વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર

[ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ ‘રામાયણ’માં એવું આવે છે કે દશરથ રાજાએ એક વાર અરીસામાં જોયું અને એક સફેદ વાળ નજરે પડ્યો. રાજાએ તરત નિર્ણય કર્યો કે હવે જ્યેષ્ઠ પુત્ર રામને અયોધ્યાની ગાદી સોંપીને પોતે રિટાયર થઈ જવું જોઈએ. મેં અરીસામાં પહેલીવહેલી વાર એકી સાથે અનેક વાળ સફેદ થતા જોયા ત્યારે મારે રિટાયર થવાને તો ઘણીવાર હતી અને હું કોઈ એવા મહાન કુટુંબમાં જન્મ્યો નહોતો કે સફેદ વાળ જોઈ રિટાયર થઈ જાઉં ને મારા પુત્રને મારી ખુરશી પર બેસાડી દઉં !

પ્રભુએ જ્યારે મારું નિર્માણ કર્યું ત્યારે સૌંદર્યની સામગ્રી વાપરવામાં એમણે સારી પેઠે કરકસર કરી હશે એવું બીજાઓને જ નહીં મને પણ ઘણીવાર લાગ્યું છે, પણ પછી પ્રભુને પસ્તાવો થયો હોય કે ગમે તેમ પણ મને પ્રભુએ સુંદર લાંબા કાળા વાળ આપ્યા ને એ રીતે ચહેરાની અસુંદરતા સરભર કરી આપી હતી. પરંતુ ચહેરાની અસુંદરતા આજ સુધી ટકી છે ને જીવનના અંત સુધી ટકી રહેશે, પણ વાળ ધીરેધીરે ઓછા, આછા ને સફેદ થતા રહ્યા. કોઈ અબજોપતિ માણસ ધીરે ધીરે ગરીબ થવા માંડે એવી મારી સ્થિતિ થઈ છે. વર્ષો સુધી જ્યાં નિવાસ કર્યો એવા મારા માથાને છોડતાં વાળને શું થયું હશે તે હું કહી શકતો નથી, પણ વાળની વિદાય મારા માટે વહલાની વિદાય જેટલી જ વસમી થઈ પડી છે.

દરરોજ માથામાં તેલ નાખતાં પહેલાં હું મારા વાળનું નિરીક્ષણ કરવા માંડ્યો. ‘વાળ’ એ ‘અકાઉન્ટેબલ’ (ગણી ન શકાય તેવી) સંજ્ઞા છે, પરંતુ મને લાગ્યું કે મારા વાળ વ્યાકરણ સામે બળવો કરીને ‘કાઉન્ટેબલ’ (ગણી શકાય તેવી) સંજ્ઞા બનવા કૃતનિશ્ચય છે. ‘વાળવિષાદયોગ’ના દિવસોમાં પૉઝિટિવ થિંકિંગનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું. રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’ની જાદુઈ અસર ગાંધીજી પર થઈ હતી એવી આ પુસ્તકની જાદુઈ અસર મારા પર થઈ. (અહીં તુલના બે પુસ્તકો વચ્ચે છે, મારી અને ગાંધીજી વચ્ચે નથી એની સુજ્ઞ વાચકોએ નોંધ લેવી.) વાળની વસમી વિદાય અંગે જીવ બાળવા કરતાં મિશ્ર સરકારના વડા પોતાની સાથે હોય એમાંથી કોઈ જતું ન રહે એની કાળજી રાખે છે, એ રીતે મારા માથા પરના શેષવાળમાંથી હવે ઓછા ન થાય એની કાળજી લેવાનો અને સાથે સાથે જતા રહેલા વાળ પાછા આવી, ફરી મારા માથાને શોભાવે એ માટે પણ પુરુષાર્થ કરવાનો મેં નિશ્ચય કર્યો. આ પુરુષાર્થ માટે જે કંઈ અર્થવ્યય કરવો કે તે કરવા પણ હું તૈયાર થયો.

