તો શું થયું હોત ? – બકુલ દવે

[‘દિવ્ય ભાસ્કર’ દ્વારા પ્રકાશિત ‘ઉત્સવ’ સામાયિક ઓક્ટોબર-2011માંથી સાભાર.]

મધુસૂદન બાથરૂમમાં હતો. રેખા રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી. પ્રિયા છાપું વાંચી રહી હતી. ડોરબેલ રણકી. રેખાએ બારણું ઉઘાડ્યું. સામે બે પુરુષો ઊભા છે. એક યુવાન છે અને બીજાની ઉંમર સાઠ વર્ષની આસપાસ છે. યુવાન જિન્સના પેન્ટ અને ટી-શર્ટમાં છે. આંગળીઓમાં સનગ્લાસીઝ છે અને ચહેરા પર સ્મિત. વૃદ્ધે ખાદીનો લેંઘો અને ઝભ્ભો પહેર્યા છે. ખભા પર થેલો લટકે છે. ચહેરા પર વિનમ્રતા છે. એણે કહ્યું :
‘મારું નામ ગજાનન. સાહેબ ઘરે છે ?’
‘હા, છે.’ રેખાએ જણાવ્યું ને આવકાર્યા, ‘આવો, અંદર આવો.’

ડ્રોઈંગરૂમમાં સોફા પર બેસી બેય જણ મધુસૂદનની પ્રતીક્ષા કરવા લાગ્યા. ગજાનનને નવાઈ લાગી. કલાસ ટુ ઓફિસરનું ઘર આવું કંગાળ ? મધુસૂદન મોકાની પોસ્ટ પર છે. પગાર ઉપરાંત એને ‘વધારાની’ આવક પણ ખાસ્સી થતી હશે તો પછી એ દેખાતું કેમ નથી ? એ જે હોય તે, ગજાનને વિચાર્યું. પોતાનું કામ થઈ જાય એટલે બસ. એણે થેલામાં હાથ નાખી કશી ખાતરી કરી લીધી.

પગરવ થયો. મધુસૂદનને જોતાં જ ગજાનનથી હાથ જોડાઈ ગયા, ‘સાહેબ, હું ગજાનન. નિવૃત્ત શિક્ષક. આ મારો પુત્ર છે; પરેશ.’ રેખા ટ્રેમાં પાણીના ગ્લાસ લઈને આવી. ગજાનને રેખા સામે સ્મિત કરતાં પૂછ્યું :
‘બહેન, તમે મૃગેશભાઈના શું સગા થાવ ?’
‘એ મારા મોટાભાઈ છે.’ રેખાની આંખોમાં ચમક આવી ગઈ, ‘મૃગેશભાઈનાં સાળીના સસરા મારા ખાસ મિત્ર.’
‘તમે દિનેશભાઈની વાત કરો છો ?’
‘હા. હું અને દિનેશભાઈ સાથે ભણેલા.’
રેખા કશું બોલવા જતી હતી, પણ મધુસૂદને એને તેમ કરવાની તક ન આપી. એણે ગજાનન સામે જોયું, ‘કહો, શા માટે આવવું પડ્યું ?’
રેખા ત્યાંથી ગઈ પછી ગજાનને કહ્યું : ‘સાહેબ, પરેશને ધંધો કરવો છે. અમે લોન મેળવવા માટે અરજી કરી છે તે વાતને પણ ઘણો સમય થઈ ગયો પણ…..’
‘જરૂરી બધાં ડોક્યુમેન્ટ્સ સાથે છે ને ?’
‘હા.’
‘તો પછી પ્રશ્ન જ ક્યાં છે ? તમારું કામ થઈ જવું જોઈએ.’ મધુસૂદન બોલ્યો.

