ભ્રમની ખૂબસૂરત-ખતરનાક દુનિયા – મોહમ્મદ માંકડ

[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.]

જગત સાહિત્યની અમર કૃતિ ‘ડોન કિહોટે’ (Don Quixote) આપણામાંથી ઘણાએ વાંચી હશે. એમાં માણસને વળગતા ‘ભ્રમ’નું ચિત્રણ થયું છે. ભ્રમમાં સપડાયેલી વ્યક્તિ વાસ્તવિકતાથી કેટલી દૂર ચાલી જાય છે અને પોતાના માટે કેવી નવી જ દુનિયા સર્જે છે તેનું આલેખન તેમાં થયું છે.

સદીઓથી આ કૃતિ એટલા માટે વંચાતી રહે છે કે જરા ઊંડી નજર કરતાં દરેક માણસમાં ડોન કિહોટેનાં દર્શન આપણને ઓછેવત્તે અંશે થયા વિના રહેતાં નથી. અને આપણે પોતે પણ એમાંથી બાકાત હોઈ શકતા નથી. જીવનપથ પર ચાલતાં-ચાલતાં આપણે સૌ એક યા બીજા પ્રકારના ભ્રમમાં અવાર-નવાર સપડાઈ જતા હોઈએ છીએ અને એ ભ્રમમાંથી આપોઆપ છૂટી પણ જતા હોઈએ છીએ; પરંતુ બધા માણસો માટે ભ્રમની દુનિયામાંથી છૂટી જઈને વાસ્તવિક દુનિયામાં જીવવાનું સરળ નથી હોતું. વાસ્તવિક જિંદગી ઘણી કઠોર હોય છે. એનો સામનો કરવાનું માણસનું ગજું નથી રહેતું ત્યારે માણસ જૂઠું બોલે છે, દંભ કરે છે, બડાશો હાંકે છે. એ બધું જ વાસ્તવિકતાથી છૂટવા માટેના પ્રત્યનો-રૂપે હોય છે. અને એ પ્રયત્નના ભાગરૂપે જ કેટલાક માણસો પોતાની આગવી ભ્રામક દુનિયાનું સર્જન કરે છે. પોતે મહાન નેતા છે, ગુરુ છે, અવતારી પુરુષ છે, પોતે અન્યાય સામે એકલે હાથે લડી રહ્યા છે, પોતે બહુ જ અગત્યની વ્યક્તિ છે, એટલે માણસો પોતાની પાછળ પડી ગયા છે, પોતાને જંપવા દેતા નથી – એવા કોઈક પ્રકારના ભ્રમમાં સરી જઈને વ્યક્તિ જીવવાનો પ્રયત્ન કરે છે. જીવનની વાસ્તવિકતા સ્વીકારવાનું એમના માટે મુશ્કેલ હોય છે, એટલે પોતાની એક નવી દુનિયા એ સર્જી લે છે.

અલબત્ત, એ દુનિયામાં જીવનાર વ્યક્તિ જ્યારે એ દુનિયામાં જ જીવ્યા કરે ત્યારે એના માટે તકલીફ થાય છે. ત્યારે એનામાં રહેલા ડોન કિહોટેને વાસ્તવિક ધરતી પર લઈ આવવાનું જરૂરી બને છે, કારણ કે સતત ભ્રમની દુનિયામાં જીવનાર વ્યક્તિ એટલી અસ્વસ્થ રહે છે કે માનસચિકિત્સક પાસે એની ચિકિત્સા કરાવવાનું જરૂરી બની જાય છે. ચિકિત્સક પાસે ચિકિત્સા કરાવવી પડે એટલા ભ્રમમાં જીવતી વ્યક્તિઓની બાબતમાં પણ નવાઈ લાગે એવી વાત એ છે કે પોતે જે ખાસ વાત પકડી લીધી હોય એ સિવાયની બીજી બધી બાબતોમાં તેઓ તર્કબદ્ધ વિચારી શકે છે. માત્ર જે વાત તેમના મનમાં ઠસી ગઈ હોય એ વાતમાં જ તેઓ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકતા નથી. બીજી બધી રીતે સ્વસ્થ લાગતી આવી વ્યક્તિઓનું વર્તન બાકીની બાબતોમાં એટલું સામાન્ય હોય છે કે તેમના સંસર્ગમાં આવતા માણસોને તેમની વાતો સાચી માનવાનું મન થઈ જાય છે. તેમના બાકીના વર્તનમાં કોઈ પણ પ્રકારની વિચિત્રતા લાગતી નથી.

