એક ખૂણો – વનલતા મહેતા

[‘એક ડગલું આગળ’ (વનલતા મહેતાની 26 નવી વાર્તાઓ) પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

ભિષ્મ અને સુદેવી એક શિક્ષિત, સંસ્કારી આદર્શ દંપતિ હતા. સિવિલ એન્જિનિયર ભિષ્મે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ કુશળતા અને નામના મેળવી હતી. નદીના વેડફાતા જળને કેમ ઉપયોગમાં લેવું એ માટે બંધ કેમ અને ક્યાં બાંધવા એની સૂઝ એટલી સચોટ હતી કે ભલભલી સરકારી મિટિંગોમાં એની સૂચના છેવટની ગણાતી. દેશ પરદેશમાં એના જ્ઞાન માટે ભિષ્મ ખૂબ જ નામ મેળવતો. જ્યારે સુદેવી પોતાની વિદ્યાનો ઉપયોગ, ઘર આંગણે વિકલાંગ બાળકોની બાલવાડી ચલાવીને કરતી. પતિ-પત્નીના શરીર જુદા અને આત્મા એક જ હતા. લગ્નનાં દસ વર્ષ વીત્યાં છતાં દંપતિના જીવનબાગમાં એકે ફૂલ ન ખીલ્યું.

ભારત અને પરદેશમાં બંનેએ મેડિકલ તપાસ કરાવી તો બંનેની શારીરિક પૂર્ણતા હતી છતાં સંતાન ન હતું. બંનેને એની ઉણપ માટે વસવસો ન હતો. સુદેવીનું જીવન એની બાલવાડીનાં ફૂલોથી મઘમઘતું જ હતું. ભિષ્મ એના નવાં નવાં પ્રોજેક્ટને પોતાના સંતાન કહેતો. ત્યારે સુદેવી કહેતી :
‘છટ, નિર્જીવ પ્રોજેક્ટમાં બાળકની ઉષ્મા ક્યાંથી હોય ?’
‘તારા આ ગંદા ગોબરા કુરૂપ બાળકો કરતાં મારા પ્રોજેક્ટોમાં વધુ તાકાત છે. પ્રગતિ છે, એને કારણે જ મારું ગૌરવ છે. તને આ લોકો શું આપવાના હતા ?’ આવી હસી મજાક પતિ-પત્નીના પ્રેમને જરાયે કુંઠિત ન કરી શકતી.
ભિષ્મને હિમાલયની તળેટીમાં વિવિધ ભાગોમાં વહેતા ગંગાના પ્રવાહની પ્રચંડતાને સૌમ્ય બનાવી તેનો ઉપયોગ કરવા શક્ય હોય ત્યાં બંધ બાંધવાની એક યોજના માટે મોકલવાનું કહેણ આવ્યું. ભિષ્મ એક વાર તે પ્રદેશમાં જઈ તેનો પૂર્ણ અભ્યાસ કર્યો અને પૂરતી શક્યતા જોતાં ત્યાં લાંબાં સમય માટે જઈને રહેવાની જરૂર દેખાઈ.

