સૌંદર્ય-મીમાંસા – દાદા ધર્માધિકારી

[ કેટલાક નાજુક વિષયોને મહાપુરુષોની છાયામાં રહીને સમજી લેવા જોઈએ. ખાસ કરીને યુવાવર્ગને તે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ગાંધી-વિનોબા યુગના વિચારમનીષી શ્રી દાદા ધર્માધિકારીએ આ બાબતે ઘણું કહ્યું છે. તેમના આ વક્તવ્યો ‘સ્ત્રી પુરુષ સહજીવન’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયા છે. તાજેતરમાં આ પુસ્તકની નવમી આવૃત્તિ થઈ છે. યુવાજગતે જરૂરથી વાંચવા અને સમજવા જેવું આ પુસ્તક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘યજ્ઞ પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

મૂળભૂત સવાલ એ છે કે સ્ત્રી-પુરુષ વચ્ચે કામ-વાસના વિનાનો ય તો કુટુંબ-સંબંધ સિવાયનો સ્નેહસંબંધ હોઈ શકે ? સહજીવનનો મતલબ છે – કુટુંબ બહારનું સહજીવન. અત્યાર સુધી ધર્મશાસ્ત્રોએ તેમજ સામાજિક મર્યાદાઓના પ્રણેતાઓએ સ્ત્રી-પુરુષનું કુટુંબ બહારનું સહજીવન અસંભવ માન્યું છે અને એથી એ નિષિદ્ધ પણ માન્યું છે. એટલા વાસ્તે આ બાબતમાં એમને બહુ કઠોર નિયમ બનાવવા પડ્યા છે. સ્ત્રી-પુરુષમાં પરસ્પર વિષય-વાસનાનું આકર્ષણ દુર્દમ્ય છે. એ હકીકતને શાસ્ત્રકારો તેમજ સભ્ય લોકોએ સમાજના સદાચાર સામેનો મૂળભૂત ખતરો માન્યો છે. એટલે બધી સામાજિક નીતિ આ માન્યતાના પાયા પર ઊભી છે; અને તે એટલે લગી કે મા-દીકરો, પિતા-પુત્રી તેમજ સગાં ભાઈ-બહેનોને પણ એકાંતમાં એકબીજા સાથે રહેવાનો નિષેધ કર્યો છે. આમ તો આ બધા સંબંધો કુટુંબમાં અત્યંત પવિત્ર અને ઉત્તમ મનાય છે, તેમ છતાં સ્ત્રી-પુરુષનું સહજીવન આપત્તિજનક લેખાયું છે અને કારણમાં કહે છે કે, ‘बलवान इन्द्रियग्रामो विद्वासमपि कर्षति’ – આ ઈન્દ્રિયો બહુ બળવાન છે અને એ વિદ્વાનોને પણ પોતાના પાશમાં ખેંચી લે છે. ‘इंन्द्रियाणि प्रमाथीनि हरंति प्रसभं मनः’ – આ ઈન્દ્રિયો બહુ ઉદ્દંડ છે અને તે જબરદસ્તીથી મનને ઘસડી જાય છે. એટલા વાસ્તે પ્રત્યેક સ્ત્રી-પુરુષે – ભલે ને તેમનો કૌટુંબિક સંબંધ અત્યંત પવિત્ર અને ઉદાત્ત હોય તો પણ – એકબીજા વિશે હમેશાં સાવધાન અને સચેત રહેવું જોઈએ. તાત્પર્ય એ કે નીતિવેત્તાઓએ અને સમાજ ધુરંધરોએ સ્ત્રી-પુરુષના બધા સાંસ્કૃતિક સંબંધો કરતાં તેમના નર-માદાના પ્રાકૃતિક સંબંધને જ અધિક પ્રબળ માન્યો છે.

[લગ્ન સ્વભાવ નહિ, પણ સંસ્કાર છે.]

