કપૂરના દીવા – ઉમાશંકર જોશી

[ ‘જનકલ્યાણ’ ઑક્ટોબર-2011માંથી સાભાર.]

[1] ગોળમેજી પરિષદમાં હાજરી આપવા બાપુ આગબોટમાં બેસીને ઈંગલેન્ડ જઈ રહ્યા હતા. આગબોટ ઉપર ભાતભાતનાં માણસો હોય. એક પરદેશી જુવાનને થયું કે લાવો, બૂઢાની જરીક ગમ્મત ઉડાવીએ. એણે તો મજાની એક કવિતા લખી કાઢી. ગાંધીજી તૂતક ઉપર બેઠાબેઠા કામ કરતા હતા, ત્યાં જઈ પેલા જુવાને કવિતા એમના હાથમાં મૂકી. ગાંધીજીએ એક ઝડપી નજરે કાગળિયાં જોઈ લઈ પડખેની કચરાની ટોપલીમાં પધરાવ્યાં. જુવાન જરીક ખસિયાણો પડ્યો, પણ તરત હસીને કહેવા લાગ્યો :
‘જુઓ તો ખરા, એમાં સાર છે.’
ગાંધીજીએ પોતાના હાથની આંગળીઓ વચ્ચેની ટાંકણી બતાવીને કહ્યું : ‘સાર સાર તો મેં ખેંચી લીધો છે. આ રહ્યો છે.’

[2] સેવાગ્રામ આશ્રમ હજી નવોનવો શરૂ થયો છે. રૂ પીંજવું, સૂતર કાંતવું, એના પાઠ લેવા આસપાસનાં ગામડાંના નાના છોકરાઓ આવે છે. સાંજ પડ્યે બે પૈસા રળે પણ છે. છોકરાઓ સવારે આવે ને સાંજે જાય. એક વાર, સૂવા જતાં પહેલાં, બાપુએ વિજયાને પૂછ્યું : ‘પેલા છોકરાઓનું બપોરના જમવાનું શી રીતે ચાલે છે ?’ વિજયા બાપુનાં, બાનાં, પોતાનાં કપડાંની ડોલ ભરીને રોજ બપોરે કૂવા પર ધોવા જાય. છોકરાઓને પણ કૂવાકાંઠે જમવા આવવાનો એ જ વખત. એટલે એમના જમવા વિશે પોતે કંઈ જાણે છે. વળી પોતે કોઈ વાર એમને પૂછે પણ : શું ખાવાનું છે આજે ? છોકરાઓ જવાબ આપે : ભાખરી-શાક. આ બધું વિગતે વિજયાએ બાપુને જણાવ્યું.
બાપુએ પૂછ્યું : ‘આપણે ત્યાં છાશ વધે છે ?’
વિજયાએ કહ્યું : ‘હા.’
બાપુ : ‘તો છોકરાઓને કાલથી છાશ આપજે.’
વિજયાએ એ માથે લીધું.

ત્રણ દિવસ પછી બાપુએ સૂવા જતાં પહેલાં પૂછ્યું :
‘વિજયા, પેલા છોકરાઓને છાશ આપે છે ને ?’
વિજયા : ‘બાપુ, હું એ ભૂલી ગઈ. મારી ભૂલ થઈ ગઈ.’
બાપુ જરીક ખમચાયા. પછી વિજયાને વહાલથી કહે : ‘ના, તું ભૂલી નથી ગઈ. તારો ભૂલવાનો સ્વભાવ નથી. મારું જે-જે કામ તેં માથે લીધું છે, તે તું રજેરજ સાવધાનીથી કરે છે. ફરવા નીકળું ત્યારે ચંપલ બરાબર લૂછેલાં-બરોબર ગોઠવેલાં હોય છે. પાસે લાકડી તેની જગાએ મૂકેલી હોય છે. ના, તારો સ્વભાવ ભુલકણો નથી. પણ કહું ? મારું તું નાનુંમોટું રજેરજ કામ કરે તેમાં ક્યાંય કશું ભૂલે નહિ, કેમ કે હું તો ‘મહાત્મા’ કહેવાઉં ને ? એવાનાં કામ તો જરીકે ભૂલ્યા વગર આપણે કરીએ. પણ આ તો નાનાં, અજાણ્યાં છોકરડાં. એટલે એમનું કામ ભુલાઈ જાય. પણ તને કહું છું કે મારું કામ ભુલાઈ જાય તો કશો જ વાંધો નહિ, આવાંઓનું કામ પૂરી કાળજીથી અને સંભાળથી કરીશ ને તો મને સૌથી વધુ સંતોષ થશે.’

