ત્વમેવ સર્વમ મમ દેવદેવ – કલ્પના જિતેન્દ્ર

[‘અખંડ આનંદ’ ઓક્ટોબર-2011 ‘દિવાળી વિશેષાંક’માંથી સાભાર. આપ લેખિકા કલ્પનાબહેનનો આ નંબર પર +91 9427714120 સંપર્ક કરી શકો છો.]

શ્વેતા એકદમ ઝબકીને જાગી ગઈ. હાંફળી-ફાંફળી, નાઈટ લૅમ્પના અજવાળે જ, ઉતાવળે પગલે બાપુજી પાસે પહોંચી. દૂર ક્યાં છે ? દશ ફૂટ દૂર જ પલંગ છે. એમણે બૂમ પાડી કે શું ?…… ના ! …….ના ! નિરાંતે ઊંઘે છે. ઊંઘમાં જ બૂમ પાડી હશે કે પોતાને ભ્રમણા થઈ ?….. હમણાં હમણાં આવું બને છે. ક્યારેક જાગતાં તો ક્યારેક ઊંઘમાં બાપુજી બૂમ પાડી ઊઠે, એકદમ દબી જાય અને અસંબદ્ધ બોલવા માંડે ! ક્યારેક ક્યાંય સુધી બબડાટ કરે કે તો ક્યારેક સહેજ બબડીને પાછા ઊંઘી જાય.

પણ શ્વેતાની ઊંઘ તો ઊડી જ જાય ! બાપુજીએ ભીનું કર્યું હોય કે બગાડ્યું હોય, ચોખ્ખા કરે, ધોતિયું બદલે, ગોદડી બદલે ને પાઉડર છાંટી ફરીથી પથારીમાં સુવરાવે. શરૂ શરૂમાં બાપુજીને બહુ ક્ષોભ થતો. દીકરી પાસે અત્યંત શરમજનક ને દયનીય સ્થિતિમાં મુકાઈ જતા. મનોમન પોતાની જાતને કોશતા અને ઓશિયાળી આંખેથી દીકરીની માફી માગતા. નિમાણી આંખમાંથી આંસુ રેલાતાં ને કંઠેથી અસ્ફુટ રુદન ! …..પણ બીજો રસ્તો જ ક્યાં હતો ? પક્ષઘાતને કારણે એ કશું જ કરી શકવા અસમર્થ હતા. ન પડખું ફરી શકે, ન હાથ પગ હલાવી શકે કે ન બોલી શકે ! બોલવાનો પ્રયત્ન કરે તો શબ્દની જગ્યાએ અસ્ફુટ અવાજ નીકળે. આ…ઓ…વ… એવા માત્ર લવા વળે. જો કે હવે શ્વેતા એમની વાત પકડી શકે છે. બાકી તો જીવંત લાશની જેમ પથારીમાં પડ્યા રહેવાનું ને માત્ર જોયા કરવાનું ! હા, કાન-મગજ સાબૂત છે. વાતો સાંભળી શકે, વિચારી શકે, પણ પોતાનો ભાવ, લાગણી અરે ! એક શબ્દ પણ વ્યક્ત ન કરી શકે ! આવી લાચાર ને નિઃસહાય સ્થિતિથી એ પોતેય ખૂબ કંટાળેલા. ઘણી વાર આપઘાતનો વિચાર આવી જાય, પણ આપઘાત કરવો કઈ રીતે ? માનસિક સજ્જતા છે. શારીરિક સજ્જતા ક્યાં છે ? વિચાર કરવા સમર્થ, અમલમાં મૂકવા અસમર્થ ! શરીરના એકેય અંગ પર પોતાનો અંકુશ નથી. પોતાનું જીવન પોતાનું ક્યાં છે ?…. એ તો ચૂપચાપ દીકરીને હવાલે કરી દીધું છે.

