- ReadGujarati.com - http://www.readgujarati.com -

ચાલો પોરબંદરના પ્રવાસે…. – નરોત્તમ પલાણ

[‘સંસ્કૃતિબિંદુ’ માસિક ડિસેમ્બર-2010માંથી સાભાર.]

મિયાણીથી આગળ વધતાં સૌરાષ્ટ્રના આ પશ્ચિમ સમુદ્રકિનારે ભૌગોલિક દષ્ટિએ કંઈક ટાપુ જેવું પોરબંદર, દેશના અન્ય ભાગો સાથે જલ, સ્થલ અને વાયુમાર્ગે જોડાયેલું એક ઔદ્યોગિક નગર છે. સુદામા અને ગાંધીજીની જન્મભૂમિ તરીકે જાણીતું આ શહેર પ્રવાસ માટેનાં બીજાં પણ ઘણાં આકર્ષણો ધરાવે છે.

સમુદ્રના મિજાજી સૌંદર્ય સાથે પક્ષીઓ અને માનવીઓનું વૈવિધ્ય પણ અહીં ઉમેરાયું છે અને તેથી એક નિત્યનૂતન લાગે તેવા સ્થળ તરીકે પોરબંદર આપણને ગમી જાય છે. પાઘડીપને વસેલા પોરબંદરને, ખડક તથા રેતાળ બંને પ્રકારના તટોથી શોભતો અને નાળિયેરીનાં ઝુંડોથી ભર્યોભર્યો લાગતો લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. અન્ય સ્થળોએ વરવાં લાગતાં કારખાનાં પણ પોરબંદરની વ્યોમરેખાને અવનવો વળાંક આપી ‘યંત્રોનેય કેવું સૌંદર્ય હોય છે’ તેની એક નૂતન અનુભૂતિ આપણા દિલમાં પેદા કરી આપે છે. પ્રગતિની પ્રક્રિયા પેલા હિન્દુ દેવતા જેવી છે જે માણસની ખોપરીનું પ્યાલું કરી અમૃત પીએ છે. એનો ખ્યાલ દરિયામાં દૂરથી કારખાનાંની આ તોતિંગ ઈમારતો જોતાં આવ્યા વિના રહેતો નથી.

પોરબંદરનો પહેલો અધ્યાય સુદામાથી શરૂ થઈ અનેક સંતો-મહંતો અને કવિ-કલાકારોને ઉછેરતો પોષતો ગાંધીજીમાં પરાકાષ્ઠા પામે છે. સ્કંદપુરાણ સુદામાની કથા કહી જાય છે : અસ્માવતી નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં સોમશર્મા નામના ભૃગુવંશી ગૃહસ્થને ઘેર સુદામા નામના પુત્રરત્નનો જન્મ, અભ્યાસ અર્થે દૂર ભરતખંડ મધ્યે આવેલા સાંદીપનિ આશ્રમમાં પ્રયાણ, મથુરાથી (?) આવેલા કૃષ્ણ-બળરામની સાથે સાંદીપનિ ઋષિના આશ્રમમાં મૈત્રી, પાછા ફરવું, ઘરની ગરીબ સ્થિતિ અને પત્નીપ્રેર્યા કૃષ્ણ યાચવા દ્વારકાગમન અને અસ્માવતી તટનું આ નાનકડું જનપદ સમૃદ્ધિથી છલકતું ‘સુદામાપુરી’ બની રહ્યું ! જો કે આ સ્થળનો પ્રથમ લિખિત પુરાવો હજાર વર્ષ જૂના ઘૂમલીના એક દાનપત્રમાં ‘પૌરવેલાકુળ’ એમ ‘પોરબંદર’નો છે, જ્યારે ‘સુદામાપુરી’નો – વાંગ્મય ઉલ્લેખ પણ એટલો જૂનો નથી અને શિલાલેખમાં ‘સુદામાપુરી’ તો છેક સંવત 1893ના અહીંના બહુચર માતાના સ્થાનમાં આવેલા માનસરોવરકુંડના શિલાલેખમાં મળે છે. ખાડીકાંઠે આવેલ ‘પોરવમાતા’ના થાનક ઉપરથી ‘પોરબંદર’ નામ પડ્યાની લોકવાયકા છે, પણ હકીકતે તો માતાના નામ ઉપરથી ગામનું નામ નહીં પણ પોરબંદર ઉપરથી ‘પોરાવ’ થયું છે, જેમ ‘ચોર’ ઉપરથી ‘ચોરાવ’.

