ઝળહળ ઝાકળ – મહેન્દ્ર છત્રારા

[ રાજકોટના શ્રી મહેન્દ્ર ભાઈ દ્વારા લિખિત ‘પત્રયાત્રા’ પુસ્તકમાંથી થોડા વર્ષો અગાઉ આપણે ઘણા વિચારબિંદુઓ માણ્યા હતા. હવે આ જ પુસ્તક જૂનાગઢના મીડિયા પબ્લિકેશન દ્વારા ‘ઝળહળ ઝાકળ’ રૂપે નવા અવતારે તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. પુસ્તકમાં રજૂ થયેલી તમામ કૃતિઓની વિશિષ્ટતા એ છે કે તે લેખકે તેમના સ્નેહી મુરબ્બી શ્રી પોપટભાઈને એકપણ દિ’ ચૂક્યા વિના દરરોજ લખાયેલા 1030 પોસ્ટકાર્ડ સ્વરૂપે લખેલી ! સુંદર વિચારોનું આ પુસ્તક રીડગુજરાતીને ભેટ મોકલવા માટે ‘મીડિયા પબ્લિકેશન’નો ખૂબ ખૂબ આભાર. આપ શ્રી મહેન્દ્રભાઈનો આ નંબર પર +91 9427572955 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] ભાવભર્યું જીવન – સફલ, સભર

વિશ્વ આખું ભાવાત્મક સંબંધથી સભર છે. પરસ્પર ભાવ છે, ત્યાં જ સાચું જીવનસંગીત ગુંજે છે; માનવીને મુશ્કેલીમાં હૂંફ અર્પે છે, અંધકારમાં દીવાદાંડી બને છે. ક્યાં આધિ, વ્યાધિ, ઉપાધિના ત્રિવેણી સંગમસમા સુદામા અને ક્યાં અઢળક ઐશ્વર્યના સ્વામી કૃષ્ણ…. સુદામા તો તાંદુલ જેવી નાચીજ ચીજ પણ પડોશમાંથી માગીને લઈ ગયેલા ! મૈત્રીના ભાવસેતુ પરનું આ મિલન વિશ્વ ઈતિહાસમાં અમર છે. ક્યાં અખિલ બ્રહ્માંડ અધિનાયક શ્રીરામ અને ક્યાં જંગલની ભીલ મહિલા શબરી ! એઠાં બોર ભાવભેર આરોગ્યાં. જ્યાં ભાવ છે ત્યાં સત્તા, સંપત્તિની દિવાલો તૂટી જાય છે. ભાવ એ જ જીવન છે, અ-ભાવ એ મૃત્યુ છે સંબંધનું.

[2] સમજ્યા ?

એક સંયુક્ત કુટુંબ ભાંગી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ. કુટુંબ એક રહે તેવા પ્રયાસો માટે બેઠક મળી, પણ કોઈ કોઈનું સાંભળે નહીં. આ પરિવારમાં પરણીને તાજી આવેલી કોઠાડાહી વહુએ સાવરણીમાંથી એક સળી કાઢી અને સૌના દેખતા વિશાળ ખંડમાં સંજવારી કાઢવા લાગી. વહુના કામને જોઈને બધાં હસ્યાં. બોલ્યાં : ‘આ શું કરો છો, વહુ ?’
‘બસ, સંજવારી કાઢું છું !’
‘પણ એક સળીથી ?’
‘ના, જરૂર પડશે તો, પછી બીજી અને પછી ત્રીજી સળી લઈશને !’
‘પણ તેના બદલે આખી જ સાવરણી લોને !’
‘તો તમે બધાં જ લો ને !!’

[3] સમય સમય બલવાન હૈ !

જ્યારે ‘આપણો’ સમય હોય છે, ત્યારે આપણી પાસે ‘સમય’ હોતો નથી. અને જ્યારે આપણી પાસે ‘સમય’ હોય છે ત્યારે ‘આપણો’ સમય હોતો નથી ! કાળને કાંડે બાંધનારા અને દિવાલે-દિવાલે કેલેન્ડર લટકાવનારા આ જાણતા હોય તો ? કેલેન્ડરના દટ્ટાનું એક પાનું કેટલું વજનદાર…. ફાટ્યું, તેમાંની તારીખ-તિથિ પ્રલયકાળ-પર્યંત ફરી ન આવે…. આ ન સમજનારા જ કાયમ મોડા પડતા હોય છે, વખત ન હોવાની ફરિયાદ કરતા ફરે છે ! સમય દેવતાને વંદન !