મનુષ્યમાં એકબીજા સાથે રહેવાની પ્રેરણા નૈસર્ગિક છે, તેનામાં સહજીવનની ઈચ્છા કુદરતી છે. પણ સહજીવનનું સંયોજન અને તેની મર્યાદાઓ સાંસ્કૃતિક છે. એકબીજાની સાથે રહેવા માટે પરસ્પરને સાચવી લેવાનું આવશ્યક બની જાય છે. જેઓ એકબીજાના જીવનને સંપન્ન કરે છે, એમનું સહજીવન ચરિતાર્થ થાય છે. એ સ્પષ્ટ છે કે સ્ત્રી-પુરુષના જીવનમાં પ્રકૃતિ યાને સ્વભાવ કરતાં સંસ્કારનું મહત્વ વિશેષ છે અને પ્રગતિનું લક્ષણ એ છે કે સંસ્કારો જ સ્વભાવમાં ફેરવાઈ જાય. સારાંશ એ કે સ્ત્રી-પુરુષના નૈસર્ગિક સંબંધો કરતાં એમના સાંસ્કૃતિક સંબંધો જ સમાજજીવન સારુ આધારભૂત થઈ જાય છે. દાખલા તરીકે પતિ-પત્નીનો જ સંબંધ લો. કેવળ પ્રાકૃતિક દષ્ટિએ કોઈ પુરુષ પતિ નથી કે કોઈ સ્ત્રી પત્ની નથી. એક છે નર, બીજી છે નારી. પણ જ્યારે એમનું લગ્ન થાય છે ત્યારે તે પતિ-પત્નીનો સંબંધ બને છે. આ સગપણ પ્રાકૃતિક નથી પણ સાંસ્કૃતિક છે. એટલા વાસ્તે લગ્ન એ સ્વભાવ નથી, પણ સંસ્કાર છે. જે સ્ત્રી અને પુરુષ આખી જિંદગી એકબીજાની સાથે ગાળે, તેઓ કેવળ શરીરનિષ્ઠ રહી શકે જ નહિ. જો તેઓ શરીરનિષ્ઠ રહેશે, તો તેમનું જિંદગીભર રહેવાનું અસંભવ છે. ધારો કે, કોઈ માણસે એક અત્યંત સ્વરૂપવાન સ્ત્રી સાથે લગ્ન કર્યું અને થોડાક સમય બાદ સ્ત્રીને લકવો થઈ ગયો. તે કદરૂપી થઈ ગઈ. હવે પેલા પુરુષને એના માટે કંઈ પ્રેમ તો હતો નહિ. એ તો કેવળ એના દેહને પોતાના ઉપભોગનો વિષય માનતો હતો. એ તો રૂપને પરણ્યો હતો. પણ હવે લકવાના કારણે તે બદસૂરત થઈ ગઈ. એથી હવે તેને પોતાની પત્નીના જીવનમાં કંઈ રુચિ યા આકર્ષણ રહ્યું નહિ. આવી પરિસ્થિતિમાં એ સંબંધ તૂટી જાય તેવી હાલત થઈ જાય. કારણ, આ કેવળ કામ-સંબંધ છે. એમાં પ્રેમને કોઈ સ્થાન નથી. તો પછી લગ્નને સંસ્કાર માનીએ એ વ્યર્થ નથી ? આ તે કંઈ સંસ્કાર છે ? જો લગ્ન એ સંસ્કાર છે, તો પ્રેમસંબંધ અધિક હોવો જોઈએ. કારણ લગ્ન એ દેહસંબંધ નથી, પણ બે વ્યક્તિઓનાં વ્યક્તિત્વનો મધુર યોગ છે. એના આરંભમાં ભલે શારીરિકતા હોય; લગ્નનો આરંભ જરૂર શારીરિકતાથી થાય છે. અન્યથા લગ્નની આવશ્યકતા જ નથી. તેમ છતાં લગ્ન થયા પછીના જીવનમાં બેઉનો શારીરિક ભાવ ક્ષીણ થતો જાય છે; કામભાવનું સ્થાન પ્રેમભાવ લેતો જાય છે. શારીરિકતાના સ્થાને આંતરિક પ્રેમભાવ આવતો જાય છે.

કોઈ કહે છે, અમે પ્રજોત્પતિ સારુ, સંતાન સારુ લગ્ન કર્યાં. તો એમાં કામુકતાના સ્થાને કૌટુંબિકતા અથવા સામાજિકતા આવી ગઈ. પરંતુ આજીવન સંબંધ માટે એટલું પર્યાપ્ત નથી. કુલધર્મ યા સમાજધર્મને માટે જે પતિપત્ની સાથે રહેશે, તેઓમાં કર્તવ્યની ભાવના હશે, પણ પ્રેમની હાર્દિકતા નહિ હોય. ધર્મની આજ્ઞા છે, સમાજની મર્યાદા છે, કુટુંબની પ્રતિષ્ઠાનો સવાલ છે, એટલા વાસ્તે અમે સાથે રહીએ છીએ – સાથે જીવીએ છીએ. આવી રૂઢિ પરંપરા કે ધર્મવિચારને લીધે જે સહજીવન ઊભું થયું એમાં કર્તવ્યબુદ્ધિ હોય છે, પણ સ્નેહ નથી હોતો. આવી રીતે સાથે રહેનારાં એ બે જણ મનથી તો અલગ થઈ ગયાં છે, પણ તનથી એકબીજાની સાથે રહે છે. વાસ્તવમાં તો એ લગ્નવિચ્છેદ થઈ ગયો છે. ભલે ઔપચારિક રીતે ન થયો હોય, પણ પછી તેઓ સાથે રહેવા છતાં એકબીજાનાં રહ્યાં નહિ. આ સહજીવન નથી, પણ સહ-અવસ્થાન છે, સહઅસ્તિત્વ છે, co-existence છે. એમાં નથી દિલ કે નથી હૃદય. એ છે કેવળ કલેવરોનું સાંનિધ્ય, એ સહજીવન નથી પણ સહમરણ છે – એ ગૃહસ્થાશ્રમ નથી, પણ સ્મશાનનું સાહચર્ય છે.

[સહજીવનમાં મૈત્રી મુખ્ય]