[3] સેવાગ્રામ આશ્રમમાં એક છોકરો આમથી તેમ ફરે છે. વિજયાએ એને જોયો. નામ પૂછ્યું, કામ પૂછ્યું.
‘મારું નામ સોમો. સાબરમતી આશ્રમમાં હું પહેલાં રહેલો છું. હવે મારે અહીંના આશ્રમમાં રહેવું છે.’
વિજયા એને બાપુ પાસે લઈ જાય છે. બાપુએ એને ઓળખ્યો. સોમો હરિજન છોકરો છે. ભલે અહીં રહે. વિજયાને થોડીક સૂચના આપી. સાબરમતીમાં સોમો ક્યારેક કોઈ વસ્તુ ઉઠાવી પણ લેતો. એને કામ વગેરે સોંપવું અને એની સંભાળ રાખવી. સોમો તો ફૈઝપુર અધિવેશનમાં ગયેલો ત્યાંથી હાથેપગે જ અહીં આવી પહોંચેલો. ચડ્ડીબંડી પહેરેલી એ જ. વિજયાએ એના જમવાની વ્યવસ્થા કરી. સૂવા માટે પોતાની પાસેથી શેતરંજી કાઢી આપી. માતા કસ્તૂરબાએ ઓઢવાનું આપ્યું.

એ દિવસે રવિવાર હતો. રવિવારે રાતે બાપુનું મૌન શરૂ થાય, સોમવાર સાંજ સુધી ચાલે. રાતે બાપુએ સૂવા જતાં પહેલાં જમીનથી બે-ત્રણ ફૂટ ઊંચે હાથ રાખી, નાનકડો છોકરો એમ સૂચવી, માથું હલાવી આંખથી એનું શું થયું એમ પૂછ્યું. વિજયાએ બધી વ્યવસ્થા થઈ ગઈ છે, એમ વિગતો આપીને જણાવ્યું. બાપુએ એને ખભે હાથ મૂકી બીજો હાથ લંબાવી ‘ચાલ !’ એમ ઈશારો કર્યો. વિજયા ઘણુંયે કહે કે બાપુ, જમાડી-કરી બરોબર સુવાડ્યો છે, પણ માને તો ને ? ગયા ને જોયું તો ઓસરીમાં બરોબર ઓઢી-કરીને સોમો ઊંઘી ગયો છે. બાપુ વિજયાને અંદરની ઓરડીમાં લઈ ગયા. એક ખીંટી ઉપર એક પોટલી લટકતી હતી. ત્યાં જઈને ઊભા. ઈશારાથી કહે, એ ઉતાર, ખોલ. પછી પોતે નીચે બેસીને એમાંથી કાંઈક શોધવા લાગ્યા. પોટલી બાપુનાં પોતાનાં વપરાયેલાં જૂના ધોતિયાં વગેરેની હતી. એમાંથી ગડીબંધ એક થપ્પી લીધી અને ઊઠ્યા. ઓસરીમાં આવી સોમાના મોં ઉપરથી ઓઢેલું ખસેડ્યું. સોમો ઘસઘસાટ સૂતો હતો. એનું માથું હળવેકથી ઊંચું કર્યું અને એના માથા નીચે પેલાં ગડીબંધ લૂગડાંનું ઓશીકું ગોઠવી દીધું અને સોમાને બરોબર ઓઢાડ્યું. પછી પોતે સૂવા ચાલ્યા ગયા. સોમો ઘસઘસાટ ઊંઘતો હતો. એના આરામમાં એક મહાત્માનું કાળજીભર્યું વાત્સલ્ય ઓશીકા-રૂપે આવીને ગોઠવાયું હતું.

