[‘જન્મભૂમિ પ્રવાસી’ મધુવન પૂર્તિમાંથી સાભાર.]
[1] આજકાલ – ઈલાક્ષી પરમાનંદ મર્ચંટ
(અ) ગઈકાલ
હાલો છોકરાઓ, ઊઠી જાવ તો, આજે નવા વરસ જેવું પરબ છે. જલદી ઊઠીને, નહાઈ-ધોઈને, પાઠપૂજા કરી ભગવાનના આશીર્વાદ લો. પછીથી ગામમાં દરેક ઘરે જઈને વડીલોના આશીર્વાદ લો. આશીર્વાદનું ધન એવું છે કે ઘરના અને બહારના આશીર્વાદ ભેગા થાય અને ફળે તો જીવતર સુધરી જાય અને વહુ, તમે પણ મજાના તૈયાર થઈ પોળમાં દરેક ઘરે જઈ, આશીર્વાદ લઈ, મીઠું મોઢું કરી આવો, સાથે આપણા ઘરમાં જે પણ બનાવ્યું છે તે ઢાંકીને લઈ જવાનું ભૂલતા નહીં. ભલે, એ લોકોનાં ઘરે પણ મિષ્ટાન-ફરસાણનો તોટો ન હોય, પણ આપણે પણ શકન કરાવવા જોઈએ. આનંદ તો જેટલો વહેંચીએ બમણો જ થાય. ના, હું સાથે નહીં આવું. ગામના બધા નાના-મોટા મને પણ પગે લાગવા આવે ત્યારે ઘર ખુલ્લું હોય તો જ મીઠું મોઢું કરાવી શકાયને ? એટલે હું તો ઘરે જ રહીશ. આજે ઘર બંધ ન કરાય.
(બ) આજ
આજે તેં શું માંડ્યું છે મમ્મી ? આટઆટલી ચીજો બનાવ્યા પછી પણ તને ધરવ નથી થતો ? હજી કેટલી ચીજો બનાવવી છે ? ના હો, મારે આમાંનું કશું પણ શીખવું નથી. આ બધું બનાવવા હું નવરી પણ નથી. કાલે સાલ મુબારક કરવા આવનારા લોકોને આ બધું ખવડાવવું જરૂરી નથી. બજારમાંથી બે-ચાર ચીજો મગાવીને ડીશમાં મૂકી દેવાની. બધાને બધી જ ચીજોની ડીશ જુદીજુદી આપવાની જરૂર નથી. એ લોકો જેટલા ઘરે ફરશે બધું ખાવાના જ ને ? કાલે હું ક્યાંય નહીં આવું. મારા ગ્રુપે દરિયાકિનારે જઈને નવું વરસ ઉજવવાનું નક્કી કર્યું છે. ના, તેં જે કંઈ બનાવ્યું છે એ અમને નહીં ચાલે. આ તારી ઘી-તેલથી લથપથ વાનગીઓ, ઉપરથી લટકામાં સાકર નાખેલી. આવી વાનગીઓ શરીરને નુકશાન જ કરે છે. આમાંનું કંઈ પણ ખાઈને મારે મારું ‘ફિગર’ બગાડવું નથી. તારે જે રીતે દિવાળી અને બેસતું વર્ષ ઊજવવું હોય, તું તારી રીતે ઊજવી લે. મને મારી રીતે નવું વરસ ઊજવવા દે.
(ક) આવતીકાલ
અરે વાહ, ડિયર, આ વખતે દિવાળી અને બેસતા વરસની બે રજાઓ બુધ અને ગુરુવારે છે. સેટરડે-સન્ડે તો ઑફ હોય જ છે. વચમાં માત્ર શુક્રવાર રહ્યો. એક કામ કરીએ, આપણે બંને શુક્રવારના એક દિવસની રજા મૂકી દઈએ અને કોઈ હિલ સ્ટેશન પર ચાલ્યા જઈએ. છોકરાઓ પણ હિલ સ્ટેશન જવાનું મળશે એટલે રાજી થશે. અહીં રહીએ તો ‘સાલ મુબારક’ કહેવાના બહાને આવનારા લોકો બોર કરશે. વળી એમના માટે ઘરમાં કંઈ બનાવવાનો મને ટાઈમ નથી અને ડિયર, તું તો જાણે છે બજારની વસ્તુઓ કેટલી ભેળસેળવાળી હોય છે. છોડને આ બધી પળોજણ, આપણે બહારગામ જઈએ તો આ બધી લપમાંથી પોતાની મેળે છૂટી જઈશું.
.
[2] દીકરી-સંવેદનાની સરિતા – રોહિતકુમાર ખીમચંદ કાપડિયા
છેલ્લા કેટલાયે મહિનાથી જીવી એની પાંચ વર્ષની દીકરી કમુને આંગળીએ વળગાડીને ચાર માળના મકાનમાં કચરો કાઢવા જતી. કમુને નીચે રમકડાંની દુકાનની બહાર બેસાડી એ મકાનમાંથી કચરો કાઢી આવતી. કમુ એ રમકડાંની દુકાનની બહાર બેસી કાચમાંથી રમકડાંને જોઈ રહેતી. એક રંગીન ઢીંગલી એને બહુ જ ગમતી. કમુનો અડધો કલાકનો એ સમય ઢીંગલી જોવામાં જ પસાર થઈ જતો. કમુ જન્મથી જ મૂગી હતી. સાંભળતી બધું જ, પણ કંઈ સમજતી ન હોય તેમ બાઘાની જેમ જ રહેતી. કોને ખબર કેમ પણ જીવીને એમ લાગતું કે કમુ આ ઢીંગલી સાથે મનોમન વાત કરે છે. આ વખતે એણે નક્કી કર્યું કે એ અભાગણી દીકરીને એના જન્મદિને ઢીંગલી અપાવી જ દેશે.
