ઉચ્ચકોટીના તસ્વીરકાર કૃષ્ણા ગોપાલ મહેશ્વરી – મનહર એમ. શાહ

[‘નવનીત સમર્પણ’ નવેમ્બર-2011માંથી સાભાર.]

ભારતના ઉચ્ચ કોટીના તસવીરકાર શ્રી કૃષ્ણા ગોપાલ મહેશ્વરીનો જન્મ સન 1922માં નવેમ્બરની બીજી તારીખના રોજ થયો. તેમના પિતા તેમને સંગીતકાર બનાવવા ઈચ્છતા હતા, પણ સંગીત શિક્ષકે તેમનો સંગીતમય અવાજ ન હોવાથી ના પાડી. સંગીત પ્રત્યે તેમની રુચિ ન હોવાથી તે ગાઈ ન શક્યા. એટલે નિરાશ થયા. છતાં કલાના નવા ક્ષેત્ર ફોટોગ્રાફી તરફ વળ્યા. તેમને નાનપણથી જ શાળા અભ્યાસ દરમિયાન ફોટોગ્રાફીનો શોખ છે. આ વખતે તેમની ઉંમર 15 વર્ષની હતી.

આ દિવસો દરમિયાન ટાઈમ્સ જૂથના ‘ઈલસ્ટ્રેટેડ વીકલી’ મેગેઝિનમાં ફોટોગ્રાફીનું આખું પાનું આવતું. આ જોઈને તેમને ફોટોગ્રાફી કરવાની હોંશ થઈ. પોતાના ગમતા વિષયો માટે અન્ય વર્તમાનપત્રો, સામાયિકો અને જૂનાં પુસ્તકો ઉત્કંઠાથી ખરીદવાનું શરૂ કર્યું. આવો બાળપણમાં રસ હતો. સૌથી જરૂરિયાતનો કેમેરો ખરીદવા ખિસ્સાખર્ચમાં બચત કરવાનું શરૂ કર્યું. યુવાન મહેશ્વરીએ મુંબઈની દુકાનમાંથી રૂપિયા ત્રણનો કોડાક બોક્સ કેમેરા ખરીદ્યો. અને શાળાની રિસેસમાં ચોપાટી જઈ ફોટા પાડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કેમેરામાં ખામી હોવાથી પરિણામ સંતોષકારક ન મળતું. છતાં ફોટોગ્રાફી શીખવાનું ચાલુ રાખ્યું. પાછળથી રોલિફ્લેક્સ કેમેરા વસાવ્યો અને આ કેમેરાથી સંતોષકારક પરિણામ મળતું થયું. અને તેમનો આત્મવિશ્વાસ વધ્યો. અને ઈનામી તસવીર મળી. આથી તેમનામાં ઉત્સાહ વધ્યો અને તેઓ વધુ ગંભીર બન્યા. પાછળથી તેમણે રોલિફ્લેક્સ લાયકાM3 અને મામિયાફ્લેક્સ-330 વાપરવા શરૂ કર્યા. સને 1938માં સેન્ટ્રલ કેમેરાવાળા પી. જે. પટેલે અમદાવાદની ‘નિહારિકા’ (ધી સોસાયટી ઓફ ગુજરાત પિક્ટોરિયાલિસ્ટ) ફોટોકલબ આયોજિત ફોટોગ્રાફી હરીફાઈમાં ભાગ લેવા જણાવ્યું અને તેમને ઈનામ મળ્યું. અને તસવીરકારની વણથંભી યાત્રા શરૂ થઈ. તે યાત્રા નેશનલ ફોટો એવોર્ડ સુધી અવિરત વહેતી રહી.

પિક્ટોરિયલ ફોટોગ્રાફીના શોખને કારણે આ ક્ષેત્રના અનેક તસવીરકારોના સંસર્ગમાં આવવાનું થતાં નવા નવા અનુભવો પણ મળવા લાગ્યા. તેમણે ફોટોગ્રાફીમાં કોઈ ટ્રેઈનિંગ લીધી નથી. આવી કોઈ સુવિધા પણ નહોતી. નસીબે તેમને સારા ફોટોગ્રાફર મિત્રો સાથે મેળાપ કરાવ્યો. ભારતીય પિક્ટોરિયલ ફોટોગ્રાફીના ભીષ્મ પિતામહ સ્વ. જહાંગીર ઊનવાલા અને સ્વ. બરજોરજી ફનીબંદા પાસેથી પિક્ટોરિયલ પ્રિન્ટ બનાવતાં શીખ્યા. આજે તેઓ પોતે પણ આ મહાન ફોટોગ્રાફર મિત્રોનો આભાર માને છે. સન 1941માં શાંતિદેવી સાથે લગ્ન થયાં. તેઓ પણ તેમને ફોટોગ્રાફીમાં પ્રોત્સાહિત કરવા ઉપરાંત પોતાના જીવનના એક ભાગરૂપે પિક્ટોરિયલ ફોટોગ્રાફીમાં મુખ્ય શોખ તરીકે ભાગ લેતાં થયાં.

તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ફોટોગ્રાફી સલોનમાં નિયમિત ભાગ લે છે. તેમની છબિકલાની સર્વોત્કૃષ્ટતાએ, રોયલ ફોટોગ્રાફિક સોસાયટી ઓફ ગ્રેટ બ્રિટનની એસોસિયેટશિપ સન 1946માં અપાવી. આજ સુધીમાં તેમની 1600 ઉપરાંત તસવીરો દેશ-વિદેશની ફોટોગ્રાફિક સલોનમાં સ્થાન પામી છે. અને 400 ઉપરાંત એવોર્ડ સન્માનોમાં શિલ્ડ, પ્લેક, મેડલ, સુવર્ણ, રજત, કાંસ્ય, ગુણવત્તા પ્રમાણપત્રો તથા રોકડ ઈનામોનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત પરદેશની 25 જેટલી ફોટોગ્રાફિક સંસ્થાઓએ તેમની ફોટોગ્રાફી કલાને બિરદાવી માનદ ફેલોશિપ, માનદ સભ્યપદ આપી નવાજ્યા છે. સન 1975માં ફોટોગ્રાફિક મુંબઈ સોસાયટી ઓફ ઈન્ડિયાનું માનદ સભ્યપદ આપી નવાજ્યા હતા. અને તેના પ્રમુખપદે સેવાઓ આપી છે. સન 1983માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલ, ન્યુ દિલ્હીના પ્રથમ પ્રમુખપદે સેવાઓ આપી છે. હાલમાં આ બંને સંસ્થાઓના ઓનર્સ કમિટીના સભ્ય તરીકે સેવાઓ આપે છે. સન 1998માં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલ દ્વારા ‘ઈન્ટરનેશનલ ફોટો એવોર્ડ, લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ આપી નવાજ્યા હતા.

સન 2010માં ભારત સરકાર દ્વારા પ્રથમ ‘નેશનલ ફોટો એવોર્ડ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’ આપી નવાજ્યા છે. એમની વ્યક્તિગત સિદ્ધિઓની યાદી ઉજ્જ્વળ અને ઘણી લાંબી છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સલોનમાં નિષ્પક્ષ નિર્ણાયક તરીકે સેવાઓ આપે છે. શ્રી મહેશ્વરી, કૌટુંબિક પ્રવાસમાં નિયમિત મસૂરી જતા હોય છે અને ત્યાંના સ્થાનિક લોકોની પોટ્રેઈટ (વ્યક્તિ ચિત્રણ) ફોટોગ્રાફી કરતા હોય છે. તેમની ચાર દાયકા ઉપરાંતની ફોટોગ્રાફી કલાયાત્રાનું ‘પ્રિન્ટ્સ અને ઈમ્પ્રિન્ટ્સ’ પુસ્તક સંપુટ કલકત્તાની બિરલા એકેડેમી ઓફ આર્ટ અને કલ્ચર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને બીજું પુસ્તક ‘સિલ્વર મેમરીઝ’ હાલમાં પ્રકાશિત થયું છે. તેમના ફોટોગ્રાફિક લેખો સામાયિકોમાં પ્રકાશિત થયા છે અને સેમિનારમાં પેપર્સ રજૂ કર્યા છે. આજ સુધીમાં તેમણે પિક્ટોરિયલ પોર્ટ્રેઈટ ફોટોગ્રાફીમાં નેચરલ લાઈટ આઉટડોર અને આર્ટિફિશિયલ સ્ટુડિયો લાઈટ ઉપર દર્શાવી વધુ વર્કશોપ કર્યા છે.

સન 1994થી શતાબ્દી સુધી તેઓ શ્વેત-શ્યામ છબિકલામાં રાષ્ટ્રીય પ્રદર્શકોમાં પ્રથમ હરોળમાં સ્થાન પામી ચૂક્યા છે. શ્વેત-શ્યામના સમયથી આજના સમય દરમિયાન ફોટોગ્રાફીમાં બદલાયેલ આધુનિક કેમેરાથી સજ્જ એવા શ્રી મહેશ્વરી ભારતના ઉચ્ચ કોટિના તસવીરકાર તેમ જ ઊગતી પેઢીના માર્ગદર્શક બની રહ્યા છે. તેમણે ઊંડી કલાસૂઝ કેળવી છે. તેમની છબિકલામાં કલાદષ્ટિનો સમન્વય જોવા મળે છે. પિક્ટોરિયલ ફોટોગ્રાફીમાં તેઓ નિઃશંકપણે પ્રથમ પંક્તિના સ્થાને બિરાજે છે. આથી ભારતીય છબિકલાના ઈતિહાસમાં એમનું સ્થાન ચિરંજીવ બની રહેશે. શ્રી મહેશ્વરીએ સર્જનાત્મક તસવીરકલામાં બધા જ વિષયોને આવરી લીધા છે. તેમણે છબિકલામાં વ્યક્તિ ચિત્રણ (પોર્ટ્રેઈટ) ઉપરાંત નિસર્ગ, વાઈલ્ડ લાઈફ, લેન્ડસ્કેપ, સ્ટિલ લાઈફ અને ફોટોગ્રામ વગેરેમાં આંતરરાષ્ટ્રીય આલબમમાં પણ તેમનું નામ અને કામ ગણનાપાત્ર લેખાયાં છે. સન 1949થી રાષ્ટ્રીય તથા આતંરરાષ્ટ્રીય સ્તરના સલોનમાં તસવીરો પ્રદર્શિત કરવાનો આરંભ થયો અને તેઓએ એક પીઢ અગ્રણી અને પ્રતિભાસંપન્ન તસવીરકાર તરીકે ખ્યાતિ મેળવી છે. યુવા પેઢીનો તસવીરકલામાં વ્યવસ્થિત વિકાસ થાય અને તેમને જરૂરી પ્રોત્સાહન મળે તે માટે એમણે પૂનામાં કે.જી. મહેશ્વરી આર્ટ ગેલેરી સ્થાપી છે. અને તેમાં એમની અલભ્ય તસવીરોનું કાયમી પ્રદર્શન ગોઠવ્યું છે અને અવારનવાર પોટ્રેઈટ ફોટોગ્રાફીનું વર્કશોપ યોજતા હોય છે.