સ્ત્રી-પુરુષના સંબંધમાં શારીરિકતા યાને ભૌતિકતા જેટલી ઓછી હશે અને પ્રેમ યાને હાર્દિકતા જેટલી વધારે હશે, એટલો એમનો સંબંધ સ્થાયી અને પવિત્ર હશે, કાયમી અને નિર્દોષ હશે. શારીરિકતામાં સંયમ, નૈતિકતા, ધાર્મિકતા, કર્તવ્ય-બુદ્ધિ વગેરેને કોઈ સ્થાન જ નથી. બે વ્યક્તિઓને સાથે રહેવા સારુ બેઉમાં દેહભાવ ઓછો હોય, શારીરિકતા ઓછી હોય એ અનિવાર્ય શરત છે. તો પછી સવાલ એ થાય છે કે શું બેઉ અશરીરી છે ? એક-બીજાના દેહસંબંધે શું તેઓને કાંઈ મતલબ જ નથી ? તો શું તેઓ પરસ્પરના આત્મા સાથે રહે છે ? અથવા તો અવ્યક્ત છે. આત્માઓનું તે વળી સહજીવન કેવું ? હવે વાત એમ છે કે તે બેઉ એકબીજાના શરીરની સાથે જરૂર રહે છે, પણ એમના સહજીવનમાં શારીરિકતા મુખ્ય નથી હોતી. જો શરીર જ મુખ્ય બની જાય તો પછી તે બે શબોનું સહ-અવસ્થાન થઈ જાય છે. પછી પેલી બે વ્યક્તિઓ સાથે રહેતી નથી. સહજીવન એટલે માણસનું સંયુક્ત અને પરસ્પરાભિમુખ જીવન. તનની સાથે સાથે જ્યાં મન અને હૃદય પણ હોય તેનું નામ સહજીવન. જ્યારે બે વ્યક્તિ મનથી એકબીજાની સાથે રહે છે, ત્યારે શારીરિકતા ગૌણ બની જાય છે. એટલા માટે સહજીવનમાં મૈત્રી જ મુખ્ય છે. ગાંધી કોઈ ખૂબસૂરત વ્યક્તિ ન હતી, તેમ છતાં એમનું શરીર આપણને સૌને પ્રિય હતું. આપણામાંથી કેટલાકની સિકલ તો વ્યંગ-ચિત્રમાં હોય છે, તેવી છે, તોયે આપણે પરસ્પર પ્યાર કરીએ છીએ. બધાના પિતા ને દાદા કંઈ બહુ સુંદર નથી હોતા. આપણા બધાની મા કંઈ અપ્સરા જેવી સુંદર ઓછી હોય છે ? તો પણ આપણા સૌને સારુ માતાનો દેહ શોભનીય છે અને સુંદર છે. આ શોભનીયતા અને સુભગતા પ્રેમપુનિત દષ્ટિ જ જોઈ શકે છે.

[સહવાસ અને સહજીવનમાં અંતર]

દુનિયામાં જે જે સ્વાર્થાશ્રિત સંબંધો કહેવાય છે, ત્યાં સહકાર્ય ભલે થતું હોય, પણ યથાર્થ સહજીવન નથી હોતું. દીકરાને જ્યાં સુધી માની આવશ્યકતા છે, ત્યાં સુધી તે એને પ્રિય છે. દીકરો જ્યાં સુધી કમાઈને માને ખવડાવે છે ત્યાં સુધી એ દુલારો છે, લાડલો લાગે છે. ભાઈ જ્યાં સુધી બહેનની ઈચ્છાઓ પૂરી કરે છે, ત્યાં સુધી તે એનો સ્નેહભાજન બને છે અને જ્યાં સુધી બહેન ભાઈની કંઈ સેવા-શુશ્રૂષા કરી શકે છે, ત્યાં સુધી તે એની લાડલી બહેન રહે છે. ‘आत्मनस्तु कामाय सर्वँ प्रियं भवति’ નો આ વ્યાવહારિક અર્થ છે. આ બધા ઔપાધિક સંબંધો છે. એમાં સ્વાર્થ, ગરજ, મતલબ, જરૂરિયાત વગેરે મુખ્ય છે, પણ પ્રેમ ગૌણ છે. ‘મતલબ’ એ અલગ ચીજ છે અને ‘મહોબત’ અલગ છે. સહજીવનમાં જેટલો સ્વાર્થનો અંશ હશે, જેટલી માત્રામાં મતલબ હશે, તેટલા પ્રમાણમાં સહજીવન મિથ્યા અને નકલી સાબિત થશે. કૌટુંબિક અને લગ્નના સંબંધોમાં સંપત્તિ પણ એક આધારભૂત સાધન બની જાય છે. આપણે દીકરીને ત્યાં દેવા ઈચ્છીએ છીએ, જ્યાં કંઈક સંપત્તિ હોય છે; છોકરાનું લગ્ન ત્યાં કરવા માગીએ છીએ, જ્યાંથી ખાસ્સું દહેજ મળવાનું હોય ! આ તો વળી પૈસા કરતાંય વધારે તુચ્છ હાલત છે. જ્યાં એકબીજાની સેવા અને સહાયતાની જરૂર હોય છે, ત્યાં તો પ્રીતિ અને પવિત્રતા માટે કંઈકેય અવકાશ છે. પરંતુ અહીં તો આર્થિક પ્રેરણા જ મુખ્ય બની જાય છે. પ્રેમ ગૌણ થઈ જાય છે, એટલું જ નહિ સંસ્કાર પણ નિરર્થક નીવડે છે. જ્યાં સંસ્કારિતા ગૌણ બને છે અને દ્રવ્યની આકાંક્ષા મુખ્ય થાય છે, ત્યાં મનુષ્યનો વિક્રય થાય છે, ત્યાં દેહનું વેચાણ થાય છે. જે સ્ત્રી દેહનો વેપાર કરે છે તેને આપણે ‘વેશ્યા’ કહીએ છીએ. સમાજમાં એ હીન અને ત્યાજ્ય મનાય છે. ધર્મ અને કાનૂન તેને ધિક્કારે છે. પરંતુ લગ્ન વખતે છોકરો દહેજને સારુ આત્મા વેચે છે, તેમજ મોટરગાડી અને વાડી-વજીફા સારુ છોકરી પોતાનો દેહ વેચે છે, તેને આપણે આવી બજારુતા નથી માનતા, તો શું એ ધર્મ છે ? આ રૂઢિ શિષ્ટસ્વીકૃત અને સમાજમાન્ય ભલે હોય, પરંતુ તે સંસ્કાર નથી. એ રૂઢિ વિધિ કે કાનૂન મુજબની ભલે હોય પણ તે ધર્મવિહીન વ્યભિચાર છે. જ્યાં બે વ્યક્તિનાં હૃદય એક નથી થતાં, જ્યાં તેઓ મુખ્યત્વે ધન અને કામની ઈચ્છાએ એકબીજાની સાથે રહે છે, ત્યાં સહવાસ હોય છે પણ સહજીવન નથી હોતું. જ્યાં સંસ્કારિતા છે ત્યાં આર્યતા હોય છે. પણ જ્યાં શારીરિકતા છે ત્યાં અનાર્યતા હોય છે. અંગ્રેજીમાં vulgarity શબ્દ છે, તેવો સંસ્કૃત શબ્દ છે : ‘અનાર્યતા’. ભગવાને અર્જુનને કહ્યું : તારો વ્યવહાર ‘अनार्य जुष्ठ’ છે. અનાર્યોના જેવો છે. એટલા વાસ્તે સ્ત્રીએ એ પણ કહેવું જોઈશે કે કોઈ પણ સ્ત્રીના શરીરનો ઉપયોગ, કોઈપણ સ્ત્રીના દેહનો વિનોયોગ, વિક્રય અને વિનિમય સારુ નહિ થાય. સ્ત્રીના સ્વાયત્ત જીવન માટે આ પ્રતિજ્ઞા અનિવાર્ય છે.