બાપુજીને ઊંઘતા જોઈ, શ્વેતાને થોડી હાશ થઈ. હળવા પગલે પાછી વળી. પથારીમાં બેઠાં બેઠાં અકારણ જ એમને જોઈ રહી. પક્ષઘાતના હુમલા પછી હૉસ્પિટલમાં સારવાર કરનાર નર્સ હતી. ઘરે લાવ્યા પછી સાચવવાની ચિંતા હતી, વિચાર્યું કે માણસની મદદથી એ સંભાળી શકશે. ચોવીસ કલાક રહેનાર માણસ મળ્યો. રાહત થઈ, પણ આ રાહત થોડા દિવસની જ હતી. એક સાંજે સ્કૂલેથી પાછી ફરી તો માણસ પૈસા લઈને ગાયબ ! પૈસા ગયા એનો વાંધો નહિ પણ બાપુજી સવારથી ભૂખ્યા તરસ્યા રહ્યા એ ચચર્યા કર્યું. બીજો માણસ રાખ્યો. એ હાથનો ચોખ્ખો હતો પણ ભારે ઊંઘણશી ! દિવસે બરાબર ધ્યાન રાખે પણ રાત્રે ઘસઘસાટ ઊંઘી જાય. વ્યવસ્થા એવી ગોઠવેલી કે જરૂર પડે તો બાપુજી ઘંટડી વગાડે. સતત માલિશ ને સંભાળને કારણે આંગળીઓમાં ચેતન આવ્યું હતું. જોર કરીને ઘંટડી દબાવી શકતા. રાત્રે ઘંટડીનો અવાજ સાંભળી શ્વેતા બાજુના રૂમમાંથી દોડી આવી. પણ પેલો તો ઘસઘસાટ ઊંઘતો રહ્યો ! બાપુજીની ચિંતાને કારણે શ્વેતાની ઊંઘ ‘શ્વાન નિદ્રા’ થઈ ગઈ છે. જરાક સળવળાટ કે ખખડાટથી જાગી જાય છે. એ માણસને વિદાય આપી. હવે શું કરવું ? અંતે એણે સ્કૂલમાં થોડા દિવસની રજા મૂકી દીધી. અને કોઈ પણ જાતના ક્ષોભ વિના બાપુજીનાં મળમૂત્ર પોતે જ સાફ કરવા માંડી.

પણ બાપુજી અત્યંત ક્ષોભિત ને દયનીય સ્થિતિમાં મુકાઈ જતા, દીકરી સાફ કરતી હોય ત્યારે અપાહિજ બાપની લાચાર આંખના ખૂણેથી આંસુ દદડી પડતાં. એ તો પોતાના આંસુ પણ લૂછી ન શકે ! મીઠું વઢતી દીકરી બાપનાં આંસુ લૂછે તે આડું જોઈ પોતેય આંસુ ખેરવી લે !
વળી એક માણસ રાખ્યો.
શ્વેતા સાડાબારે સ્કૂલે જવા નીકળતી હતી, ત્યારે બાપુજીએ ઈશારાથી બેડપાન માગ્યું. માણસે આલ્યું પણ ખરું !… સાંજે સાડા છએ જ્યારે પાછી ફરી, ત્યારે બાપુજી એમ જ બેડપાન પર સૂતા સૂતા કણસતા હતા ! પેલાનો તો ક્યાંય પત્તો નહોતો ! સાત વાગે આવ્યો, અત્યંત સહજતાથી કહે, ‘બહેન, ફોન આવતાં જરા બહાર ગયો હતો.’
‘તારું જરા બપોરના બાર વાગ્યાનું શરૂ થયું હતું ને ?’ એ તાડૂકી. ઝંખવાણો પડી જઈ, ગલ્લાંતલ્લાં કરવા માંડ્યો, પણ એનેય વિદાય આપી. અંતે એણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. નોકરી તો હજુ બાકી હતી, પણ પેન્શન વગેરેનો લાભ મળતો હતો. ખાસ તો બાપુજી પાસે સતત રહેવું જરૂરી હતું.