દિવાળીના દિવસે કમુનો જન્મ થયો હતો. ભગવાને રૂપરંગ સારાં આપ્યાં, પણ વાચા જ ન આપી. એની જિંદગીમાં જાણે એ સદાયનો અંધકાર લઈને આવી હતી. મૂઈ આ….ઉ……અઈ….એ….. એવું પણ કંઈ બોલતી નથી. કદાચ આ ઢીંગલી એને અપાવી દઈશ તો ખુશ થઈ જશે. એણે આઠ આના-રૂપિયો ભેગા કરીને પૈસા પણ બચાવવા માંડ્યા હતા. આખરે દિવાળીનો દિવસ આવ્યો. જીવીએ એક શેઠાણીએ આપેલું સારું ફ્રોક કમુને પહેરાવ્યું. માથામાં આછું તેલ નાખ્યું ને કહ્યું, ‘તને પેલી ઢીંગલી બહુ ગમે છે ને, આજે તને અપાવી દઈશ, પછી આખો દિવસ એની સાથે રમ્યા કરજે.’ કમુ કંઈ સમજી તો ખરી, પણ કોઈ પ્રતિભાવ આપ્યા વગર માની આંગળી જોરથી પકડી લીધી.
દુકાનમાં જઈ જીવીએ કમુને કાખમાં તેડી લીધી અને શેઠને કહ્યું, ‘પેલી ઢીંગલી બતાવો ને ?’ શેઠે ઢીંગલી કાઢી જીવીના હાથમાં મૂકતાં કહ્યું, ‘બેટરીથી ચાલતી ઢીંગલી છે. બટન દબાવીએ એટલે મીઠા અવાજે જુદી જુદી કવિતા બોલે છે.’ આજે ઢીંગલી અને કમુની વચ્ચે કાચનો પડદો ન હતો. ઢીંગલી પર હાથ ફેરવતાં ખુશ થયેલી કમુ પહેલીવાર આ…..આ…. એમ બોલી. જીવી તો કમુને આટલું પણ બોલતાં સાંભળી ગાંડી-ગાંડી થઈ ગઈ. એણે શેઠને પૂછ્યું, ‘ઢીંગલી કેટલાની છે ?’ શેઠના મુખેથી સાતસો રૂપિયા એટલું સાંભળતાં જ જીવીના હોશકોશ ઊડી ગયાં, એણે હાથમાં કાઢેલો લગભગ સો-સવાસો રૂપિયા જેટલો પરચૂરણનો બટવો પાછો ગાંઠે બાંધી દીધો. એની આંખમાંથી દડદડ આંસુ સરી પડ્યાં. બાની આંખમાં આંસુ જોતાં જ કમુએ ઢીંગલી પાછી મૂકી દીધી. એના નાનકડા હાથથી એની બાની આંખનાં આંસુ લૂછ્યાં ને પછી જોરથી એને વળગી પડી. વગર બોલે કમુ ઘણું બધું બોલતી થઈ ગઈ.
7 thoughts on “પ્રસંગરંગ – સંકલિત”
આ…..આ…. એમ બોલી. જીવી તો કમુને આટલું પણ બોલતાં સાંભળી ગાંડી-ગાંડી થઈ ગઈ. એણે શેઠને પૂછ્યું, ‘ઢીંગલી કેટલાની છે ?’
એના પછી થોડુક અજુગતુ લાગે છે…….
વગર બોલે કમુ ઘણું બધું બોલતી થઈ ગઈ.
આજકાલ – લેખ નો અનુભવ મે મરિ જાતે કર્યો છે. મારી ઊમર
૧૦ વરસ -> હુ ગઈકાલ ને અનુભવ્યો.
૧૮ વરસ -> હુ આજ ને અનુભવ્યો.
૩૦ વરસ -> હુ આવતી કાલ ને અનુભવી રહ્યો છુ. ઃ-)
હે ભગવાન, તને પણ બેઠા-બેઠા આ શું ગંમ્ત સુજે છે? મને ખરેખરે ઘણુ દુઃખ થાય જ્યારે એક બાળક ને તેના જરૂરીયાત ની એક સામાન્ય ઢીંગલી પણ ના મળે… આંખો માં આસુ આવી ગયા… મને મારી ૫ વર્ષની ભત્રીજી દેખાઈ આવી કમુ ના રૂપ માં…
વાચા ઉપયોગી છે પણ પૂરતી નથી. વાત તો હૃદયથી થાય ને!
ખૂબ જ સરસ સંકલન બદલ આભાર.
આજ કાલ આપણે ત્યા માણસ બહુ સ્વાર્થી બની ગ્યો છે, ખાસ તો ૧૯૯૦ પચીની પેઢી..સંયુક્ત કુટુંવબ કે પછી જે પારીવરીક ભાવના વર્ષો પેહલા જોવા મળતી હતી એ હવે ભાગ્યે જ જોવા મળે છે..
ઈલાક્ષીબેન,
તહેવારો ઉજવવા માટે ” દિલ ” જોઈએ … સમય, પૈસા, સગવડો વગેરે ગૌણ છે. આજકાલ આ બધું ખૂબ જ વધ્યું છે પરંતુ મન સાંકડાં થયાં છે અને તેથી તહેવારો ઊજવવાને બદલે લોકો બહાર ભાગી જાય છે જે દુઃખદ છે જ.
૨. ગરીબીની વાતો તો બહુ કરીએ છીએ પરંતુ … તેને નાબુદ કરવાનું કંઈક કરીએ તો જ કંઈક હકારાત્મક કર્યું ગણાશે ને ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}