[પુત્ર અને પુત્રી વચ્ચેના ભેદભાવ]

આમ, જ્યાં દહેજ માટે છોકરો પોતાનો આત્મા વેચે છે અને મોટર-બંગલા માટે છોકરી પોતાનો દેહ વેચે છે, ત્યાં ‘કામ’ને બદલે ‘અર્થ’ની પ્રેરણા બળવત્તર છે. ત્યાં વૈષયિકતા અને રૂપની આસક્તિ એટલી નથી, જેટલી ધનની લાલસા છે. એક છોકરી સ્વરૂપવાન છે પણ દહેજ દઈ શકે તેમ નથી. એટલે પેલો ધનલોલુપ પુરુષ કોઈ કદરૂપી છોકરી સાથે જ લગ્ન કરી દેશે ! અહીં ‘કામ’નો સંયમ જરૂર થયો; પરંતુ ‘લોભે’ તેને ઘેરી લીધો. એ કહેવાની જરૂર નથી કે જ્યાં લોભ છે, ત્યાં પ્રેમ નથી. તાત્પર્ય એ કે અર્થ યા કામ એ બંને હેતુ લગ્નમાં ન હોવા જોઈએ. આપણે કેવળ એટલું જ નથી ઈચ્છતા કે ઘરની ચાર દીવાલોની બહાર સ્ત્રી અને પુરુષનો સંબંધ શુદ્ધ હોય; બલકે આપણો તો એ પણ આગ્રહ છે કે ઘરની અંદર પણ તેમનો સંબંધ નિર્વ્યાજ હોવો જોઈએ, સરળ અને નિષ્કપટ હોવો જોઈએ.

આજે કુટુંબમાં પણ આપણા સૌના સંબંધ શુદ્ધ અને નિર્વ્યાજ નથી. કુટુંબમાં સ્ત્રી અને પુરુષ સમાન નથી. બેઉના જીવન એક સ્તરે નથી. સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ છે, ઊંચનીચનો ભાવ છે. એ ઠીક છે કે મા ઘરડી છે, એટલા માટે એને સંભાળવાનું મારું કર્તવ્ય છે. પણ મા ‘સ્ત્રી’ છે એટલા વાસ્તે તે પાલનીય અને રક્ષણીય છે, એ ભાવના બિલકુલ અલગ છે. ઉંમરમાં, ગુણમાં, કર્તુત્વમાં શ્રેષ્ઠ હોવા છતાં કેવળ સ્ત્રી હોવાના કારણે મા મારે માટે રક્ષણીય બની જાય છે અને હું તેનું પાલનપોષણ કરું છું એમ માનવા પાછળ સ્ત્રી-પુરુષ વચ્ચેના ભેદની ભાવના રહેલી છે. પિતાજી તો જ્યારે વૃદ્ધ, અશક્ત યા બીમાર થઈ જાય છે ત્યારે રક્ષણીય બને છે. પણ મા તરુણ હોય, સ્વસ્થ હોય, સમર્થ હોય તો પણ પરિપાલનીય જ છે. આ ગલત માન્યતા છે. બરાબર એવી જ રીતે પુત્ર એ સહારારૂપ છે. પણ પુત્રી એ જવાબદારી છે; પુત્ર મદદગાર છે પણ પુત્રીની જોખમદારી છે. દીકરાનું લગ્ન થયા પછી પિતાની જવાબદારી વધે છે, પરંતુ સાથે સાથે આનંદ પણ વધે છે. જ્યારે દીકરીનું લગ્ન થઈ જતાં પિતા નિશ્ચિંત થયાનો ભાવ અનુભવે છે. કહે છે, બસ ! આ દીકરીના કારણે અત્યાર સુધી આ સંસારના ફંદામાં ફસાયેલો હતો. હવે છુટકારો થઈ ગયો, હવે ભગવાનનું તેડું આવે તોયે વાંધો નથી ! શકુંતલા જ્યારે પતિના ઘરે જઈ રહી હતી, ત્યારે કણ્વ જેવા વિરક્ત મુનિએ પણ કહ્યું : ‘प्रत्यर्पितन्यास इवान्तरात्मा’ – ‘કોઈની અમાનત તેને પરત કરતાં જેવો આનંદ થાય તેવો આનંદ આજે મને થઈ રહ્યો છે.’ કારણ કે હંમેશા કન્યા પરાઈ મનાઈ છે. એટલે તે અમાનત છે, જવાબદારી છે. તે બોજો છે, જે વેંઢારવો પડે છે. આમ, પુત્ર પ્રતિપાલક છે, આધારરૂપ છે, જ્યારે પુત્રી જવાબદારી છે. માતા અને પિતા, પુત્ર અને પુત્રી એ આમ તો કૌટુંબિક સંબંધો છે. છતાં બેઉના સ્તરમાં ખાસ્સું અંતર છે.