‘તમે સારું આયુર્વેદિક તેલ વાપરો.’ એક મિત્રે મને સલાહ આપી. (જો કે એ મિત્ર માથા પર વિગ પહેરે છે.) મિત્રની સલાહ સ્વીકારી આયુર્વેદિક દવાઓની દુકાને ગયો. કાઉન્ટર પર એક યુવાન બેઠો હતો. યુવાનના માથા પર ટાલ ઝગમગી રહી હતી. યુવાનની ટાલ જોઈ મારો ઉત્સાહ થોડો મંદ તો પડી ગયો, છતાં ‘પૉઝિટિવ થિંકિંગ’નો અભિગમ જાગ્રત કરી મેં એ કેશવિહીન યુવાનને કહ્યું, ‘માથામાં નાખવાનું સારું તેલ છે ?’
‘છે.’ યુવાને એકાક્ષરી જવાબ આપ્યો.
‘શો ભાવ છે ?’
‘કાકા, કોને માટે તેલ જોઈએ છે ?’
‘કેમ ? સીનિયર સિટિઝનો માટે કોઈ સ્પેશિયલ પ્રકારનું તેલ આવે છે ?’ મેં પૂછ્યું.
‘એવું તો નથી, પણ તમારી વાત પરથી લાગે છે કે તમારે તમારા માટે જ તેલ જોઈએ છે.’
‘હા, મારે મારા માટે જ તેલ જોઈએ છે.’
‘કાકા, હું તો તમારાથી ઘણો નાનો છું એટલે મારાથી તમને સલાહ ન અપાય; પણ કાકા, આ ઉંમરે તમારે એક હજાર રૂપિયાની બોટલવાળું તેલ વાપરવાની શી જરૂર છે ? માથા પર પચાસ વાળ રહ્યા કે પચ્ચીસ રહ્યા, અરે સાવ ન રહ્યા તોય શો ફેર પડે છે ? મને તો ત્રીસ વર્ષ જ થયા છે; આ મારી પોતાની દુકાન છે ને તોય હું આવું મોંઘું તેલ વાપરતો નથી- માથા પર ટાલ પડી ગઈ છે તોય.’ મને લાગ્યું કે આ યુવાન કોઈ યોગભ્રષ્ટ આત્મા છે ને હરિદ્વાર કે હૃષિકેશના કોઈ આશ્રમમાં હોવાને બદલે અહીં મહાનગરમાં વસી રહ્યો છે. એની સલાહ ખોટી નહોતી છતાં હું તો તેલ ખરીદવા કૃતસંકલ્પ હતો એટલે મેં કહ્યું, ‘તમારી સલાહ માટે આભાર; પણ મારે તેલ જોઈએ જ છે.’ સદભાગ્યે મારી પાસે પંદરસો રૂપિયા હતા. એમાંથી મેં એને પાંચસો-પાંચસોની બે નોટ આપી અને યુવાને કચવાતે જીવે (મને એવું લાગ્યું) મને તેલ આપ્યું. યુવાને મને સલાહ આપી તો એનું ઋણ ફેડવા માટે મારે પણ એને થોડી સલાહો આપવી જોઈએ એવી ભાવનાથી પ્રેરાઈ મેં પણ ‘આ રીતે તેલ ખરીદવા માટે આવેલા ગ્રાહકને પ્રોત્સાહિત કરવાને બદલે હતોત્સાહ કરતા રહેશો તો દુકાન બંધ કરવાનો વખત આવશે.’ એવી થોડી સલાહો આપી.