એક ભાઈ બુદ્ધિશાળી અને લાગણીશીલ. કામમાં પણ ખૂબ જ ચીવટવાળા. એમનાં લગ્ન પછી કોણ જાણે શું થયું, એમને પત્નીના ચારિત્ર્ય પર શંકા થઈ. અને પછી એક પળે એમના મનમાં એવી વાત ઠસી ગઈ કે એમનો એકનો એક પુત્ર એ એમનો પુત્ર નહોતો. બસ, જીવન ખારું ઝેર થઈ ગયું. પછી તો ભ્રમોની વણજાર શરૂ થઈ. એમને લાગ્યું કે એમની પત્ની એમને મારી નાખવાનાં કાવતરાં કરી રહી છે. એમના શ્વસુરપક્ષનાં બધાં જ માણસો એમાં જોડાઈ ગયાં છે. એટલું જ નહીં, ખુદ એમનાં પોતાનાં સગાંવહાલાંઓ પણ એમાં જોડાઈ ગયાં છે. જિંદગી અસહ્ય થઈ પડી. નોકરી હતી એ છોડી દીધી. એક ગામથી બીજે ગામ રખડવાનું શરૂ કર્યું. જીવવા માટે કોઈક કામ શોધી કાઢે, પણ થોડા દિવસોમાં જ એમને લાગે કે એમની પાછળપાછળ મારાઓ ત્યાં સુધી આવી પહોંચ્યા છે, એટલે તરત જ એ કામ અને ગામ છોડીને બીજે ગામ જતા રહે. એ જ્યારે સ્વસ્થ હતા ત્યારે સ્વભાવ એટલો સારો કે અનેક લોકો એમને મદદ કરવા તૈયાર હોય. કોઈ પણ મિત્ર કે સંબંધીને ત્યાં ખૂબ જ પ્રેમ અને આદરભર્યો આવકાર મળે; પરંતુ થોડા વખત પછી એમને એમ લાગે કે એમના અંગત સંબંધીઓ પણ કાવતરાખોરો સાથે મળી ગયા છે. જે કોઈ એમને જુએ, એને જૂના દિવસો યાદ આવે. ક્યારેક કોઈ વ્યક્તિ એમને સમજાવવા પણ કોશિશ કરે કે ભાઈ, તમને કોઈ શા માટે મારી નાખવાનું કાવતરું કરે ? તમે એકલદોકલ માણસ છો. નથી તમારે કોઈ જમીન-વાડી, નથી બેન્ક-બૅલેન્સ, નથી બીજી કોઈ મિલકત, તમને મારીને કોઈ માણસ મેળવે શું ?

એવી વાતો સાંભળીને એ જાણે એકદમ ડાહ્યા બની ગયા હોય એવો દેખાવ કરે. પોતે બધું સમજી ગયા છે અને સ્વસ્થ થઈ ગયા છે એવો દેખાવ કરે, પણ વહેલી તકે એ વ્યક્તિનો સાથ છોડી દે અને નવી વ્યક્તિ મળે એને પેલી વ્યક્તિ કાવતરાખોરો સાથે કેવી-કઈ રીતે મળી ગઈ હતી એની વાત પણ કરે અને પોતે કેવી સિફતથી બચી ગયા હતા એની વાત પણ કરે. એમને ક્યારેય એવો પ્રશ્ન થતો જ નહોતો કે કોઈ એમની વિરુદ્ધ શા માટે કાવતરું કરે ? અથવા તો એવું કાવતરું કરીને એ શું પામે ?

