આચમની – મકરન્દ દવે

[1995-96નાં વર્ષો દરમિયાન, મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી વર્તમાનપત્ર ‘મિડ-ડે’માં શ્રી મકરન્દ દવેના વિચાર-પ્રેરક લેખ દરરોજ છપાતા હતા. તેમાંના કેટલાક લેખો ‘આચમની’ પુસ્તક સ્વરૂપે તાજેતરમાં પ્રકાશિત થયાં છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

[1] તિબેટની એક જૂની બોધકથા છે. એક હતો ગરીબ જણ. ભારે મહેનતુ અને કામગરો. તેણે તનતોડ મજૂરી કરી એક ગૂણ અનાજની બચાવી. રોજનું રોજ પૂરું કરે તેને માટે એક ગૂણ અનાજનો સંઘરો તો અધધ બની જાય. આ ગૂણનું અનાજ ઉંદર ખાઈ જાય તો ? અને ઉંદર ન ખાઈ જાય ને કોઈ ચોરી જાય તો ? એને માટે અનાજનો સંગ્રહ તો મોટી ચિંતાનો વિષય બની ગયો.

આ ગૂણીવાળાએ રસ્તો શોધી કાઢ્યો. ગૂણને તેણે દોરડાથી બાંધી પોતાની ઝૂંપડીની પડાળે એક વળી સાથે બાંધી દીધી. તેને થયું, ‘હવે ઉંદર જખ મારે છે.’ પણ ત્યાં વિચાર આવ્યો કે કોઈ ચોર ચોરી જાય તો ? તેણે અનાજની ગૂણ નીચે જ સૂવાનું નક્કી કર્યું. હવે ચોરની બીક ન રહી. ગૂણની નીચે સૂતાં સૂતાં તે ઘોડા ઘડવા લાગ્યો : આ અનાજમાંથી તે થોડું થોડું નફો કરી વેચશે, તેમાંથી થોડું બીજું અનાજ ખરીદશે અને પોતે અનાજનો મોટો વેપારી બની જશે. પછી ? પછી તો તેનું માન વધી જશે, પોતાની દીકરીનાં લગ્ન આવા મોટા દાણાવાળા સાથે કરવા ઘણાં મા-બાપ તૈયાર થશે…. પણ ના, એમ કાંઈ દાણાવાળો લગ્ન ન કરે; એ તો સુંદરમાં સુંદર છોકરી જોઈ લગ્ન કરશે. હા, પણ એ પહેલાં નવું મકાન ચણાવવું જોઈએ. આવી તૂટી-ફૂટી ઝૂંપડીમાં રહેવાનું હવે પાલવે નહીં.

દાણાવાળાની નજર સામે નવું મકાન ચણાતું અને પોતાનાં લગ્ન ધામધૂમથી થતાં હોય એવું ચિત્ર રમવા માંડ્યું અને પછી તો પોતાને ત્યાં પુત્રજન્મની વધામણી તેને સંભળાવા લાગી. ત્યાં વળી વિચાર સળવળ્યો. પુત્રનું નામ શું રાખવું ? દાણાવાળા શેઠના પુત્રનું નામ તો દીપી ઊઠે એવું જ હોય ને ! એ જ પળે તેણે નાનકડી બારીમાંથી ચન્દ્રને ઊગતો જોયો. કેવા શુકન ! કેવી શુભ ઘડી ! પુત્રનું નામ ચન્દ્ર જેવી કીર્તિ ધરાવે એવું જ રાખવું. ‘તેનું કીર્તિચન્દ્ર જ નામ પાડીશ….’ હજી તો મનોમન કીર્તિચન્દ્ર બોલે ત્યાં તો ઉંદર વળી પર ચડી ગયો હશે તેણે દોરડું કાતરી નાખ્યું. માથા પર ગૂણ પડતાં જ અનાજનો વેપારી ત્યાં ને ત્યાં મરણને શરણ થયો. આ બોધકથા આપણા મનમાં કલ્પનાના ઘોડા દોડાવતા મહત્વાકાંક્ષીને સંભળાવવા માટે જ સર્જાઈ લાગે છે. કબીરે આવી જ ચેતવણી ઉચ્ચારતાં કહ્યું છે :

પાવ પલક કી સુધ નહીં, કરૈ કાલ કી આજ,
કાલ અચાનક મારસી, જ્યોં તીતર કો બાજ.

