- ReadGujarati.com - http://www.readgujarati.com -

તબિયત ખરાબ છે ! – હરિશ્ચંદ્ર

[ યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘વીણેલાં ફૂલ’ ભાગ-4માંથી પ્રસ્તુત સંક્ષિપ્ત લેખ સાભાર લેવામાં આવ્યો છે.]

નાનપણમાં મને વારંવાર થૂંકવાની આદત. ડૉક્ટરને બતાવ્યું. પણ કાંઈ ખરાબી હોય તો દેખાય ને ! પરિણામ એ આવ્યું કે પચ્ચીસ વરસ પછી એ આદત રોગ બનીને ઊભી રહી. મિત્રોને એમ જ કહેતો, ‘ભાઈ, શું કરું ? મારું ગળું એટલું ખરાબ છે !’

ઘણાખરા દરદી વાસ્તવિક રોગમાં નહીં, પણ કોઈ કાલ્પનિક રોગમાં ફસાયેલા હોય છે. મારા એક મિત્ર – જોનારને એમનું સ્વાસ્થ્ય ઘણું સારું લાગે. હસે છે ખૂબ જોરજોરથી, ખાવામાં પણ ભલભલાને પાછા પાડી દે. પણ તમે જ્યારે પણ એમને મળવા જાઓ, સૂતેલા જ હોય. તમને જોતાં જ કહેશે, ‘આ તબિયતથી તો તંગ આવી ગયો. માથાનો સખત દુખાવો, શરીર તૂટવું, બરાગત રહેવી…..’ કુશળક્ષેમ પછી ચા આવે, તમે એક પ્યાલો પીઓ, અને એ ચાર પ્યાલાથી ઓછી નહીં. સાથે સાથે પાશેર ચવાણુંયે ફાકી ન જાય તો ગનીમત !

એક કલાર્ક છુટ્ટીની અરજી લઈ સાહેબ પાસે ગયો. ‘તાવ….’ કહી એણે હાથ લંબાવ્યો. મેનેજરને પોતાના હાથ કરતાંય ઠંડો લાગ્યો. ‘આ તો ઠંડો જ્વર લાગે છે !’ સાહેબે કહ્યું. મેં એવા એવા લોકો જોયા છે, જેમની તબિયત બારે માસ ખરાબ હોય છે. આવા લોક મસુરીથી નૈનીતાલ, સીમલા, ઊટી, ઊટીથી શ્રીનગર ચક્કર માર્યા કરે છે. તેઓ એ પહાડી વિસ્તારના દરેક ડૉક્ટરને જાણે છે. એમને એમના કોઈ એક રોગથી સંતોષ નથી. એમને દરેક નવા દિવસે નવો રોગ જોઈએ ! અને કેટલાકને તો દેશની સારવારથી સંતોષ નથી થતો. પરદેશ જઈને સારવાર લે ત્યારે જ એમને સમાધાન થાય. મારા એક મિત્ર તબિયતના ચક્કરમાં તહેરાનમાં પોતાના જીવનના દિવસો પૂરા કરી રહ્યા છે. બીજા એક અગિયાર વરસથી પેરીસમાં પડ્યા છે. ત્રીજા એક જેમને સ્વીટ્ઝરલેન્ડ સિવાયની હવા માફક નથી આવતી. એક સજ્જન છેલ્લાં બાર વરસથી હોનોલુલુ મૃત્યુશૈયા પર પડ્યા છે. દરેક પત્રમાં એ લખે છે, ‘બસ, મારો આ છેલ્લો પત્ર – અલવિદા !’ આ બાર વરસમાં એમના ઘણા મિત્રો, જેમને નખમાંય રોગ ન હતો, આ સંસારમાંથી કૂચ કરી ગયા. પણ મારા આ મિત્ર બાર વરસથી હોનોલુલુમાં રહી અલવિદા કરતા રહ્યા છે !

આવા બીમારોના દિનભરના પ્રોગ્રામ કંઈક આવા હોય છે : પ્રાતઃ ચા સાથે એક વિટામીનની ગોળી. સ્નાન પછી નાસ્તામાં બે ઈંડાં, નવટાંક માખણ, મધ, દ્રાક્ષની જેલી, ચીકન ટોસ્ટ જે જસ્તા બ્રેડ. એની સાથે વિટામિન બી, સી, ડી ની એક મોટી ગોળી પછી ફરવા જવાનું. ત્યારબાદ ભર્યે ભાણે ભોજન. પછી વિટામિન ઈ-એ-જી-એચ,ની એક એક ગોળી. અને અઢી વાગે આરામ. પાંચ વાગે ઉત્થાપન. ઝટ ઝટ ચા અને હળવો નાસ્તો લઈ ફરવા નીકળવાનું. રસ્તે ડૉક્ટરની દુકાને જઈ શક્તિનું ઈંજેક્શન લેવાનું અને પછી બાગમાં બાંકડે બેઠાં બેઠાં એવા મિત્રોની ઈંતેજારી, જેમની તબિયત પણ પોતાના જેવી જ ખરાબ હોય. પછી એકબીજાના રોગની પૂછતાછ.

ચિત્રની આ એક બાજુ છે, બીજી બાજુ પણ હોય છે. કેટલાક લોકો વાંસના બાંબુની જેમ લાંબા-પાતળા છે. કેટલાક લોકો ઉંદર જેવા પાતળા અને મરીયલ દેખાય છે. પણ તેઓ ખાવાને પાટલે વાઘ હોય છે. તમે વિચારતા જ રહો કે આ દૂબળા શરીરમાં એવી તે કઈ ગુપ્ત શક્તિ છે, જે દશ માણસોનું ભોજન આ પાતળા શરીરમાં ઠોસી દે છે. બધું જ સફાચટ થઈ ગયા પછી આ સજ્જ્ન હાથ ધોતાં કહે છે, ‘આજે તબિયત જરા નરમ છે.’ તોબા ! નહીં તો અમને પણ ખાઈ જાત ! વહેમ જ્યારે પાકો બની જાય છે ત્યારે તે કાલ્પનિક નથી રહેતો, પણ પાગલખાનાનું સ્વરૂપ ધારણ કરે છે. હું એક એવા સાહેબને જાણું છું કે જેમને વહેમ હતો કે પોતે જાણે કાચના બનેલા છે. હાલતાં, ચાલતાં, ઊઠતાં, બેસતાં, તેઓ એવો વ્યવહાર કરતા કે જાણે પોતાને તેઓ કોઈ અથડામણથી બચાવી રહ્યા ન હોય !

વળી એ વાત પણ છે કે સ્વાસ્થ્ય કેવળ વ્યક્તિનું જ ખરાબ નથી હોતું, સમાજનું પણ હોય છે. અલબત્ત, ઘણી માંદી વ્યક્તિ મળીને સમાજનું સ્વાસ્થ્ય બગાડે છે. અને ખરાબ સ્વાસ્થ્યવાળો સમાજ સારા-ભલા માણસનું સ્વાસ્થ્ય પણ બગાડી મૂકે છે. ભગવાન બચાવે આ તબિયતની ખરાબીથી !

(શ્રી કૃષ્ણચંદરની હિંદી વાર્તાને આધારે.)