તેલ ખરીદીને હું ઘરે આવ્યો. હું અકબર બાદશાહ કે સમ્રાટ અશોક હોત તો મેં માથાના વાળ વધારે ને કાળા કરે એવા તેલના હોજ બનાવડાવ્યા હોત; પણ આજની સ્થિતિમાં તો હજાર રૂપિયાનું તેલ ખરીદવાનું પણ મારા ખિસ્સાને કોઈ રીતે પરવડે એમ નહોતું. વાળ વધે કે ન વધે, આ મહિને દેવું તો ચોક્કસ વધવાનું હતું. આ ખર્ચનું એડજેસ્ટમેન્ટ કરવાની ચિંતામાં થોડા વધુ વાળ ખરી જાય એ પણ તદ્દ્ન અસંભવિત હતું. આ બોટલ પાછી આપવા જાઉં તો પેલો ભલો યુવાન ચોક્કસ પાછી રાખી લે, પણ એમ કરતાં મને સંકોચ થયો. ઘરે આવ્યો ત્યારે સદભાગ્યે જીવનસખી ઘરે નહોતી. એની એક સખીને ત્યાં મિત્રમંડળની બેઠક હતી એમાં જવાને કારણે છેક સાંજે આવશે એવા નિર્દેશવાળી એની ચિઠ્ઠી ટેબલ પર હતી. આ ચિઠ્ઠી વાંચી મને થોડી નિરાંત થઈ. સાંજ સુધીમાં તો આટલું મોંઘું તેલ ખરીદવાનાં કારણો સૂઝી આવશે એમ મને લાગ્યું. આ તેલનું સિંચન થયા – ભેગું જ મગજ વધુ તેજ ગતિએ ચાલવા માંડશે એવી આશા પણ મને બંધાઈ. સામાન્ય રીતે આજનાં કામ કાલ પર ઠેલવાની મારી પ્રકૃતિ છે, પણ આ તેલનો પ્રયોગ ‘આજ આજ ભાઈ અત્યારે’ની ભાવનાથી શીઘ્રાતિશીઘ્ર આરંભવાનો મને વિચાર આવ્યો. તેલનો શીશો લઈ હું બાથરૂમમાં ગયો. જેવો માથા પર તેલનો અભિષેક કરવા અરીસામાં જોઈ મેં હાથને સહેજ વાળ્યો કે તૂટેલા કાચને કારણે એક ચકલું ફર….ર..ર…. કરતું બાથરૂમની બારીમાંથી ઘસી આવ્યું. ચકલાના ઓચિંતા પ્રવેશથી અને સ્પર્શથી મારો હાથ હલી ગયો ને અર્ધો શીશો તેલ માથા પર ઢળી ગયું. માથું આટલા મોટા પ્રમાણમાં તેલ સંઘરી શક્યું નહીં એટલે તેલના રગેડા શરીર પર ઊતર્યા. અણધારી પરિસ્થિતિ ઊભી થતાં થોડીવાર તો શું કરવું તે મને સૂઝ્યું નહીં. માથું ધોઈ નાખું તો અઢીસો-ત્રણસો રૂપિયાની કિંમત જેટલું તેલ એમ જ નિરર્થક વહી જાય – અને ન ધોઉં તો તેલથી તરબતર માથા સાથે સમય વ્યતીત કરવો પડે. આખરે માથું ધોવાનું માંડી વાળી તેલ અને વાળનો સંયોગ અખંડ રાખવાનો મેં નિર્ણય કર્યો.

શરીરે માત્ર ચડ્ડી ધારણ કરી, તેલ-નીતરતા શરીરે હું બાથરૂમની બહાર આવ્યો. વધારે પડતી વર્ષા પછી ક્યારામાં પાણી સમાય નહીં તેમ તેલ મારા અલ્પસંખ્યા વાળમાં સમાતું નહોતું. હાથથી શરીર પરનું તેલ લૂછી લૂછી હું માથા પર ચોપડવા લાગ્યો, પણ અપરિગ્રહવ્રત ધારણ કર્યું હોય તેમ મારું માથું તેલ સંઘરવાનો ઈનકાર કરવા લાગ્યું. આખરે વહી જતાં તેલને રોકવા મેં માથા પર મોટું સફેદ કપડું બાંધ્યું. કપડું બાંધી કાચમાં જોયું તો હું કોઈ પ્રખર સર્વોદય કાર્યકર જેવો શોભી રહ્યો હતો. આટલા બધા તેલને કારણે કદાચ આવતીકાલે જ મારા માથા પર જથ્થાબંધ વાળ ઊગી નીકળશે એવી આશા મને બંધાઈ ! જો કે અતિવર્ષાને કારણે વાવેલું બધું નકામું થઈ જાય છે તેમ અતિ તેલ સિંચનને કારણે મારા રહ્યા-સહ્યા વાળ પણ જતા નહીં રહે ને એવી મને બીક પણ લાગી.