[સમાજમાં કૌટુંબિકતા]

આપણે કહીએ છીએ કે સામાજિક સંબંધોમાં કૌટુંબિકતા આવવી જોઈએ. પણ એ ત્યારે થઈ શકે, જ્યારે કૌટુંબિક સંબંધો પણ સુસંસ્કૃત અને પરિશુદ્ધ બન્યા હોય. શું ભાઈબહેન પણ એકબીજા પ્રત્યે પૂરેપૂરા વિશ્વાસથી સાથે રહી શકે છે ? એક વખતની વાત છે. એક ભાઈ અને એક બહેન યાત્રા કરવા નીકળ્યાં હતાં. ચાલતાં-ચાલતાં રાત પડી ગઈ. રાતવાસા માટે તેઓ એક ખેડૂતના ઝૂંપડામાં રહ્યાં. ખેડૂતે બહુ આગતાસ્વાગતા કરી. પછી ખૂબ નમ્રતાથી મહેમાનો સામે હાથ જોડીને તે ઊભો રહ્યો અને કહ્યું : ‘અતિથિદેવ, હું અત્યંત ગરીબ માણસ છું. ઘરમાં માત્ર એક જ ખાટલો છે, એક જ પથારી છે. આમ તો ઘરમાં અમે બે જ જીવન છીએ. જેમતેમ અમારું તો ગાડું ગબડે છે. આજે અમે બે જણ પરાળ પર સૂઈ રહીશું. તમે ભાઈબહેન આ ખાટલા પર સૂઈ જાઓ.’ એ રાજકુમાર અને રાજકન્યા, બેઉ સંકોચ સાથે એક જ ખાટલા પર સૂઈ જાય છે. એકબીજાની તરફ પીઠ ફેરવીને સૂઈ ગયાં છે. તેમ છતાં નિર્ભય થઈને ઊંઘી શકતાં નથી. એટલે રાજકુમાર કૌટુંબિક મર્યાદાઓના પાલન સારુ પોતાની અને બહેનની વચ્ચે નાગી તલવાર મૂકીને સૂએ છે. આમ, નાગી તલવાર વિના આશ્વાસન નથી, પોતાનો કે એકબીજાનો ભરોસો નથી. આ નાગી તલવાર ક્યારેક કૌટુંબિક મર્યાદાની હશે, ક્યારેક સામાજિક શિષ્ટાચારની હશે, તો ક્યારેક સંસ્થાના બંધારણની હશે, પણ કોઈ ને કોઈ સ્વરૂપમાં હશે ને હશે જ.

અત્યારે સ્ત્રી-પુરુષ સહજીવન જો સફળ અને પ્રશસ્ય જણાતું નથી તો એનું કારણ એ છે કે આપણું કૌટુંબિક જીવન આજે કલુષિત થઈ ગયું છે. વિશુદ્ધ કૌટુંબિક મૂલ્યોને આપણે સામાજિક જીવનમાં દાખલ કરવા માગીએ છીએ. એ રીતે જે સમાજ બનશે, તે છે કૌટુંબિક સમાજ.

[સહજીવનનું અધિષ્ઠાન : કૌટુંબિક આત્મીયતા]

સામુદાયિકતા એટલે કૌટુંબિકતા એવો અર્થ કરશો નહિ. સહજીવન અને સહવાસમાં મૂળભૂત તફાવત છે. કૌટુંબિકતાનો આધાર સગપણ પર છે. કોઈ સમૂહ યા સમુદાયના એક ઘટકરૂપ બની જવાથી કંઈ સગપણનો સંબંધ કાયમ નથી થઈ શકતો. સગપણ બે પ્રકારનાં હોય છે – એક સ્વાભાવિક ને બીજું ભાવનાત્મક. કુટુંબમાં જે સ્વાભાવિક સગપણ હોય છે, તેનો વિસ્તાર ભાવનાના પાયા પર આપણે સમાજમાં કરીએ છીએ. જે સ્ત્રી આપણી માની ઉંમરની હશે તે માસી, કાકી કે ફોઈ બની જાય છે. જે પુરુષો પિતા જેવડા હશે તે માસા, કાકા કે મામા થઈ જાય છે. પણ તેથી કંઈ સહજીવન ઊભું થતું નથી. એટલું જ નહિ, સાથે બેસીને ભોજન કરવાથી, સાથે રહીને કામ કરવાથી, સાથે અધ્યયન કે પ્રાર્થના કરવાથી – એટલા માત્રથી સહજીવનની સાધના નથી થઈ શકતી. એ સામુદાયિકતા છે. એનાથી નિકટતા તો આવે છે, પણ સંબંધો કાયમી થઈ શકતા નથી. સહજીવનનું અધિષ્ઠાન કૌટુંબિક આત્મીયતા છે.

