દે’રીની બહાર બેઠેલો ઈશ્વર – રીના મહેતા

[‘ખરી પડે છે પીંછું’ પુસ્તકમાંથી સાભાર.]

મારી ચારે દિશામાં અત્યારે ખૂબ સાદગીપૂર્ણ રમણીયતા છવાયેલી છે. મંદિરને નામે એક નાનકડી દે’રીનો પતરાનો બનાવેલો દેશી ઝાંપો ખોલ્યા વિના સરળતાથી હું અંદર આવી શકી છું. દે’રીની ચારે તરફ મોટું વિશાળ મેદાન છે. દે’રીની નજીક નીલગીરી, લીમડો ને પીપળાની ગોળ ફરતી વાડ છે. દે’રીના બારણાં બંધ છે. હું તેની નાની પાળી ઉપર બેસી રહું છું. દે’રીના દરવાજા ખોલી અંદર જઈ ઈશ્વરના દર્શન કરવાની મને જરૂર નથી લાગતી. એ પણ જાણે મારી બાજુમાં જ પાળી ઉપર શાંત, નિરાંત જીવે બેઠો છે.

લીમડાના વૃક્ષોમાંથી ખરેલી સળીઓએ નીચે પડતાં પહેલાં હવામાં રચેલી રમ્ય ભાત હજી ભૂંસાઈ નથી. નીલગીરીના સૂક્કાં પર્ણોની ચાદર મારાં પગ તળે કચડાય છે. પર્ણોમાંથી નીલગીરીની તીવ્ર ગંધ ફેફસાં સુધી પહોંચી જાય છે. દે’રીની જમણી તરફ નાના ગોખલા જેવું છે. એમાં એક-બે મૂર્તિઓ છે. આશ્ચર્યકારક રીતે એ મૂર્તિને અડીને જ સાવરણો પણ કોઈએ મૂક્યો છે. સાવરણો એટલી ગતિશીલતાથી ગોઠવાયો છે કે મને થાય છે, લાવ બધાં પાંદડાં-સળી વગેરે વાળીઝૂડીને પ્રાંગણ સ્વચ્છ કરું. પણ મારી શહેરી સભ્યતા મને તેમ કરતાં અટકાવે છે. થોડાં ડગલાં છેટે આવેલા ફળિયામાંથી રોજ કોઈ અહીં આવતું હશે. એક-બે દહાડે સંજવારી કાઢતું હશે. મૂર્તિઓની પૂજા-દીવો કરતું હશે. કચરો વાળ્યાં પછી ભૂલમાં સહજભાવે જ મૂર્તિની પડખે સાવરણો મેલી માથે છેડો ઢાંકતું ચાલ્યું જતું હશે.

