લીલીછમ સુગંધ – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’

[‘મુંબઈ સમાચાર’ દીપોત્સવી અંક- સં.2068 માંથી સાભાર.]

નાની નાની ટેકરીઓની ગોદમાં વસેલા અમારા એટલે કે આ ઋતુના ગામની ધરતી પહેલા વરસાદ પછી આજે વધુ હરિયાળી લાગતી હતી અને આકાશ તો હજીય વાદળોથી ઘેરાયેલું હતું જ. અને મને થયું, ‘હરિતના બાપુજીએ ગામના હરિયાળાં ખેતરોની લીલાશ જોઈને જ કદાચ એનું નામ હરિત પાડ્યું હશે. પણ લીલીછમ ધરતી જેવી તરલ, સરલ, સ્વચ્છ આંખો ધરાવતો હરિયો અભ્યાસ અને સ્પોર્ટ્સમાં એક્કો હોવા છતાં સાવ બુદ્ધુ છે. કોણ જાણે ક્યાં ફરતા હશે એ બુદ્ધુરામ અત્યારે તો !’ આ વિચાર સાથે મારા સુરખીદાર હોઠ સહેજ વિસ્તરીને મારા ગૌર ઘાટીલા ચહેરા પર એક ભીની મુસ્કુરાહટનાં મોતી વેરી ગયા, ને મારાં મમ્મીએ ઘરમાંથી બૂમ પાડી, ‘ઋતુડી ! તું હવે શાકભાજી લેવા બજાર જવાની છે કે પછી હું જાઉં ! હમણાં જો વરસાદ ફરી શરૂ થયો ને તો પછી શાકભાજીવાળાય ઊઠીને ભાગી જશે. પેલી શાકવાળી રતન તો તને કાયમ યાદ કરે છે કે તમારી મીઠડી ઋતુ હવે ક્યારે પિયર આવવાની છે ?’

‘એ સિવાય બીજું કોઈ યાદ કરે છે મમ્મી ?’ હરિતનું સ્મરણ થઈ આવતાં મને પૂછવાનું મન થઈ આવ્યું, પણ પછી….. ‘જે પહેલાંય મારી લીલીછમ લાગણીઓની ભીની મહેકને પારખી નહોતો શક્યો, એ વળી મને અત્યારે શું કામ યાદ કરે ?’નો વિચાર આવતાં મેં મમ્મીને કહ્યું, ‘એ આવી મમ્મી ! હું જ શાક લેવા જાઉં છું ! એ બહાને જરા ગામની બજારમાં પગ છૂટો કરી આવું !’ અને મેં વરંડાના તાર પર સુકાતી થેલી હાથમાં લીધી.

અમારી શેરીમાંથી બહાર નીકળીને થોડુંક ચાલીએ એટલે ગામના મુખ્ય અને એકમાત્ર રાજમાર્ગની શરૂઆત થાય છે. જેના એક તરફના છેડે એસ.ટી. સ્ટેન્ડ છે, વચ્ચે બજાર-લેન છે, અને બીજા છેડે જમણા હાથે ફંટાતા હરિતનું ઘર આવેલું છે. હું એસ.ટી. સ્ટેન્ડ પાસે આવી, ને સવારના દસની, પાસેના તાલુકાના ગામ જતી એસ.ટી.બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળતી દેખાઈ. એ બસ, જે સતત બે વર્ષ મને અને હરિતને આ ટાઈમે તાલુકાના ગામે લઈ જતી…. હરિત ભણવામાં મારાથી ત્રણેક વર્ષ આગળ હતો. ને એસ.એસ.સી. સુધીની ગામની નિશાળનો અવ્વલ નંબરનો સ્ટુડન્ટ. મારા ખમતીધર બાપુજીએ નવમા ધોરણમાં મને ભણાવવા જ્યારે પાતળા ખોરડાના હરિતનું ટ્યુશન રખાવ્યું, ત્યારે તો હું રાજીની રેડ થઈ ગયેલી, કેમ કે એસ.એસ.સી. ડિસ્ટિંકશન સાથે પાસ કરીને તાલુકાના ગામે હાયર સેકન્ડરીમાં ભણતો હરિયાળી આંખોવાળો હરિત હવે રોજ સાંજે નિશાળના મેદાનમાં કબ્બડી રમતો નહોતો દેખાતો. રોજ સાંજનું હરિતનું ટ્યુશન મને ખુશ કરી જતું. થપ્પડ, ચોંટિયા યા કાન ખેંચવા દ્વારા હરિતનું સ્પર્શસુખ મેળવવા હું ટ્યુશન દરમ્યાન ઘણી વાર જાણી જોઈને ખોટા ઉત્તરો આપતી. પણ શિક્ષાના લીધે આંખમાં પાણી ભરાઈ આવવા છતાં ભીની આંખોમાંથી કુંવારા પ્રેમના પ્રથમ પુષ્પની વિહવળ ખુશ્બૂ છલકાવતાં, મુસ્કુરાતા ચહેરે હું હરિતની કોરી નીલી આંખોના આકાશમાં તાકી રહેતી. હરિત ક્યારેક મારી આવી સંવેદના-હરકતથી અકળાઈ પણ ઊઠતો.