સુદામાચોક પાસે આવેલા ભાવસિંહજી પાર્ક, ખાદીભંડાર, ઘૂમલીના અવશેષોને પોતાના દરવાજામાં રાખીને બેઠેલી કોર્ટની ઈમારત અને સુદામા મંદિર જોઈ પાછળ ‘સુલતાનજીનો ચોરો’ તરીકે જાણીતું શિલ્પસ્થાપત્ય અને કાષ્ઠકલાના રમણીય નમૂના સમું રાણા સરતાનજીનું ગ્રીષ્મભવન અવલોકી, સુદામાને હાથે સ્થાપિત થયેલા મનાતા કેદારકુંડ અને કેદારેશ્વર મહાદેવ, જેના સાન્નિધ્યમાં કરમચંદ બાપાના દીકરા મોહનદાસે ધતૂરાનાં બી ખાઈ મરવાનો પ્રયત્ન કર્યો હતો. તે જોઈ માણેકચોક પહોંચીએ. અહીં જોવું ન ગમે તેવું ગાંધીજીનું એક પૂતળું જલદી જોઈ બાજુના કીર્તિમંદિરમાં સર્વધર્મસમભાવના મહાવ્રતને, પોરબંદરના જ એક સ્થપતિએ, શેઠશ્રી નાનજીભાઈની પ્રેરણાથી, બાપુ જન્મસ્થાન પરના આ સ્મારક ચણતરમાં મૂર્ત કરી આપ્યું છે તે નિરાંતે અવલોકીએ. હિન્દુ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ અને પારસી કલાઓના અંશો સૂઝ તથા સંવાદપૂર્વક આ ઈમારતના બાંધકામમાં ગોઠવાયા છે. પ્રાંગણના વિશાળ આરસચોકમાં ચારે બાજુ મૂકેલા આરસસ્તંભો પર ગાંધીવાણીના આરસલેખો એક સુંદર ‘દર્શન’ પૂરું પાડે છે. ઓગણ્યાએંશી વર્ષનું આયુષ્ય બાપુએ ભોગવ્યું તેના સ્મરણમાં આ મંદિરની ઊંચાઈ ઓગણ્યાએંશી ફીટની રાખવામાં આવી છે, એટલી જ સંખ્યાના દીપકો એના શિખરમાં મુકાયા છે. કેન્દ્રસ્થાને પોરબંદરના જ એક ચિત્રકાર સ્વ. નારાયણ ખેર ચિત્રિત બા-બાપુનાં બે અદ્દભુત તૈલચિત્રો એની પ્રતીકાત્મક પાર્શ્વભૂ સાથે અવલોકવા જેવાં છે. પાછળ કસ્તૂરબા જન્મસ્થાન જોઈ, આજુબાજુનાં શ્રીનાથજી હવેલી અને પ્રણામી મંદિરનાં દર્શન પણ કરીએ. એક કાળે આ પ્રણામી મંદિરની એક ભીંત ઉપર ગીતાના શ્લોક અને બીજી ભીંત ઉપર કુરાનની આયાતો કોતરેલી હતી ! ગાંધી કુટુંબના ધાર્મિક વારસામાં આ નજીકનાં ધર્મસ્થાનોનો ફાળો કંઈ ઓછો નથી.