બાજુના શહેરમાં હૉસ્ટેલમાં ભણી, ત્યાં જ નોકરીએ લાગી, ત્યારે મહેચ્છા હતી, આચાર્યા તરીકે રુઆબભેર નોકરી કરવાની ને નિવૃત્તિ લેવાની ! આચાર્યાની જગ્યાએ પહોંચી ગઈ હોત ચોક્કસ, પણ બન્યું એવું કે ગામડે બા-બાપુજીની તબિયત લથડી. એમને શહેરમાં લાવી શકી હોત, આગ્રહ પણ ખૂબ કર્યો, પણ વર્ષો જૂનું મકાન ને પાડોશ છોડવાની એમણે ના પાડી. ….ને એમને એકલાં રાખી શકાય એમ નહોતું, કારણ શારીરિક સાથે માનસિક હાલત પણ બગડી હતી……. શ્વેતાથી નાની ને બા-બાપુજીને અત્યંત લાડકી નાની બહેન કોઈ મુસ્લિમ સાથે ઘરની રોકડ ને દાગીના લઈ નાસી ગઈ ! ઘણું શોધવા છતાં ક્યાંય પત્તો ન મળ્યો, જાણે ધરતી ગળી ગઈ !…. ને લોકો વાત કરતા હતા કે કૂટણખાને વેચાઈ ગઈ છે ! મોટો ફટકો પડ્યો ! આઘાત જીરવવો અસહ્ય હતો, બંનેની માનસિક સ્થિતિ અસંતુલિત થઈ ગઈ. નાની દીકરીનો ગુસ્સો શ્વેતા પર ઉતારતાં, ઘણી વાર ગમે તેમ બોલતાં ‘છતી દીકરીએ અમે નિઃસંતાન છીએ. પેલી જતી રહી ને તારે અહીં રહેવું નથી, અમારું તો કોઈ નથી. અમે તો અનાથ !’ શ્વેતા એમની પીડા સમજતી, માઠું ન લગાડતી. એમને સતત કોઈની હૂંફ ને ઓથની જરૂર છે. દીકરી એમને પડખે છે એવી હૈયાધારણ જરૂર હતી.

ઘણી વિચારણાને અંતે શહેરની નોકરી છોડી અહીં આવી ગઈ. સ્કૂલમાં નોકરી તો મળી ગઈ, પગાર પણ સારો, પણ સિનિયોરિટીનો લાભ જતો કરવો પડ્યો. આ સ્કૂલમાં આચાર્ય બનવાની તક એને ક્યારેય મળવાની નહોતી ! ….ને હવે તો સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ લીધી. ખેર ! માત્ર નોકરી નહિ, એ સિવાય ઘણું છોડ્યું છે ! ઊંડા નિઃશ્વાસ સાથે એણે પથારીમાં લંબાવ્યું ને માથે ચાદર ઓઢી લીધી, કદાચ ઊંઘ આવી જાય ! માથે ચાદર ઓઢી લેવાથી, કાંઈ નિદ્રાદેવી થોડી એની ગોદમાં લપાઈ જવાની હતી ? આવી તો કેટલીય રાત્રિ પથારીમાં પડખાં ઘસતી રહી છે. એ પોતે કોઈના પડખામાં લપાઈ જાય, અથવા તો કોઈ પોતાનાં પડખામાં લપાઈ જાય !… એમ કેટલીય ગરમ ગરમ ઈચ્છાઓ પર ઠંડું પાણી ઢોળાઈ ગયું છે ! ક્યારેક સંજોગોએ, ક્યારેક માતાપિતાએ તો ક્યારેક પોતે જ રેડી દીધું છે !…. અને હવે અત્યારે તદ્દન ટાઢીબોળ !!