મધુસૂદન થોડા સમયથી જ લોન મંજૂર કરનાર ઓફિસર તરીકે નિમણૂંક પામ્યો હતો. આગળના ઓફિસરે ક્યા આધારે લોન મંજૂર કરી ન હતી તે જોયા પછી જ એ હકીકત જાણી શકે તેમ હતું એટલે એણે ચર્ચા ન લંબાવી. ગજાનનને સતત એક પ્રશ્ન પજવ્યા કરતો હતો કે લોન મંજૂર કરવા માટે બધી જ શરતો સંતોષાતી હતી તો પણ ફાઈલ કેમ અટકી ગઈ હતી. એ શિક્ષક હતો, સિદ્ધાંતવાદી પણ. લાંચ આપી કામ કરાવવાનું એને ગમતી વાત ન હતી, પણ ધીમે ધીમે એને સમજાયું હતું કે એના સિદ્ધાંતના કારણે ફાઈલ આગળ વધતી નથી. મધુસૂદનની પહેલાં જે અધિકારી હતો તે ભ્રષ્ટ હતો. પૈસા વગર એ નાનકડું કામ પણ કરતો ન હતો. ગજાનને કદી લાંચ આપી ન હતી એટલે એ અચકાઈ રહ્યો હતો ને કામ અટકી ગયું હતું, પણ મોડું મોડુંય ગજાનનને સત્ય સમજાયું હતું. સિસ્ટમ જ એવી થઈ ગઈ છે કે ‘ભેટ’ આપવાના બહાના હેઠળ નાનામોટા સૌને રાજી કરીએ તો જ કામ થાય.
‘સાહેબ, એક વિનંતી છે…..’ ગજાનને ધીમેથી કહ્યું.
‘શું ?’
ગજાનને થેલામાંથી લાલ રંગનું જ્વેલરી બોક્સ કાઢ્યું. એણે એ ટિપોઈ પર મૂક્યું : ‘આ મારાં બહેન માટે લાવ્યો છું…..’
‘એમાં શું છે ?’
ગજાનને બોક્સ ઉઘાડ્યું, ‘એમાં મોતીનો સેટ છે. બંગડીઓ, વીંટી અને નેકલેસ.’ મધુસૂદન ઘડીભર અવાક થઈ ગયો. ગજાનન એને લાંચ આપી રહ્યો છે. એ સતર્ક થઈ ગયો, ‘આ હું નહીં સ્વીકારું. તમે મને સમજવામાં ભૂલ કરી છે.’
‘એવું નથી, સાહેબ. મારી વાત સાંભળો.’
‘પ્લીઝ. મારે કંઈ જ સાંભળવું નથી.’ મધુસૂદનથી સહેજ ઊંચા અવાજે બોલાઈ ગયું.