મનની આવી હાલક-ડોલક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં ડોરબેલ વાગી. કોણ હશે એવો વિચાર કરતો બારણા પાસે ગયો. કી-હોલ દ્વારા આગંતુકનું દર્શન કરવા પ્રયાસ કર્યો, પણ આગંતુક કી-હોલની સીધી રેખામાં ઊભાં નહોતાં. અલબત્ત, પોશાક પરથી કોઈ સન્નારી છે એટલી ખબર અવશ્ય પડી. પણ તેથી મારી મૂંઝવણમાં ઉમેરો થયો. આવી સ્થિતિમાં કોઈ સન્નારી સમક્ષ ઉપસ્થિત થવાનું એક શિષ્ટ નાગરિક તરીકે મારા માટે શોભાસ્પદ નહોતું અને આંગણે આવેલા અતિથિ માટે દ્વાર ન ખોલવાનું એક ખાનદાન યજમાન તરીકે મારા માટે ઉચિત નહોતું. હું ખરે જ દ્વિધામાં મુકાયો. ત્યાં ફરી ઘંટડી રણકી – ફરી દ્વિધા – બારણું ખોલું ? કે ન ખોલું ? આખરે દ્વાર ખોલી પહેલાં ઝડપથી બાથરૂમમાં ઘૂસી જવું ને બંધ બાથરૂમમાંથી સંવાદ ચલાવો એવો વિચાર કરી મેં દ્વાર ખોલ્યાં….. ને સામે બારણું ખોલવામાં વાર લગાડવા બદલ ઠપકો આપવા તત્પર એવી જીવનસખી ઊભી હતી !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઝરણું વહે છે તો વહેવા દો – સુરેશ દલાલ
પ્રસંગરંગ – સંકલિત Next »   

16 પ્રતિભાવો : વાળવૃદ્ધિનો એક અદ્દભુત પ્રયોગ – રતિલાલ બોરીસાગર

 1. …………….આટલા બધા તેલને કારણે કદાચ આવતીકાલે જ મારા માથા પર જથ્થાબંધ વાળ ઊગી નીકળશે એવી આશા મને બંધાઈ ! જો કે અતિવર્ષાને કારણે વાવેલું બધું નકામું થઈ જાય છે તેમ અતિ તેલ સિંચનને કારણે મારા રહ્યા-સહ્યા વાળ પણ જતા નહીં રહે ને એવી મને બીક પણ લાગી

 2. M says:

  ખુબજ મજા આવિ…

 3. KTN says:

  વાહ રતિલાલ વાહ ….. !

 4. વાહ ! વાહ ! રતીભાઇ, શુ સુન્દર કલ્પના , સાચે જ ખુબ મઝા પડી ગઈ.

 5. ખુબ મજા આવી ! વર્ષની શુભ શરુઆત !

 6. JyoTs says:

  wow….what a nice writing…..i really enjoyed this…thanx…n Happy new year to all….

 7. ખૂબ સરસ લેખ,મજા પડી ગઈ. ધન્ય વાદ- શ્રી રતિભાઈ !

 8. shruti says:

  લેખક શ્રી રતિલાલ બોરિસાગર હોય તો સ્વાભાવિક આ લેખ માર્મિક અને હાસ્યસભર બને જ.
  ખુબ સુન્દર લેખ છે.

  મજા આવી ગઇ.

  આભાર.

 9. ખૂબ સરસ લેખ. મુ. રતિલાલભાઈની શૈલી ખૂબ જ સરસ અને સરળ છે. રીડ ગુજરાતીના બધા હાસ્યલેખો સરસ છે. હજી શ્રી ઉર્વીશભાઈ કોઠારીના લેખો ઉમેરી શકાય તો સોનામાં સુગંધ. આભાર.

 10. નમ્સ્કર ર્
  રતિલલ ભઐ યાદ આયા કેશવ યિન કેશન અસ્કરિ જસ અરિહુ નકરાય
  મરિગ લોચ્અનિ ગજ્ગામનિ બાબાકહિ કહિ જાય્///કેશવ //હિન્દિ કવિ
  ધવલા ચાબ્દિકા રૌપયા ભલા ધવલએભલે ન કે શ્
  સુબન્દર વ્યન્ગ્
  સાધુવાધ્

 11. Bipin says:

  ખુબજ સુંદર કલ્પના અને વાસ્તવિકતાને સ્પર્શ કૃતિ છે….આભાર…………. શ્રી રતિલાલભાઈ

 12. dhanesh says:

  thanks I like your lekha

 13. naseem says:

  wow!i m a teacher.i and my all students enjoyed your fabulous laughing article.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.