[4] વિજ્ઞાન – કરે વિકાસ અને વિનાશ પણ !

દીવો પ્રકાશ પણ આપે ને આગ પણ લગાડે. છરી શાક પણ સુધારે ને લોહી પણ વહાવે. વિજ્ઞાને વિકસાવેલા સુવિધાજનક સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરનારા સરવાળે મનોરોગી, કંગાળ, નિસ્તેજ, માયકાંગલા બની રહેતા હોય છે. ઘેર ઘેર થયેલી ટીવી દેવતાની સ્થાપનાએ કેટલા કુટુંબ વેરવિખેર કર્યા હશે. રોડ પર બાઈક ચલાવતો યુવાન કાન અને ખભા વચ્ચે મોબાઈલ દબાવી વાત કરતો હોય – ‘બસ ઘરે પહોંચું જ છું’ અને અકસ્માતે ભગવાનના ઘરે પહોંચતો હોય છે ! ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટરનો યોગ્ય પ્રયોગ થવો જોઈએ. ઘરમાં હોય એટલું ઘી ખાઈએ તો શું થાય, એ તો ‘અનુભવી’ને જ પૂછવું પડે !

[5] સુપ્રભાતમ

સવારના પ્હોરમાં કોઈ પરિચિત આપણને Good Morning કહે….. (ગુજરાતીમાં ‘સુપ્રભાત’ જેવો સુગંધી શબ્દ હોવા છતાં !) તેથી આપણું પ્રભાત કે દિવસ Good બની જતા નથી. તો ? દિવસ દરમ્યાન (રોજ હોં !) એકાદું નાનું પણ એવું કામ કરીએ જેથી આપણો આત્મા શતદલ પદ્મ પેઠે પાંગરે, હૃદય કૃતજ્ઞતાથી ભીંજાય, દિલ બાગબાગ થઈ જાય, તે સવાર અને તે દિવસ સુધરી ગયા ગણાય !

[6] ખલેલનો ખેલ !

ક્યારેક આપણા શુભચિંતક (?!) આપણને ખલેલ પહોંચાડતા હોય છે. કુમળા લોંદા જેવા મગજમાં કાચની ઝીણી કરચ પેઠે એ ખલેલ આપણને સતત ખટક્યા કરતી હોય છે. આંખમાં કણું પડે, દાંતમાં મુખવાસ ભરાઈ જાય, હાથ-પગમાં નાની ફાંસ વાગે અને આપણું સમગ્ર ચેતાતંત્ર ત્યાં કેન્દ્રિત થઈ જાય તેમ નાનકડી ખલેલ આપણું બધું ધ્યાન રોકી રાખતી હોય છે. ચિંતનની સાવરણીથી મનનો ઓરડો સદા સ્વચ્છ રાખનારને ખલેલનો આવો કચરો નડતો નથી. ઉલટાનું ખલેલ પહોંચાડવાનો ‘મંગલ’ ઈરાદો ધરાવનાર જ ખલેલ પામતો હોય છે.

[7] દંભના સ્તંભ

માણસ સ્ટુડિયોમાં ફોટો પડાવવા જાય ત્યારે પોતે હોય એના કરતાં અધિક રૂપાળો દેખાવાનો પ્રયત્ન કરતો હોય છે. ગિરના જંગલમાં ગયેલા પ્રવાસીને સિંહ પોતાની ભયંકરતાનું પ્રમાણપત્ર બતાવે છે ? બુલબુલને પોતાના કંઠ માટે કોઈના પ્રમાણપત્રની જરૂર ખરી ? ફૂલ પોતાના સૌંદર્ય અને સુવાસ વિશે વાતો કરે ? નિર્ઝર જેમ સહજ ભાવે નિજાનંદમાં વહ્યા કરે, તેમ માણસ વહેતો રહે તો ? ચહેરા પરનું ‘પ્લાસ્ટિકિયું’ સ્મિત ‘દંભનો જ સ્તંભ’ ગણાય. સહજ પ્રગટતું સ્મિત જગતનું શ્રેષ્ઠ સૌંદર્ય છે.

[8] દુઃખ એટલે શું ?