દે’રીની અંદરના બારણાં મેં ભાગ્યે જ ખુલ્લાં જોયા છે ! એકાદવાર ઊઘડેલાં એ દરવાજાની અંદર અંધારાના શીલા સ્પર્શે મૂર્તિઓ સ્પષ્ટ દેખાવા દીધી નહોતી. બસ, વર્ષે એકાદ-બેવાર આવી રીતે તાળુ લટકતાં બારણાંની બહાર પાળી ઉપર બેસી મન અને હૃદયમાં વિરમતાં જવાય છે. ગ્રામજન કદીક મને તાળાની ચાવી લેતાં જવા કહે છે. પણ તાળું મને કદી તાળું લાગ્યું હોય તો ચાવી લઉં ને ! હું તો ત્યાં નિરુદ્દેશે બેસું છું. માત્ર બેસી રહું છું. નજર ભરાઈ-ભરાઈ જાય તેવું ખુલ્લું આકાશ મારે માથે ઝળૂંબે છે. ધીમો, અનેરી શાતા દેતો પવન ખબર ન પડે એમ મને આલિંગ્યા કરે છે. નાનકડા તુલસીની માંજરો ધીરે ધીરે હાલ્યા કરે છે. દે’રીની જમણી તરફ પીળાં ફૂલોના નાનકડા વૃક્ષ નીચે ઓટલી જેવો ઊંચો પથ્થર છે. મારા હાથમાં ફૂલો વીણવાની છાબડી ગોઠવાઈ જાય છે. હું ઋષિકન્યા બની નીચે ખરેલાં પીળાં-સોનેરી પુષ્પો વીણવા માંડું છું. વૃક્ષની ઊંચી ડાળ ઉપર ઝૂલતું એક ફૂટડું ફૂલ મને મોહે છે. મૃગબાળ મારા હાથ સાથે ઘસાય છે. કોઈ આવીને ડાળી ઝુકાવે છે અને હું ટચ્ચ કરતું ફૂલ ચૂટું છું. ખરેખર તો એ ઝાડ પર એક્કે ફૂલ નથી. નાની ઓટલી ઉપર બેઠાં બેઠાં મને જ ફૂલો ફૂટે છે ! થોડે દૂર ખૂબ જ મોટો, તૂટેલાં થાળાવાળો કૂવો છે. આવવરા કૂવામાં સુગરીના ખાલી માળા લટકે છે. કૂવાને ભેટીને મોટોમસ પીપળો ફેલાયો છે. પીપળાના મૂળ માટીની બહાર દેખાય છે. ઓટલી ઉપર બેઠા બેઠા જ હું કૂવામાં ડોકાઉં છું. પાણીમાં પનિહારીઓનો કલબલાટ પ્રતિબિંબાય છે. કૂવાની આસપાસ બંગડીઓનો ખણખણાટ રૂમઝૂમતો વર્તાય છે. ખોબો ધરીને હું પનિહારીના ચકચકતા બેડામાંથી પાણી પીઉં છું. ફરી ઓટલા પર બેસું છું.

દે’રી ફરતેના ખુલ્લા મેદાનમાં એક વેળાના લહેરાયેલાં ખેતરો દેખાય છે. ખેતરની વચ્ચોવચ્ચ દે’રી કોઈ ચિત્ર જેવી સુંદર દેખાય છે. આકાશમાં પક્ષીઓનાં છૂટાછવાયાં ઝુંડ માળા તરફ ગતિ કરતાં જાય છે. થોડે દૂર પીળા ફૂલ જેવો જ પીળચટ્ટો સૂર્ય ધીમે ધીમે કેસરિયાળો બનતો જાય છે. તેના સુંવાળા કિરણો દે’રીની લાલ ધજાને પીંછાની જેમ ગલીપચી કરે છે. ધજા ફરફરી ફરફરીને ખિલ-ખિલ હસે છે. ઝાડીઓની ઉપર દેખાતો સૂર્ય હવે ઝાડીની પાછળ કેસરી નારંગી જેવો દેખાતો નાનો ને નાનો થતો જાય છે. હવે જરાક જ વાર છે. ક્ષણ-બે ક્ષણ…. દક્ષિણ દિશાની એક ગગનચુંબી ઈમારતના દસ માળની હું ગણતરી કરી રહું એટલામાં તો સૂર્ય ડૂબી જાય છે. તે સાથે જ દે’રીમાં ખાલીપો ભરાઈ જાય છે. સાંકડા ઝાંપામાંથી બહાર સરકી જઈ હું પેલા મેદાનમાં આવું છું. બાળકો ચકલીની જેમ ચહેકતાં સળીઓ એકઠી કરે છે. પણ સૂર્ય વિનાનો સૂનકાર ઓગળતો નથી. સૂર્ય વિનાના આકાશ નીચે ઊભેલી દે’રી સાવ એકલવાયી લાગે છે. વૃક્ષોના પડછાયા તેને ઘેરીને ઊભા છે. દે’રી આવતી કાલના સૂર્યોદયની પ્રતીક્ષા આખી રાત કરતી રહેશે. અંદરનો ઈશ્વર તો ખબર નહિ પણ એ આખી રાત જાગશે.