[આત્મીયતાને આધારે ભાવનાત્મક સંબંધ]

આપણે ગ્રામ-પરીવારની વાત કરીએ છીએ. એમાં આ તત્વનો થોડોક સંકેત છે. આજેય ગામડાંમાં તો થોડું-ઘણું ભાવનાત્મક સગપણ હોય છે ખરું, પણ કુટુંબમાં સગપણનો જે આધાર છે તે બદલવો પડશે. કૌટુંબિક જીવનમાં આત્મીયતાનો આધાર જન્મ કે લગ્ન બની શકે નહીં. ત્યાં તો ભાવનાત્મક સંબંધો જ બંધાઈ શકે. તેમ છતાં પતિ-પત્નીના સંબંધને બાદ કરતાં બીજા બધા કૌટુંબિક સંબંધો સમાજમાં ઊભા કરવા જોઈએ. આમ તો પતિ-પત્નીનો સંબંધ વ્યક્તિગત છે. પણ એનાં પરિણામ સામાજિક છે. બાકીના બીજા બધા સંબંધો કૌટુંબિક છે. એટલા વાસ્તે તે સામાજિક બની શકે છે. પતિ-પત્નીનો સંબંધ અપવિત્ર નથી. પરંતુ બીજા સંબંધો કરતાં એમાં દેહભાવ વિશેષ છે, શારીરિકતા વધારે છે. એથી તે વ્યાપક થઈ શકે નહીં.

[સાધકની સૂક્ષ્મ ઈન્દ્રિય-શક્તિ]

ઐહિક જીવનને સંપન્ન કરવા માટે આપણી પાસે જ્ઞાન અને કર્મનાં જે સાધન છે, તેને આપણે કરણ યા ઈન્દ્રિયો કહીએ છીએ. એમાંની પાંચ જ્ઞાનેન્દ્રિયો છે અને પાંચ કર્મેન્દ્રિયો છે. એમના વડે આપણે સુખદુઃખનો અનુભવ કરીએ છીએ. એ વડે આપણે જે સુખોપભોગ કરીએ છીએ તેને લોકો વિષય યા વિલાસ કહે છે. પરંતુ એ જ ઈન્દ્રિયોનો ઉપભોગ આપણે બીજી રીતે કરીએ છીએ તો લોકો એને સૌંદર્યપ્રિયતા કે રસિકતા કહે છે. વાસ્તવમાં ઈન્દ્રિયો જેટલી શુદ્ધ હશે, તેટલી તેમની શક્તિ વધશે. જે ઓછું જુએ છે, ઓછું સાંભળે છે કે ઓછું બોલે છે તે કંઈ સંયમી નથી હોતો; એ આંધળો, બહેરો કે મૂંગો હોઈ શકે. જડતા કંઈ આધ્યાત્મિકતા ન બની શકે. જ્યારે વાજિંત્ર ઉત્તમ સ્થિતિમાં હોય છે, ત્યારે એમાંથી શુદ્ધ સ્વર નીકળે છે. જેની આંખ શુદ્ધ હશે, તે દૂરની વસ્તુ અને સૂક્ષ્મ ચીજ પણ દેખી શકશે. જેનો કાન શુદ્ધ હશે, તે સારી રીતે સાંભળી શકશે. જેની રસના શુદ્ધ હશે, તે સ્વાદના સૂક્ષ્મ ભેદ પણ તરત પારખી શકશે. નાક શુદ્ધ હશે, તો સુગંધ ઓળખી શકશે, યોગી કે સાધકની ઈન્દ્રિયો સૂક્ષ્મ થતી જાય છે. એટલે ઈન્દ્રિયોને જડ બનાવી દેવાની જરૂર નથી. એનાથી સાધનાની પ્રગતિ થતી નથી.

[સૌંદર્યની અનુભૂતિમાં વાસના ને વિકાસ બાધક]

જ્યારે આપણે ઈન્દ્રિયોનો ઉપયોગ વાસના કે વિકારયુક્ત થઈને કરીએ છીએ ત્યારે તે વિષય કહેવાય છે. વિકારમાં સૌંદર્યની ભાવના નથી. જેમ મોહ પ્રવેશ કરે છે કે પ્રેમ અદશ્ય થઈ જાય છે, તેમ વિકાર આવતાં જ રસિકતા પલાયન થઈ જાય છે. પ્રેમ ક્યારેય વિકારયુક્ત ને વાસનામય ન હોઈ શકે. એટલે પ્રેમ અપવિત્ર ને અસુંદર નથી. જ્યાં વિકાર હોય છે, વાસના હોય છે ત્યાં આસક્તિ હોય છે. એ રીતે સૌંદર્યની અનુભૂતિ સારુ વાસના ને વિકાર બાધારૂપ છે. જ્યારે આપણું ચિત્ત કોઈ વિશેષ ભાવના કે સંસ્કારથી પ્રભાવિત થાય છે, ત્યારે સુંદર વસ્તુ પણ અસુંદર લાગવા માંડે છે અને અસુંદર વસ્તુ સુંદર લાગે છે. બુલ્ગાનીનની સાથે ક્રુશ્ચોવે તાજમહાલ જોયો. તમને તાજમહાલ કેવો લાગ્યો એમ પૂછવામાં આવતાં ક્રુશ્ચોવે કહ્યું : ‘કોણ જાણે એ બાંધવામાં કેટલાય મજૂરોનું શોષણ થયું હશે ! એના પથ્થરનો ગાળો મજૂરોના લોહીથી પુરાયો હશે.’ એનો અર્થ એ કે તેની આંખ એ વખતે તાજમહાલ નો’તી જોતી. પણ મજૂરોનું શોષણ એની આંખની સામે તરવરી રહ્યું હતું. સારાંશ એ કે આપણા ચિત્તના સંસ્કાર વસ્તુ-દર્શન અને પ્રત્યક્ષ અનુભૂતિમાં વિધ્નરૂપ થાય છે.