હું એસ.એસ.સી. પાસ થઈ ગઈ ને હરિત તાલુકાના ગામની જ કોલેજમાં દાખલ થયો. પણ મને હાયર સેકન્ડરી સ્કૂલે અને હરિતને રોજ એન્જિનિયરિંગ કોલેજ લઈ જવાવાળી એસ.ટી.બસ એક જ હતી-સવારના દસની. રોજ સવારે અને સાંજે તાલુકાના ગામના એસ.ટી. સ્ટેન્ડે, અને બસની એક જ સીટમાં મળતું હરિતનું સ્પર્શભીનું સાંનિધ્ય મારા તરુણ રોમેરોમને પુલકિત કરી જતું. પણ હરિતની કોરી સરળ આંખોમાં ક્યારેય મારી એ પુલકિતતાનું પ્રતિબિંબ સરખું ડોકાયું નહોતું. બારમું પાસ યા નાપાસ થયે મને પરણાવી દેવાની વાત ઘરમાં જોરશોરથી ચાલતી હતી. ને બારમાનું વર્ષ પૂરું થવા આવ્યું છતાંય હરિત સાવ ‘કોરોધાકોર’ હતો-એના એન્જિનિયરિંગના અભ્યાસ અને સ્પોર્ટ્સની વાતોમાં જ હંમેશાં લીન. અને મારી તરુણ કુંવારી લજ્જા લાગણીઓની લીલાશને જબાન સુધી ન લાવી શકી તે ન જ લાવી શકી. અરે ! એક વાર તો સાંજની ગામ લઈ જતી બસ રસ્તામાં બ્રેક-ડાઉનના લીધે અટકી પડેલી ત્યારે ચાલીને ગામ જતાં એક મેઘલછાઈ સાંજની સાક્ષીએ મેં હરિતને પૂછેલું :
‘હરિયા, ધારો કે કોઈ છોકરી કોઈ છોકરાને ખૂબ પ્રેમ કરતી હોય, પણ એને કહી ન શકતી હોય અને પેલો સાવ બુદ્ધુ હોય તો એ છોકરીએ શું કરવું જોઈએ ?’
‘કશું નહીં ! એવા બુદ્ધુ છોકરાને પ્રેમ કરવા કરતાં એ છોકરીએ બીજો છોકરો શોધી લેવો જોઈએ.’ હરિતે સરળ કોરી આંખે ઉત્તર આપેલો. ને મારી કાજલી આંખો ત્યારે નિઃશ્વાસના નીરથી ભીની થઈ ગયેલી.

