે મારા દાદાના દાદા કેડે તલવાર બાંધી ઘોડા પર બેસી રાજ્યનાં રાણીસાહેબાના વેલડા સાથે રક્ષક તરીકે જતા. જોગીદાસ ખુમાણના નામમાત્રથી ભાવનગર રાજ્ય આખું ધ્રૂજતું – પણ દાદા વેલડા સાથે હોય એટલે વેલડું સલામત ! તલવાર બાંધનારા ને વખત આવ્યે વાપરી જાણનારા દાદાના વંશજે (એટલે કે મેં) ખુલ્લી તલવાર ફક્ત ફિલ્મોમાં જ જોઈ છે ! ભલભલા પાણીદાર ઘોડા ખેલવનારા દાદાનો આ વંશજ આજ સુધી ઘોડા પર બેઠો નથી- લગ્ન વખતેય નહીં ! આમ છતાં મારા દાદાની વાતો જાણે મારી વાતો જ હોય એટલા રસથી ને એટલા અભિમાનથી હું કરતો હોઉં છું.
મને લાગે છે કે માણસના પોતાનામાં જે ખૂટતું હોય તે પૂર્વજોમાંથી કોઈનામાં હોય તો એમની વાતોથી માણસને આશ્વાસન મળે છે : હું ભલે કંઈ નથી, પણ મારા પૂર્વજો કેવા મહાન હતા !
12 thoughts on “મેરે પૂર્વજ મહાન ! – રતિલાલ બોરીસાગર”
excellent article,thoroughly enjoyed..
મારા દાદાના દાદા કે’તા કે ધીરજના ફળ મીઠા! ઘણે દિવસે હાસ્યલેખથી ફરી રીડ ગુજરાતી ગાજતું થયું તે ગમ્યું.
સહુને દિપાવલી અને નવા વર્ષની શુભકામના.
ઓહો, દાદાના દાદા, દદીના મામા, બધા આવી ગયા…
આપ સહુને દિપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ.!
વિધિ – હેપી – હેમાક્ષી – પીયૂષ
ખૂબ સરસ લેખ.
માણસના પોતાનામાં જે ખૂટતું હોય તે પૂર્વજોમાંથી કોઈનામાં હોય તો એમની વાતોથી માણસને આશ્વાસન મળે છે : હું ભલે કંઈ નથી, પણ મારા પૂર્વજો કેવા મહાન હતા ! …….. ખરેખર સાચુ જ કહયુ છે આમ જ માણસ જિવિ જાય છે.
પાર્થ
Masત chેchheીc
મારા એટલે અમારા ભાઈ બહેનોના પ્ર પ્ર પ્ર.. દાદાના રાજ ઉપર શત્રુ આક્રમણ કરવા આવેલ. તેણે ગામના કોટ બહાર થોડે દૂર પડાવ નાખેલ. રાત પડી અને શત્રુ રાજા નાચગાનમાં પડેલ. તંબુઓની વચ્ચે ચોગાન જેવું રાખેલ અને નર્તકી નૃત્ય કરતી હતી. મારા દાદાએ કિલ્લા ઉપર જઈને તોપ ગોઠવી અને એક ગોળો ફેંક્યો જે સીધો નર્તકીને છાતી ઉપર જ વાગ્યો. શત્રુ સૈન્યમાં દોડધામ અને ભાગંભાગી થઈ ગઈ. શત્રુ રાજાએ રાતોરાત ઉચાળા ભર્યા. રાજાએ અમારા દાદાને સોનાનો સિંહ આપ્યો. આ સિંહ અત્યારે હાથ વગો નથી. અમારા દાદાએ પણ જોયો નથી. પણ હતો ખરો. રાજાનું રાજ લુણાવાડા. દાદાનું નામ લેપશંકર ત્ર્યંબકેશ્વર વૈજનાથ ભવાનીદત્ત હૃદેરામ માહેશ્વર દવેશ્વર દવે.
રાખો રાખો હવે ટઢા પહોર ની ચલાવો છો..;…. ઃ)
મને લાગે છે કે માણસના પોતાનામાં જે ખૂટતું હોય તે પૂર્વજોમાંથી કોઈનામાં હોય તો એમની વાતોથી માણસને આશ્વાસન મળે છે : હું ભલે કંઈ નથી, પણ મારા પૂર્વજો કેવા મહાન હતા !
વાહ. ખુબ સરસ.
અદકેરા દાદાની અદકેરી વાતો. વાહ !