[સુંદરતા ભગવાનની વિભૂતિ]

મારા માટે મેં નિયમ બનાવી લીધો કે મારા શરીરને વિભૂષિત અને સુશોભિત નહિ કરું. લંગોટી પહેરી લઈશ, બહુ થયું તો ધોતી-પહેરણ પહેરી લઈશ. પણ દેહને સજાવીશ તો નહિ જ. તો પછી ભગવાનની પેલી મૂર્તિને હું કેમ સજાવું છું ? શું ભગવાન વિલાસી અને વિષય લંપટ છે ? કેવળ અમીર અને ધનવાનો જ ઠાકોરજીની મૂર્તિને શૃંગાર નથી કરતા. પરંતુ ગરીબમાં ગરીબ માણસ પણ પોતાની સ્થિતિ પ્રમાણે મૂર્તિને સજાવે છે. ભગવાનની મૂર્તિ બને તેટલી સુંદર બનાવે છે. જે છોકરા ખૂબ સુંદર હશે તેમને રામલીલામાં રામ-લક્ષ્મણનો પાઠ આપે છે. જે છોકરી અત્યંત સુંદર હશે, તે સીતા બને છે. સારાંશ રસિકતા વૈષયિકતા નથી, સૌંદર્ય વિષય નથી, પણ ભગવાનની વિભૂતિ છે. સૌંદર્ય માટેની અભિરુચિ એ જીવન છે. હિમાલય ભવ્ય ને સુંદર છે. ત્યાં પાણીના અત્યંત રમણીય ધોધ પડે છે. હવે એની સાથે આપણે કોઈ વાસના કે સંસ્કારથી જોડાતા નથી, તો તે સુંદર લાગે છે. પણ જ્યાં મનમાં એ ભાવના થાય છે કે માનસરોવર ભારતનું નથી, પણ તિબેટનું છે કે સૌંદર્યની ભાવના પલાયન થઈ જાય છે અને ત્યાં પ્રભુત્વની ભાવના પ્રગટ થાય છે. આ અરસિકતા છે.

[રસિકતામાં સ્વામિત્વ અને ભોગાસક્તિનો અભાવ]

એક ઉદાહરણ લઈએ. આપણે ખાદીની દુકાનમાં ગયા. સાથે એક યુવાન પણ છે. ભંડારમાં ભાતભાતનાં સુંદર કોટ-પાટલૂન જોયાં. તે યુવાનને પૂછ્યું : ‘કંઈ લેવું છે ?’ તે કહે છે : ‘મારી પાસે તો પૂરતાં કપડાં છે.’ મેં વળી કહ્યું : ‘પણ આ બહુ સુંદર છે. તને સારું શોભશે.’ તે જવાબ આપે છે : ‘ભંડારમાં પણ આ કપડાં સુંદર શોભે છે. એને જે કોઈ ખરીદશે, તેના શરીર પર એ શોભશે. સંભવ છે કે મારા કરતાં તે વધારે પણ શોભે. હું પહેરીશ તો આયના વગર એની સુંદરતા જોઈ પણ નહિ શકું. ‘अगोचरत्वात अप्रमाणम’ – જે જોઈ ન શકાય, તે કેમ માની શકાય ? બીજું કોઈ પહેરશે તો એની સુંદરતા જોઈ શકીશ ને ?’ આ રસિકતા છે. એમાં નથી સ્વામિત્વની ભાવના કે નથી ભોગની આસક્તિ.

[પરિગ્રહનું સૂક્ષ્મ સ્વરૂપ]

ઉપભોગનાં સાધન એકઠાં કરવામાં જ સ્વામિત્વ કે પરિગ્રહ નથી. જ્યાં ચીજની રસિકતા ઓછી હોય છે અને એ ચીજને પોતાની પાસે રાખવાની ભાવના અધિક હોય છે, ત્યાં સુક્ષ્મ રૂપમાં પણ પરિગ્રહ આવી જાય છે. ફૂલવાડીમાં ગુલાબ ખીલેલાં છે. એ બહુ સુંદર લાગે છે. મન ભરીને જોઈ લીધાં, પણ તોયે સંતોષ થતો નથી. તેમ છતાં જો તોડવાની ઈચ્છા ન થાય અને મનમાં થાય કે ભલે એ છોડ પર જ શોભતાં તો એ રસિકતા છે. પણ જો તોડીને એ ફૂલ લઈ લેવાનું મન થાય કે પછી એનું આખું કૂંડું ઉઠાવી લાવવાની ઈચ્છા થાય તો માનવું કે એમાં સૌંદર્યની ભાવના ઓછી છે. અને પ્રભુત્વની ભાવના વિશેષ છે. એ છોડ મારી ફૂલવાડીમાં હશે તો લોકો જોઈ જોઈને વખાણ કરશે, અને વળી એ પ્રશંસા જેટલી ફૂલોની થશે તે કરતાં વિશેષ મારી થશે. આ પણ પરિગ્રહની જ ભાવના છે. પરિગ્રહની ભાવના રસિકતાને ક્ષીણ કરે છે.