અને એવું જ થયું. બારમાના વેકેશન દરમ્યાન જ મારા બાપુજીએ મને નજીકના શહેરના સંપન્ન પરિવારના ચોકલેટી ચહેરાવાળા ચિન્મય સાથે પરણાવી દીધી. અને મારાં લગ્નમાં ઊલટભેર કામ કરનારા હરિતની કોરી નાદાન આંખોને અને મજબૂત ખભાને વિદાયવેળાના એક ભીના ડૂસકાની ભેટ આપી હું સસુરાલ ચાલી ગયેલી. પછી તો હરિત પણ ભણવાનું પૂરું કરીને, ગામના પાદરે નવી જ શરૂ થયેલી એક સિરામિક ફેકટરીમાં શિફટ એન્જિનિયર તરીકે નોકરીએ જોડાઈ ગયો. પરણી પણ ગયો છે. એનાં લગ્નમાં મેં મોકલેલી ચાંદીના ‘તાજમહાલ’ની રૂપેરી ભેટનો એક નિર્દોષ નાદાન ‘થેંક્યુ’થી સ્વીકાર કરીને…. હરિતનાં લગ્ન પછી લાંબી ‘નિરાંતે’ ગઈકાલે પહેલી વાર હું સાસરેથી મારા ગામ આવી છું. આજે સવારે આંખોમાં ‘હરિત રંગી’ ઉદાસી આંજીને હું આંગણામાંના ગુલમહોર નીચે બેઠી હતી, ને મારી મમ્મીએ મને કહેલું :
‘હરિયો વહુ તો મજાની રૂપકડી ધોળી ફૂલ જેવી લઈ આવ્યો છે ઋતુ ! મોસમ કે એવું કંઈક નામ છે એનું. બેઉ જણાં પગે લાગવાય આપણે ત્યાં આવી ગયાં. એનાં લગ્નમાં તો તું નહીં આવી શકેલી, પણ હવે ગમે ત્યારે જઈ આવજે એને ત્યાં મળવા.’ અને ન જોયેલી, ન જાણેલી, પણ હરિતની પત્ની બનીને આવેલી એ અજનબી યુવતી પ્રત્યે એક અજીબ ઈર્ષ્યાભરી ચીડ અને ગુસ્સાની લાગણી અવાજમાં ભરી મેં મારી મમ્મીને કહ્યું :
‘ના રે ! હું તો કોઈને ત્યાં જવા માટે નવરી નથી. તારે શાક-બાક લાવવું હોય તો લાવ લાઈ દઉં !’…અને….

….અને એસ.ટી.સ્ટેન્ડ વટાવી હરિત સ્મરણ-જાળાંઓમાં અટવાતાં હું બેધ્યાનપણે જ બજાર લેનમાં હાથમાં ખાલી થેલી લઈને ઘૂમતી હતી, ને સામેથી હરિત એની વહુને લઈને આવતો દેખાયો. મને જોતાં જ એ એની વહુને લઈને નજીક દોડી આવ્યો, ને ઉત્સાહભેર મારો પરિચય એની પત્નીને આપતાં નિર્દોષ સરળ સ્વરે બોલ્યો :
‘મોસમ ! આ ઋતુ ! મારી ટ્યુશનિયા સ્ટુડન્ટ ! મેં એના કાન એટલા આમળેલા કે જો હજીય એ લાલ છે ! અને ઋતુ ! આ મોસમ, મારી વહુ ! છે ને ફાઈન તારા જેવી જ અદ્દલ !’ ઉત્તરમાં મારા ‘નમસ્કાર’ની મુસ્કુરાહટમાંય એક અજબ ઉદાસી ઉભરી આવેલી, અને હરિતની ચકોર આંખો એ કળી જતાં, એ નિર્દોષ સ્વરે બોલ્યો :
‘ઋતુ ! તમારી સ્ત્રીઓની એ વાત મને નથી સમજાતી કે પિયર આવતાં આનંદિત ‘મૂડ’માં રહેવાને બદલે તમે લોકો ઉદાસ કેમ થઈ જાવ છો ? આ મોસમ પણ અહીં સરસ ‘મૂડ’માં હોય છે, પણ પિયરમાં કોઈ તકલીફ ન હોવા છતાંયે કોણ જાણે કેમ ક્યારેક ત્યાં એનો ‘મૂડ’ આ વાદળછાયા આકાશ જેવો ગંભીર ઉદાસ થઈ જતો હોય છે. મને લાગે છે, પરણ્યા પછી છોકરીઓનો જીવ પિયર કરતાં એનાં પોતાના ઘરમાં વધુ લાગેલો રહેતો હશે, એટલે જ આવું થતું હશે, નહીં ?’