મનની ઘોડ-દોડ અટકાવીને આપણે માથે જ શું લટકે છે તે જરા જોઈશું ખરા ?

[2] ચીનમાં આવેલું ઝેચુઆન શહેર. તેની નદીને કિનારે છોકરીઓ કપડાં ધૂએ. ત્યાં એક જણ ખબર લાવ્યો કે ગામમાં એક વિચિત્ર સાધુ આવ્યો છે. જુંગ ચીંગ નામની છોકરી સિવાય બીજી બધી છોકરીઓ ઝટપટ લૂગડાં ધોવાનું પતાવી સાધુને જોવા દોડી. પણ ત્યાં તો સાધુ જ સામેથી ચાલતો આવતો દેખાયો. તેને જોઈ છોકરીઓ તો થંભી જ ગઈ. મેલોદાટ ઝભ્ભો પહેરેલો, મોઢા પર કરચલીઓ, ડગુમગુ માંડ ચાલે અને શરીરમાંથી ન સહેવાય તેવી દુર્ગંધ છૂટે.

સાધુ તો આવ્યો નદી કિનારે. છોકરીઓ દૂરથી જોઈ રહી. સાધુએ ખોબો ભરી પાણી પીધું અને છોકરીઓ પાસે ખાવાનું માગ્યું. પણ જુંગ ચીંગ સિવાય કોઈએ તેનું સાંભળ્યું નહીં. જુંગ ચીંગ સાધુનો હાથ પકડીને તેને પોતાને ઘેર લઈ ગઈ. તેની બહેનપણીઓ ના પાડતી રહી પણ તેણે સાધુને ઘેર લાવી જમાડ્યો અને ચોખ્ખી પથારી કરી આપી સુવડાવ્યો. બીજે દિવસે જુંગ ચીંગ કપડાં ધોવા નદીએ જવા લાગી ત્યારે તેણે જોયું કે સાધુનો ઓછાડ લોહીના ડાઘથી ખરડાયેલો હતો. તેણે ઓછાડ ધોવા લીધો. સાધુ કહે, ‘મારો ઝભ્ભો ધોઈ આપીશ ?’ જુંગ ચીંગે ગંધાતો ઝભ્ભો પણ ધોવા લીધો અને નદી પર ચાલી. તેની બહેનપણીઓ તો ક્યાંય આઘે ઊભી રહી. જુંગ ચીંગ અને ફાટેલી ચાદર ઓઢેલો સાધુ સાથે જ ચાલતાં હતાં. જુંગ ચીંગે ઝભ્ભો પાણીમાં પલાળ્યો ત્યાં તો એ ઉજળોબાણ થઈ ગયો. છોકરીઓ આશ્ચર્યથી અવાક બની જોઈ રહી. જુંગ ચીંગે ઝભ્ભાને હાથથી મસળ્યો ત્યાં એમાંથી કમળ ખર્યાં. જુંગ ચીંગ જેમ જેમ મસળે તેમ તેમ કમળ ખરતાં જાય. તેની સુગંધથી નદી કિનારો મહેકી ઊઠ્યો. કમળ વહેતાં વહેતાં નીચાણે આવેલા પાઈ હુઆ તળાવમાં પહોંચી ત્યાં તરવા લાગ્યાં.