[4] બાપુના ડિલ ઉપર પહેરણ પણ નથી, એ જોઈ એક નાનકડા વિદ્યાર્થીએ એમને પૂછ્યું, ‘બાપુ, તમે શરીર પર પહેરણ કેમ પહેરતા નથી ?’
બાપુ કહે : ‘મારી પાસે પૈસા ક્યાં છે ?’
વિદ્યાર્થી : ‘હું મારી માને કહું છું, તે આપને પહેરણ સીવી આપશે. પછી પહેરશો ને ?’
બાપુ : ‘કેટલાં સીવી આપશે ?’
વિદ્યાર્થી : ‘તમારે કેટલાં જોઈએ ? એક….બે…. ત્રણ……’
બાપુ : ‘હું કાંઈ એકલો છું ? મારા એકલાથી પહેરાય ?’
વિદ્યાર્થી : ‘ના, એકલાથી તો ન પહેરાય. તમારે કેટલાને માટે જોઈએ ?’
બાપુ : ‘મારે તો ચાલીસ કરોડ ભાઈભાંડુ છે. તારી માતા એ બધાને માટે સીવી આપશે ? એમની પછી મારો વારો આવે.’ વિદ્યાર્થી વિમાસણમાં પડી ગયો. નિર્દોષ બાળક પ્રેમથી બાપુને પહેરણ આપવા ગયો. એના કુમળા હૃદયને બાપુએ વિશ્વકુટુંબભાવની દીક્ષા આપી.

[5] આટઆટલાં કામ વચ્ચે પણ બાપુ દરરોજ સવારમાં એક-એક કલાક અચૂક ફરવા જાય. પોતાના રાજકીય ગુરુ તરીકે જેમને પોતે માનતા તે ગોખલેજી ફરવા ન જતા અને એમની તબિયત જેમતેમ રહેતી, એ વિશે બાપુ અદબપૂર્વક અણગમો પણ બતાવતા. આશ્રમમાંથી ફરવા નીકળે ત્યારે એમની સાથે અનેક લોકો હોય. કોઈ ખાસ વાત કરવા સમય માગે તો એને વહેલી સવારનો ફરવા જવાનો સમય પણ મુલાકાત માટે આપે. ચાલતા જાય અને વાતો કરતા જાય. પણ બાળકોનો હક બાપુ ઉપર સૌથી પહેલો. બાપુ એમની સાથે તોફાને પણ ચડે.

એક વાર એક તોફાનિયાએ પૂછ્યું : ‘બાપુ, એક વાત પૂછું ?’
બાપુએ હા કહી એટલે જરીક આગળ નીકળીને સામે જોઈ બોલ્યો : ‘અહિંસાનો અર્થ એ જ ને કે બીજાને દુઃખ ન દેવું ?’ બાળકે ઠાવકા રહી સવાલ પૂછ્યો હતો.
બાપુએ કહ્યું : ‘બરોબર.’
બાળકે તરત એમને પકડ્યા : ‘તો પછી હસતાં હસતાં અમને ગાલે ચીમટી ભરો છો તે હિંસા કહેવાય કે અહિંસા ?’
બાપુ બોલ્યા : ‘ઊભો રહે, શેતાન નહિ તો !’ અને એને પકડીને જોરથી ચીમટી ભરી. બધાં બાળકો હસતાં-હસતાં તાળી બજાવવા લાગ્યાં : ‘બાપુને ખીજવ્યા ! બાપુને ખીજવ્યા !’ પણ બધામાં સૌથી મોટું ખડખડાટ હાસ્ય તો બાપુનું સંભળાતું હતું.

[6] સાબરમતી આશ્રમમાં સાંજની પ્રાર્થના પૂરી થઈ છે. કિનારાને ઘસાઈને સાબરમતીનાં નીર ખળખળ વહી રહ્યાં છે. આકાશમાં વસંતની પૂર્ણિમા ખીલી છે. પ્રાર્થના પછી એક બિછાનામાં તકિયા પર જમણા હાથનો ટેકો રાખી ગાંધીજી આડા પડ્યા છે. તેઓ ઉઘાડે શરીરે છે. ઠંડી લાગશે એમ માની બા એમને એક ચાદર ચોવડી કરીને ઓઢાડે છે. ચાદરનો અર્ધો ભાગ પીઠ પાછળ છે. સામે રાવજીભાઈ બેઠા છે. વાતો કરતાં રાવજીભાઈની નજર બરડા પરની સફેદ ચાદરમાં પડેલી કાળી ભાત પર જાય છે. અરે કાળો સાપ ! સાપ ચાદર ઉપર થઈ ગાંધીજીના બરડા પર ચડે છે અને બીજી બાજુ ઊતરવા ડોક લંબાવે છે. રાવજીભાઈનું ધ્યાન વાતમાંથી ખસે છે એ જોઈ અને પોતાને પણ કાંઈક હોય એમ લાગવાથી – ગાંધીજી પૂછે છે : ‘શું છે ?’ રાવજીભાઈનો જીવ અદ્ધર થઈ ગયો છે. ગાંધીજી હલ્યા તો સાપ ડંખવાનો. પોતે ભયથી કંઈ બોલે તો હાજર રહેલાં ભડકશે. ધીમેથી એ જવાબ આપે છે : ‘કંઈ નહિ, એ તો સાપ છે.’