રેખા બહાર દોડી આવી. ઘરેણાં જોઈ એની આંખો અંજાઈ ગઈ. મધુસૂદન સાથે નોકરી કરતાં સુધીરભાઈનાં પત્ની ઉષાબહેન પાસે એણે આવો જ મોતીનો સેટ જોયો હતો. સુધીરભાઈને એ સેટ કોઈએ ‘ભેટ’ આપ્યો હતો એવું ઉષાબહેને જ રેખાને કહ્યું હતું. મધુસૂદનનું વલણ જોઈ ગજાનનનું મોં ઊતરી ગયું. એણે બોક્સ થેલામાં મૂકી દીધું. એને થયું, આ કેવું ?! લાંચ આપીએ તો પણ તકલીફ અને ન આપીએ તો પણ દુઃખ. બંને જણ ગયા. મધુસૂદને સામે ચાલીને આવેલી લક્ષ્મીને જાકારો આપ્યો એ રેખાને ન ગમ્યું.
‘રેખા, મેં મોતીનો સેટ સ્વીકાર્યો હોત તો હું ગજાનનનો તાબેદાર થઈ જાત. આઉટ ઓફ વે જઈને પણ મારે એનું કામ કરવું પડત.’
‘તે અત્યારે કોણ ખોટું નથી કરતું ? કોઈ નીતિનું પૂંછડું પકડી જીવે છે ?’
‘બીજા શું કરે છે તે હું નથી જાણતો. હું મારી વાત જાણું.’
‘તમે સુધીરભાઈને જુઓ. એ તમારા હાથ નીચે કામ કરે છે, પણ એમનું ઘર, એમની લાઈફસ્ટાઈલ જોઈને કોઈ ન કહે કે એમનો પગાર તમારા કરતાં ઓછો છે. એમની તુલનામાં આપણે સાવ ભૂખડી બારસ દેખાઈએ.’
‘કોઈ પોતાનો આત્મા વેચી દે તો મારે પણ તેમ કરવાનું ?’ મધુસૂદને કહ્યું. પછી તેણે મૌન ઓઢી લીધું. એ રેખાના વિચારો બદલી શકે તેમ ન હતો કે એ પોતાની જાત સાથે પણ બાંધછોડ કરી શકે તેમ ન હતો. રેખા નારાજ થઈ ગઈ. એને સતત ખટકો રહ્યા કરતો હતો કે મધુસૂદનને ઘરમાં અગવડ છે એ કેમ દેખાતું નથી. સ્વજનોની મુશ્કેલી એ કેમ સમજી શકતો નથી ? દીકરાને ભણાવવાનો અને દીકરીને પરણાવવાનો ખર્ચ કાઢવાનો છે તે એ નથી જાણતો ? એટલું જ નહીં, ભાઈબહેનોમાં પણ એ સૌથી ઉંમરમાં મોટો છે. પાંચ બહેનોનો એક જ ભાઈ છે એટલે એણે માતાપિતાને પણ અવારનવાર પૈસા મોકલવા પડે છે. વધુમાં આ કાળઝાળ મોંઘવારી અને ન કરવા ઈચ્છીએ તો પણ કરવા પડે એવા ખર્ચાઓ….. મધુસૂદન રેખાને સાવ સમજી શકતો ન હતો એવુંય ન હતું, પણ એ મજબૂર હતો. એણે જીવનભર પ્રામાણિકતાથી નોકરી કરી હતી. હવે નોકરીમાં થોડા વર્ષ બાકી રહ્યાં હતાં ત્યારે કારકિર્દીને ડાઘ લાગી જાય એવું કંઈ ન થાય એ અંગે એ સાવધાન રહેતો હતો. એણે રેખાને કોઈ ભેટ આપી મનાવી લેવાનું વિચાર્યું, પણ તે માટે એણે બે-ત્રણ દિવસ રાહ જોવી પડે તેમ હતું. મહિનાની છેલ્લી તારીખો હતી. ભેટ ખરીદી શકાય એટલી રકમ એની પાસે ન હતી.

એક બપોરે મધુસૂદનની ઓફિસમાં એને મળવા બે જણ આવ્યા. મધુસૂદન કામમાં પરોવાયેલો હતો. ટપાલ આજે જ જાય તે જરૂરી હતું, પણ એણે થંભી જવું પડ્યું. ચશ્માં ઉતારી એણે આગંતુકો સામે જોયું,
‘બેસો….’
‘સાહેબ, અમારું કામ થઈ ગયું.’ એક જણે હસતાં હસતાં જણાવ્યું.
‘ગુડ. કોન્ગ્રેચ્યુલેશન્સ.’
‘તમારો આભાર.’
‘અમે અમારી ફરજ બજાવીએ છીએ, ભાઈ. એનાથી વિશેષ અમે કંઈ કરતા નથી.’
‘એ સાચું પણ….’ આગંતુકે અચકાઈને કહ્યું, ‘અમે તમારી લાગણીનો પડઘો પાડવા ઈચ્છીએ છીએ.’ મધુસૂદનને કશું સમજાયું નહીં. એ વધુ કંઈ વિચારે તે પહેલાં એક સો રૂપિયાની કડકડતી ચલણી નોટોની થપ્પી એની સામે મૂકી દીધી, ‘ફૂલ નહીં તો ફૂલની પાંદડી અમે રાજી થઈને તમને આપીએ છીએ. ના ન પાડશો.’ મધુસૂદનના હાથમાંથી પેન સરકી ગઈ. રૂપિયાની થપ્પી સામે એ જોઈ રહ્યો. દસેક હજાર રૂપિયા તો હશે જ. એટલા રૂપિયામાં ઘણું થઈ શકે. રૂપમ હોસ્ટેલમાં રહી ભણે છે. એને પૈસા મોકલવાના છે. રેખા માટે કોઈ સારી મનપસંદ ચીજ પણ ખરીદી શકાય ને ભેટ આપી શકાય ને આ લાંચ ક્યાં છે ? કામ થઈ ગયા પછી રાજી થઈને એ લોકો સદભાવ દર્શાવી રહ્યા છે. એ પૈસા લેવા માટે હાથ લંબાવવા ગયો, પણ હાથ હલ્યો જ નહીં. એની ભીતરથી કોઈએ કહ્યું, ‘ના, એ પૈસા તારી મહેનતના નથી. એ પૈસા તારા હકના નથી. તારાથી એ ન લેવાય.’
‘રાખી લો, સાહેબ…..’ આગંતુકે ફરી આગ્રહ કર્યો.
‘નહીં. હું ઓફિસમાં કામ કરું છું તે માટે મને પગાર મળે છે. હું તમારી પાસેથી પૈસા ન લઈ શકું. તમે જઈ શકો છો.’

