નવા વરસના રામરામ – મુકુન્દરાય પારાશર્ય
નવા વરસના, બાપા, રામરામ.
સૌ પે રે’જો રામની મેર,
રાતદિ’ રામને સંભારતા
કરજો ભાવતી લીલાલે’ર,
નવા રે વરસના, બાપા, રામરામ.
બાયું બોનું, સંધાયનો
રે’જો અખંડ ચૂડો,
ઢોરાં છોરાં સીખે સૌ રીઓ,
નીતરે આફુડો મધપૂડો
નવા આ વરસના, બાપા, રામરામ.
ખેતર ખેડી ખાતર પૂરજો
વાલો વરસે અનરાધાર,
સાચુકલાં બીયારણ વાવજો,
કે ધાન ઊતરે અપરંપાર
નવા આ વરસના, બાપા, રામરામ
ઊભું વરસ દિવાળી જ રે’,
જેના રુદિયામાં રામ,
હરખ સંતોષ ગાજે સામટો,
ખોરડું નૈં, આખું ગામ;
નવા રે વરસના, બાપા, રામરામ
ઓણ જે કીધા અમે રામરામ
તમે સૌને કરતા રો’;
સંધાનાં જીવતર ફળો રામથી,
એવી દૂવા લેતા રો’.
નવા રે વરસના, બાપા, રામરામ



ઓણ જે કીધા અમે રામરામ
તમે સૌને કરતા રો’;
સંધાનાં જીવતર ફળો રામથી,
એવી દૂવા લેતા રો’.
સરસ
I love rid gujarati.com
નવા વર્શ ના રામ રામ
બહુ સરસ્..
મુકુન્દરાય પારાશર્યજી; જીયાં હો તીયા અમારાં તમને ……. બાપા, રામરામ..***જયેશ શુક્લ॰”નિમિત્ત”॰