‘ભિષ્મ ! યોગેશ્વર કૃષ્ણના ચરણામૃતનું આચમન કરી પ્રયાણ કરો. યશ તમને મળશે જ.’
‘સુદેવી ! આ યોગેશ્વરની માયા મને હજી વીસમી સદી તરફ જતાં રોકે છે. જ્યાં માનવી ચંદ્ર પર જઈ આવ્યો ત્યાં હવે આવી અંધશ્રદ્ધા તારા જેવી સ્ત્રી પણ ધરાવે છે ? ગાંડી, બુદ્ધિથી, વિજ્ઞાનની અજોડ શોધથી માનવી બધું પામી શકે છે. જોને મારું જ્ઞાન જ મને આટલી સફળતા અપાવે છે ને ! એ જ બુદ્ધિના જોર પર મને યશ મળશે, નહીં કે તારા આ પાણીથી.’ સુદેવીએ પોતાના સુખી દાંપત્ય જીવનમાં તિરાડ પાડવા ક્યારેય ધર્મ, ઈશ્વર કે શ્રદ્ધાનો વિષય લઈ ભિષ્મ સાથે દલીલ નહોતી કરી. બળજબરીથી કોઈના મનમાં થોડી શ્રદ્ધા પેદા કરી શકાય છે ? સુદેવીની મીઠી મજાક કરી ભિષ્મે ઉંબરા બહાર પગ મૂક્યો.
‘ભાઈ, ઓલ ધ બેસ્ટ ! આ ફૂલ લો.’ સામે સુદેવીની આખી બાલવાડી ગુલાબના ફૂલો લઈને ઊભી હતી. ભિષ્મના મોં પર અણગમો આવ્યો.
‘ભિષ્મ ! જુઓ, બાળકોના રૂપમાં ઈશ્વર તમને સફળતાની શુભકામના આપવા આવ્યાં છે.’ યોગેશ્વરની ચરણામૃતની તો ભિષ્મ મજાક કરી શક્યો, પણ આ બાળકોના ટોળાને કેમ ટાળવું એ માટે વિમાસણમાં પડ્યો. ત્યાં બાળકોમાં ઈશ્વરનું નિરૂપણ કરતી સુદેવીની હિંમત એને વધુ પડતી લાગી અને એની કમાન છટકી.
‘હવે આ ઘેલછા અહીં જ અટકાવ સુદેવી ! આ જમાતમાં જ તારા યોગેશ્વરને રહેવાનું મળે ને !’

ભિષ્મ ગયો. પોતાની ખાલી ખોળાની ખોટ પહેલીવાર સુદેવીને સાલી. કદાચ પોતાના સંતાનને ભિષ્મ આ રીતે હડધૂત ન જ કરતે. હિમાલયની ગોદમાં પહોંચતાની સાથે જ ભિષ્મ એના ભગીરથ કામમાં ગળાડૂબ ડૂબી ગયો. થોડા જ દિવસોમાં એનું કામ થાળે પડવા લાગ્યું, એટલે એની નજરોમાં શુષ્ક કામની વાતો ઉપરાંત હિમાલયનું સૌંદર્ય છલકાવા લાગ્યું. પોતાની હંમેશની ટેવ પ્રમાણે એ નદીના વિશાળ તટ પર ચાલવા જતો. સાંજે પણ એ પોતાનો ક્રમ દોહરાવતો. નદીને એક ખૂણે થોડી મઢુલીઓ હતી. સાધુ-સંતોના અખાડા હશે, એમ ધારી ત્યાં જવાની પોતાની જીજ્ઞાસા એણે રોકી. પરંતુ અણધાર્યા એક અકસ્માતે એને એ મઢુલી તથા એમાં વસતા સાધુઓના સંપર્કમાં આવવું પડ્યું. એક વહેલી સવારે એનો ગઢવાલી મજૂર ગંગામાં ન્હાવા જતાં તણાઈ ગયો. પતિના મૃત્યુના આઘાતે મજૂરણ પત્ની બેભાન થઈ પડી ગઈ. એમનો આઠ-નવ વર્ષનો ગભરુ બાળક માની હાલત જોઈને ડઘાઈ ગયો. મઢુલીમાંથી સાધુઓએ આવી બાઈની સારવાર પોતાના શિરે લઈ લીધી. ભિષ્મને માથેથી એટલી ચિંતા ઓછી થઈ. આઘાત અને પછડાટથી બાઈના જ્ઞાનતંતુને ઈજા પહોંચી. એમનું જમણું અંગ રહી ગયું. વાચા હણાઈ ગઈ. બીજા મજૂરો તરફથી ખબર મળ્યા કે પતિ સિવાય આ બંનેનું કોઈ નજીકનું સ્વજન હતું નહીં, એક માનવી તરીકે મઢુલીમાં બાઈને જોવા જવાનું ભિષ્મનું કર્તવ્ય થઈ ગયું. સાધુબાબા પોતાની ઔષધિ પારખી દવા કરવાની આવડતથી બાઈની સારવાર કરતા હતા, છતાં ફેર પડતો ન હતો.

