- ReadGujarati.com - http://www.readgujarati.com -

બાજ અને બુલબુલ – સંકલિત

[1] મધનું શોખીન બાજ – ‘પાંદડું’

[વડોદરા પાસે આવેલા ‘નેચર પાર્ક’માંથી પ્રકાશિત થતા ‘પાંદડું’ સામાયિકમાંથી (ઓક્ટોબર-2011) પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે.]

બાજ સામાન્ય રીતે મિતાહારી શિકારી પંખી છે, પણ તેને બીજા કોઈ ખોરાક કરતાં મધ બહુ જ ભાવે છે. આમાં, ગળપણ પસંદ કરવાની તેની સ્વાદેન્દ્રિયની શક્તિ કારણરૂપ હશે કે કેમ તે તો કોણ જાણે, પરંતુ શિકારીઓ અને વનેચર રખડુઓ કહે છે કે મધ મળે ત્યાં સુધી એ બીજા શિકારની પરવા ભાગ્યે જ કરે છે, અને મધ દેખીને તે પર અવાયો પડે છે.

સહેજ પ્રશ્ન થાય કે પંખીને તો માખીઓ હેરાન કરી મૂકે; એ મધ ખાય કેવી રીતે ? પણ બાજને આ મુશ્કેલી નડતી નથી. મધ ખાવાની તેની એક વિશિષ્ટ રીત છે. ગમે તેવી ઘેરી ઘટામાંથી તેની ચકોર આંખ મધપૂડો શોધી કાઢે છે. પછી અત્યંત ચુપકીદીથી ત્યાં જઈને, તેની નજીકમાં નિરાંતે બેસીને ખાઈ શકાય એવી સારી જગ્યા શોધી તે પર બેસે છે અને ‘ડચ…’ કરતીકને ચાંચ મારી મધપૂડામાંથી એક લોચો ખેંચી કાઢે છે.

પરંતુ એ ચાંચ મારવાની સાથોસાથ જ તે પોતાના શરીરનાં પીછાં એવી રીતે ફુલાવીને ગોટોમોટો બની જાય છે કે તેના શરીરની આસપાસ પીછાંનું એકસરખું પડ રચાઈ જાય છે. માખીઓ તે પર તૂટી પડે છે ખરી, પણ પીછાંનું પડ એવી ખૂબીથી રચાઈ જાય છે કે બે પીછાંની વચ્ચે પણ અંદર પેસવાનો ગાળો તેને મળતો નથી અને પીછાં પર તો તેના ડંખ કારગત થઈ જ શકતાં નથી. મધનો લોચો પકડેલું પોતાનું માથું પણ બાજ ઊંધું ઘાલીને પીછાંના એ ગોટામાં ખોસી દે છે અને એમ રહ્યેરહ્યે જ મોંમાં લીધેલો લોચો ખાવા ગળવા માંડે છે, તેની ચાંચ વાંકી ને પોપટની ચાંચ જેવી રચનાવાળી હોવાથી મધનો સારો એવો લોચો તોડી શકે છે. એ લોચો મધપૂડાનો આખો કટકો જ હોય છે. એમાં મધ પણ હોય, મીણ પણ હોય, માખીઓના ઈડાં અને બચ્ચાં પણ હોય અને સાથે આવી ગયેલી કોઈ માખી પણ હોય ! એ બધું જ બાજ ખાઈ જાય છે. માખીઓ ઝનૂનથી આ પીંછાના ગોટા પર તૂટી પડે છે, અને જેવી ઠીકઠીક સંખ્યામાં ત્યાં જમા થાય તેવો જ બાજ પોતાનું શરીર જોરથી ધ્રુજાવીને એવી તો ઝણઝણાટી બોલાવે છે કે બધી માખીઓ ભરરર… કરતીકને ઊડી જાય છે. આ પળે મધપૂડો પણ ખુલ્લો થઈ જાય છે અને બાજને તેમાંથી બીજું બચકું તોડી લેવાની તક મળે છે. ફરી લોચો ખેંચી કાઢીને તે ગોટોમોટો બની જાય છે અને માખીઓ બેસી રહેવા આવે તેટલી વારમાં તો કોળિયો પૂરો કરી ફરી પાછી પીંછાંની ઝણઝણાટી બોલાવીને માખીઓને ઉડાડી મૂકી ત્રીજો કોળિયો ઉખેડી લે છે. આમ, સામાન્ય કદનો એક સારો મધપૂડો તો પાએક કલાકમાં તો સાફ કરી નાખે છે અને ત્યાં મધવાળી ખાલી ડાળી અને નિષ્ફળપણે બણબણાટ કરી રહેલી માખીઓ સિવાય મધપૂડાનું નામનિશાન રહેતું નથી.