અને મોસમની કમળપત્ર જેવી સ્વચ્છ બિલોરી આછી ઉદાસીમઢી મુસ્કુરાતી આંખોમાં નિહાળતાં મને લાગ્યું કે આ મોસમના હૈયામાંય કદાચ મારા જેવી જ, અરણ્યમાં ખીલેલા અટૂલા પુષ્પ જેવી કોઈ અનકહી પ્રેમકહાણી ધરબાયેલી હશે, જે પિયરમાં પહોંચતા જ એની મધુર મુસકાન ઉપર ઉદાસીનું આછું વાદળ બનીને ઊતરી આવતી હશે. શાયદ દરેક ઋતુ અને મોસમની મુસ્કુરાહટની લાલાશમાં આવી કોઈને કોઈ ‘હરિત રંગી’ ઉદાસ રેખા છુપાયેલી રહેતી હશે ! અને આ વિચારની સાથે, ચીડ અને ગુસ્સાની જગ્યાએ એકાએક મારા હૈયામાં મોસમ પ્રત્યે એક હમદર્દીપૂર્ણ સ્નેહનું અજાણ્યું મોજું ઊછળી આવ્યું ને એની હથેળીમાં સ્નેહપૂર્વક મારા હાથમાં સાહી મેં કહ્યું :
‘હવે હમણાં પખવાડિયું હું અહીં છું. તે દરમ્યાન તમે બંને જમવા આવો મારે ત્યાં ! હું રાહ જોઈશ હોં !’
અને ક્ષણવાર અમારા ત્રણેય વચ્ચે છવાયેલા રહેલા મૌન પર હમણાં જ શરૂ થયેલા વરસાદની રિમઝિમ એક લીલીછમ સુગંધ બનીને વરસી રહી…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અધ્યાત્મ અને જીવનવિકાસ – ભાણદેવ
સોરી બોસ – ભાવેશ ભટ્ટ Next »   

22 પ્રતિભાવો : લીલીછમ સુગંધ – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’

 1. નસીર ઈસ્માઈલીની કસદાર કલમે લખાયેલી સુંદર વાર્તા. ગુજરાત સમાચારમાં સંવેદનાના સુર કોણ જાણે કેટલાયે લોકોની લોકપ્રિય કલમ હશે કે દર બુધવારે જાણે ફક્ત એ એક જ લેખની લોકો રાહ જોઈને બેઠા હોય છે.

 2. Margesh says:

  નાસીર ઈસ્માઈલી ની કલમ નો તો જાદૂજ અદ્ભુત છે…લાગણીઓ ની સંવેદનાઓ નું ખૂબજ સુંદર નિરૂપણ.

 3. ……….ઘણી વાર જાણી જોઈને ખોટા ઉત્તરો આપતી.

 4. Ankita says:

  નાસીર ઈસ્માઈલી સાહેબ મારા પ્રિય લેખકો માના એક છે, એમની કોલોમ વાંચતી વખતે હું અંત ના ભાગ ની ખુબ રાહ જોઉં છુ, કેમ કે એમનો લખવા નો અંદાઝ ખુબજ ર્હદય સ્પર્શી હોઈ છે . જેને વિસરવું લગભગ અશક્ય છે, એમના લખાણ માં સમાયેલ લાગણીઓ વર્ષો શુધી અનુભવાય છે સુંદર ટુકી વાર્તા છે. આભાર

 5. લીલીછમ અને મનોહરી સુગંધથી મહેકતી ક્રુતિ !

 6. પાત્રોનાં નામની પસંદગી, અને વાર્તાનાં મૂળ-તત્વ સાથેનું એનું જોડાણ અદભૂત !!