રોજ વહેલી સવારે નદીના તટ પર ચાલવા જતાં ભિષ્મને હવે નવું કૌતુક જોવા મળ્યું. પેલા મજુરનો બાળક નારુ પોતાની નાનકડી હથેલીઓ જોડીને નદીને તથા ઉગતા સૂરજને પગે લાગી કંઈક બબડતો હતો. પછી પોતાની સાથે લાવેલા લોટામાં નદીનું જળ ભરી એ ઝડપથી ચાલી જતો. ભિષ્મને એ હવે બડાબાબુ તરીકે ઓળખી ગયો હતો. તેની સામે મળતાં જ એ હસતો અને ડાબે હાથે સલામ કરતો, રોજના આ ક્રમથી એમનો પરિચય વધતો ગયો. સાંજે નારુની મા સાધુબાબાની વનસ્પતિની અસર નીચે ઊંઘી જતી ત્યારે એ નદીના તટ પર એકલો એકલો આવીને ભીષ્મ સાથે રમતો. ભીની માટીમાંથી જુદા જુદા ઘાટ બનાવવા મથતો, ન ગમે એટલે તોડી નાંખતો. ભિષ્મ સાથે ભાંગી તૂટી હિન્દીમાં પશુપંખી, વનસ્પતિની વાતો કરતો. એક દિવસ ભિષ્મે નારુને પૂછ્યું :
‘તું રોજ નદીમાંથી પાણીનો લોટો કેમ ભરીને લઈ જાય છે ? અને મને ડાબે હાથે કેમ સલામ કરે છે ?’
‘બડે બાબુજી ! ગંગાજીનું પવિત્ર જળ હું સ્વચ્છ લોટામાં લઈ જાઉં છું. એને ડાબા હાથમાં પકડાય નહીં, તેથી આપને ડાબે હાથે સલામ કરું છું, એ જળ વડે હું મારી માને માલીશ કરું છું.’
‘પાણીનું માલીશ.’
‘બડે બાબુ જળ તો બધે જ હોય પણ ગંગાનું જળ પવિત્ર ગણાય છે, કારણ કે એ શિવજીની જટામાંથી અભિમાન મૂકીને સગરરાજાના પુત્રોને જીવંત કરવા નીકળ્યું છે, ને વળી સાધુબાબાએ એમ પણ કહ્યું છે કે ગંગાજીનાં જળમાં ઔષધિ ગુણ હોય છે. તેથી જ બધા અહીં ડૂબકી મારવા આવે છે ને ! મારી માને એ જળથી માલીશ કરવાથી એને ઝટ સારું થઈ જશે. ગંગામાનાં ચરણામૃતમાં એવો ગુણ છે.’
‘તું ભણ્યો નથી એટલે આવી મુરખ વાતો કરે છે. પાણી એટલે પાણી ફક્ત. શહેરો જેટલી ગંદકી અહીં નથી તેથી આ નદીનું પાણી સ્વચ્છ છે. આ જ ગંગા બનારસ શહેરમાં કે કલકત્તામાં કેટલી ગંદી છે એ તું ક્યાંથી જાણવાનો ?’
‘બડે બાબુજી ! એ બધું હું નથી જાણતો. પણ સાધુબાબા મને રોજ ધર્મની વાતો કરે છે. માને જેટલી ઔષધિ આપે છે, લેપ કરે છે, તે જડીબુટ્ટી લેવા માટે હું રોજ સાધુબાબા સાથે જંગલમાં જાઉં છું અને વનસ્પતિ શોધતા શોધતા બાબા મને એના જુદા જુદા લાભ વિષે જ્ઞાન આપે છે, તેમણે જ કહ્યું કે ગરમ પાણીના કુંડમાં ગંધક નામનો પદાર્થ હોય છે, તેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. તેવી જ રીતે ગંગાજીનાં જળમાં કંઈક એવું છે કે જો શ્રદ્ધાથી તેનું માલીશ થાય તો જરૂર રોગ દૂર થાય જ બાબુજી ! ઈશ્વર દયાળુ છે, એ મારી માને સારી કરશે જ.’

