અધ્યાત્મ અને જીવનવિકાસ – ભાણદેવ

[‘ભૂમિપુત્ર’ સામાયિક નવેમ્બર-2011 અંતર્ગત ‘અધ્યાત્મ : શું અને શા માટે ?’ લેખમાળાના પ્રકરણ-7માંથી ટૂંકાવીને સાભાર.]

માનવ અસ્તિત્વનું કેન્દ્રસ્થ તત્વ ‘ચૈતન્યતત્વ’ છે. આ ચૈતન્યતત્વની નજીક જવું તે અધ્યાત્મ છે. અધ્યાત્મનો આ સારગ્રાહી, વ્યાપકતમ અને સંપ્રદાયયુક્ત અર્થ છે. સમગ્ર અસ્તિત્વને આપણે બે ભાગમાં વહેંચી શકીએ – ચૈતન્ય અને પ્રકૃતિ. પ્રથમ ચેતન છે અને દ્વિતીય જડ છે. વિજ્ઞાન પ્રકૃતિનો અભ્યાસ કરે છે અને અધ્યાત્મ ચૈતન્યનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. બંને વચ્ચેની આ કાર્યક્ષેત્રની વહેંચણી છે. બંને અન્યોન્યપૂરક છે. બંને વચ્ચે કોઈ વિરોધ નથી.

આપણે જો પ્રાકૃતિક વિકાસમાં જ રમમાણ રહીએ અને ચૈતન્યને વીસરી જઈએ તો આપણો જીવનવિકાસ અધૂરો રહે છે, પાંગળો રહે છે. અધ્યાત્મ વિનાનું જીવન સત્વહીન રહે છે. એટલે જ તો મહાન બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકાએ જીવનના અંતે કહ્યું હતું : ‘હું બંને બાજુથી સળગી રહ્યો છું, કારણ કે આત્મપ્રાપ્તિ તો રહી ગઈ.’ બધું જ મળે અને આત્મા ન મળે તો કશું જ મળ્યું નથી અને આત્મા મળે અને બીજું કાંઈ જ ન મળે તો પણ બધું જ મળ્યું છે. કહેવાનો અર્થ એવો નથી કે આધ્યાત્મિક વિકાસ સિવાયના વિકાસનું કાંઈ જ મૂલ્ય નથી. જીવનનાં સર્વ પાસાંઓનો વિકાસ અમને શિરોમાન્ય છે. કહેવું છે તે આ છે – કોઈ પણ જાગ્રત માનવ જો પોતાના જીવનનો યથાર્થ વિકાસ સિદ્ધ કરવા ઈચ્છતો હોય તો તે જીવનના આ કેન્દ્રસ્થ તત્વ અધ્યાત્મની અવગણના ન કરી શકે. અધ્યાત્મ એટલે જીવનની અવગણના નહિ, પરંતુ જીવનની પરિપૂર્ણતા.

માનવ પોતાના કોઈપણ પ્રિય ક્ષેત્રમાં વિકસતો હોય, તે ક્ષેત્રની અવગણના કર્યા વિના જો તેમાં અધ્યાત્મનો પ્રકાશ ભળે તો તેના તે ક્ષેત્રના વિકાસમાં નવું પરિમાણ ઉમેરાય છે, નવી છલાંગ લાગી જાય છે. તાનસેનના સંગીત કરતાં હરિદાસનું સંગીત ઉચ્ચતર છે, કારણ કે હરિદાસના સંગીતને અધ્યાત્મનો આધાર છે, તેમના સંગીતને અધ્યાત્મનો પુટ મળ્યો છે. શ્રી અરવિંદ કવિ હતા. પછી યોગી બન્યા. યોગી બનવાથી તેઓ કવિ મટી ગયા, પરંતુ મહાકવિ બન્યા અને આ ધરતીને મહાકાવ્ય ‘સાવિત્રી’ મળ્યું. જો કોઈ સમાજસેવક અધ્યાત્મસાધક પણ બને તો તેમની સમાજસેવા વધુ તેજસ્વી, વધુ ઉજ્જ્વળ બને છે.

જીવનવિકાસની પ્રક્રિયામાં જ્યારે અધ્યાત્મરૂપી અમૃતનું મેળવણ ઉમેરાય છે, ત્યારે જીવનવિકાસની ઘટના અધ્યાત્મના પ્રકાશથી ઝળહળી ઊઠે છે. આત્મામાં બધું જ છે – જ્ઞાન, પ્રેમ, શક્તિ, આનંદ, સૌંદર્ય, સ્વાતંત્ર્ય, અમરત્વ, શાંતિ, જે પોતાના આત્માને પામે છે કે પોતાના આત્માને પામવાની દિશામાં ગતિ કરે છે, તેમના જીવનવિકાસમાં કોઈ મણા રહેતી નથી. જીવનવિકાસના પાયામાં આત્મા છે. જીવનવિકાસની યાત્રામાં આત્મા સતત અને સર્વત્ર અનુસ્યૂત છે. જીવનવિકાસની ટોચ પર પણ આત્મા બિરાજમાન છે. આત્માને અવગણીને કોઈ યથાર્થ જીવનવિકાસ સિદ્ધ કરી શકે નહિ. આધ્યાત્મિક વિકાસ વ્યક્તિના જીવનવિકાસના મંદિર પર સુવર્ણકળશ ચડાવી દે છે. મંદિર જો આરસનું હોય તો સુવર્ણકળશ અને મંદિર જો સુવર્ણનું હોય તો ? તો પારસમણિનો કળશ !

