હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં – નિરંજન ત્રિવેદી

[‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંક : સં.2067 માંથી પ્રસ્તુત હાસ્યલેખ સાભાર લેવામાં આવ્યો છે.]

ત્રીસ વર્ષના વ્હાણા વીતી ગયા, અમેરિકામાં પરિમલને આવે. ભારતથી તે નીકળ્યો ત્યારે આડત્રીસનો હતો, અત્યારે તે સડસઠનો હતો. હવે નોકરીમાંથી નિવૃત્ત પણ થયો હતો. અમેરિકા હતો એટલે તે પાંસઠ વર્ષની ઉંમર સુધી નોકરી કરી શક્યો. ગુજરાતમાં હોત તો અઠ્ઠાવને નિવૃત્ત થઈ ગયો હોત. શાયરે કહ્યું છે ને તેમ ‘ફીર કભી ફુરસદ સે સોંચેંગે હમ, અચ્છા કીયાં યા બૂરા કીયાં.’

એને વિચાર આવ્યો શું અમેરિકા આવ્યો તે બરાબર હતું ? અમદાવાદ હતો ત્યારે છ વાગે ઑફિસેથી છૂટે, જો એ છ વાગે ઘેર પહોંચે તો મોડો પડ્યો એમ મનાતું. નિયમ મુજબ ઓફિસ છ વાગે પૂરી થાય, પણ એ પાંચ વાગે નીકળી જાય. એના બેંક કર્મચારી મિત્રો તો સાડાચાર વાગ્યા પછી ઑફિસમાં મળતા જ નહીં. એ પછી બેંકવાળાઓ શેરબજારમાં જ હોય. અમદાવાદમાં હોય ત્યારે સાંજે ઑફિસથી છૂટી પાંસરો ઘરે પહોંચતો. હાશ કરી સોફામાં પડતું નાંખે અને પત્નીને બૂમ મારે ‘ભારતી ચા બનાવજે’ અને પત્ની હાથમાં ચાનો કપ લઈ પતિ પાસે પહોંચી જાય. એને પણ વરસો પહેલાના દિવસો યાદ આવે. ચાના માધ્યમથી જ તે પરિમલના પ્રથમ સંપર્કમાં આવી હતી. પરિમલ તેને જોવા આવ્યો ત્યારે ડગમગ થતા કપ-રકાબી અને ડગમગ થતા પગ સાથે તે ચાનો કપ લઈ પરિમલ પાસે પહોંચી હતી. પરિમલ પણ એ બધું યાદ કરી રહ્યો હતો. વાહ શું દિવસો હતા ! ભારતના પતિદેવો જ્યારે નોકરીથી પાછા આવે ત્યારે ભારતીય પત્ની ચાના કપથી તેમની આરતી ઉતારતી, પણ અમેરિકામાં આથી ઉલ્ટી બાબત જોવા મળતી હતી.

ભારતમાં જ્યારે દિવસનું અજવાળું હોય છે, ત્યારે અમેરિકામાં અંધારું હોય છે. સામાજિક ક્ષેત્રે પણ આવું જ કંઈક તેને જણાતું હતું. ભારત પતિદેવો માટે અજવાળીયો પ્રદેશ ગણાય ત્યારે અમેરિકા પતિદેવો-પુરુષો માટે અંધારિયો પ્રદેશ ગણાય. ભારતમાં આરામની નોકરી કરી તે ઘરે પરત આવે ત્યારે પણ ચા બનાવવાનો હુકમ કરતો. હા, સૂચના નહીં પણ હુકમના સ્વરૂપમાં જ તે કહેતો. ‘ચાલ ભારતી, ફટાફટ ચા બનાવી કાઢ’ અને પત્ની ફટાફટ ચા બનાવી કાઢતી. પરિમલ એ બધું યાદ કરતો હતો અને તેને એક શાયરે કહેલી વાત યાદ આવી ગઈ :

‘હૈ વોહી આંસમા, હૈ વોહી જમીં,
પર મેરી કિસ્મત કો અબ વો જમાના નહીં.’