આજે ભિષ્મને આ અબુધ બાળકની વાણીમાં એવી મક્કમતા દેખાઈ કે મજાક કરવાની ઈચ્છા જ નહીં થઈ.
‘બચ્ચા ! તારું મનોબળ અને વનસ્પતિને કારણે તારી મા સારી થશે, બાકી ઈશ્વરની સહાયની વાત બધી પોકળ છે. માણસ પોતાના પુરુષાર્થથી જ કંઈક મેળવે છે, તેથી જ તો પરિશ્રમ કરવો પડે છે ને ! નહીં તો એની પર આશા રાખીને બેસીએ તો બધા આળસુ જ થઈ જઈએ ને !’ નારુ આ દલીલનો શો જવાબ આપે ? એ મૂંગો રહ્યો. સાંજે નારુ નદીના કાંપમાંથી કંઈક બનાવતો હતો અને ભિષ્મ પોતાની આવડતથી એ ઘાટને જાતજાતના રૂપ આપી નારુને સમજાવતો હતો. નારુ ખૂબ ખુશ હતો.
‘બડે બાબુજી ! તમે તો કેટલા ફક્કડ ઘર ને પુલ ને બધું બનાવો છો. શહેરમાં બધાને આવું બનાવતાં આવડે ?’
‘ના, બેટા જે આ વિદ્યા શીખ્યા હોય તેને જ આવડે અને ભારતભરમાં આ વિદ્યામાં મારા જેવું બીજું કોઈ કુશળ નથી, તેથી જ તો સરકારે મને ખૂબ માન આપ્યું છે ને !’
‘હેં બાબુજી ! તમને બધું જ બનાવતા આવડે ?’
‘હા…. ઘર, પુલ, બંધ બધું જ એવી કોઈ ચીજ નથી કે જે મને બનાવતા નહીં આવડે.’
‘તો બાબુજી ! એક મૂર્તિ ઘડીને એમાં જીવ મૂકી આપોને ?’
‘મૂર્તિ ઘડી શકું કદાચ પણ એમાં જીવ ક્યાંથી મુકાય ?’
‘કેમ ? તમને તો બધું જ આવડે છે ને ?’
‘હા, પણ….. પણ આ તો મારા હાથની વાત નથી, આવી વિદ્યા મને નથી આવડતી.’
‘ત્યારે તો મારી મા તમારા કરતાં વધુ હોંશિયાર છે ! એણે મને બનાવ્યો ને ?’