એક ચિંતક ચાલતો ચાલતો જંગલમાં જઈ ચડ્યો. મનમાં ચાલતા વિચારને તેણે ધ્વનિનું રૂપ આપ્યું – ‘જગતમાં આટલું બધું દુઃખ કેમ છે ?’ જવાબમાં વડલો ઘેરું ઘેરું હસ્યો, નાનકડા છોડ પરના ફૂલે સ્મિત કર્યું, નદી રમતી રમતી ચાલતી રહી, પહાડે અશ્રાવ્ય અટ્ટહાસ્ય કર્યું, આકાશે વહેતું વાદળ મરક્યું. છેવટે એક નાનકડાં પંખીએ હસતાં હસતાં કહ્યું : ‘દુઃખ ? દુઃખ એટલે શું ? અમને તો ક્યાંય દુઃખ જણાતું નથી, મિત્ર !’

[9] મજાનો ખજાનો

કેટલાક લોકો પાસે માહિતીનો ખજાનો હોય…. વિશ્વના દેશો, તેના ક્ષેત્રફળ, પાટનગર, વસતિ, ભાષા, રીત-રિવાજ બધું જીભના ટેરવે હોય. હજારો ટેલિફોન નંબર યાદ હોય. ક્યો ગ્રહ પૃથ્વીથી કેટલા કિલોમીટરના અંતરે તે ફટાફટ કહી દે. અદ્દભુત સ્મરણશક્તિ સારી વાત છે, પણ લોકો આવા માહિતીભંડારને ‘જ્ઞાન’ માની લે છે. ફૂલોના ટોપલામાંથી એક શીશી અત્તર બને કે છાશની ગોળીમાંથી એક વાટકો નવનીત નીપજે તેમ આવી માહિતીમાંથી ‘શાણપણ’ સાંપડે તો સદભાગ્ય ! બાકી, મંગળ પર પાણી ક્યાં છે તે જાણવા કરતાં બીજાનું ‘મંગળ’ કેમ થાય તે જાણવું વધારે સારું નહીં ?

[10] કૃતજ્ઞતા

આપણા જીવનની સુખ-સુવિધા અને સુરક્ષા માટે સેવારત જડ પદાર્થો – પથ્થર, ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ, લાકડું, ફોન, ફ્રિઝ, ફર્નિચર, ટીવી, કાર વગેરે પ્રત્યે આપણે ક્યારેય આભારવશ હૈયે નિહાળ્યું છે ખરું ? અરે, એ જડ વસ્તુઓને આપણા સુધી પહોંચાડનારા જીવંત શ્રમજીવીઓ પ્રત્યે પણ ભીના હૃદયે આદરભાવ વ્યક્ત થયો છે ? આવું થાય ત્યારે ત્રીજા નેત્રની પ્રાપ્તિ થઈ ગણાય !

[11] ગુજરા જમાના બચપનકા !

એવું થાય છે કે, ઈશ્વરે માણસને એક સુવિધા આપવી જોઈતી હતી કે ઢળતી ઉંમરે એ ઈચ્છે ત્યારે થોડો સમય એના બાળપણને ભોગવી શકે ! આવું થાય તો દાદીમાનો હૂંફાળો ખોળો, મા-બાપનું હેત નીતરતું વાત્સલ્ય, ભાઈ-ભાંડુની રમતો, દોસ્તારોના પરાક્રમો, ધૂળિયા શેરીની મોજ, પ્રેમભીનો પાડોશ – માણસ પોતાના એ સુવર્ણયુગને મનભરીને માણી શકે. આવો મોકો ઈશ્વરે એકવાર ન આપવો જોઈએ ? કરુણતા એ છે કે બાળપણમાં તેના આનંદને સમજવાની સભાનતા નથી હોતી અને સમજદારી આવે ત્યારે બાળપણ હોતું નથી.

[12] એય…..ને લીલાલ્હેર !