સામાન્ય રીતે દરેક લેખક, કવિ, કલાકાર પોતે બીજા કરતાં વધુ સારા છે એમ માનતા હોય છે અને અમુક અંશે એમના માટે એ જરૂરી પણ હોય છે, કારણ કે નહીં તો એ લેખક, પત્રકાર કે કવિ તરીકે જીવી જ ન શકે; પરંતુ ક્યારેક એ ભ્રમ હદ બહાર વધી જાય છે. એક ભાઈના મનમાં એવું ઠસી ગયેલું કે એ મહાન કવિ છે. કૉલેજમાં હતા ત્યારે એમની થોડી કવિતાઓ સામાયિકોમાં છપાઈ હતી. પછી એક નાનકડો કાવ્યસંગ્રહ પણ પોતે પ્રગટ કરેલો, પણ એને ખાસ આવકાર ન મળ્યો એટલે એમનું મન વિક્ષુબ્ધ થઈ ગયું. રાત્રે સૌ સૂઈ જાય પછી જાગીને કાવ્યો લખે અને એને ઓશીકા નીચે સંતાડી રાખે. બીજે દિવસે બૅન્કમાં જાય અને સેફ ડિપોઝિટ વૉલ્ટમાં એ કાવ્યો મૂકી આવે. અને છતાં એમને એમ જ લાગ્યા કરે કે એમનાં કાવ્યોની ચોરી થઈ જાય છે. જ્યારે પણ કોઈ ખ્યાતનામ કવિનું નામ છપાયેલું જુએ ત્યારે તરત જ મિત્રોને કહે કે આ કાવ્ય મારું છે. મેં તમને કહેલું ને મારાં કાવ્યો લોકો ચોરી જાય છે ! આવા સજ્જન દેખાતા માણસો પણ ચોરી કરે એનું કરવું શું ? કાવ્યો બૅન્કના વોલ્ટમાં રાખું છું છતાં ચોરાઈ જાય છે. નક્કી કોઈક ફૂટી ગયું છે. મારે બૅન્ક જ બદલી નાખવી પડશે.

પછીના દિવસોમાં એમને એવો ભ્રમ થવા લાગ્યો કે કાવ્યો બૅન્કમાંથી નહીં એમના ઘરમાંથી જ ચોરાય છે. અરે, ભગવાન, હવે કરવું શું ? ઘરનાં માણસો પણ ફૂટી ગયાં ! એમણે કવિતા લખવાનું જ બંધ કરી દીધું. પણ કવિનો જીવ એટલે રાત્રે જ્યારે બધાં સૂઈ ગયાં હોય ત્યારે કાવ્યની સ્ફુરણા થાય તો એ કાવ્ય, ઋષિ-મુનિઓની જેમ માત્ર મનોમન ગણગણીને યાદ રાખી લે. પરંતુ નવાઈની વાત એ છે કે થોડા દિવસોમાં જ એ કાવ્ય કોઈક સામાયિકમાં કોઈક જાણીતા કવિના નામે પ્રસિદ્ધ થઈ જાય. એક વાર એક મિત્રને એમણે ધીમેથી પૂછ્યું, ‘એવાં કોઈ સાધનો આવે છે કે જે આપણા મનના ગણગણાટને પણ નોંધી લે ?’
પેલાંએ હસતાં હસતાં કહ્યું, ‘હા, હવે તો એવાં ઈલેક્ટ્રોનિક સાધનો આવે છે જે આપણા મનના વિચારોને પણ નોંધી શકે.’ એ વાત માની લઈને તરત જ એમણે જાહેર કરી દીધું કે એમનાં કુટુંબીઓએ ઘરમાં એવાં સાધનો ગોઠવી દીધાં છે કે હવે એમની કોઈ કાવ્યકૃતિ સલામત નથી ! અને પછીના દિવસોમાં એમનાં કુટુંબીજનો હવે એનું કાસળ કાઢી નાખવા તૈયાર થઈ ગયાં છે, એમ માનીને એમણે ઘર છોડી દીધું. આમ, એમની જિંદગી પોતે જ વહોરી લીધેલી યાતનાનું ચક્ર બની ગઈ.

ભ્રમ વિશે વાત નીકળી જ છે ત્યારે એક વધુ કિસ્સો અહીં રજૂ કરું છું.
એક એવી વ્યક્તિના સંપર્કમાં હું આવ્યો છું જેને મેં આખી જિંદગી કૉર્ટમાં કેસ લડતી જ જોઈ છે. એક દિવસ મેં સાંભળ્યું કે એક ન્યાયાધીશે પણ એમના વિશે એવી ટકોર કરી કે એ ભાઈ માત્ર કેસ કરવા ખાતર જ કેસ કરીને અદાલતનું કામકાજ વધારતા હતા. એક વાર એમણે કહ્યું કે હવે વકીલો ઉપર વિશ્વાસ રાખવા જેવું નથી. જે વકીલને હું રોકું છું એને સામી પાર્ટી ફોડી નાખે છે. એટલે કેસ લડવાને બદલે એ સમાધાનની વાત કરવા માંડે છે. આપણો વકીલ આપણને એમ કહે કે આપણે કેસ જીતી શકીએ તેમ નથી, સમાધાન કરી લઈએ, એનો અર્થ શું ? પહેલાં એમની ફરિયાદો વકીલો સામે જ હતી, પછી એમણે ન્યાયાધીશો સામે પણ ફરિયાદ કરવા માંડી કે ન્યાયાધીશો પણ પૈસા લે છે અને ફૂટી જાય છે. એમ ને એમ, એક દિવસ એ ગુજરી ગયા અને કૉર્ટ-કજિયાનો વારસો પોતાનાં સંતાનોને સોંપતા ગયા.