સાંભળીને બા વગેરે ચિંતાથી ઊઠે છે, પણ ગાંધીજી અને રાવજીભાઈ સ્થિર રહે છે. સાપ આગળ વધતો નથી. પણ ચાંદનીમાં ક્યાંય જતો પણ દેખાયો નહિ. પીઠ અને ચાદર વચ્ચે છુપાયો હશે ? રાવજીભાઈ ધીમેથી કહે છે, ‘બાપુજી, આપ સહેજ પણ હલતા નહિ.’
‘હું તો નથી હલવાનો, પણ તમે શું કરો છો ?’
‘હું આ વળેલી ચાદરના ચાર ખૂણા પકડીને તેને દૂર ફેંકી દઉં છું. સાપ તેમાં હશે તો ચાદર સાથે દૂર પડશે અને પોલાણમાં છુપાઈ રહ્યો હશે તો, ખુલ્લો થવાથી ત્યાંથી ચાલ્યો જશે. પણ આપ હલશો નહિ.’
‘હું નહિ હલું, પણ તમે સાચવશો.’
રાવજીભાઈ ચાદર ઊંચકે છે. ઠીક ઠીક વજન છે. જોરથી ચાદર એ દૂર ફેંકી દે છે. સાપ ચાદરમાંથી બહાર આવે છે. રાવજીભાઈ વગેરે એને પકડે છે અને દૂર નાખી આવે છે.

છાપાંએ વાત ચગાવી : ‘મહાત્માજીને મસ્તકે નાગે ધરેલી ફેણ.’ લોકમાન્યતા છે કે નાગ મસ્તક પર ફેણ ફેરવે તો માણસ ચક્રવર્તી થાય. કોઈ-કોઈ એમ પણ કહેવા લાગ્યા કે બરડા પર નાગે ફેણ ધરી એટલે ગાંધીજી દેશના નેતા રહ્યા, મસ્તકે ધરી હોત તો આખી દુનિયાના નેતા હોત. આ બધી ચમત્કારની રીતે દંતકથા ચાલી. પણ મોટામાં મોટો ચમત્કાર ગાંધીજીના ને નાગના પ્રસંગમાં એ હતો કે તેઓ શાંત ચિત્તે, સ્વસ્થતાથી રૂંવાડું પણ ન ફરકે એ રીતે, જે સ્થિતિમાં પડ્યા હતા, તે સ્થિતિમાં પડ્યા રહ્યા.

[7] હૈદરાબાદ શહેરમાં સભા ચાલતી હતી. પ્રજાને પરદેશી શાસન સામે જાગ્રત થવા ગાંધીજી કહી રહ્યા હતા. ભાષણની વચ્ચે એકદમ એમણે ગંજીફાનાં પાનાંની માગણી કરી. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. કોઈકની પાસે ગંજીફાનાં પાનાં હશે; તેણે તે આપ્યાં. ગાંધીજીએ ગુલામ બતાવ્યો, રાણી બતાવી, રાજા બતાવ્યો. પછી ઠાવકા મોંએ સૌને પૂછ્યું કે ગુલામ ઉપર રાણી ફાવે કે નહિ ? રાણી ઉપર રાજા ફાવે કે નહિ ? સૌ બોલી ઊઠ્યા કે છેવટે રાજાનું જ ચાલે. પછી ધીરે રહીને ગાંધીજીએ બીજું એક પાનું બતાવ્યું. એક્કાનું પાનું હતું. રાજા અને એક્કો પાસે પાસે ગોઠવીને એ જ ઠાવકાઈથી ગાંધીજીએ બધાને પૂછ્યું :
‘કહો જો, આ બેમાં કોણ ફાવે ?’
‘એક્કો ! એક્કો !’ સૌ બૂમ પાડી ઊઠ્યા.
લોક પાસેથી આ રીતે જવાબ કઢાવી લઈ, ગાંધીજીએ પોતાનું ભાષણ આગળ ચલાવ્યું : ‘લોકો જો એક હોય તો રાજા, રાણી કે ગુલામ – કોઈનું ય કશું ન ચાલે.’ – આમ પાનાંની મદદથી ગાંધીજી વક્તા તરીકે બાજી મારી ગયા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

8 thoughts on “કપૂરના દીવા – ઉમાશંકર જોશી”

Copy Protected by Chetan's WP-Copyprotect.