બંને જણ ચાલ્યા ગયા. મધુસૂદનને થયું, આ લોકો સુધીરને પણ પૈસા આપવાના. ઉષા એ પૈસાથી નવી ચીજ ખરીદશે ને રેખાને બતાવશે. રેખાનો અસંતોષ વધતો જશે. ફરી એક ક્ષણ માટે એને થયું કે પોતે પૈસા નહીં લઈને મૂર્ખામી નથી કરીને. પણ ના, પોતે જે કર્યું તે વિશે હવે નથી વિચારવું, એણે માથું હલાવ્યું. સાંજે ઓફિસથી છૂટી મધુસૂદન ઘેર ન ગયો. એક સંબંધી બીમાર હતા એમની ખબર પૂછવા માટે એમના ઘરે ગયો. સંબંધીના ઘેર એકાદ કલાક એ બેસી રહ્યો. ઘેર પાછો ફર્યો ત્યારે વાતાવરણ યથાવત હતું. ઉષા નજીકમાં જ રહે છે. એ ગમે ત્યારે આવી શકે છે, મધુસૂદને વિચાર્યું. જોકે કોઈ આવ્યું નહીં. મધુસૂદનની આશંકા એને રાતભર સતાવતી રહી. આજે નહીં તો કાલે સવારે ઉષા અને રેખા મળશે અને….. સવારે જાગતાં જ મધુસૂદને જોયું કે રેખા ઉષા સાથે ફોન પર વાત કરી રહી છે.
‘અરે, એવું શું થયું ઉષાબહેન…..’ રેખાના સ્વરમાં આશ્ચર્ય અને આઘાત હતાં. એણે કહ્યું, ‘હું તમારા ઘરે આવું છું. અત્યારે જ.’
‘શું થયું, રેખા ? મધુસૂદને પૂછ્યું.
‘સુધીરભાઈને એટેક આવ્યો છે….’ રેખાએ જણાવ્યું, ‘ગઈકાલે એમને કોઈએ છટકું ગોઠવી એન્ટિકરપ્શનના કર્મચારીઓના હાથમાં ઝલાવી દીધા.’
‘ઓહ !’
‘તમે સાચવજો હોં. ઉષાબહેન હવે શું કરશે ? સુધીરભાઈને કંઈ થઈ જશે તો ?’ રેખા બોલ્યાં કરતી હતી. કદાચ, પહેલી વાર એને ઉષાબહેન કરતાં પોતે સારી સ્થિતિમાં છે એવું લાગી રહ્યું હતું. મધુસૂદનને એ નિર્ણાયક ક્ષણ યાદ આવ્યા કરતી હતી, જ્યારે એણે સો રૂપિયાની નોટોની થપ્પી લેવા માટે હાથ લંબાવવા કોશિશ કરી હતી, પણ એનાથી તેમ થઈ શક્યું ન હતું. ધારો કે એ સમયે એણે એ નોટોની થપ્પી હાથમાં લીધી હોત તો ? તો શું થયું હોત ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

25 thoughts on “તો શું થયું હોત ? – બકુલ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.