- ReadGujarati.com - http://www.readgujarati.com -

ચાલનારને થોડુંક આખરી સૂચન – ઉશનસ્

[તાજેતરમાં જેઓ દેવલોક પામ્યા છે તેવા ગુજરાતી સાહિત્યના પરમ કવિ શ્રી ઉશનસને શ્રદ્ધાંજલિ રૂપે, તેમનું આ કાવ્ય અત્રે ‘ગુજરાત’ સામાયિક દીપોત્સવી અંકમાંથી સાભાર લેવામાં આવ્યું છે.]

તમે ચાલો છો તે મુજબ નિત ચાલો,
………… અવ જરીક થોડું વળી વધું;
હિતાર્થે પોતાના કવણ ન ય ચાલે ?
………….. પણ કદીક વિશ્વાર્થ અપથું ?
ચાલો એકાદું યે પગલું વધુ, ઓળંગી હદને
………………. તમારી, ને પામો પછી અનહદે સામટું બધું;
જુઓ ચાલી થોડું, જ્યહીં અટકી જાઓ, પછી ય છે.
…………………. ઉવેખાયું એવું બીજું જગત, ત્યાં પાદ મૂકજો.
તમે સામે ચાલી ખબર પૂછજો, આંસુ લૂછજો,
…………………… પરંતુ એને તો તમ જરૂર કૈંક બીજુ ય છે;
ન મૂળે પૃથ્વી નો પ્રીતિ – પુરવઠો સર્વ પૂરતો,
…………………… વહેંચી લૈયે તો ચપટી જ મળે; ના પણ મળે,
હવે ટાણું આવ્યું, તું તવ મરજાદાથી નીકળે
………………………… થઈ જા તું થોડો અધિક જગપ્રીતિથી ઝૂરતો
કરે છે તેથી તું કર હજી બધુ થોડુંક વધુ,
………………………. ઉછાળી દે આભે અરપણ કરી બ્રહ્મનું પદુ !