દે’રીનું નામ માનબાઈ-ફૂલબાઈની દે’રી છે. કોઈએ લાલ અક્ષરે ચીતર્યું છે. મને આ નામ વાંચી આજે આશ્ચર્ય થાય છે. બહુ વખત સુધી આ દે’રીને મેં ગલીની બહાર જોઈ હતી. તેનાં વિશે કુતૂહલ પણ થતું હતું અને હવે તો એ ઘણી ચિરપરિચિત થઈ ગઈ છે. કોણ હશે આ માનબાઈ ? અને ફૂલબાઈ ? હું બે સ્ત્રીઓના ચહેરા તાજી ધોળેલી દીવાલ ઉપર ઉપસાવવા મથું છું. દીવાલો અંધારામાં ઝાંખી થતી જાય છે. ધોળી દીવાલ પર અંધારાનો પડછાયો પડ્યો હોય તેવી. માનબાઈ-ફૂલબાઈ બે બહેનો હશે ? અહીં રહેતી હશે ? દીવાલો પરનો અંધારાનો પડછાયો મારી તરફ ખસતો આવે છે. મને આંખ મીંચી દેવાનું મન થાય છે. ત્યાં જ મોટેથી થતો ઘંટારવ મારા કાને અથડાય છે. થોડાં પગલાં દૂર આરસપહાણનું મોટું ભવ્ય મંદિર છે. ભગવાને ત્યાં જરિયાન જામા પહેર્યાં છે. સતત ભજનોની કૅસેટ અને દર્શનાર્થીઓની ભીડથી કંટાળી ભગવાન કદીક અહીં દે’રીમાં, ના તેની પાળી પર જ મારી જેમ બેસતો હશે. તુલસીના પર્ણો પર હાથ ફેરવી લેતો હશે. ચારે દિશાને ચૂમી લેતો હશે. પેલા ફળિયાના કોઈ ઘરમાં છાનોમાનો સુખડી ખાઈ આવતો હશે. ભીડ અને ઘોંઘાટ શમી જાય ત્યારે તમરાંના ત્રમ-ત્રમ વચ્ચેથી રૂમઝુમ કરતો ચાલ્યો જઈ ફરી જરિયાન વસ્ત્રો પહેરી લેતો હશે.

ખાસ્સો સમય થઈ ચૂક્યો છે. મને લાગે છે હું ક્યારની સાવ મૂંગી છું. બોલું છું, છતાં મૌન છું. દીવાલ પરનાં લાલ અક્ષરો હવે માંડ વંચાય એવા રહ્યાં છે. અંધકાર એને સાવ ભૂંસી કાઢે તે પહેલાં હું બાળકોને ઘેર પાછાં જવાં કહું છું. તેઓ માનતાં નથી. હજી માટીમાં કંઈક વીણતાં રહે છે. થોડી ક્ષણ હું એમ જ બેસી રહું છું. સ્થિર પૂતળાની જેમ. માનભાઈ અને ફૂલબાઈની જેમ. માનબાઈ કરતાં ફૂલબાઈ નામ મને વધારે ગમે છે. હા, ફૂલબાઈની જેમ ! મારી ફરતેની વાડ વળોટી દિવસમાં એકાદ વાર જ કોઈ આવે છે. મારી અંદરના અંધારા-ભેજિલ ઓરડામાં દીવો સળગાવે છે. મારી બહારના બારણે તાળું મારે છે. મારી આસપાસ સંજવારી કાઢીને મારી પડખે જ સાવરણો મૂકી દે છે. હું મૂંગું હસી પડું છું. મારી ચોમેર કશાં અવાજ વિના પીળાં ફૂલો-પર્ણો ખરતાં રહે છે. ઝાંપો આડો કરી કોઈ ચાલ્યું જાય છે. હું શાંત-દીવા જેવા સ્થિર આનંદમાં બેસી રહું છું – બીજી સવાર સુધી.

થોડીવાર પછી છેવટે અમે ત્રણે જણાં એકબીજાનો હાથ ઝાલી ઘર ભણી ડગ ભરીએ છીએ. દે’રી અને હું એમને જોતાં રહીએ છીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “દે’રીની બહાર બેઠેલો ઈશ્વર – રીના મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.