ભ્રમના આ કિસ્સાઓ અસામાન્ય ગણાય; પરંતુ આપણામાંની મોટા ભાગની વ્યક્તિઓ પણ ભ્રમથી સંપૂર્ણપણે પર નથી હોતી. મોટા ભાગના માણસો પોતાને મનગમતી કોઈક પ્રકારની દુનિયા રચીને એમાં જીવે છે. જીવનની કઠિનાઈઓને જીરવવાનું મુશ્કેલ હોય છે, એટલે ભ્રમની ખૂબસૂરત દુનિયાનું સર્જન કરવાનું માણસ શરૂ કરી દે છે, એટલે જ દરેક માણસ વત્તેઓછે અંશે પોતે બહુ અગત્યની વ્યક્તિ છે એમ માને છે. એનો અતિરેક થાય ત્યારે જ તે હાનિકારક બને છે, કારણ કે દરેક અતિરેક હાનિકારક હોય છે. આ લેખ વાંચનાર વાચકના સંપર્કમાં ભ્રમની દુનિયામાં જીવતી હોય એવી કોઈક વ્યક્તિ આવે ત્યારે એ પોતાના મનના ઊંડાણમાં પણ જરા નજર કરી જુએ અને પોતે જો એવા કોઈ ભ્રમમાં હોય તો એનો અતિરેક થાય અથવા બીજા લોકોને એ વાગે એટલા પ્રમાણમાં વિકસે એ પહેલાં એના ઉપર જરા લગામ રાખે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં – નિરંજન ત્રિવેદી
પંબનની મુલાકાતે – સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા Next »   

5 પ્રતિભાવો : ભ્રમની ખૂબસૂરત-ખતરનાક દુનિયા – મોહમ્મદ માંકડ

 1. મોહમ્મદ માંકડની અતિ સુંદર કૃતિઓમાંની એક અદ્ભુત રચના. એમની આ વાતો રજુ કરવાની પદ્ધતિ અને લખાણની કળા એટલી સરસ છે કે જાણે વાંચતા જ રહીએ. એમના કેટલાયે લેખોમાંથી હું કોણ જાણે કેટલુંયે શીખ્યો છુ અને અમલમાં યે મુક્યું છે.

  અમારે એક સહાધ્યાયી હતો તે અમને કહે કે યાર, તને ખબર પડી કે બીરલાવાલા ઇન્ડોગલ્ફ નામે કંપની નાખે છે. તે મેં કહ્યું કે ભરૂચમાં પ્લાન્ટ સ્થાપવાનો છે. મિત્ર ખરેખર ઉદાસ હતો કે આ લોકો જો બધી કંપનીઓ ખોલી નાખશે તો પછી એ પોતે ક્યારે કંપની સ્થાપી શકશે? તે લોકો આવા ભ્રમમાં જીવનભર જીવે છે.

 2. ખરેખર ખુબ જ્ સારો લેખ!!!

  વિશ્વ વાકેફ છે કે,વહેમથી ખુબ મોટા અનર્થો સર્જાયા છે અને વહેમનુ બીજુ કોઇ ઓશડ પણ નથી.

 3. jyoti says:

  મજા આવી ગઈ. ખુબ જ સારો લેખ. આ (અમર કૃતિ ‘ડોન કિહોટે’ (Don Quixote)) પુસ્તકની ગુજરાતી અનુવાદ મળે તો મજા આવી જાય..

 4. Arvind Patel says:

  ભ્રમ એટલે શું !! દોરડું પડ્યું હોય અને તેને સાપ સમજાવો. એકાદ વખત ભૂલથી દોરડાને સાપ સમજી લૈયે તો સમજ્યા , કે આપણને જ્ઞાન થયું કે આ સાપ નથી અને આ તો દોરડું જ છે. પછી ભૂલ ના થાય. પરંતુ ઘણા લોકો એવા છે કે સાપ અને દોરડાના ભ્રમમાં થી બહાર જ આવતા નથી. લોકો ની જિંદગી પુરી થઇ જાય છે, દોરડાને સાપ સમજતા સમજતા. દરેક વ્યક્તિને ભગવાને બુદ્ધિ, સમજ આપેલી જ છે. તેનો ઉપયોગ કરો. ભૂતકાળ ના પોતાના જ અનુભવોમાં થી શીખીયે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.