સ્કૂલમાં નોકરી મળી કે તરત જ સામે ચાલીને માગું આવ્યું હતું. ઘર-છોકરો બધું જ અનુરૂપ ! સગપણ નક્કી થયું, ચૂંદડી ઓઢાડવા આવવાના હતા, એના બે દિવસ પહેલાં જ નાની બહેન ભાગી ગઈ ! નાનકડું ગામ, વાત ચકડોળે ચઢી ને સગપણ બંધ રહ્યું. બે ત્રણ વર્ષે વાત કાંઈક ભુલાઈ. એક યુવાન સાથે વાત આવી, બંને એકબીજાને પસંદ કરતાં હતાં પણ એ માતાપિતાને મદદ કરવા તૈયાર નહોતો. વાસ્તવમાં ઘર ને માતાપિતાની જવાબદારી શ્વેતાને માથે હતી. બાપુજીની નોકરીમાં પેન્શનની સુવિધા નહોતી. થોડીઘણી બચતમાંથી નાનકડું ઘર લીધું ને, દીકરીઓનાં લગ્ન માટે જે રકમ સાચવી રાખી હતી એ નાની બહેન લઈ ગઈ ! હવે એમને ઘર ચલાવવામાં પણ શ્વેતાએ મદદ કરવી જરૂરી હતી. એણે સૂચન કર્યું, ‘માતાપિતા આપણી સાથે રહે, અથવા તો નજીકમાં ઘર લેવાય, જેથી એમનું ધ્યાન રાખી શકાય.’ એ યુવક સારસંભાળ રાખવા દેવા તૈયાર હતો, પણ પૈસાની મદદ કરવામાં ચોખ્ખો નનૈયો ભણી દીધો. શ્વેતાની કમાણીમાંથી પણ નહિ !
એ વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.
બીજા યુવાને માતાપિતાની જવાબદારી લેવાની ને એક ઘરમાં સાથે રહેવાની તૈયારી બતાવી…. તો માતાપિતાએ દીકરી-જમાઈ સાથે રહેવાની ના પાડી દીધી.
સમય સરતો રહ્યો….
બા, બાપુજીને પણ ચિંતા હતી. એકલાં પડી જવાની, પોતાનાં હાલકડોલક ભવિષ્યની, ખાસ તો દીકરીની, પોતાના આગ્રહથી અહીં આવી ગઈ છે, હવે તેનું ક્યાંક ગોઠવાય તો સારું.

શ્વેતા પણ અસમંજસમાં હતી. પોતાનું વિચારતી, તો માતાપિતાનું શું ?…. એમને એકલાં છોડી શકે તેમ નહોતી, કે નહોતી પોતે પરણી શકતી. પોતાનું અંગત સુખ કે માતાપિતાનું ? ઉંમર વીતી ગયા પછી, સ્કૂલનાં વિધુર શિક્ષકે લગ્નની વાત મૂકી, એને બે બાળકો હતાં, આ પક્ષે શ્વેતાનાં માતાપિતાની જવાબદારી હતી. એણે પ્રસ્તાવ મૂક્યો સહુ સાથે રહીશું…. વાસ્તવમાં આ પ્રસ્તાવ જરાય ખોટો નહોતો, પણ શ્વેતાનું મન ન માન્યું. કારણ ઘર ને બે બાળકોની જવાબદારી વધે, બા-બાપુજીને સારી રીતે સચવાય નહીં, જ્યારે અહીં તો માત્ર બેને જ સંભાળવાનાં હતાં.
એ વાત પર પરદો પડી ગયો.
પછી બા અવસાન પામી ને બાપુજીને પક્ષઘાતનો હુમલો !…. આવી સ્થિતિમાં એમને એકલા કઈ રીતે છોડાય ? છેલ્લે હમણાં પણ જિલ્લા શિક્ષણાધિકારી સુધીર મહેતાએ પ્રસ્તાવ મૂક્યો હતો. એના બંને દીકરા કૅનેડા હતા, શ્વેતા હા પાડે તો એને લઈ જવા આતુર હતા. શ્વેતા માટે એક ઉપહાર હતો. ભાગ્યે જ મળે તેવી તક ! પાછલી જિંદગી સ્થિરતાની હતી. નવા દેશમાં એનાં કોઈ પગલાંની ટીકા થવાની નહોતી. સુધીરભાઈએ શ્વેતાને વિચારવાની તક આપી. લાંબો સમય રાહ જોઈ પણ અપાહિજ બાપને છોડી જવા શ્વેતા તૈયાર નહોતી અને એ કૅનેડા ચાલ્યા ગયા. હવે જિંદગીભર પોતે ને બાપુજી બે જ ! બાપુજીની સેવા એકમાત્ર એનું કાર્ય. એમનું બાકીનું આયુષ્ય સારી રીતે વ્યતીત થાય એવા પ્રયત્નો. ટૂંકમાં, બાપુજી એ જ એનું જીવવાનું અવલંબન. કાલે સવારે બાપુજી નહીં હોય ત્યારે ? …. અજ્ઞાત ભયનું એક લખલખું એના દેહમાંથી પસાર થઈ ગયું.