એક છોકરી બોલી ઊઠી : ‘આ તો અમૂલ્ય ચમત્કારિક ઝભ્ભો છે’ અને તે એ લેવા ગઈ પણ ત્યાં તો ઝભ્ભો ઊડીને સાધુના પગ પાસે પડ્યો. સાધુએ ઝભ્ભો લઈ લીધો. તેના મોઢા પરથી કરચલીઓ દૂર થઈ ગઈ, અંગ પરના ઘાવ રુઝાઈ ગયા અને સુવર્ણ પ્રકાશથી તે ઝળહળી ઊઠ્યો. જુંગ ચીંગને આશીર્વાદ આપી તે આકાશમાર્ગે ઊડી ગયો. આજે પણ એ નદી ‘મેલ ધોતી નદી’ તરીકે ઓળખાય છે. પાઈ હુઆ તળાવ કમળથી ઊભરાય છે અને જુંગ ચીંગની સ્મૃતિમાં દર વર્ષે ત્યાં મેળો ભરાય છે. (ચીની લોક-કથા)
.

[3] એક ઝેન ગુરુ બે શિષ્યો સાથે ચા પીતા હતા. અચાનક ગુરુએ એક ચીની પંખો એક શિષ્ય તરફ ફેંકી પૂછ્યું, ‘બોલ, આ શું છે ?’
શિષ્યે પંખો લીધો, ખોલ્યો અને પોતાને પવન નાખી મૂંગા મૂંગા ગુરુને પાછો આપ્યો.
ગુરુએ કહ્યું : ‘ઠીક છે, કંઈ ખરાબ ન કહેવાય.’ અને પછી એ જ પંખો બીજા શિષ્ય તરફ ફેંકી પૂછ્યું : ‘કહે જોઉં, આ શું છે ?’ બીજા શિષ્યે પંખો સંકેલ્યો, તેના છેડાથી પોતાની ગરદન જરા ખંજવાળી અને પછી પંખો ખોલી, તેના પર કેક મૂકી તે ગુરુને પાછો આપ્યો.
ગુરુ બોલ્યા : ‘વાહ, આ વધુ સારો જવાબ.’

ઝેન ગુરુઓ શાબ્દિક વ્યાખ્યાઓ કે વસ્તુઓનાં વર્ણનોને વજૂદ નથી આપતા. સામાન્ય રીતે પંખો જોતાં જ શિષ્ય એ કેવી બનાવટનો છે, ક્યાં બને છે અને ક્યાં ક્યાંથી મળે છે તેની માહિતી આપવા લાગી જાય. ઝેન ગુરુને મન માહિતી કરતાં વસ્તુનો કેવો ઉપયોગ કરવામાં આવે છે તે વધુ મહત્વનું છે. પહેલા શિષ્યે પંખાનો ઉપયોગ કરી બતાવ્યો. પોતાની જરૂરિયાત પૂરી પાડી. પણ તેથી વધારે સારી વસ્તુ તો સામે બેઠેલી વ્યક્તિની જરૂરિયાત જાણવાની અને એ મુજબ આચરવાની છે. પંખા દ્વારા હવા ખાવાના સામાન્ય ઉપયોગ ઉપરાંત તેના છેડાથી ખંજવાળી પણ શકાય એટલું દર્શાવી બીજા શિષ્યે ગુરુને હવા ખાવા માટે પંખો તો ઉઘાડી આપ્યો. સાથે સાથે કેક પણ આપી; કારણ કે ગુરુ ચા પીતા હતા ત્યારે તેમને ચા સાથે કંઈક કટક-બટક પણ આપવું જોઈએ એ તેના ધ્યાનમાં હતું. પોતાને માટે વસ્તુનો ઉપયોગ કરવો તે કાંઈ ખોટું નથી, પણ બીજાને ઉપયોગ કરવા માટે એ વસ્તુ આપવા ઉપરાંત પ્રસંગને અનુરૂપ બીજું પણ કાંઈક વધુ આપવું એમાં સમજણની વિશેષતા રહી છે.
.

[4] મોટા કહેવડાવવા માગતા માણસોને એક ટેવ હોય છે. બીજાને એ પોતાથી કેટલા નાના છે એ બતાવ્યા વિના તેમનાથી રહેવાતું નથી. એક અમલદાર સાહેબને કોઈ મળવા આવે તો તેને બેસાડી રાખ્યા વિના તે મળતા નહીં. પોતાની ઓફિસ બહાર તેમને મળવા આવનાર માટે સાંકડો ને ભાંગેલો બાંકડો રાખેલો. તે મુલાકાતી તેના પર બેસે. પટાવાળો ચિઠ્ઠી લઈ જાય અને મુલાકાતીના દરજ્જા પ્રમાણે સાહેબ તેને બેસાડી રાખે.