 7. So good …. Atam na avaz ne sanbhalvo hitkari nivade… Lilichham lagani nu vavetar thaye te jaruri chhe…khub sundar

 8. sonal patel says:

  ………………………………..શાયદ દરેક ઋતુ અને મોસમની મુસ્કુરાહટની લાલાશમાં આવી કોઈને કોઈ ‘હરિત રંગી’ ઉદાસ રેખા છુપાયેલી રહેતી હશે !

 9. Dixita says:

  ખુબ જ સરસ હમેશા નિ જેમ જ.

 10. The words that are used by the Author for writing this story are so beautiful. Of all the wonderful sentences in the story, I found the following few most effective.

  “થપ્પડ, ચોંટિયા યા કાન ખેંચવા દ્વારા હરિતનું સ્પર્શસુખ મેળવવા હું ટ્યુશન દરમ્યાન ઘણી વાર જાણી જોઈને ખોટા ઉત્તરો આપતી. પણ શિક્ષાના લીધે આંખમાં પાણી ભરાઈ આવવા છતાં ભીની આંખોમાંથી કુંવારા પ્રેમના પ્રથમ પુષ્પની વિહવળ ખુશ્બૂ છલકાવતાં, મુસ્કુરાતા ચહેરે હું હરિતની કોરી નીલી આંખોના આકાશમાં તાકી રહેતી.

  બસની એક જ સીટમાં મળતું હરિતનું સ્પર્શભીનું સાંનિધ્ય મારા તરુણ રોમેરોમને પુલકિત કરી જતું.

  મારાં લગ્નમાં ઊલટભેર કામ કરનારા હરિતની કોરી નાદાન આંખોને અને મજબૂત ખભાને વિદાયવેળાના એક ભીના ડૂસકાની ભેટ આપી હું સસુરાલ ચાલી ગયેલી.

  શાયદ દરેક ઋતુ અને મોસમની મુસ્કુરાહટની લાલાશમાં આવી કોઈને કોઈ ‘હરિત રંગી’ ઉદાસ રેખા છુપાયેલી રહેતી હશે!”

  All these sentences have described the feelings of the character in a very impressive manner. Whoever has fallen in love and was not able to get that love for any reason would have gone through these feelings. Nice description!

  The names of the characters in this story are also so meaningful and related to this story: Harit, Rutu, Chinmay and Mosam.

  Thank you Shri Nasir Ismaaili ‘Zubin’ for sharing this beautiful heart-touching story.

 11. vipul patel shreevibhu says:

  the another writter name ALTALF PATEL. Whose articals like Mr. Nasir Sir. Both style r same.

 12. tushar mankad says:

  નસિર ભાઇ નેી એ જ તો ખાસિયત …. પાત્રો ના નામ વાર્તા ના પ્લોટ પ્રમાણૅ તાણાવાણા મા પરોવાયેલા હોય … બસ વાર્તા વાચે રાખ્વાની … મજ્હા લુટ્વાની ..

 13. BABUBHAI PARMAR says:

  વાત જાણે દરેક યુવા દિલ નિ…..

 14. શાયદ દરેક ઋતુ અને મોસમની મુસ્કુરાહટની લાલાશમાં આવી કોઈને કોઈ ‘હરિત રંગી’ ઉદાસ રેખા છુપાયેલી રહેતી હશે – અદભુત પરિકલ્પના…

 15. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નસીરસાહેબ,
  આપની સંવેદનાના સૂર રણકાવતી , કુંવારાં હૈયાંની પ્રીતને અને મજબૂરીને વાચા આપતી એકદમ નવિન પ્રેમકથા માણી. આનંદ થયો, આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 16. komal says:

  ખુબ સરસ વાતાઁ,નાસિર સર I m big fan of you sir hu dar budhvare fakt tamari j katar vachu chhu .sachche I really like your stories..because its heart touching story .. and I m agree with virenbhai because I m one of them…..Thank you for giving lovely heart touching story………….

 17. Aruna parekh says:

  Nasir Saheb is my favorite author

 18. Ravi Dangar says:

  વાહ………..અદભૂત……………ખૂબ સરસ રીતે વાર્તાનું નિરૂપણ થાય છે…………………….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.