બપોર ભોજન, આરામ અને ગુરુકુળ. શેઠશ્રી નાનજી કાલિદાસે પોરબંદરને જે રસ-શણગાર સજાવ્યા છે તેનું તૃપ્તિકર દર્શન અહીં પ્રાપ્ત થશે. પ્રવેશદ્વારની રમ્ય કમાન, સ્મૃતિમંદિરની અર્વાચીન કાષ્ઠકલા, પ્રાંગણમાં કુલપિતાની શિલ્પમંડિત છત્રી, આફ્રિકન હસબી સહિત આઠસો કન્યાઓને ભારતીય સંસ્કૃતિથી ભર્યો ભર્યો શિક્ષણવઘાર આપતી ‘આર્ય કન્યા ગુરુકુળ’ જેવી ગુજરાતની વિરલ અને અનન્ય શિક્ષણ સંસ્થા, મહિલા કૉલેજ, ભારતની અસ્મિતા સમા ઋષિમુનિઓથી માંડી અર્વાચીન ભારતના ઘડવૈયા સુધીના મહામનાઓની સ્તંભ પર ઊપસાવેલી છન્નું માણસકાય પ્રતિમાઓવાળું ભારતમંદિર, આકાશની વિરાટ લીલાનો હૂબહૂ ખ્યાલ આપી મંત્રમુગ્ધ બનાવી જતું નહેરુ તારામંદિર – અહીંના કોઈ પણ વૃક્ષ નીચે ઊભા રહી આજુબાજુ નિહાળો તો શુદ્ધ ભારતીય શૈલીના ઘુમ્મટો તથા મિનારાથી ભર્યું ભર્યું આ પવિત્ર વાતાવરણ આપણા અસ્તિત્વને તપોવનની ઉષ્મા પ્રદાન કરી નતમસ્તક બનાવી જશે. અનેક પ્રકારનાં પંખીથી કલનાદ કરતી અહીંની વનશ્રી, દૂર સરકી ગયેલા આર્યવર્તના સાન્નિધ્યમાં તમને લાવી મૂકશે. તમે સહૃદયી હશો તો બાળાઓના વેદોચ્ચાર, નાળિયેરીનાં લાંબાં પર્ણોમાં ડમરુનો નાદ ભરતો અનિલ અને મોર, પોપટ, બુલબુલ, પતરંગાના નવરંગી નર્તન સાથે આકાશમાં ઝઝૂમતા નટરાજને બોરસલી, જુઈ, ચંપા, પારિજાતની ઝીણી સૌરભ સાથે સાક્ષાત માણી શકશો.

ઉતારે પાછા ફરીએ તે પહેલાં એક ચક્કર લગાવી ગુજરાતનાં આવેલા મોટા મોટા હનુમાન મંદિર માંહેનું એક રોકડિયા હનુમાન મંદિર જોઈ લઈએ. કર્લીપુલથી ગામમાં આવતાં સિમેન્ટ ફૅક્ટરી, સાયન્સ કૉલેજ અને કમલાબાગ પાસેની ગાંધીપ્રતિમા – ગાંધી શતાબ્દીની એક સુંદર સ્મૃતિ – ખાસ જોવા જેવી છે. બાજુના કમલા બાગમાં સફેદ કબૂતરો નિહાળવા માટે નહીં પણ રવીન્દ્ર શતાબ્દીની યાદમાં મુકાયેલ કવિવર ટાગોરની અર્ધ પ્રતિમા, રંગમંચ અને આ એક પથ્થરની છત્રી ખાસ જોશું. પોતાને આંગણે જન્મેલ એક મહાન બ્રાહ્મણ શાસ્ત્રી શ્રી રેવાશંકરભાઈની અર્ધપ્રતિમા સાથેની આ છત્રી પોરબંદરની સાંસ્કૃતિક ભક્તિની ઝાંખી કરાવનાર આબાદ આર્વિભાવ છે. ઈ.સ. 1785થી એક રાજવી કવિના વરદ હસ્તે પોરબંદરને રાજધાનીનો દરજ્જો મળ્યો અને પછી પોરબંદરનો અદ્યતન વિકાસ આરંભાયો છે.