[ઈન્દ્રિયોનો અધમ ઉપયોગ]

સંગીત સાંભળવાની ઈચ્છા તો છે, પણ મન બીજે ક્યાંક પરોવાયેલું છે. મનમાં વિચારો ચાલે છે કે મારી ફલાણી ચીજ બજારમાં વેચાઈ જાય અથવા તો એ ગીત વીર-વૃત્તિને ઉત્તેજક કે શૃંગારપ્રધાન હોય તો સારું. અર્થાત આનંદ માટે હું સંગીત સાંભળતો નથી, પણ બીજા જ કોઈ હેતુ માટે સાંભળું છું, ત્યારે સંગીત ગૌણ થઈ જાય છે અને મારો સ્વાર્થ મુખ્ય થઈ જાય છે. એટલે સંગીત મારો ‘વિષય’ બની જાય છે. આ ઈન્દ્રિયોનો અધમ ઉપયોગ છે. એને આપણે ત્યાં અનાર્ય કહે છે. અંગ્રેજીમાં vulgar કહે છે. આ સામે ગંગાજી છે, આકાશમાં સૂર્ય છે, ચંદ્ર છે. એ ગંગાને કોઈ પોતાના ઘરમાં પૂરી રાખવા ઈચ્છશે ? શું સૂર્ય-ચંદ્રને પોતાના રથનાં પૈડાં બનાવવાની કોઈ ઈચ્છા કરશે ? એવી ઈચ્છા જેને થશે તે રસિક નહિ હોય, લોલુપ હશે.

[વિષયના સ્થાને સમર્પણની ભાવના]

નીતિશાસ્ત્રકારોએ એમાંથી એક માર્ગ કાઢ્યો છે. તેમણે કહ્યું કે ઈન્દ્રિયોનો ઉપયોગ ભગવાનને સારું કરો :

गोविन्दं प्रणमोत्तमांग रसने तं घोषयाहर्निशम ।
पाणी पूजयतं मनः स्मर पदे यस्यालयं गच्छताम ।।

‘હે શિર, તું ગોવિંદને પ્રણામ કર; જીભ તું રાત-દિવસ એનું નામસ્મરણ કર; હે હાથ, તમે એની પૂજા કરો; રે મન, એનું સ્મરણ કર; અને હે પગ, તમે એના મંદિર તરફ લઈ જાઓ.’ આમ ભક્ત કહે છે : ‘હે ચક્ષુ, એને જુઓ; હે કાન, એને સાંભળો; હે નાક, એના ચરણમાં ચડાવેલી તુલસીની મંજરી સૂંઘ; વાણી, તું એનું નામસ્મરણ કર.’ આવી રીતે ઈન્દ્રિયોને ભગવાન તરફ વાળીને એમને અધમ ઉપયોગમાંથી બચાવી લેવાની યુક્તિ નીતિકારોએ બતાવી છે. જો કે એમાં પણ વાસ્તવિક સૌંદર્યભાવના કે રસિકતા નથી. પણ ત્યાં વિષયના સ્થાને સમર્પણની ભાવના છે. આમ, ભોગાસક્તિ મિટાવવા સારુ એક બીજો જ સંસ્કાર પ્રસ્તુત કરી દીધો. એ પણ સૌંદર્યની ભાવનાને ક્ષીણ તો કરે છે. રસિકતા એ ભાવના કરતાં પણ જુદી છે. એ ભાવનાના કારણે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ અદશ્ય થઈ જાય છે અને રસિકતાના બદલે સંસ્કાર પ્રબળ બની જાય છે. કૃષ્ણ જ્યારે કંસની સભામાં ગયા, ત્યારે જેની જેવી ભાવના હતી, તેને તેવા સ્વરૂપે દેખાયા. એ રીતે જ્યારે વસ્તુ કે વ્યક્તિ આપણી વાસના યા વિકારનો વિષય બની જાય છે, ત્યારે કલા-અભિરુચિની અને દરેક સંસ્કારિતાની હાનિ થાય છે.

દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ પોતાનામાં એક વિભૂતિ છે, એ વિષય નથી. એ દરેકમાં રંગ છે, રૂપ છે, સ્વાદ છે, સુગંધ છે. જ્યારે હું એમ માની લઉં છું કે સમસ્ત સૃષ્ટિની બધી વસ્તુઓ મારા ઉપભોગ માટે નિર્માયેલી છે, ત્યારે હું એ વસ્તુઓ અને એના વિધાતા, બેઉનું અપમાન કરું છું. ગંગાજીનો હું જરૂરી ઉપભોગ કરી લઉં તે યોગ્ય છે. પણ તે માત્ર મારા માટે જ છે, અન્ય કોઈને સારુ નથી – એમ માનું છું ત્યારે હું ગંગાજી અને વિધાતા બેઉનું અપમાન કરું છું. સમાજમાં એક બીજો પણ ખોટો ખ્યાલ પ્રવર્તે છે કે રસિકતા, કલાત્મકતા અને સૌંદર્ય-અભિરુચિ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વિશેષ હોય છે. એમ પણ લોકો માને છે કે સ્ત્રીઓમાં સહૃદયતા અને કોમળતા અધિક હોય છે, તેથી તેઓ સૌંદર્યપ્રિય અને સુંદર મનાય છે. તેથી રસિકતા અને સૌંદર્યની ભાવનાનું વાસ્તવિક સ્વરૂપ સમજી લેવાનું આવશ્યક છે અને આ વિવેચનનો આશય પણ એ જ છે.

[કુલ પાન : 103. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરતપાગા, વડોદરા-390001. ફોન : +91 265 2437957.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સૌંદર્ય-મીમાંસા – દાદા ધર્માધિકારી”

Copy Protected by Chetan's WP-Copyprotect.