અલબત્ત, શાયરની વાત અને પરિમલની હકીકતમાં પણ ફેર તો હતો જ. આંસમા અને જમીં બદલાઈ ગયા હતા. આંસમા અમેરિકાનું હતું, તો જમીં પણ ભારતની ન હતી. તેને લાગતું હતું ભારતમાં નારી છે એ જ નારી અમેરિકામાં ચિનગારી થઈ જાય છે. પરિમલ નોકરી પરથી અમેરિકામાં આવે ત્યારે જાતે ચા બનાવી લેતો અને હવે નિવૃત્ત છે એટલે જાતે ચા બનાવવાની પ્રવૃત્તિ કરી લે છે. પરિમલ જાતે જ ચા બનાવી લે એટલું જ નહીં, ચા બનાવી અને પીધા પછી એ કપ-રકાબી જાતે જ સાફ પણ કરી નાંખે. ભારતમાં એણે કદી વિચાર્યું પણ ન હતું કે એક દિવસ એવો આવશે કે ચાના પ્યાલા-રકાબી પણ ધોવા પડશે ! વિધુર ન હોવા છતાં.

રોચેસ્ટર (NY)ના અશ્વિનભાઈ શાહ કહે છે કે, વરસો સુધી અમેરિકા રહ્યા હોય, પણ મોટાભાગના પુરુષો ભારતમાં પાછા આવવા ઉત્સુક છે. નોકરીમાંથી નિવૃત્ત હોય એમને અમેરિકાનો મોહ રહ્યો નથી. ભારતમાં નિરાંતની જિંદગી પસાર કરી શકાય, પણ મહિલાઓનું મન માનતું નથી હોતું. અમેરિકામાં તેઓને નિરાંત લાગે છે. ભારતમાં ઘરકામની તમામ જવાબદારી મહિલાઓને માથે, પુરુષો પરિમલની જેમ સોફા ઉપર પગ લંબાવી પડ્યા હોય અને હુકમો છોડતા હોય. અમેરિકામાં પુરુષો વાસણ કરે, કપડાં પણ ધૂએ. જેને સન્માનજનક નામ આપવા ‘લોન્ડ્રી’ કરું છું એમ ભાઈઓ કહેતા હોય છે. રોચેસ્ટરવાળા અશ્વિનભાઈ કહે છે અમેરિકામાં પુરુષો 24 x 7 કામવાળા છે. (ચોવીસે કલાક અને સાતે દિવસ ચાલતા સ્ટોરને એ લોકો 24 x 7 સ્ટોર કહે છે.) ઘરની સાફસૂફી પણ આ ભાઈઓ કરતા હોય છે. બહેનોને થાય છે ભારતમાં નાવલિયો કેડમાંથી વાંકો નથી વળતો, ત્યાં જઈને તૂટવા કરતા અમેરિકામાં મહાલવું શું ખોટું ? ભારતમાં મહિને દસ હજારનો પગાર મેળવનારને ઘરે કામવાળા હોય છે, પણ અમેરિકામાં મહિને પંદર કે વીસ હજાર ડોલર કમાનારને ઘરે પણ કામવાળા નથી હોતા. મહિને અમે દસ લાખ રૂપિયા કમાઈએ છીએ, તેવું ભારતમાં છાપ પાડવા માટે કહેતા એન.આર.આઈને ઘરે કામવાળા નથી હોતા.