ભવિષ્યમાં વિદેશમાંથી એક વિચાર ભારતમાં આવશે કે અઠવાડિયે એક દિવસ પૂરતું પચાસ વર્ષ પૂર્વેનું જીવન જીવો, મોજમાં રહો ! – વ્હેલી સવારે સૂર્યોદય પહેલાં ઊઠીને બ્રશ નહીં, લીલ્લુછમ દેશી દાતણ….. લોટો લઈ નદી કાંઠે ઝાડે ફરવા જવું, પછી તાજુ દોહેલું દૂધ, બપોરે દેશી ઘી ચોપડેલા રોટલા, અડદની દાળ, લસણની ચટણી, ગોળ અને છાશ…. રાત્રે ખીચડી, અંધારા દૂર કરવા ફાનસ કે દીવા ! નવ વાગ્યે પોઢી જવાનું ઓઢીને ! (ફેશન લેખે પણ આવું કરવા જેવું નથી લાગતું ?!) રાત્રે પલંગ, એ.સી., ટી.વી., ફોન નહીં…. પણ ખાટલા ને ધઈડકી ! (What means about ‘ધઈડકી’ ?)

[13] સામુદાયિક ક્રૌંચવધ – છે ક્યાંય વાલ્મીકિ ?

ગાયની આંખમાંથી નીતરતી કરુણા જોઈ છે ? શિકાર થતાં પક્ષીબાળના મરણ-ચિત્કારથી હૃદયકંપ અનુભવ્યો છે ? કપાતા વૃક્ષને જોઈ અરેરાટી થઈ છે ? – જીવમાત્ર પ્રત્યે અનુકંપાનો ભાવ જાગે, ત્યારે રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, જીસસ, ગાંધીજીનો પુનર્જન્મ થાય છે. પ્રત્યેક અત્યાચારીના હૃદયમાં આ તત્વ ઊંડે ઊંડે ધરબાયેલું પડ્યું જ હોય છે. કોઈ દિવ્ય ક્ષણે તે જાગૃત થાય અને તે ક્ષણ-ઝબકારે ‘જાગી’ જાય, તો વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિનું સર્જન થાય ! ક્રૌંચપક્ષીની હત્યાના આઘાતે જન્મેલો શોક શ્લોક બની પ્રગટ્યો અને રામાયણનો જન્મ થયો !

[14] હાઈવે ઑફ લાઈફ

રોડ અકસ્માતોનો ઈતિહાસ કહે છે કે, વાંકા-ચૂંકા, ઉબડખાબડ કાચા રસ્તાઓ કરતાં સીધા-સપાટ, સારા માર્ગો પર જ વધારેમાં વધારે જીવલેણ અકસ્માતોની પરંપરા સર્જાય છે ! આશ્ચર્યજનક લાગતી આ વાત સાચી છે. સીધા-સપાટ-સારા માર્ગો પર ડ્રાઈવીંગ સીટ પર બેઠેલી વ્યક્તિ બેધ્યાન-બેદરકાર બને છે. કંઈક આવું જ જીવનના પથનું…. તેમાં મુશ્કેલીઓના ડાઈવર્ઝન, સંકટોના બમ્પ, વિપત્તિઓના સ્પીડબ્રેકર ન આવે તો ‘નિરાંત’ વાળો ડ્રાયવર સાવધ ન રહે અને ખરાબ રસ્તા પર વાહનચાલક સતત સાવધ રહેતો હોય છે.

[15] જિહવાદેવીને નમસ્કાર

માણસના ભારેખમ દેહમાં જીભનું વજન કદાચ 15-20 ગ્રામ હશે ને ? તેના પર સ્વાદકેન્દ્રો આવેલા છે, તેમ તેના વડે ઉચ્ચારાતી વાણીના પણ સ્વાદ હોય છે. કેટલાકની વાણી મધુર તો કોઈની કડવી, કોઈની અષ્ટમ પષ્ટમ તૂરી તો કોઈની વાણી ખાટી, કોઈની તીખી તો કોઈની ખારી-ખોરી…. કોઈની વાણીમાં મીઠાશ અનાયાસ હોય તો કોઈ કિંગ કોબ્રા પેઠે ફૂંફાડા જ મારે. જીભ યશના પુષ્પો અપાવે, અપમાનના જોડા પણ અપાવે ! પ્રિય અને સત્ય બોલનારી જીભ સિવાયની તમામ જીભોનું ઑપરેશન કરી નાખવામાં આવે તો સંવાદિતાનું સ્વર્ગ પૃથ્વી પર પલકમાત્રમાં આવી જાય !

[કુલ પાન : 184. (Multicolor-Gift Pack) કિંમત રૂ. 120. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન. 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ઝળહળ ઝાકળ – મહેન્દ્ર છત્રારા”

Copy Protected by Chetan's WP-Copyprotect.