એમની સાત દાયકાની ફોટોગ્રાફીની કલાયાત્રા ભારતીય છબિકલા ક્ષેત્રે એક સિમાચિહ્ન સમાન છે. તેમની છબિકલામાં સૂઝ, નવી દષ્ટિ અને કલ્પનાદષ્ટિ ગોચર થાય છે. શ્વેત-શ્યામ છબિકલામાં એમની કલા ઊભરી આવે છે. આવી છબિકલાનો પ્રભાવ વધારે પડે છે. તમે જોશો કે ગુરુ દત્તના ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ ચલચિત્રની શ્વેત-શ્યામ છબિકલાથી આખી વાર્તા વધારે પ્રભાવશાળી બને છે. એમની છબિઓમાં પ્રકાશ સાથેની અનન્ય રીતભાતો ઉપસાવતી તીવ્ર છાયા અને ઉત્કૃષ્ટ પ્રકાશનો સમન્વય બનીને સફળ કૃતિ તરીકેનું બહુમાન મેળવી શકી છે. ભારતને છબિકલા ક્ષેત્રે દુનિયામાં આગવું સ્થાન અપાવનાર શ્રી મહેશ્વરી છબિકારો અને ફોટોકલા સંસ્થાઓને સદાય સાથ આપે છે. ઉત્કૃષ્ટ છબિકલાના સર્જક શ્રી મહેશ્વરી સચોટ તથા સફળ છબિકાર છે. છબિકલા સલોનની પુસ્તિકાઓ ઉપરાંત ફોટોગ્રાફિક સામાયિકોમાં એમની તસવીરોને શરૂઆતથી આજ પર્યંત સ્થાન મળતું જ રહે છે. જે એમની તસવીરકલા તરફની આગવી સૂઝ અને કલાસાધનાનું પરિણામ છે એમ કહી શકાય. એમની કલાસૂઝની અસર બાળ તસવીરકલાથી વૃદ્ધ વ્યક્તિઓના ચહેરા પરના હાવભાવમાં જોવા મળે છે. શ્રી મહેશ્વરીની રાષ્ટ્રીય સ્તરની ફોટોગ્રાફીમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના મોઢા પરના સ્મિતવાળો ફોટો સર્જનાત્મક તસવીરકલાનો ઉત્તમ નમૂનો છે.

તસવીરકલાની ભાષામાં સફેદ બેકગ્રાઉન્ડમાંની તસવીરને ‘High key’ તસવીર કહેવાય છે. શ્રી મહેશ્વરીએ ટેક્નિકલ ટ્રેઈનિંગ લીધી નથી, પણ સર્જનાત્મક તસવીરકલામાં છેલ્લા સાત દાયકાઓ દરમિયાન અવિરત અભ્યાસ, અથાગ પરિશ્રમ અને ઊંડી સમજદારીથી અનેક પ્રયોગો કરી જાત જાતના પડકારો ઝીલી પોતાની આગવી તસવીરકલાને અનોખો નિખાર આપ્યો છે અને સિદ્ધહસ્ત થઈ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી શક્યા. તસવીરકલાની આટલી પ્રબળ સેવા અને છતાં 89 વર્ષની ઉંમરે પણ હજુ એ જ ઉત્સાહ ! એ જ તરવરાટ. તેમનું શેષ જીવન, બસ આમ તસવીર કલામય રહે એવી શુભેચ્છાઓ સાથે દીર્ઘાયુષ્ય માટે પ્રભુ પ્રાર્થના, શુભ કામના.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ઉચ્ચકોટીના તસ્વીરકાર કૃષ્ણા ગોપાલ મહેશ્વરી – મનહર એમ. શાહ”

Copy Protected by Chetan's WP-Copyprotect.