આ માટે સાહેબ મહેરબાને ત્રણ ધોરણ નક્કી કરેલાં. મહત્વની વ્યક્તિ હોય તો પાંચ-છ મિનિટ. કામ લાગે એવી વ્યક્તિ હોય તો દસ-પંદર મિનિટ. અને અરજદાર ગરજવાન કે નીચી પાયરીની વ્યક્તિ હોય તો કલાક બે-કલાક બેસાડી રાખે ને વળી મળે પણ નહીં. એક દિવસ એક વૃદ્ધ સજ્જન આવ્યા. સાહેબને બાળપણથી ઓળખે. બાજુમાં રહેતા તેથી તેના પર દીકરા જેવું વ્હાલ. પણ સાહેબ તો મોટા માણસ અને આ સજ્જન સાધારણ શિક્ષક. એવાને કાંઈ આવે કે તરત મુલાકાત આપી શકાય ? પછી ભલેને સાહેબને કોઈ અગાઉથી મળવા આવ્યું ન હોય કે ઓફિસમાં કોઈ અગત્યની ચર્ચા ચાલતી ન હોય ! ભલેને કોઈ કામકાજ ન હોય ને સાહેબ બેઠા બેઠા ક્રોસવર્ડ પઝલનાં ખાનાં ભરતા હોય ! મુલાકાતીએ સમજવું જોઈએ કે સાહેબને મળવું સહેલું નથી અને એની મહત્તા વિષે સાહેબ કરતાં પટાવાળા મહાશય વધુ ધ્યાન રાખતા હતા.

પેલા વૃદ્ધ સજ્જન બે-અઢી કલાક પાટલી પર તપ કરતા રહ્યા. પછી સાહેબે બોલાવ્યા. સાહેબની ઓફિસમાં એક જ ખુરશી. એને લાયક હોય તે બેસવા પામે. બીજા ઊભા રહી વાત કરે. પેલા સજ્જને સાહેબને બાળપણના નામથી બોલાવી કહ્યું, ‘જો છગન, તને હું મળવા આવત નહીં પણ મારા દીકરા નૌતમનો કાગળ છે કે તને આ કાગળિયાં આપવાં એટલે આવ્યો છું. તારો નાનપણનો મિત્ર તને ભૂલ્યો નથી. પરદેશી કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. લખે છે કે છગન ત્યાં પડ્યો પડ્યો શું કામ સડ્યા કરે છે ? અહીં સારો ચાન્સ છે. અને એની ભલામણથી તારું ભાગ્ય ઊઘડી જાય તેમ છે. એનાં કાગળિયાં આપવા આવ્યો છું.’
સાહેબ ઊભા થઈ ગયા, ‘આવો, આવો કાકા !’ એવા મીઠા ઉદ્દગાર સાંભળ્યા વિના જ વૃદ્ધે કહ્યું : ‘તારી ટેવ હું જાણું છું. જો, સંત સુંદરદાસની સાખી સાંભળી લે !’

નર પે નર આવત નહીં, આવત દિન કે પાસ,
વો દિન ક્યોં ન સમ્હાલિયે, ભાખત સુંદરદાસ.

‘માણસનું મોઢું રૂપાળું માનીને કોઈ તેની પાસે આવતું નથી, પણ એનો દિવસ તપે છે ને એ કાંઈક કરશે એવી આશાથી આવે છે; અને દિવસ તો હમણાં આથમી જશે; માટે સારાં કામ કરી લો.’ આટલું કહી વૃદ્ધ આવ્યા હતા તેવા જતા રહ્યા.

[કુલ પાન : 112. (નાની સાઈઝ). કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921. ઈ-મેઈલ : info@navbharatonline.com ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “આચમની – મકરન્દ દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.