એક વાર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના મનમાં એવો ભાવ થયો કે શ્રી અરવિંદને મળવું. બંને કલકત્તામાં સાથે હતા. બંને કવિઓ અને બંને મિત્રો ! પછી તો શ્રી અરવિંદ પોંડીચેરી ગયા અને યોગસાધનામાં તલ્લીન બની ગયા. વર્ષો વીતી ગયાં. પરંતુ મૈત્રી ક્યાં જાય ? તે તો રહે જ ને ? ગુરુદેવ ટાગોર શ્રી અરવિંદને મળવા માટે કલકત્તાથી પોંડીચેરી ગયા. આશ્રમમાં તેમનું સ્વાગત થયું. બીજે દિવસે સવારે પ્રાતઃકર્મોથી નિવૃત્ત થયા પછી ગુરુદેવ શ્રી અરવિંદના કમરામાં તેમને મળે, તેવો કાર્યક્રમ નિર્ધારિત થયો. તદનુસાર ગુરુદેવ શ્રી અરવિંદને મળવા માટે ગયા. શ્રીઅરવિંદનું નિવાસસ્થાન પહેલે માળે છે. ગુરુદેવ પગથિયાં ચડીને શ્રી અરવિંદના નિવાસ-સ્થાનમાં પ્રવેશ કરે છે. ગુરુદેવના હૃદયમાં શ્રી અરવિંદ પ્રત્યે મૈત્રી છે, સખ્યભાવ છે. તદનુસાર ગુરુદેવના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એવો ભાવ છે કે મિત્ર શ્રી અરવિંદને ભેટી પડવું, શ્રી અરવિંદને બાથમાં લઈ લેવા. ગુરુદેવે શ્રીઅરવિંદના નિવાસસ્થાનમાં પ્રવેશ કર્યો ત્યારે શ્રીઅરવિંદને ભેટવા માટે તેમની બંને ભુજાઓ પહોળી થઈ ગઈ.

શ્રી અરવિંદ પોતાના આસને બેઠા છે. જાણે તેજપુંજ ! શ્રી અરવિંદનો વર્ણ પહેલાં શ્યામ હતો, પરંતુ હવે યોગસાધના પછી તેમનો વર્ણ સુવર્ણસમાન ઉજ્જ્વળ ગૌરવર્ણ બની ગયો હતો. ગુરુદેવ શ્રીઅરવિંદની નજીક જાય છે, ભેટી શકતા નથી. તેમનું ભવ્ય સ્વરૂપ જોઈને ગુરુદેવ સ્તબ્ધ બની ગયા. ભેટવા માટે પહોળા થયેલા બંને હાથ પ્રણામમુદ્રામાં ગોઠવાઈ ગયા. ગુરુદેવ શ્રી અરવિંદનાં ચરણોમાં ઢળી પડ્યા ! મુલાકાત પછી ગુરુદેવ શ્રી અરવિંદ વિશે એક કાવ્ય લખે છે :

શ્રી અરવિંદ ! રવીન્દ્રેર લહ પ્રણામ !
ભેટાઈ લે ઉઠિલે આમાર દ્વયહસ્ત
પ્રણામ મુદ્રાય એકમિત્ર હોય ગયે !
શ્રી અરવિંદ ! રવીન્દ્રેર લહ પ્રણામ.

આમ કેમ બન્યું ! ગુરુદેવની પ્રતિભા પણ મહાસમર્થ હતી. અને છતાં ગુરુદેવ શ્રી અરવિંદનાં ચરણોમાં ઢળી કેમ પડ્યા ? કારણ એક જ છે – અધ્યાત્મ ! માનવી વિકાસ માટે તરફડે છે. આ તરફડાટ વસ્તુતઃ આધ્યાત્મિક વિકાસનો જ તરફડાટ છે. જાણ્યે કે અજાણ્યે આપણે જીવનની યથાર્થ કૃતાર્થતા પામવા પ્રયત્નશીલ છીએ. અધ્યાત્મ સિવાય જીવનની સાચી કૃતાર્થતા પામી શકાય નહિ. આવી પ્રતીતિ કોઈપણ જાગૃત માનવીને વહેલી કે મોડી મળે જ છે. જાગૃતિ જેટલી વધુ તેટલા પ્રમાણમાં આવી પ્રતીતિ વહેલી મળે છે. આવી પ્રતીતિ મળ્યા પછી વ્યક્તિ જો પ્રમાદી કે ભયભીત ન હોય તો અધ્યાત્મપથ પર પગ મૂકે જ ! જીવનમાં અધ્યાત્મ કેવું, કેટલું અને ક્યારે – આ વ્યક્તિએ પોતે જ પસંદ કરવાનું છે. પરંતુ સાવધાન ! પસંદગીની સ્વતંત્રતા અને પસંદગીનું કર્તવ્ય સાથે જ હોય છે !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “અધ્યાત્મ અને જીવનવિકાસ – ભાણદેવ”

Copy Protected by Chetan's WP-Copyprotect.