‘બચ્ચા ! તારા સિવિલ એન્જિનિયરને એ વિદ્યા નથી આવડતી. એ વિદ્યાના જાણકાર ઈશ્વર છે, કુદરત છે.’
‘સાધુબાબા, આપ ?’
‘હા, ઈજનેરસાબ, હું ક્યારનો ય તમારા બંનેની વાતો સાંભળતો હતો – માનવી રોબોટ જેવું માનવયંત્ર જરૂર બનાવી શકે છે, પરંતુ ચેતનવંતુ બાળક પોતાની આવડતથી નથી બનાવી શકતો. ઈશ્વરે એ શક્તિ સ્ત્રીમાં મૂકી છે, છતાં સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે અને કુદરતે જ એ ક્રમ ઘડ્યો છે. નહીં તો તમારી વિદ્યાના ગુમાનની જેમ સ્ત્રીને પણ ગુમાન આવી જતે ને !’
‘બાબા, અમે આજની આ પ્રગતિવાદની દુનિયાના શિક્ષિત લોકો ઈશ્વર, મૂર્તિપૂજા જેવા ઢોંગમાં કેવી રીતે વિશ્વાસ રાખી શકીએ ?’
‘વિજ્ઞાને તમને, જગતને ઘણું આપ્યું છે, પરંતુ મજૂર બાળકે પૂછ્યું તેમ તમે એક જીવંત માનવી ઘડી શકો છો ? અરે શરીરમાં વહેતું લોહી માનવી બનાવી નથી શકતો. અહીં જ હાજરી છે, ઈશ્વરની. માનવી જ્યાં અટકે છે ત્યાં જ પ્રભુ પ્રગટે છે.’ ભિષ્મને લાગ્યું કે, પહેલીવાર એવો ભાસ થયો કે કુશળ એન્જિનિયર હોવા છતાં એક બાળકને પોતે પત્નીને ખોળે નથી મૂકી શકયો. ક્યાંક કશું ખૂટે છે ? ક્યાં ખોટ છે ?
‘સાધુબાબા ! મારા જેવા નાસ્તિકને આવી વાતોએ કેમ સંતોષ થાય ? એવી કરાવો પ્રતીતિ કે ઈશ્વરનો ભાસ થાય.’
‘તમે કુદરતને નાથવા બંધ બાંધો છો, પણ એક વિનાશકારી પૂર તમારી અનેક યોજનાને ધરાશાયી કરી નથી દેતું ? એક દુષ્કાળની થપ્પડ તમને આસમાનમાંથી નીચે નથી પટકી દેતો ? ચંદ્ર, સૂરજ, ભરતી, ઓટ, પૃથ્વીનું ભ્રમણ આ બધી કુદરતી પ્રક્રિયા પર કોનું નિયંત્રણ હશે ? તમારું ? વિજ્ઞાનનું ? ના, કોઈક અદશ્ય શક્તિનું નિયંત્રણ છે. ઈજનેરસાબ, શ્રદ્ધા અને શંકાનું આ તુમુલ યુદ્ધ ઘડી બે ઘડીના વાદવિવાદથી નહીં અટકે. એને માટે તમારા મનથી તમારે તૈયાર થવાનું છે. આંતરમનની ખોજ માટે ગુરુજ્ઞાન લેવાનું છે. તમે અહીં આવ્યા, તમારી વિદ્યાની આવડતે અમને પૂરના વિનાશથી રોકવા માટે બંધ બાંધ્યો અને અહીંથી તમે વિદાય થાવ, ત્યારે તમે શ્રદ્ધાનું ભાથું બાંધતા જશો તો પણ ઘણું છે.’

ભિષ્મ ગુંચવાતો રહ્યો. બાળકની શ્રદ્ધા અને સાધુબાબાનો પુરુષાર્થ જોતો રહ્યો અને નારુની મા હવે હરતી ફરતી થઈ શકી હતી. સાધુબાબાએ એને આશ્રમની ગાયોની દેખભાળ માટે રોકી લીધી. ભિષ્મે એને સારી જેવી રકમ આપી, બંધનું કામ પૂરું થયું. ભિષ્મને જવાનો સમય આવી પહોંચ્યો હતો. એણે નારુને બાથમાં લીધો.
‘નારુ, તારી શ્રદ્ધાએ મને હરાવી દીધો. મારામાં કંઈક ન સમજાય તેવું મંથન થઈ રહ્યું છે. સાધુબાબાએ મને મારી, માનવીની તાકાતની હદ બતાવી. આજે અહીંથી મારી સફળતાએ આપેલું કીર્તિનું પોટલું લઈને નથી જતો, પણ ઈશ્વર જેવી કોઈક શક્તિ છે એવી શ્રદ્ધાનું ચરણામૃત લઈને જાઉં છું.’
સાધુબાબાએ વિદાય આપતા ભિષ્મને કહ્યું :
‘ઈજનેરજી, વિદાય ટાણે કંઈ કહેવું નથી અને છતાં ઘણું કહેવાનું મન થાય છે. અહીં રહ્યા પછી પ્રકૃતિને જોવા સમજવાનો પ્રયાસ કર્યા પછી એટલું સમજવાનો જરૂર વિચાર કરજો. કુરુક્ષેત્રમાં કૃષ્ણે કહેલી ગીતાના કોઈ એક શ્લોકને તમારા શ્વાસમાં ઉગાડજો, વણી લેતા શીખજો.’