રાતે અને વહેલી સવારે ચોપાટી. દરિયાના કુદરતી સૌંદર્ય સાથે અહીં માનવસર્જિત સિમેન્ટ રોડ તથા કાંઠા પરના હારબંધ વીલાઓનું સૌંદર્ય ઉમેરાણું છે અને ફરી એક વાર પોરબંદરની ભૌગોલિક પરિસ્થિતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સુભગ મેળ બેસાડતી આપણી ઉપર વિજય મેળવી જાય છે. રાજમહેલ પાસે કનકાઈ માતાનું સાવ નાનકડું વિશિષ્ટ મંદિર જોઈ બી.ઍડ.કૉલેજ તરફ – ખાડીનો જે નાનકડો ભાગ અહીં ગામમાં ઘૂસી ગયો છે તે પોરબંદરનું પક્ષીતીર્થ છે. પશ્ચિમ એશિયા, હિમાલય, સાઈબીરિયા વગેરે દૂરનાં સ્થળોએથી વૈયાં, કુંજ, કુલંગ, સુરખાબ અને પેણ જેવાં અનેક પક્ષીઓ આ સ્થળે આવી દિવસ-બે દિવસ કે માસ બે-માસ રહી પાછાં ચાલ્યાં જાય છે. પૂજમાંથી આવેલા ગુલાલરંગ્યા રબારી સમું સુરખાબ તો હવે પોરબંદરના કાયમી પક્ષી જેવું બની ગયું છે, જ્યારે પેણ વર્ષમાં અમુક સમયે જ દેખાય છે. આપણા પ્રવાસ સાથે જો પેણ પણ આવ્યાં તો પોરબંદરનો પ્રવાસ સ્મૃતિમાંથી કદીય ન ભૂંસાય તેવી એ વિરલ ક્ષણ બની જશે ! ખાડીના છાંયા તરફના કાંઠે, કુંવારનાં થડિયાં આડા આપણે સંતાઈ જશું તો તરતી તરતી બેચાર પેણ આ બાજુ આવશે અને કુદરતની એક આશ્ચર્યકર લીલાના મુગ્ધ સાક્ષી થવાનો આનંદ આપણામાં છલકાઈ ઊઠશે ! પક્ષીતીર્થ, પોરબંદરના સૌંદર્યની કલગી છે !

પોરબંદર છોડીએ તે પહેલાં ગામમાં એક ચક્કર લગાવીએ. પાકા પથ્થરની સુંદર ઈમારતો દ્વારમતીથી દરિયાપાર ગયેલા અનેક સુદામાઓની સમૃદ્ધિ સમી હારબંધ ઊભી છે. કન્યાશાળા પાસેનો આ ફુવારો પોરબંદરનું હૃદય છે તો દરિયાકિનારા પરનો ભવ્ય રોમન સ્થાપત્ય અને ટાવર ધરાવતો ટાઉન-હૉલ ગામનું નાક છે. દિલીપ ક્રિકેટ મેદાન ખેલદિલ યૌવનનું અને પુષ્ટિમાર્ગીય હવેલીઓ સંગીતકલાનું ઉદ્દગમ સ્થાન છે. ‘ન’ ને બદલે ‘લ’ બોલતા ખારવા અને દાંડિયા રાસથી ભારતભરમાં પંકાયેલ મહેર કોમ અહીંના વિશિષ્ટ પ્રજાજનો છે. શુદ્ધ ઘી અને સફેદ પથ્થર માટે જાણીતું આ નગર મોહનદાસ ગાંધી નામના માણસને જન્મ આપી દુનિયાના નકશા પર તેજ વેરતા ગુલાબ સમું શોભી રહ્યું છે.

રાષ્ટ્રપિતાની સાથે જ રાષ્ટ્રમાતા કસ્તૂરબાનું જન્મસ્થાન પણ પોરબંદર, ગાંધી કુટુંબ ત્રણ પેઢીથી પોરબંદરવાસી બન્યું, જ્યારે કસ્તૂરબાનું કુટુંબ તો સાત પેઢીથી પોરબંદરનું છે ! પોરબંદરનું ભોળપણ અને પોરબંદરની ગરવાઈ, ગાંધી કરતાં કસ્તૂરબામાં વિશેષ ઝળકે છે ! પોરબંદર, કસ્તૂરબા અને રૂપાળીબાની ભૂમિ છે, તેમ આપણા વિશિષ્ટ લેખક સ્વામી આનંદના પાલક ધનકોરબાની ભૂમિ પણ છે ! પોરબંદરના અનેક સ્વરૂપોમાંનું એક સ્વરૂપ તેનું નારીહૃદય છે !