બાજ સિવાય બીજા કોઈ પંખીના આ રીતે મધ ખાઈ શકવા વિશે શંકા છે, કેમકે કોઈએ હજુ જોયું નથી. માત્ર હિમાલયમાં ‘હનીબર્ડ’ નામનું પંખી થાય છે. એનો મધનો શોખ તો સુપ્રસિદ્ધ છે. બાજની મધ ખાવાની રીત ખરેખર નવાઈ ભરી છે. આ બાજ જે ‘Honey Buzzard’ નામથી ઓળખવામાં આવે છે, તે કદમાં પૂરો બે ફૂટનો, રંગે બદામી હોય છે.

[2] બુલબુલ – લાલસિંહ રાઓલ

[‘નવનીત સમર્પણ’ નવેમ્બર-2011માંથી સાભાર.]

બુલબુલ નામનું એક પંખી છે, તે લગભગ બધા જાણે. તેને ઓળખી બતાવશો એમ કહો તો મોટા ભાગના લોકોને બોચી ખંજવાળવાનો વારો આવે. આપણા સાહિત્યમાં કવચિત તેનો ઉલ્લેખ આવે, પણ ઈરાની સાહિત્યના પ્રમાણમાં તે સાવ નગણ્ય. ઈરાની સાહિત્યમાં બુલબુલને માનવંતું સ્થાન મળ્યું છે. તેના ગાનનાં વખાણ કરતાં ઈરાની કવિઓ થાકે નહીં. ઈરાનના એ ગાયક શ્રેષ્ઠ બુલબુલ અને આપણા બુલબુલ વચ્ચે કોઈ સંબંધ નથી. બન્નેનાં કુળ અલગ. બન્નેના દેખાવમાં પણ સામ્ય નહીં. ઈરાની બુલબુલ અને અંગ્રેજી નાઈટિંગલ લગભગ સરખાં. બન્ને સગા પિતરાઈઓ, બન્ને ગાયક. ઈરાની સાહિત્યમાં જેવું બુલબુલનું સ્થાન. અંગ્રેજી સાહિત્યમાં તેવું નાઈટિંગલનું. તેના ગાન ઉપર અંગ્રેજ કવિઓ મુગ્ધ. તેની પર લખાયેલાં કાવ્યોમાં અમુક અતિ પ્રસિદ્ધ. શ્રેષ્ઠ અંગ્રેજી કાવ્યોમાં તેમનું સ્થાન. તેની સરખામણીમાં આપણા બુલબુલ પર એકેય કાવ્ય લખાયાનું મારી જાણમાં નથી.

આપણું બુલબુલ ભલે ગાયક પંખી નથી, પણ બીજી રીતે ગમી જાય તેવું તો છે જ. વળી તે બહુ વ્યાપક પંખી છે. આસેતુ-હિમાલય તેની વસતી. યુરોપ-અમેરિકાના લોકો કરતાં પંખીઓ પ્રત્યે આપણામાં લગાવ ઓછો છે. પંખીઓનો પરિચય કેળવવાની આપણે ખાસ દરકાર કરી નથી. પોપટ જેવા માનવબોલીનું અનુકરણ કરનાર પંખીઓ, શામા, ચંડૂલ જેવાં ગાયક પંખીઓ, લાલ મુનિયા જેવાં રંગીન પંખીઓ, બાજદારી માટે રજવાડાંઓમાં પાળવામાં આવતાં બાજ, ભેરી જેવાં શિકારી પંખીઓ તથા કોયલ, બપૈયા, ચાતક જેવાં બુલંદ ગાયકો – બસ આટલાં પંખીઓનો નામ પૂરતો આપણો પરિચય.

બાગબગીચા, ઘર, વાડી કે પાદર એમ બુલબુલ આપણી નજીક વસે છે. સ્વભાવે ખુશમિજાજી ગાયક નથી એ ખરું, બાકી તેના અવાજમાં પ્રફુલ્લતા છે. તેની બોલીમાં ભારોભાર આનંદ વરતાય. મોટે ભાગે વૃક્ષચર પંખી. છોડ, ઝાડમાં ફરતું રહે. જંગલી ફળફળાદિ ખાય તેમ જીવાત પણ ખાય. તમારે ફળિયું હોય અને તેમાં થોડાં છોડ કે ઝાડ હોય તો બુલબુલ અવશ્ય તેમાં આવે. નર-માદા એકબીજાની નજીક ફરતાં-ચરતાં રહે. રાતવાસો કરતાં પહેલાં વૃક્ષોની ડાળીમાં આમતેમ ઊડતાં ઊડતાં કે બેસીને ચક, ચક, ચક એમ બોલ્યા કરે. પછી અચાનક બોલવું બંધ કરી પોતાની નિયત ડાળે ઊંઘવા ગોઠવાઈ જાય તે વહેલું પડે સવાર. બુલબુલ આનંદી પંખી ખરું, પણ થોડું ઝઘડાખોર છે. તેના આ સ્વભાવનો લાભ સ્વાર્થી માણસ ઉઠાવ્યા વિના કેમ રહે ? બીજા કોઈના પાળેલા બુલબુલ સાથે તેને લડાવે. આમ ઝઘડતાં બે બુલબુલ પર લોકો દાવ લગાવે. તેમની હારજીતના જુગાર ખેલાય.