આગળથી ખબર કર્યા વિના જ ભિષ્મ ઘરે પાછો ફર્યો, સુદેવી પોતાની બાલવાડીના બાળકો સાથે ગુંથાયેલી હતી. ભિષ્મ આવ્યો. સુદેવી તરફ સ્નેહનું સ્મિત વેરી એણે ગંગાજળની લોટી એના હાથમાં મૂકી અને ગઢવાલના મેળામાંથી ખરીદેલા લાકડાના ખૂબ બધાં રમકડાં એણે બાલવાડીનાં ફૂલોમાં વેરી દીધાં. સુદેવી પતિને જોઈ જ રહી. એકાંત મળતા ભિષ્મે ગંગા નદીના બંધની આડશમાં એના હૈયા પર છવાયેલા કળણને સાધુબાબાએ તથા નારુએ કેવી રીતે છેડ્યા હતા એની સવિસ્તાર વાત કહી.
‘ભિષ્મ ! માનવીના મનમાં પણ વિશ્વની ચાર દિશાઓની જેમ ચાર ખૂણા હોય છે. પ્રત્યેક ખૂણામાં જુદી જુદી જગ્યાએ બુદ્ધિ, પુરુષાર્થ, મોહમાયાનાં જાળા બાઝ્યાં હોય છે. પરંતુ ચોથો ખૂણો, ભલે ખાલી લાગતો હોય એ ખાલી નથી હોતો એમાં અસીમ પ્રેમ, મમતા, શ્રદ્ધાની છોળો ઉડતી હોય છે. અહંકારના આવરણ નીચે એ ખૂણાની અમૂલ્ય પૂંજી દેખાતી નથી, પરંતુ એક કોઈક એવી ક્ષણે ત્યાં ઈશ્વરનું, નિયતિનું એકાદ રૂપ આવીને પોતાનું અસ્તિત્વ દેખાડી જાય છે. તમને બાળકો નથી ગમતા. એ બાળક રૂપે તમને એ ખૂણાનું મહત્વ સમજાવી ગયો. ભિષ્મ ! તમારા મનમાં હજી ગડમથલ છે, હજી તમે ડામાડોળ છો, પરંતુ કુદરતને, ઈશ્વરની શક્તિને સમજવા માટેના પ્રથમ પગથિયે તમે પગલાં માંડ્યા છે. છલાંગ મારી એની મહાનતા નથી પામી શકવાના. મંદિરના ગર્ભદ્વારમાં પહોંચવા, શિખરે અડવા માટે પગથિયાં ચડવા જ પડે છે. શ્રદ્ધાથી જ્યાં નમીએ ત્યાં આપણી હાર નથી પણ અહં પર જીત છે. પગથિયે પગ મૂકતાં પહેલા રજને માથે ચડાવવાની એક પ્રણાલિકા છે. ઉતરતાં પણ રજને મસ્તકે ચડાવીએ છીએ. આ જડ ક્રિયા નથી એક કર્તવ્ય છે, પૂણ્ય છે. તમે પહેલે પગથિયે ચડી મસ્તકે રજ ચડાવી શક્યા છો. આ બાળકોને તમે મમતાથી જોયા એ જ મારે મન તો તમને થયેલો ઈશ્વરનો સાક્ષાત્કાર.

[કુલ પાન : 160. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : એન.એમ. ઠક્કરની કંપની. 140, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-2. ફોન : +91 22 22010633.]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

11 thoughts on “એક ખૂણો – વનલતા મહેતા”

Copy Protected by Chetan's WP-Copyprotect.