ઊંઘતા, જાગતાં એમને એમ સવાર થઈ ગઈ. પથારીમાંથી ઊઠવાની ઈચ્છા નથી થતી પણ સૂઈ રહેવું પાલવે એમ જ નથી. પોતાની દૈનિક ક્રિયા આટોપવાની ને પછી બાપુજીની ! પરાણે ઊઠી. બાપુજી શાંતિથી સૂતા હતા. અવાજ ન થાય તેમ બાથરૂમમાં ચાલી ગઈ. સ્નાન વગેરે પરવારી પૂજાઘરમાં આવી. બાની પૂજા સાચવી રાખી છે, ધૂપદીપ, આરતી ને નિયમિત શ્લોકગાન કરે છે. ભગવાન પાસે દીપ પ્રગટાવ્યો કે મન સ્વસ્થ થવા લાગ્યું… રાતનો અજંપો ને આક્રોશ ક્યાંય વહી ગયા. ઘંટડીના રણકાર સાથે શબ્દો આપોઆપ સરી પડ્યા, ‘ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણંમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવદેવ !’

ઊંઘ તો આજે વિનાયકભાઈને પણ આવતી નહોતી. ઊંઘવાની ટેબ્લેટ તો રોજ લેવી પડે છે. ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલો હળવો ડોઝ છે. પણ લેવો જરૂરી છે. શારીરિક, માનસિક આઘાત અને ડિપ્રેશનની સ્થિતિમાં એ જરૂરી છે. રાત્રે નિરાંતે ઊંઘી જાય તો મગજને ઘણો આરામ મળે. શ્વેતાએ ટેબ્લેટ આપી છે ને તોય ઊંઘ આવતી નથી. બંધ આંખે ક્યાંય સુધી જાગતા પડ્યા રહ્યા. શ્વેતા કેટલી કાળજી રાખે છે ! રાત્રે પણ બે-ત્રણ વાર ઊઠીને સંભાળે ! દીકરી નથી દીકરો છે એ ! આધુનિક શ્રવણી.
વહેલી સવારે એક ઝોકું આવી ગયું.
ઘંટડીના રણકારે ને શ્વેતાનાં મધુર શ્લોકગાને એમની ઊંઘ ઉડાડી દીધી. એ ગણગણતી હતી, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ…. ત્વમેવ સર્વમ મમ દેવદેવ. વિનાયકભાઈને થયું. દીકરીને મોં ફાડીને કહી દે, ‘બેટા, આ શબ્દો તો મારે તને કહેવાના છે.’ પણ એના શબ્દો આંખનાં ખૂણે આંસુ બનીને થીજી ગયા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

19 thoughts on “ત્વમેવ સર્વમ મમ દેવદેવ – કલ્પના જિતેન્દ્ર”

Copy Protected by Chetan's WP-Copyprotect.