કેવું છે આપણું બુલબુલ ? કદમાં કાબરથી નાનું. વીસ સેન્ટિમીટરની તેની કાયા. બૂઠી કલગીવાળું માથું, ડોક અને ગળું કાળા રંગનાં. ઢીઢું સફેદ. બાકીનું ઉપલું શરીર તપખીરિયા રંગનું. તેમાં સફેદ વલયાકાર ભાત. પેટાળ સફેદ. પૂંછડીની નીચે લાલ હિંગળોકિયા રંગનું ચકદું. બુલબુલ ઓળખવાની તે સહેલી નિશાની. નર, માદા દેખાવે સરખાં. આ સિવાય બીજાં ત્રણ જાતનાં બુલબુલ આપણે ત્યાં થાય છે. તેમાં સિપાહી બુલબુલ (રેડ વ્હીસ્કર્ડ બુલબુલ) અને રણ બુલબુલ (વ્હાઈટ ઈયર્ડ બુલબુલ) આપણા બુલબુલને ખૂબ મળતાં આવે. તેમને જોતાં તે બુલબુલની જ બીજી જાત છે એ તરત ખ્યાલમાં આવે. સફેદનેણ બુલબુલ દેખાવે અને રીતભાતે અલગ. વૃક્ષોને બદલે તે ગીચ છોડઝાંખરામાં ફરે, ચરે. સ્વભાવે બહુ શરમાળ. પોતાના રહેઠાણની બહાર બહુ ઓછું નીકળે. તેની આંખ ઉપર સફેદ પટ્ટી જેવી લાંબી નેણ છે. તેને ઓળખવાની તે એક નિશાની. વળી તે બોલકણું વધારે છે. તેની હાજરીની જાણ આપણને તેના અવાજથી થાય. રણ બુલબુલ સમગ્ર ગુજરાતના ઓછાં વૃક્ષોવાળા પ્રદેશ અને કાંટ્યોમાં વસે છે. સિપાહી બુલબુલ અને સફેદનેણ તો આગેકૂચ કરીને હવે અમદાવાદ સુધી પહોંચી ગયાં છે. પ્રજનનઋતુ મુખ્યત્વે ચોમાસું. નાના છોડ કે વાડમાં માળો કરે. સુગઠિત સરસ મજાની વાટકી જેવો તે હોય. એવી જગ્યાએ તે કર્યો હોય કે ઝટ નજરે ન ચડે. બુલબુલ માણસોથી એટલું હળીમળી ગયું છે કે ક્યારેક તો આપણા ઘરમાં ટ્યુબલાઈટ કે એવી જગ્યાએ માળો કરે. મારા એક મિત્રના બેઠકખંડમાં તેણે માળો કરેલ.

બુલબુલનું મારા પર મોટું ઋણ છે. મને પંખીઓમાં રસ લેતો તેણે કર્યો. વાત છે 1948ની. તે વખતે હું ભાવનગરની શામળદાસ કોલેજમાં એમ.એ.ના બીજા વર્ષમાં ભણતો હતો. ‘વનવગડાનાં વાસી’ નામની શ્રી હરિનારાયણ આચાર્ય ‘વનેચર’ની પશુપંખીઓનો પરિચય કરાવતી લેખમાળા ‘કુમાર’ માસિકમાં ચોથા દાયકામાં આવેલી. તેમાંથી ટૂંકાવીને એક કોલમ આપવાનું ‘કુમારે’ શરૂ કરેલું. તે મારું માનીતું માસિક. લગભગ આખેઆખું વાંચી જાઉં. એક અંકમાં બુલબુલનો પરિચય આવ્યો. રાબેતા મુજબ તે વાંચી ગયેલો. ત્રણેક દિવસ બાદ મારા રૂમ સામેના લીંબડામાં અચાનક બુલબુલ મારી નજરે ચડ્યું. તેની પૂંછડી નીચે લાલ ચકદું હોય છે તે યાદ રહી ગયેલું. તે નિશાની પરથી તરત તેને ઓળખી પાડ્યું. મને થયું, ‘અરે ! આ તો બુલબુલ ! આવું મજાનું પંખી આપણી આસપાસ જ જોવા મળી જાય છેને શું ?’ બસ, તે દિ’ની ઘડીથી પંખીઓ સાથે મારો નાતો બંધાયો. આજકાલ કરતાં તેને બાસઠ વર્ષ થઈ ગયાં, પણ નાતો હજી અતૂટ છે.