અમેરિકા રહેતો એન.આર.આઈ. મોટોભાઈ ભારત રહેતા નાનાભાઈને કહેતો હતો :
‘મેરી પાસ દો-દો હોન્ડા કાર હૈ, તેરી પાસ ક્યા હૈ ?’
ત્યારે ભારતવાસી ભાઈ કોલર ઊંચા કરી કહે છે, ‘મેરી પાસ તીન તીન કામવાલા હૈ, બરતન સાફ કરને કે લિયે એક, કપડા ધોને કે લિયે એક, ઔર તીસરા ઘર કી સાફ સફાઈ કે લિયે હૈં, બોલે તેરી પાસ હૈ યે સબ ?’ અમેરિકામાં ઘરે ઘરે ધોબી કે ઘરે ઘરે ઘાટી છે, જે ઘરના પુખ્ત વયનો પુરુષ વર્ગ છે. આથી કરીને મહિલા વર્ગને ખૂબ જ રાહત છે. જો તેઓ ભારત પરત આવે તો મળેલી આઝાદી ગુમાવી પડે, એટલે અમેરિકા સ્થાયી થયેલ કુટુંબમાંથી મોટાભાગની મહિલાઓ ‘મેરા અમેરિકા મહાન’માં માને છે. અમારા મિત્ર ભોગીલાલ સિંદબાદે આની પાછળનું કારણ એની રીતે શોધી કાઢ્યું છે. એ કહે છે કે, અમેરિકા સ્વાતંત્ર્યમાં માને છે. અમેરિકાની સ્વાતંત્ર્યતાની આસ્થા, ન્યૂર્યોકમાં ઊભી કરેલી ‘સ્ટેચ્યુ ઑફ લીબર્ટી’ની પ્રતિમામાં પ્રગટ થાય છે. આ સ્ટેચ્યુમાં હાથ મશાલ સાથે ઊભેલી વ્યક્તિ મહિલા છે. ન્યૂર્યોકના બારામાં ઊભેલી સ્વાતંત્ર્યની દેવી છે. તે દેવનું પૂતળું નથી, પણ દેવીનું છે. એટલે આજે અમેરિકામાં દેવીઓ કરતાં મહિલાઓનું આધિપત્ય છે. જો આ સ્ટેચ્યુ મૂકતી વખતે દેવીને બદલે દેવ પસંદ થયા હોત તો પરિસ્થિતિ અલગ હોત. અબ્રાહમ લિંકન, ગુલામી નાબૂદી માટે લડતા હતા. તેમણે ગુલામોને મુક્ત કરાવ્યા, પણ પુરુષો આ દેશમાં ગુલામ બન્યા છે તે માટે કોઈ ‘લિંકન’ જાગૃત નથી. શાયર ધનતેજવીએ લખ્યું હતું, ‘હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં !’ જાણકારો કહે છે કે, પુરુષોની અવદશા અંગે જ આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે.

વાસણ કરતો, લોન્ડ્રી કરતો પુરુષ ખાવામાં શું પામે છે ? ઘણું ખરું સેન્ડવીચ, તૈયાર પીઝા કે ફાસ્ટફૂડ ખાઈને એ લોકો પેટ ભરે છે. કારણ મુખ્ય તો એ કે ઘરની મહિલા પણ નોકરી માટે સવારથી દોડતી હોય. ત્યારે ખાય શું અને ખવડાવે શું ? રોચેસ્ટરમાં રહેતા ગુજરાતી કવિ પ્રીતમ લખવાણીના સાસુ તેમને ત્યાં અમેરિકામાં આવ્યા હતા. સાસુજીએ ફૂલકા રોટલી ઉતારી જમાઈરાજની થાળીમાં મૂકી ત્યારે દસકાઓથી અમેરિકા રહેતા લખવાણી હક્કા-બક્કા થઈ ગયા. તેમણે સાસુમાને પૂછ્યું, ‘આ કયો પદાર્થ છે ?’ ફૂલકા રોટલી જોયે વરસો થઈ ગયા હતા એટલે રોટલીનો આકાર પણ ભૂલી ગયા હતા. ચાલીસ-પચાસ વર્ષ જેમને અમેરિકામાં રહે થઈ ગયા છે એમને ‘આ અબ લોટ ચલે’નું ગીત ગણગણવાનું મન થાય છે, પણ હવે શું થાય ? સબ કુછ લૂંટા કે હોંશ મેં આયે તો ક્યાં હુઆ ? ભારતમાં સ્ત્રીઓ અફસોસથી કહેતી હોય છે, ‘શું થાય સ્ત્રીનો અવતાર છે !’ તેમ અમેરિકામાં પુરુષો કહે છે, ‘શું થાય પુરુષનો અવતાર છે !’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

26 thoughts on “હક્કા બક્કા થઈ ગયા પરદેશમાં – નિરંજન ત્રિવેદી”

Copy Protected by Chetan's WP-Copyprotect.